
રવીન્દ્ર પારેખ
1997થી 2012 સુધીમાં જન્મેલી વ્યક્તિ જનરેશન-ઝેડ(જેન ઝી/ઝેન જી)ની ઓળખ પામી છે. એમાં 14-29 એજ ગ્રૂપની વ્યક્તિ આવે. જંતર મંતર પર મોટે ભાગની વસ્તી એજ ગ્રૂપમાં આવતી હતી ને તે કોક્રોચ જનતા પાર્ટી(CJP)ના, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં સામેલ હતી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં, વડા પ્રધાન મોદી સિવાય બધા જ સંમત હતા. છેવટે શિક્ષણ મંત્રીનું રાજીનામું પડ્યું, એમાં CJP એ વાતે ગૌરવ લે છે કે સરકાર 12 વર્ષનાં શાસન દરમિયાન પહેલી વાર ઝૂકી. એ પણ છે કે એકાદ મંત્રીના રાજીનામાથી પેપર લીક થતાં અટકી જવાનાં નથી. હકીકત એ છે કે આપણું શિક્ષણ ગોખણપટ્ટી આધારિત છે ને નોકરી બાબતે જે અપેક્ષિત હોય તેનો સમાવેશ તેમાં થતો નથી.
CJPએ એનો વિજયોત્સવ ડાન્સ એન્ડ ડિન કરીને ઉજવ્યો. નીટની બીજી વારની એક્ઝામ સંદર્ભે 22 જણાએ આત્મહત્યા કરી તે જોતાં આ ઉજવણી CJPને શોભે એવી ન હતી – એવી ટીકા ભા.જ.પે. કરી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેનારા વર્ગમાં એટલા પરિપક્વ ન હોય ને ઉત્સાહમાં ડાન્સ એન્ડ ડિન પાર્ટી કરે તે ઠીક ન હતું, છતાં એ થયું. તે એવો ગુનો નથી કે ભા.જ.પ.ની ટિપ્પણીનું વજન પડે, તે એટલે પણ કે ભા.જ.પ.ના કોઈ નેતા કે મંત્રીમાંથી 22 જણના આપઘાત અંગે સાદી સંવેદના પ્રગટ કરવાનું પણ ચુકાયું ને તે CJPની ઉજવણી જેટલું જ ટીકાપાત્ર હતું. છેવટે તો બાવીસેક લાખ વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્યનો સવાલ હતો. તેમના માબાપ, વાલીઓનાં સપનાંઓની વાત એમાં હતી, એ વખતે 35-36 દિવસો સુધી શિક્ષણ મંત્રીને રાજીનામું આપવાનું ન સૂઝ્યું તે કોઈ રીતે શોભાસ્પદ ન હતું. ઘણાંને એમ લાગે છે કે સરકાર ઝૂકી, તે સાચું હોય તો પણ, લોકમતને માન આપીને પોતાની રાજકીય ક્ષમતા સિદ્ધ કરી છે. સમયસૂચકતા દાખવીને મોદીએ મત કરતાં જનમતનું માન જાળવ્યું છે. વિપક્ષ તરીકે કાઁગ્રેસ મોડી ને મોળી પડી છે. જે કાઁગ્રેસે કરવાનું હતું તે ઝેન-જીએ કરી બતાવ્યું.
બીજી તરફ CJPએ વિજ્યોન્માદમાં સોનમ વાંગચુકનો આમરણ ઉપવાસનો સ્પષ્ટ ટેકો હતો, છતાં એમને મળવાનો વિવેક પણ ચુકાયો છે. આવે વખતે સોનમ વાંગચુક પણ બાજુ પર મુકાઈ જાય એમાં CJPની અપરિપક્વતા જ છતી થાય છે. CJPને ઉતાવળ ઘણી હોય એવું લાગે છે. એ સાચું કે પોલીસ કેસો પાછા ન ખેંચાય તો ફરી આંદોલનની ચીમકી આપી છે. જે નિર્દોષ છે તેની સામેનાં કેસ પાછા ખેંચાય તે જરૂરી છે, પણ આ વિરોધમાં જે આંદોલનકારીઓ ઊતર્યા તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો ને પોલીસને બળપ્રયોગ કરવા પ્રેરી હતી. પોલીસે બળપ્રયોગમા જરા પણ કસર છોડી નથી. ટીયરગેસના શેલ ફોડાયા અને ખીલી યુક્ત લાઠીઓ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ પર વરસાવાઈ.
