
અનિલ વ્યાસ
કાન્તા મોટાભાગે બપોર પછી રેવતી પાસે આવતી. રેવતીનો હાથ હાથમાં લઈ હળવે હળવે પસવારતી. રેવતીની નજરમાં ભાગ્યે જ આવકાર હોય. હા, એ એને સવાલો પૂછતી, “તમે કોણ છો?” “અહીં કેમ બેઠાં છો?” સાંભળી અધિકારપૂર્વક બેઠેલી કાન્તાની આંખો ઢળી પડતી. એ કહેતી, “હું કાન્તા. તારી સામેના ઘરમાં રહું છું … મને નથી ઓળખતી?” રેવતી એક પણ અક્ષર બોલ્યા વિના જોઈ રહેતી. હકારમાં માથું હલાવી કાન્તાને ઓળખતી હોવાનો ભાવ દર્શાવતી. પછી દર દસ મિનિટે પૂછતી, “તમે કોણ?” શરૂઆતમાં કાન્તા ક્ષોભજનક સ્થિતિ કે મૂંઝવણમાં મૂકાઈ જતી, પણ હવે ટેવ પડી ગઈ હતી. રેવતીની ચકળવકળ આંખો, ક્યારેક ડરેલો તો ક્યારેક આવકારતો ચહેરો, અને અનાયાસ તરવરી જતું સ્મિત! આ બધું કાન્તા ચૂપચાપ જોયા કરતી; પોતાની હાજરીથી કશીક ઢાઢસ બંધાવવા માંગતી હોય એમ એ રેવતીની પાસે બેસી રહેતી.
પરિસ્થિતિ ક્યારેક બદલાતી, ખાસ જ્યારે નરેશ હાજર હોય. આમ તો રેવતી એના પતિ નરેશને ઓળખતી નહોતી, પણ નરેશ કાન્તા સાથે વાતો કરતો હોય કે એના માટે ચા બનાવી લાવે ત્યારે એ અણગમાથી કાન્તાને જોઈ રહેતી. એ જોઈ નરેશનું હૈયું હરખાતું.
‘આમ તો “તમે કોણ છો?”ના પીપૂડાં વગાડે છે ને આને જોઈ કેવી બળી મરી!’
એક તરફ નરેશને એની અનુકંપા થતી, તો બીજી તરફ પોતાપણાની લાગણી ભીંજાઈ જતી. થતું, મારી પેલી રેવતી ક્ષણભર પાછી આવી છે.
એ અને કાન્તા એકબીજા તરફ જોઈ રહેતા. એમની વચ્ચે ટેબલ પર ચાનો કપ કે ઊંધું વાળેલું પુસ્તક પડ્યું હોય. એ જોતાં જ નરેશને કેર હોમમાં અભાનપણે સૂતેલી રેવતી ઝબકી ઉઠતી. કાન્તા રોકાય ત્યારે નરેશને, “જાવ, બહાર આંટો મારવો હોય તો…” કહી, ખુરશી રેવતીની નજીક ખેસવતી.
ઘરથી થોડે દૂર કાઉન્સિલનો બગીચો હતો. નરેશ કાયમ મુખ્ય રસ્તા સામેના બાંકડા પર બેસતો. ઠંડીમાં બાંકડાની ઠંડક કપડાં સોંસરવી પીઠમાં પ્રસરતી. એટલે રેવતીને પથારીમાં ફેરવતો એમ, થોડી થોડી વારે બેસવાની સ્થિતિ બદલ્યા કરતો. સામે જાપાનીઝ મેપલનું ઝાડ હતું. એનાં ચમકતા, સ્હેજ કાળાશ પડતા લાલ અને કિરમજી પાંદડાઓના ઘટાટોપથી એક સૌંદર્ય રચાતું. જો કે, રાત્રે એ પાંદડાઓમાંથી ચીકણો રસ ટપકતો. ફૂટપાથ પર પડેલા કાળા ડાઘા જોઈ એને જુગુપ્સા થતી. સવારે કોઈ પસાર થાય ત્યારે ચાલનારના પગરખાં સહેજ ચીપકી જતાં. એ જોઈ કાયમ ‘હમણાં આ લપસશે’ની ફડક કનડ્યા કરતી. સામેના મુખ્ય રસ્તે ધમધમતા “સબ-વે”, “સેમ ચીકન” અને “લોન્ડીસ” ઓફ લાયસન્સમાંથી આવતી ગંધ એને કેર હોમની યાદ અપાવતી—ભોજનમાં ભળેલી ઉકળેલા શાકભાજી, બળેલા માંસ અને ડિસઇન્ફેક્ટન્ટની તાજા કહોવાટ જેવી વાસ!
