સેક્યુલરિઝમ વિના લોકતંત્ર ટકી જ ન શકે. પાકિસ્તાનની બંધારણસભાએ પ્રભુસત્તા નાગરિકની જગ્યાએ અલ્લાહને આપી હતી. આ એક ઠરાવ સાથે સમૂહની સામે વ્યક્તિની ખો નીકળી ગઈ હતી. પાકિસ્તાને સેક્યુલરિઝમ નકાર્યું એટલે એના પરિણામસ્વરૂપ લોકતંત્ર પણ ગુમાવી દીધું
૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી એ બે તિથિમાં શું ફરક છે એ જો તમે જાણતા હો તો આ લેખ વાંચવાની જરૂર નથી. ૧૫ ઑગસ્ટ સ્વતંત્રતા દિવસ છે અને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છે એટલું જ જો જાણતા હો અને એ બે વચ્ચે શું ફરક છે એની જાણ ન હોય તો આ લેખ વાંચવાનો ખાસ આગ્રહ છે.
ભારતના ઇતિહાસમાં આ બન્ને દિવસ મહાન છે અને બન્નેનું મહત્ત્વ છે, પણ સ્વતંત્રતા દિન કરતાં પ્રજાસત્તાક દિનનું વધારે મહત્ત્વ છે. ગાંધીજી આઝાદીના આંદોલન દરમ્યાન ક્યારે ય આઝાદી કે સ્વતંત્રતા શબ્દ વાપરતા નહોતા, તેઓ હંમેશાં સ્વરાજ શબ્દ જ વાપરતા હતા એનું મહત્ત્વ છે. ગાંધીજીને મન સ્વરાજ એ સ્વતંત્રતાનો પર્યાયવાચી શબ્દ નહોતો પણ શાસનનો એક વિકલ્પ હતો. ગાંધીજીના નેતૃત્વ હેઠળ આપણે સ્વરાજ માટે લડતા હતા, સ્વતંત્રતા માટે નહોતા લડતા. સ્વ-રાજ એટલે આપણું પોતાનું રાજ, દેશના પ્રત્યેક નાગરિકનું પોતાના પર રાજ. સ્વતંત્ર તો પાકિસ્તાન પણ છે અને એવા બીજા અનેક દેશો છે, પણ સ્વરાજ બહુ ઓછા દેશો ભોગવે છે. ૨૬ જાન્યુઆરીએ આપણો દેશ પ્રજાસત્તાક બન્યો હતો.
પ્રજાસત્તાક એટલે પ્રજાની સત્તા. ૧૯૪૭ના ઑગસ્ટ મહિનામાં ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર થયાં ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે અંગ્રેજોની ગુલામીથી આઝાદ તો થયા, પણ સત્તા કોની હશે? ભારતને આઝાદી મળી એના એક વર્ષ પહેલાં ભારતનું બંધારણ ઘડવા બંધારણસભાની રચના કરવામાં આવી હતી. બંધારણસભામાં આ મૂળભૂત પ્રશ્ન આવ્યો હતો કે આઝાદ ભારતમાં પ્રભુસત્તા (સૉવરેન્ટી) કોની હશે? બંધારણસભાના સભ્યોમાં એ વિશે કોઈ મતભેદ નહોતો કે આઝાદ ભારતમાં પ્રભુસત્તા ભારતની પ્રજાની હશે. ભારત એક એવો દેશ હશે જ્યાં અંતિમ સત્તા પ્રજાની હશે. પ્રજા એટલે કોણ? તો એનો ઉત્તર આપવામાં આવ્યો કે ભારતનો નાગરિક, હું અને તમે. ભારતનો નાગરિક ભારતીય રાજ્યનું પ્રાથમિક એકમ છે. ટૂંકમાં, ભારતના બંધારણના અને રાજ્યના કેન્દ્રમાં નાગરિક છે, સમાજ એટલે કે સમૂહ નથી. હવે નાગરિક જ્યારે રાજ્યનું મૂળભૂત એકમ હોય તો સ્વાભાવિક રીતે નાગરિકના મૂળભૂત માનવીય અધિકારો, કાયદા સમક્ષની સહિત દરેક પ્રકારની સમાનતા, એક સરખી સુરક્ષાનો અધિકાર, ઇચ્છે ત્યાં વસવાટ કરવાનો, ઇચ્છે એ વ્યવસાય કરવાનો, એક સરખી તકનો અધિકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ કર્યા વિના આપવો જોઈએ. બંધારણ ઘડનારાઓએ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો વિના ભારતના પ્રત્યેક નાગરિકને આ અધિકારો આપ્યા છે એટલું જ નહીં, રાજ્યસત્તા કે બીજી કોઈ પણ સત્તા નાગરિકના અધિકારો પર તરાપ મૂકે તો સીધા સર્વોચ્ચ અદાલતમાં ધા નાખવાનો પણ અધિકાર આપ્યો છે. બંધારણે નાગરિકના અધિકારોને સુરક્ષિત કર્યા છે અને સર્વોચ્ચ અદાલતને એના પર ચોંપ રાખવાનું કહ્યું છે.