કેસ પાછા ખેંચવાની વાતમાં સુપ્રીમે બધા કેસ પાછા ખેંચવામાં આનાકાની કરી. તે એટલે કે આ આંદોલનમાં ભાગ લેનારા ત્રણેક હજાર તો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એમને છોડી મૂકવાની વાત ગુનેગારોને છાવરવા જેવી પુરવાર થશે. સુપ્રીમ કોર્ટે પણ બધાં કેસ પાછા ખેંચવાની વાતને ટેકો આપ્યો નથી ને એને લીધે CJPના કેટલાક સભ્યો નારાજ પણ છે. CJPના પ્રવક્તાઓએ એમ પણ કહ્યું છે કે એ આંદોલનમાં કેટલાંક ગુનાહિત તત્ત્વો સમર્થનમાં ઊતરી પડ્યાં હતાં. એમના પર હત્યા, બળાત્કાર, લૂંટ જેવા ગંભીર આરોપો છે. એવા 900 લોકોને બચાવવાનો CJPનો દાવો આંદોલનની હવાને પાતળી કરશે, તે સમજી લેવાનું રહે. એવાં ગુનાહિત તત્ત્વો સામેનાં કેસ પાછા ખેંચવાનો ને એ રીતે એનો બચાવ કરવાનું CJPનાં હિતમાં નથી. સુપ્રીમ કોર્ટ એવાઓના કેસ પાછા ન ખેંચે તો CJPએ નારાજ થવાનું કોઈ કારણ નથી. એ પણ છે કે આ વિજય માત્ર CJPનો જ છે એવું નથી. દૂર દૂરથી જંતર મંતર પહોંચનારા એ લોકોનો પણ છે, જેમણે આંદોલનને દેશવ્યાપી બનાવ્યું.
એનું એક કારણ એ કે દેશમાં 30 સુધીનાં યુવાનોની વસ્તી 75 ટકા છે ને તેમાંય જેન-ઝી (15-29ની ઉંમર)ની વસ્તી 37 કરોડ છે. આ સ્થિતિ હોય તો આંદોલન સફળ થયા વગર ભાગ્યે જ રહે. સરકારે વિપક્ષની કોઈ ગણતરી રાખી ન હોય તો તે ઝેન-જી સામે કેમ ઝૂકી? એનું કારણ આ આંદોલન આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ હતું. મીમ્સ, કાર્ટૂન્સનું એવું મહત્ત્વ સોશિયલ મીડિયામાં પહેલી વાર ઊભું થયું. આ આક્રમક મિજાજે આંદોલન સફળ બનાવવામાં સહાય કરી. સરકાર પણ આ મિજાજ પારખી ગઈ અને આંદોલનકારીઓની બધી માંગ મંજૂર રાખી. આ આદોલન સફળ થવામાં એ વાત પણ હતી કે તેમને રાજકારણ સાથે બહુ લેવાદેવા ન હતી, ન તો એમાં ખેડૂતો હતા કે ન તો એવા ધનાઢ્ય લોકો હતા જેમને દરોડાથી ડરાવી શકાય. આમાંના કોઈને કોઈ સત્તા જોઈતી ન હતી કે ન તો ઇ.ડી.ના દરોડા પડાવીને ચૂપ કરી દેવાની કોઈ તક હતી. એ રીતે આ આંદોલન રાજકીય કારણોથી પ્રેરિત હતું એવું પણ ન હતું.
આ માત્ર પેપર લીક મુદ્દે જ ટકેલું આંદોલન ન હતું. સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સંદર્ભે પણ હતું. જો કે, લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પેપર લીક વિરોધી બિલ ધ્વનિમતથી પસાર થઇ ગયું. હવે રાજ્યસભામાં એની ચર્ચા થશે. પેપર લીક બિલ વધુ કડક બનાવાયું છે. તેમાં આકરા દંડ અને સજાની જોગવાઈ છે. પેપર લીક કરનાર વ્યક્તિને 10 વર્ષની સજા અને 50 લાખ સુધીનાં દંડની જોગવાઈ છે એ સંગઠિત સ્વરૂપે હશે તો 10 વર્ષની સજા ને 10 કરોડના દંડની જોગવાઈ છે. કાયદામાં સુધારો માત્ર દંડ કે સજા પૂરતો સીમિત નથી, તે દ્વારા પરીક્ષા પદ્ધતિને વધારે પારદર્શી અને વિશ્વસનીય બનાવવાનો ઉપક્રમ છે. સવાલ તો એ પણ છે કે પેપર લીકનું બિલ લાવવાથી પેપર લીક થતાં અટકી જશે? તો એનો જવાબ છે – ના. એને માટે સમગ્ર વ્યવસ્થા ફુલપ્રૂફ હોય તો જ ફેર પડે.
