લેખન – પ્રા. ભીખુ પારેખ : ભાવાનુવાદ – બિપીન શ્રોફ
ગાંધીજી અને લાદેન વચ્ચે સંવાદ શક્ય છે કે કેમ એવો પ્રશ્ન થાય ત્યારે પહેલો વિચાર એ આવે કે એવો પ્રશ્ન ઉદ્દભવ્યો જ કેવી રીતે ! જો કે જેઓ ગાંધી વિચાર, જીવન અને કવન બાબતે અભ્યાસુ છે તેમને માટે આવો વિચાર સહજ છે. પ્રા.ભીખુભાઈ પારેખ ગાંધી વિચાર – આચારનું તટસ્થ વિશ્લેષણ કરી તેને પ્રસ્તુત કરવા માટે અધિકૃત વ્યક્તિ છે. આ પુસ્તિકા જે પ્રકરણ સંબંધે લખાઈ છે તે વિશે અગાઉ પણ વાંચેલું કે સાંભળેલું. જો કે મૂળ પુસ્તક Debating India મેં વાંચ્યું નથી, એટલા પૂરતી હું અજાણ કહેવાઉં. તેથી પણ હું આ ભાવાનુવાદિત પુસ્તિકાને ધ્યાનમાં રાખીને જ અહીં મારા પર શું છાપ ઊભી થઈ તે લખીશ.
શરૂઆત પુસ્તિકાના મુખપૃષ્ઠથી કરવી જોઈએ. પોતાની લાક્ષણિક મુદ્રામાં લેખનમગ્ન બાપુને નીરખી રહેલા લાદેનની આ તસવીર પરથી બન્નેના વ્યક્તિત્વ વિશે મને જે વિચાર આવ્યો તે એ કે બાપુ માટે દરેક કાર્ય ધ્યાનયોગ છે. લેખનમગ્ન ગાંધીજીને આસપાસ કોણ છે તેની સાથે નિસબત નથી, પોતે જે કામ કરી રહ્યા છે તેમાં તેઓ ગળાડૂબ છે. વજ્રાસન એમને સિદ્ધ હોય તેવું લાગે કારણ કે બેસવાની એમની આ સહજ પદ્ધતિ છે. વસ્ત્રપરિધાનમાં સાદાઈ સ્વીકાર્યા પછીના ગાંધીજી આ સંવાદની પરિકલ્પના માટે ઉપયુક્ત લાગ્યા છે. સફેદ ફેંટો (પાઘડી પહેરી હોઈ તેવું લાગતું નથી.) અને સફેદ ઝભ્ભો પહેરેલા લાદેનની તસવીરથી આપણે પરિચિત છીએ. આમ તો સફેદ રંગ શાંતિનો ગણાય છે! અહીં લાદેનની આંખો અને એના ભાવ તરત ધ્યાનાકર્ષક બને છે. મને લાદેનની આંખોમાં કુતૂહલ, જિજ્ઞાસા, જેને જોઈ રહ્યો છે તેને માટેની પરિચિતતાનો અણસાર અને કંઈક ઉપહાસની લકીર ખેંચાયેલી હોઈ એવું લાગ્યું. ગાંધીજી વયોવૃદ્ધ અને લાદેન યુવાપ્રૌઢ લાગે. બન્નેનું તીક્ષ્ણ અણિયાણું નાક પણ ધ્યાન ખેંચે. બાપુમાં નમ્રતાનો અતિરેક અને લાદેન ગર્વિષ્ઠ! કોઈક કારણસર તસવીરમાં લાદેનની નિર્મમ હિંસાવૃત્તિ કે હિંસક ચહેરો દેખાતો નથી! અલબત્ત, ગાંધીજીને જે માયાળુ ભાવ સહજ છે તેની તો વાત જ અલગ છે. અંતિમ પૃષ્ઠ પર તો ફક્ત અદ્રશ્ય થતા હોઈ એવા ગાંધીજીને જ દર્શાવ્યા છે એનો અર્થ એવો કરવો કે ગાંધી વિચાર હવે શક્ય નથી? અહીં લાદેન નથી. જો કે અંતિમ પૃષ્ઠ પર લખેલું સૂત્ર છે,’ वादे वादे ज़ायते तत्त्वबोध’,’ સત્યની શોધ ચર્ચા અને સંવાદને આભારી છે’. અહીં લાદેનને સત્યદર્શન થયું કે કેમ તે મૂંઝવણ તો છે જ. વળી સત્ય કોનું? કારણ કે દરેક ઘટના, વિચાર અને વ્યક્તિનું સત્ય પોતીકી સમજનું જ હોઈ છે.