જમણી બાજુ ઝૂલાની પાસે પડેલા ત્રણ મોટા પથ્થરો પર બાળકો રમ્યા કરતા. એ પથ્થરો જોઈ એને રિયાનાં બાળકોની યાદ આવતી. ફોનમાં બોલતી રિયાનો ચિંતાભર્યો અવાજ તરવરતો.
“પપ્પા, મારી વાત સાંભળો, મમ્મીને ઘરે પાછા લાવવાનું રહેવા દો.”
નરેશે શાંતિથી કહ્યું હતું, “એ ત્યાં જરા ય સચવાતી નથી, રિયા.”
“પપ્પા, તમે સમજતા નથી. તમારી ય ઉંમર થઈ. હવે તમે વૃદ્ધ થઈ રહ્યા છો. તમે બધું નહિ કરી શકો. અને મારાથી … અહીં વસ્તુઓ સરળ નથી, પપ્પા. એન્ડી ભાગ્યે જ ઘરે હોય છે. એના દોસ્તો, પબ અને દારૂ … હું થાકી ગઈ છું. બાળકો ય મારે જ સાંભળવાના … હું બહુ એકલી પડી ગઈ છું, પપ્પા. કમ સે કમ તમે મારી પીડા ના વધારશો, પ્લીઝ.”
નરેશ સાંભળતો રહ્યો. એને લાગતું, રિયા પોતાની દુનિયામાં જ અટવાઈ ગઈ છે. એના શબ્દોમાં ચિંતા કરતાં અકળામણ વધારે હતી.
“મમ્મી એગ્રેસિવ થઈ જાય છે,” રિયાએ કહ્યું. “કેર હોમમાં પ્રોફેશનલ માણસો હોય એને સાચવવા. તમે શું કરશો? એ તમને ય મારશે.”
નરેશે ધીમેથી જવાબ આપ્યો, “એગ્રેસિવ તો એ ત્યાં થઈ જાય છે. ઘરે એ શાંત રહેશે.”
એની વાત રિયાએ સાંભળી પણ નહીં. “ડૅડ, યૂ ડિઝર્વ એ લાઇફ ટૂ.”
નરેશને એ વાક્ય હંમેશાં ખાલી લાગતું. એના જીવનનો મોટો ભાગ તો રેવતી જ હતી.
એશના ઝાડનાં સૂકાં પાંદડાઓ પવનમાં ખખડ્યા. નીચે પડેલા પાંદડાઓ પર કોઈ ચાલે ત્યારે સૂકો, કચડાવાનો અવાજ આવતો. એ અવાજો એને કેર હોમના કૉરિડોરની યાદ અપાવતા—ધીમે ધીમે ધકેલાતી વ્હીલચેર અને ભારે ખમ પગલાં નીચે કીચૂડાતાં જૂનાં પાટીયાં.
કેર હોમમાં દાખલ કર્યાના પાંચેક મહિનામાં રેવતી એકદમ સૂકાવા લાગી હતી. પાતળી, સૂકા ડાળખા જેવી વાંકી આંગળીઓ હળવેથી કંપ્યા કરતી. સપાટ ચહેરે તાક્યા કરતી રેવતીનું દૃશ્ય નરેશના મનમાં હજી તાજું હતું. એ ઊભો થયો, થોડું ચાલ્યો, અને પાછો બેઠો. એને ખબર હતી—રેવતીને ઘરે લાવવાનો નિર્ણય કદાચ ખોટો હતો, પણ …
કશું સૂજતું નહોતું. ત્યાં કાન્તાની બે કલાકની દયાનું સમયદ્વાર બંધ થવાનું એલાર્મ વાગ્યું. બગીચાની હવા, પક્ષીઓના અવાજો, શેકાતી બ્રેડ અને મેયોનીઝ–સૉસની મિશ્ર સુગંધ—આ બધું એને થોડા સમય માટે જીવંત રાખતું. બીજી ક્ષણે પેલો ખાલીપણાનો, રેવતીના શ્વાસોચ્છવાસનો અવાજ ઘેરી વળતો.
