હળવે હૈયે
ઃ ૧ :
ચેલો ઃ ગુરુજી શું આપણા દેશના મુસલમાન વિદેશી છે?
ગુરુ ઃ હા શિષ્ય, તેઓ વિદેશી છે.
ચેલો ઃ તો એ ક્યાંથી આવ્યા છે?
ગુરુ ઃ તેઓ ઈરાન, તૂરાન અને અરબસ્તાનથી આવ્યા છે.
ચેલો ઃ પણ હવે તેઓ ક્યાંના નાગરિક છે?
ગુરુ ઃ ભારતના.
ચેલો ઃ એ લોકો ક્યાંની ભાષાઓ બોલે છે?
ગુરુ ઃ ભારતની ભાષાઓ બોલે છે.
ચેલો ઃ એમની રહેણી કરણી તથા વિચારવાની રીત કયા દેશના લોકો જેવી છે?
ગુરુ ઃ ભારતના લોકો જેવી છે.
ચેલો ઃ તો પછી એ લોકો વિદેશી કેવી રીતે કહેવાય, ગુરુજી?
ગુરુ ઃ એમનો ધર્મ વિદેશી છે એટલે એ લોકો વિદેશી કહેવાય.
ચેલો ઃ બૌદ્ધ ધર્મ ક્યાંનો છે, ગુરુજી?
ગુરુ ઃ ભારતનો છે શિષ્ય.
ચેલો ઃ તો પછી ચીની, જાપાની, થાઈ અને બર્મી બૌદ્ધોએ ભારત આવી જવું જોઈએ?
ગુરુ ઃ અરે, ના … ના … શિષ્ય : ચીની, જાપાની, થાઈ, બર્મી અહીં આવીને શું કરશે ?
ચેલો ઃ તો ભારતીય મુસલમાન ઇરાન, તુરાન, અને અરબસ્તાન જઈને શું કરશે ?
ઃ ૨ :
ગુરુ ઃ ચેલા, હિન્દુ-મુસલમાન એક સાથે ન રહી શકે.
ચેલો ઃ કેમ, ગુરુદેવ?
ગુરુ ઃ બેઉમાં ઘણું અંતર છે.
ચેલો ઃ શું અંતર છે?
ગુરુ ઃ એમની ભાષા અલગ છે. આપણી અલગ છે.
ચેલો ઃ શું હિંદી, કશ્મીરી, સિંધી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તમિલ, તેલુગુ, ઉડિયા, બંગાળી વગેરે ભાષાઓ મુસલમાન નથી બોલતા? તેઓ શું માત્ર ઉર્દૂ જ બોલે છે?
ગુરુ ઃ ના … ના … ભાષાનું અંતર નથી … ધર્મનું અંતર છે.
ચેલો ઃ એનો અર્થ એવો થાય કે બે અલગ અલગ ધર્મોના માનવાવાળા એક દેશમાં રહી ન શકે?
ગુરુ ઃ હા, ભારતવર્ષ માત્ર હિંદુઓનો દેશ છે.
ચેલો ઃ તો તો પછી શીખો. ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો, પારસીઓ, યહૂદીઓ આ તમામને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ.
ગુરુ ઃ હા … હા … કાઢી જ મૂકવા જોઈએ.
ચેલો ઃ તો પછી આ દેશમાં કોઈ બચશે?
ગુરુ ઃ માત્ર હિંદુ બચશે … અને પ્રેમથી રહેશે.
ચેલો ઃ જેમ પાકિસ્તાનમાં માત્ર મુસ્લિમ બચ્યા છે અને પ્રેમથી રહે છે તે રીતે ને?
ઃ ૩ :
ગુરુ ઃ શિષ્ય, મુસલમાન પ્રત્યે ઘૃણા રાખો.
ચેલો ઃ કેમ, ગુરુદેવ?
ગુરુ ઃ કારણ કે તેઓ ગંદા, અભણ અને અત્યાચારી હોય છે.
ચેલો ઃ સમજી ગયો, ગુરુદેવ. તમારા કહેવાનો મતલબ છે કે ગંદા, અભણ અને અત્યાચારી લોકો પ્રત્યે ધૃણા રાખવી જોઈએ.
ગુરુ ઃ ના … ના … એવું નહીં. હકીકતે મુસલમાનો પ્રત્યે એટલે ધૃણા રાખવી જોઈએ કે એ લોકો બહુ કટ્ટર ધાર્મિક હોય છે.
ચેલો ઃ હું કટ્ટર ધાર્મિક લોકો પ્રત્યે ધૃણા જ રાખું છું, ગુરુદેવ.
ગુરુ ઃ ના … ના … તું સમજ્યો નહીં … હકીકતે મુસલમાનો પ્રત્યે એટલે ધૃણા રાખવાની કે એમણે આપણાં ઉપર શાસન કરેલું.
ચેલો ઃ તો તો ખ્રિસ્તીઓ પ્રત્યે પણ ધૃણા રાખવી જોઈએ.
ગુરુ ઃ અરે ના … ના … શિષ્ય, મુસલમાનો પ્રત્યે ધૃણા કરવાનું મુખ્ય કારણ એ છે કે એમણે દેશના ભાગલા કરાવેલા.
ચેલો ઃ એટલે, દેશના ભાગલા કરવાવાળાઓ પ્રત્યે ધૃણા કરવી જોઈએ, એમ જ તે?
ગુરુ ઃ હા … બિલકુલ કરવી જોઈએ. દેશના ભાગલા કરવાવાળાઓ પ્રત્યે ધૃણા કરવી જ જોઈએ.
ચેલો ઃ અને દેશવાસીઓના ભાગલા કરવાવાળાઓ સાથે શું કરવું જોઈએ?
ઃ ૪ :
ચેલો ઃ ગુરુજી, તોફાનો કેવી રીતે રોકી શકાય?
ગુરુ ઃ શિષ્ય, આ સવાલનો જવાબ તો આખા દેશ પાસે નથી. રાષ્ટ્રપતિ પાસે નથી. પ્રધાનમંત્રી પાસે નથી. આખા મંત્રીમંડળમાં કોઈ પાસે નથી. બુદ્ધિજીવીઓ પાસે પણ નથી.
ચેલો ઃ ગુરુજી … મનુષ્ય ચંદ્ર પર પહોંચી ગયો છે. પ્રકૃતિ પર એણે વિજય મેળવી લીધો છે … અસંભવિત હવે સંભવિત થઈ ગયું છે … તોફાનો કેવી રીતે રોકી શકાય એ શોધી કાઢવાનું કામ વૈજ્ઞાનિકોને કેમ નથી સોંપાતું?
ગુરુ ઃ શિષ્ય, વૈજ્ઞાનિકોને આ કામ પર લગાવવામાં આવેલા … પણ એમનું કહેવું છે કે આ ધાર્મિક મામલો છે.
ચેલો ઃ તો ધાર્મિક લોકોને આ કામ પર લગાવાયા?
ગુરુ ઃ હા, ધાર્મિક લોકો કહે છે કે આ સામાજિક મામલો છે.
ચેલો ઃ સમાજશાસ્ત્રી શું કહે છે?
ગુરુ ઃ એમણે કહ્યું કે આ રાજનૈતિક મામલો છે.
ચેલો ઃ તો રાજનીતિશાસ્ત્રીઓએ શું કહ્યું ?
ચેલો ઃ એમણે કહ્યું કે આ કોઈ મામલો જ નથી.
[અસગર વજાહતની ટૂંકી વાર્તાનો અનુવાદ]
E-mail : skvijaliwala@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 24