તો પણ અહીં હિંસા અને અહિંસાની બે અંતિમ છેડેની વૃત્તિ અને વ્યક્તિઓ વચ્ચે સંવાદની પરિકલ્પના કરવી એ વિચાર જ રોચક બને છે. જ્યારે બન્ને વ્યક્તિ હયાત નથી પરંતુ એમના અનુયાયીઓ કે એમની વિચારસરણીમાં વિશ્વાસ રાખનારાઓ તો હયાત છે જ ત્યારે આ પ્રશ્ન આશા જગાડનારો છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં વિચારવિમર્શ અને સંવાદની પરંપરા વૈદિક અને શ્રુતિ- સ્મૃતિકાળથી છે. આ પુસ્તિકા ભીખુભાઈના પુસ્તક ‘Debating India’ના એક પ્રકરણનો બિપિનભાઈ શ્રોફે કરેલો ભાવાનુવાદ છે. આમ તો કહી જ શકાય કે બે અંતિમ છેડાની વ્યક્તિઓ સંવાદ દ્વારા વિવાદ ઉકેલી શકે તો આ દુનિયા જીવવા માટે બહેતર બની રહે. એ કેટલું શક્ય છે તેની ચર્ચા ચોપન પાનાંમાં વિસ્તરેલી છે. આમ તો આ કાલ્પનિક સંવાદ થયો એટલે ઓસામાનો પત્ર હોય કે ગાંધીજીનો એનાં મૂળ તો ભીખુભાઈના માનસ-પ્રદેશમાં છે. એમ પણ કહી શકાય કે ગાંધીજી અને લાદેનની વિચારસરણી અને મનોસ્થિતિનો ક્યાસ કાઢ્યા પછી એક સંવેદનશીલ વિચારકનો મનોદ્વંદ્વ અહીં પ્રગટ્યો છે.
લાદેન પોતાની વિચારસરણીને હિંસા દ્વારા દ્રશ્યમાન કરવામાં માને છે. એને મન ઇસ્લામ જ પૃથ્વી પર માનવજાતિને માટે આશીર્વાદ રૂપ છે. અમેરિકા અને ઈરાન તેમ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના ઉદાહરણ દ્વારા શોષક અને શોષિતની માનસિકતા, શોષણનું સ્વરૂપ અને પ્રક્રિયા, પ્રતિક્રિયા અને અંતિમ વાસ્તવિકતાની સુપેરે વિશદ છણાવટ લાદેન – ગાંધીના પત્રવ્યવહારમાં વ્યક્ત થઈ છે. જ્યારે લાદેનની અભિવ્યક્તિમાંથી પસાર થઈએ ત્યારે અમેરિકન અને ઈઝરાયલી શાસકોની કૂટનીતિનો ખ્યાલ તો આવે સાથે પ્રજાની જે હાલાકી થઈ તેના કારણે એમની પ્રતિક્રિયા લાદેનની હિંસાત્મક રીતિનીતિના સ્વીકાર સાથે પ્રગટી એવું માની લેવાના તર્ક છે એટલી હદે વાચક તરીકે સંમત થઈ જઈએ ત્યાં તો ગાંધીજીની અહિંસાની વિભાવના, લાદેનનું માની લીધેલું સત્ય કેટલું અસંગત છે, જે કડવી વાસ્તવિકતાનો સામનો સામાન્ય ઈસ્લામિક પ્રજાએ કરવાનો આવે છે અને દુનિયાભરમાં કેટલી નકારાત્મકતા છવાઈ ગઈ છે, તેનું વળી તર્કબદ્ધ વિવરણ વાચક તરીકે સંમત કરી દે છે. અમેરિકાનું મોટાભાઈના રૂપે મોટાભાભા કે દાદા થઈ જગતકાજી બની રહેવાનું વલણ ખરેખર તો કેટલું સ્વકેન્દ્રી છે, હું – મારું – મારાંનું હિત છેવટે સ્વાર્થ, ભોગવાદ, છળકપટની કેવી આભાસી દુનિયા ખડી કરે છે તેની સામે હિંસક પ્રતિકાર સિવાય કોઈ આરોઓવારો નથી એવી વિવશતા કેમ પ્રગટી તેનો ક્યાસ લાદેનના મનમાં જઈને કઢાયો હોય એટલી હદે લાદેનનું સત્ય પ્રગટ્યું છે. તો ગાંધીજીનું સત્ય તો જાણે આપણી ગળથૂથીના અનુભવનું પણ સત્ય હોય તેટલું પોતીકું લાગે. આમ લાદેન અને ગાંધીજી બન્નેને મસ્તિષ્કમાં સ્થિત થઈને પત્રરૂપે વાચા આપવામાં તો લેખક સફળ થયા જ છે. તીવ્ર મનોમંથન પછી પણ જાણે બન્નેનું સત્ય સમાંતર પ્રવાહે વહી કોઈ એક માઈલ સ્ટોન પર અટકી જતું લાગે. સંવાદ શક્ય છે, ફળની આશા વગર કર્મ કર અને કરતા રહેવું પર વાત અટકી ગઈ હોઈ એવું લાગે. મને જે સત્યદર્શન થયું તે એ કે સંવાદ શક્ય છે મનવાંચ્છિત ફળશ્રુતિ નહીં!