ઘરે રેવતીને ચાલવા માટે હવે સંપૂર્ણ સહારો જોઈતો. ઝીમર ફ્રેમને બંને હાથે પકડીને એ ધીમે ધીમે પગલાં ભરતી. પગલાં વચ્ચે લાંબા વિરામ. ક્યારેક એ ફ્રેમને ધકેલતી પણ નહિ; એ જ એની એકમાત્ર ઓળખાણ હોય એમ કેટલી ય વાર ફક્ત પકડીને ઊભી રહેતી. લાંબો સમય સૂઈ રહેવાથી ભાઠાં ન પડે અને પોઝિશન બદલાય એ સારું—ઓક્યુપેશનલ થેરાપિસ્ટે રીક્લાઈનર ખુરશી આપી છે. એમાં એ સહજતાથી ગોઠવાય અને પાછળનો ટેકો એને સ્થિર રાખે. એ ખુરશીનું રીમોટ નરેશ સંતાડી રાખતો. બે વખત રેવતીએ આડે–ધડ રીમોટના બટન દબાવી દીધેલાં ત્યારે એને માંડ માંડ પડતાં બચાવી હતી. ઘરમાં ઉમદા પ્રકારની, વિકલાંગને મદદરૂપ થાય એવી સવલતો છે. પહોળો હેન્ડલ બાર લગાવેલો દરવાજો હોવા છતાં રેવતીને અંદર લઈ જવા માટે નરેશે બંને હાથથી એને પકડીને વાળવી પડે. એ વિરોધ કરે, ક્યારેક શાંત રહે. હવે નરેશને એના ઓસરી ગયેલા શરીરનો ભાર નથી લાગતો.
રેવતીની સંભાળ લેવા દિવસમાં ત્રણ વખત કેર સ્ટાફ આવતા. એ લોકો કંઈ સમજે એ પહેલાં કોઈક અજબ ચાલાકીથી એ એમના પર થૂંકતી, ઉઝરડા ભરતી, મુક્કો ઊગામતી, તક મળ્યે મારતી. ચીસો પડતી. આ કારણે દર અઠવાડિયે એની સંભાળ લેવા આવતા કેર સ્ટાફ બદલાઈ જતા. નવા માણસને જોઈ રેવતી આખલાની જેમ ભડકતી. કાન્તા કહે, “આ એને ગમતી રમત છે. રેવતી હવે કનડવાની મજા માણે છે. તમે એની આંખોમાં કેરરને ભગાડ્યાનો આનંદ જોયો નથી.”
આ બધું નરેશની દૈનિક ચર્યાનો ભાગ બની ગયું છે. રેવતીને એક રૂમથી બીજા રૂમમાં લઈ જવી એ પણ એક યાત્રા છે—ધીમી, અચકાતી અને ક્યારેક અણધારી.
ઘરે પાછા ફરતા નરેશના પગ થોડા ભારે લાગતા. એ રેવતી સાથે વાતો કરશે, પણ તે એકપાત્રીય અભિનય જેવું લાગે છે. રિયાના છેલ્લા વીડિયો કોલ, પૌત્ર–પૌત્રીઓ, બહાર વરસતા વરસાદ વિશે વાત કરે … સાંભળી રેવતી એની સામે જુએ, આંખો ખાલી હોય, અને અચાનક કહે, “સાંભળો, મારા પતિ જલદી ઘરે આવશે. તમારે જવું જોઈએ.”