બંધારણ ઘડનારાઓએ જેવા ભારતની કલ્પના કરી છે એવા ભારતની રચના કરવી હોય તો એ લોકતંત્ર અને સેક્યુલરિઝમ વિના શક્ય નથી. લોકતંત્ર હોય પણ સેક્યુલરિઝમ ન હોય તો બહુમતી હિન્દુઓ લઘુમતી કોમને અન્યાય કરી શકે. આમ સેક્યુલરિઝમ વિના લોકતંત્ર ટકી જ ન શકે. એક કોમ બીજી કોમ પર શરતો લાદે તો એનો અર્થ એ થયો કે આપણે રાજ્યના કેન્દ્રમાંથી નાગરિક એટલે કે વ્યક્તિને હટાવીને સમૂહની સ્થાપના કરી ગણાય. જગતનો ઇતિહાસ એમ કહે છે કે સમાજનો સમૂહ હંમેશાં ખતરનાક સાબિત થયો છે. જો સમૂહની સત્તાને આદર આપવામાં આવે તો પુરુષ-સમાજ સ્ત્રીને અન્યાય કરી શકે, સવર્ણ-સમૂહ દલિતોને અન્યાય કરી શકે, હિન્દુઓ મુસલમાનને અન્યાય કરી શકે, ખાપ પંચાયત આંતરજ્ઞાતીય લગ્ન કરવા ઇચ્છતાં યુવકો-યુવતીઓને અન્યાય કરી શકે, મરાઠી પ્રાંતવાદીઓ પરપ્રાંતીયોને અન્યાય કરી શકે. એ સ્થિતિમાં લોકતંત્ર ટકી જ ન શકે. એટલે જ તો આધુનિક ભારતીય રાજ્યનું મૂળભૂત એકમ વ્યક્તિ કહેતાં નાગરિક છે, સમૂહ નથી.
આપણી સાથે જ એક દિવસ પહેલાં પાકિસ્તાન પણ બહારથી અલગ થઈને આઝાદ થયું હતું. વિભાજન અને આઝાદી પછી પાકિસ્તાને પણ બંધારણસભાની રચના કરી હતી. ૧૯૪૭ની ૧૧ ઑગસ્ટે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાનની બંધારણસભામાં ઐતિહાસિક પ્રવચન કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં પ્રભુસત્તા નાગરિકની હશે. પાકિસ્તાન લોકતાંત્રિક અને સેક્યુલર દેશ હશે જેનું મૂળભૂત એકમ નાગરિક હશે અને સમૂહના ધોરણે નાગરિક સાથે ભેદભાવ કરવામાં નહીં આવે. ઝીણાના એ પ્રવચનમાં અને ભારતની બંધારણસભાએ પસાર કરેલા ઉદ્દેશના મુસદ્દામાં (ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશનમાં) કાનોમાત્રનો પણ ફરક નહોતો એમ કહીએ તો ચાલે. પણ બન્યું એવું કે ઝીણાના મંગળ-પ્રવચન પછી સ્વતંત્ર પાકિસ્તાન રાજ્યની કલ્પના વિશેના ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશન વિશે મતભેદ થયા હતા. મુલ્લાઓ અને ઇસ્લામવાદીઓએ કહ્યું હતું કે જો ભારત જેવું જ પાકિસ્તાન બનાવવું હતું હતું તો બહારથી અલગ થવાની જરૂર શું હતી?
ઇસ્લામવાદીઓના દબાણ હેઠળ મોહમ્મદ અલી ઝીણાએ ઝૂકવું પડ્યું હતું અને પાકિસ્તાનની બંધારણસભાએ પ્રભુસત્તા નાગરિકની જગ્યાએ અલ્લાહને આપી હતી. આ એક ઠરાવ સાથે સમૂહની સામે વ્યક્તિની ખો નીકળી ગઈ હતી. અલ્લાહની પ્રભુસત્તા સ્થપાઈ એટલે આપોઆપ હિન્દુ સહિત ગેરમુસલમાનો દ્વિતીય નાગરિક બની ગયા. મુસલમાનોમાં પણ અહમદિયા મુસલમાનો દ્વિતીય નાગરિક બની ગયા અને અત્યારે સુન્ની બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં શિયાઓના અધિકારો છીનવી લેવાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં દેવબંદી મુસલમાનો બરેલવી મુસલમાનોને ઓછા કે હલકા મુસલમાન ગણાવી રહ્યા છે. પાકિસ્તાનની આજની અવદશાનું કારણ અલ્લાહના નામે સમૂહની સ્થાપના કરવાનું અને નાગરિકનો અને નાગરિકના માનવીય અધિકારોનો છેદ ઉડાડવાનું છે. પાકિસ્તાને સેક્યુલરિઝમ નકાર્યું એટલે એના પરિણામસ્વરૂપ લોકતંત્ર પણ ગુમાવી દીધું. વાતનો સાર એ છે કે સેક્યુલરિઝમ વિના લોકતંત્ર ટકી જ ન શકે. સેક્યુલરિઝમ વિશે શંકા ધરાવનારા વાચકોએ આજના ઐતિહાસિક અને એટલા જ પવિત્ર દિવસે સ્વસ્થ ચિંતન કરવું જોઈએ.
(મંતવ્ય-સ્થાન)
http://www.gujaratimidday.com/features/columns/2014-01-25-23-57-58-