આ પુસ્તિકા દુનિયાભરમાં ફેલાયેલા આતંકિત વાતાવરણની કલુષિતતા પ્રગટ કરે છે, એના ઓછાયામાં પ્રગટતી હતાશાનો નિર્દેશ પણ કરે છે. તો પણ એ ઊચ્ચસ્તરીય કાવાદાવા પર પ્રકાશ પાડીને રહી જાઈ છે. છેવાડાના માનવીઓ, સ્ત્રીઓ, બાળકોનો ઉલ્લેખ છે ખરો પરંતુ અહિંસાને સાધ્ય અને સાધન તરીકે અપનાવવા માટે એમની ભૂમિકાનો અહીં ખાસ નકશો કે દિશા જડી છે એવું મને લાગ્યું નહીં.
સંવાદની શક્યતાની આશાની દીવાદાંડીએ ક્યા નકશે કદમ પર અહિંસક રીતે કેવી રીતે પહોંચવું એની દ્વિધા કે દુવિધા તો રહી જ જાઈ છે. લાદેનના પરિવેશમાં તો યેનકેનપ્રકારેણ સત્તાના હસ્તાંતરણ સિવાય કોઈનું સ્થાન હોઈ શકે તેવું લાગે જ નહીં. સ્ત્રીઓ તો ઠીક છે એવા ભાવે પોતાના સાથીઓ કે અનુયાયીઓ ‘બાયલા’ નથી એમ કહી એમની મર્દાનગીને મુખર કરી એમને ઊંચાં ગણાવવાની શૈલી (પાનું : ૧૭), ગાંધીજીની અહિંસક લડતને નિસ્તેજ ઉદાસીન, નિષ્ક્રિય, સ્ત્રીઓ જેવી અને બિનઅસરકારક (પાનું : ૩૫) કહેવાની ચેષ્ટા સ્ત્રીવિરોધી માનસ પ્રગટ કરે છે. ગાંધીજી પણ સ્ત્રીઓને રાજનીતિમાં પુરુષ સમોવડી (પાનું : ૪૫) બનાવવા માટે સશક્તિકરણની વાત કહે છે. એમાં પણ પુરુષ પ્રધાનતાને મહત્ત્વ અપાયું છે. ટૂંકમાં અહીં જે માનસ પ્રગટ થયું છે તે સમયગાળામાં સ્ત્રીઓ પ્રત્યે સમાજની દ્રષ્ટિ આવી હતી એમ કહી શકાય પરંતુ અહીં તો લેખકનું માનસ પ્રગટ થાય છે! છતાં ગાંધીજીની વિચારધારામાં સ્ત્રીઓના ઘરની બહાર પ્રવેશી કાર્યરત થવાના દરવાજા તો ખૂલે જ છે.
વાત શિખરમંત્રણા અને મોટાઈની છે પણ ખુરદો તો સામાન્ય માણસનો જ નીકળે. અમેરિકા અને બ્રિટનની નાડ ભીખુભાઈના પાત્રો બરાબર પારખે છે એટલે કે ભીખુભાઈ પોતે પારખે છે! અણુબોંબ જેવા શસ્ત્ર પર આધિપત્ય, વૈશ્વિક બજાર પર હાવી રહેવું અને જનસમાજની નબળાઈ, લાચારી, ધાર્મિક ભીરુતાનો સંગઠિત કે ટોળાંશાહી દુરુપયોગ એવી રાજકીય ચાલાકી, બદમાશી, લુચ્ચાઈને દ્રશ્યમાન કરવામાં લેખક સફળ થયા છે તો ગાંધીજીની સામી વ્યક્તિમાં રહેલી સારપ, ગુણાનુવાદનો ભાવ અને અહિંસક વિભાવનાને મુખર કરવામાં પણ સફળ થયા જ છે.
મને આ પુસ્તિકા વાંચતાં સતત વિચાર આવતો હતો કે જરૂરી ફેરફાર સાથે આનું નાટ્યરૂપાંતર કે ટેલિડ્રામા બનાવી શકાય કે કેમ? એમ કરી શકાય તો એ વધારે અસરકારક બને. જો એ શક્ય બને તો બાપુની ૧૫૦-૧૫૧મી જન્મ જયંતીની સાચી ઉજવણી કહેવાશે. હાલ તો ભીખુભાઈની આશાપ્રેરક કલ્પનાને ભાવાનુવાદ થકી ગુજરાતીમાં પ્રસ્તુત કરવા બદલ બિપિનભાઈનો આભાર અને પુસ્તિકાને આવકાર.
પ્રકાશક : બિપિન શ્રોફ , ૧૮૧૦/ લુહારવાડ, મહેમદાવાદ-૩૮૭ ૧૩૦. ઇ.મૈલ : shroffbipin@gmail.com મૂલ્ય : ₹. ૨૦/૦૦