આમ જ રોજ તેની પોતાની ઓળખનું ધીમે ધીમે ધોવાણ થતું રહે છે. હવે એ નથી નરેશ—નથી પતિ, મિત્ર, સાથી—કશું નહિ. તે એક સંભાળ રાખનાર અજાણી વ્યક્તિ છે, કેરટેકર! હોલમાં લટકેલી જૂની ઘડિયાળનું ટિક… ટિક… ટિક… આખા ઘરમાં ફેલાતું રહેતું. આ ઘડિયાળ એને એક જૂના મિત્રએ જાતે બનાવી ભેટ આપી હતી—મોટા કાંટા, ભારે પેન્ડુલમ, અને દર અડધા કલાકે ડિંગ… ડિંગ… જાણે સમય પોતે જ ઘરમાં ફરતો હોય.
બગીચાની શાંતિ પાછળ રહી જતી હતી, અને ઘરની અંદર રેવતીની જરૂરિયાતો એનું સ્થાન કબજે કરી રહી હતી. દરવાજો ખોલતાં જ એને રેવતીનો નાનો અવાજ સંભળાયો. કોઈ શબ્દ નહીં—ફક્ત હલચલનો અવાજ. કાન્તા હોલમાં ઊભી હતી.
“આજે થોડી રેસ્ટલેસ હતી,” કાન્તાએ ધીમેથી કહ્યું. “પણ હવે શાંત છે.”
નરેશે માથું હલાવ્યું. એ જાણતો હતો—આ શાંતિ લાંબી ટકવાની નથી.
કાન્તાના ગયા પછી ઘરની શાંતિ એકદમ ઘટ્ટ થઈ ગઈ. એ પલંગમાં અડધી ઉંઘતી, અડધી જાગતી. એના વાળ થોડા ગૂંચાયેલા, આંખો ઘેનભરી. નરેશ રેવતીની પાસે ગયો; દવા, પરસેવો અને ભીના પેડની ગંધ નાકમાં પ્રવેશી. એને ઉવેખતાં એણે મૃદુતાથી પૂછ્યું, “સહેજ સરખાં થવું છે?” રેવતીએ થોડું મૂંઝાઈને એના હાથ આગળ કર્યા. નરેશે એના હાથ પકડ્યા. પરિચિત સ્પર્શ પણ કોઈ જૂનાં પાનાં પરના ઝાંખા પડી ગયેલા અક્ષરો જેવો લાગતો હતો. નરેશની મદદથી રેવતીએ ધીમે ધીમે શરીર ઓશીકા તરફ ખેસવ્યું.
થોડી વારે નરેશનો હાંફ શમ્યો. સવારે રેવતીએ ગુસ્સે થઈને કેરરને ભગાડી મૂક્યા એટલે રેવતીને સ્પંજ બાથ અને કપડાં બદલાવવાના રહી ગયાં હતાં. નરેશે, મોડો મોડો પણ રોજનો ઉપક્રમ શરૂ કર્યો. પહેલાં એણે રેવતીના વાળ હળવે હળવે ઓળ્યા. રેવતીના ઘાટાદાર અને કાળા વાળ હવે સફેદ, પાતળા અને આછા—સંભાળથી ઓળવા પડે એવા થઈ ગયા હતા. પછી એના ચહેરા પર ભીનું કપડું ફેરવ્યું ત્યારે એ ઊંહકારા ભરતી હતી. પણ કપડાં બદલવાનો વખત આવ્યો ત્યારે એની આંખો ખુલી—ચમકતી, વિરોધભરી.
“ના… ના…” એણે હડસેલો મારી હાથ ઝાટક્યો.
નરેશને આ ટકરાતી આંખોમાં કંઈક ઓળખીતું દેખાયું—જૂની રેવતી, જે બાથમાં નચાવતી, બનાવટી ગુસ્સાથી આંખો ચમકાવતી. પણ હવે એ જ આંખોમાં ડર હતો—અજાણ્યા સ્પર્શનો ભય. જો કે, રેવતીને એક બાજુ ફેરવવી, પછી બીજી બાજુ—એ બધું એના માટે હવે માત્ર શારીરિક મહેનત નહીં, માનસિક કસરત બની ગયું હતું. ક્યારેક રેવતીના શરીરને અડતાં એને અણગમો આવતો.