એક ફણગો કાઁગ્રેસના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા એ ફોડવામાં આવ્યો કે વિદ્યાર્થીઓ પર ગોળીબારનો આદેશ આપનાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને હટાવવાની માંગ વડા પ્રધાન મોદી સમક્ષ મૂકી હતી. એનો સખત વિરોધ સંસદમાં થયો. કિરણ રિજિજુએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોઈ આધાર કે પુરાવા વગર રાહુલ ગાંધીએ આરોપો મૂક્યા છે. તેમણે માફી માંગવી જોઈએ. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે ગોળીબાર સંદર્ભે એ ખુલાસો કર્યો હતો કે ગોળીબાર થયો જ નથી, એટલું જ નહીં, ગોળીબાર કરવાનો આદેશ મંત્રીથી અપાતો નથી, તે મેજિસ્ટ્રેટ દ્વારા અપાય છે. એ વાતને રદિયો આપતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે ગોળીબારના આદેશો વડા પ્રધાન કે ગૃહ મંત્રી જ આપી શકે. જો કે, આ મામલે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ દ્વારા ટીકા થઇ કે રાહુલમાં સમજણનો અભાવ છે. હકીકત એ છે કે ગોળીબારનો આદેશ એકકઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે સબ ઇન્સ્પેકટર કે તેથી ઉપરી પોલીસ અધિકારી આપી શકે. એમ લાગે છે કે ગોળીબારનો આદેશ મંત્રી ન આપે એવી જિતેન્દ્રસિંહની વાતમાં તથ્ય છે અને રાહુલ ગાંધીએ આ મામલે કાચું કાપ્યું છે.
અત્યાર સુધીમાં CJPની કોઈ લાલસા રાજકીય કે અન્ય હેતુસર બહાર આવી નથી. ન તો ઝેન-જીને કોઈ લાલચ હતી. વધારામાં લાઠી ખાધી હોય કે ટીઅર ગેસનો સામનો કરવાનો આવ્યો હોય એવા ઘણાં હતા. ટૂંકમાં, પ્રાપ્તિ એક જ હતી -શિક્ષણ મંત્રીનું રાજીનામું. એ પણ ગૌણ વાત હતી, મુખ્ય હેતુ તો પેપર લીકને મુદ્દે ફરી પરીક્ષા આપવાનું થયું ને એ નિમિત્તે 22 જણાએ આત્મહત્યા કરી એ તરફ સરકારનું ધ્યાન ખેંચવાની. દસેક વર્ષમાં 152 વખત પેપર લીકની ઘટના બની. આ પેપર લીકનું ન્યુસન્સ કાયમી ધોરણે જવું જોઈએ. સરકારને પક્ષે ઘોર બેદરકારી છે કે તેણે આટલી કચાશ નીટ ને અન્ય પરીક્ષાઓ સંદર્ભે ધ્યાન જ ન આપ્યું ને શિક્ષણ મંત્રીની કોઈ જવાબદારી જ ન હોય, એ કારભાર ચાલ્યો. કાયદો તો તેનું કામ કરશે, પણ પરીક્ષાની વિશ્વસનીયતા ને પારદર્શિતા જોખમાય ને તે પણ સરકારની હાજરીમાં તો તે કેવળ ને કેવળ અસહ્ય છે. બીજી તરફ એ પ્રજા પણ છે જે પૈસા ખર્ચીને પરીક્ષાની પારદર્શિતા ને વિશ્વસનીયતા પર જોખમ ઊભું કરે છે. એને માટે જે જેન્યુઈન ઉમેદવારો હોય છે ને એમણે એમના કોઈ વાંક વગર પરીક્ષામાં ચાલતી ગેરરીતિનો ભોગ બનવાનું આવે છે. જેનો કોઈ બચાવ નથી એ પેપર લીક્ની વાતો એટલી લાઈટલી લેવી પડે છે કે 22 આત્મહત્યાને સામાન્ય વ્યવહાર તરીકે જ જોવી પડે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 જુલાઈ 2026
![]()