એક સમયના નરમ, ભરાવદાર સ્તન હવે હાડકાં પર ચોંટેલા, હવા ઊતરી ગયેલા નાના ફુગ્ગા જેવા દેખાતા હતા. પેટ, જે પર એ ક્યારેક માથું મૂકી, ગાલ ઘસતો કે ચૂમ્યા કરતો, હવે ઢીલું લબડતું લાગતું. હાથમાં પકડાય તો ઢીલો લોટ મુઠ્ઠીમાં મસળાતો હોવો જેવું થતું. આ સ્પર્શો નરેશને ક્યારેક અંદરથી કચડી નાખતા—એક સમયનું નૈકટ્ય હવે સાવ અજાણ્યું, અણગમતું અને પીડાકારી બની ગયું હતું.
રેવતીએ બળપૂર્વક એને હડસેલ્યો, “સ્ટે અવે ફ્રોમ મી, ગો ….” સાંભળી, નરેશના મનમાં એક જૂનું દૃશ્ય ઝબકી ઉઠ્યું.
એ પહેલી વાર રેવતીને મળવા ગયો હતો ત્યારે એને રેવતી કોઈ નિયંત્રિત ઢીંગલી જેવી લાગી હતી. આંખો નીચે રાખી સંકોચથી ઘરનાં બધાં કામ કરતી. સાવ ટૂંકા વાક્યોમાં જવાબ વાળતી. હા, એની કાળી, ઊંડી, ચમકતી આંખોમાં કંઈક બીજું હતું. એના વળેલા ખભા, લાંબું ગળું, અને ચાલમાં એક અજાણ્યો લય. નરેશને લાગ્યું હતું કે એ શાંત, શરમાળ સ્વભાવની હશે, બીટ રીઝર્વ! પરંતુ, લગ્ન પછી એને ખબર પડી. રેવતી તો જંગલી હરણી જેવી હતી.
પરણ્યા પછી બે મહિના રેવતીનો પાસપોર્ટ, વીઝાના કાગળોમાં ગયા. એ સમયે આજની જેમ એજન્ટો ન હતા. બધું એણે જ સંભાળવાનું. વીઝા મળ્યા પછી અંબાજી દર્શન કરવા ગયા હતા. પાછા વળતાં ખેડબ્રહ્મા, એક મિત્રને ત્યાં રોકાયા. સાંજે બંને ફરવા ગયા ત્યારે રેવતી અંબિકા નદીનો ઓવારો છોડતી નહોતી. નદીમાં નાનાં કાંકરા ફેંકતી, ચપટા પથરો કે ઠીકરું વીણીને પાણી પર કુદાવતી હતી. થોડીવાર કપડાં પરથી રેતી ખંખેરતાં, દોડીને સામેના પહાડ પરના ઊંચા પથ્થર પર ચડી ગઈ. નજીક આવી પહોંચેલા નરેશની પીઠ પર જીદપૂર્વક સવાર થઇ ગઈ હતી.
“ચાલો, મને આમ જ પહાડ પર લઈ જાવ, હું ચાલવાની નથી.”
એના નરેશના ગળે લબડતા બન્ને હાથની બંગડીઓ રણકતી હતી. એ મીઠી રણક વચ્ચે અચાનક એના હોઠ નરેશના કાનને સ્પર્શ્યા.
“મને વચન આપો, તમે મને ક્યારે ય નહિ છોડો.”
“પહેલાં નીચે ઉતર.”
“ના, પહેલાં પ્રોમિસ… આપો વચન.”
નરેશે એનો ગાલ કાન સરસો દબાવતાં કહ્યું, “પ્રોમિસ, તને ક્યારે ય નહિ છોડું.”
“ખાવ અંબે મા ના સમ.”
“હા, અંબેમા ના સમ.”
એ ઉતરીને નરેશને વળગી પડી હતી, એને વારંવાર ચૂમતાં રડી પડી હતી … “તમને ખબર છે ત્યાં વિલાયતમાં અમારું કોઈ સગું નથી. બસ, હવે મને કશો ફફડાટ નથી.”
એ દિવસોમાં નરેશ થાકી જતો, પણ એનો ય એક આનંદ હતો. રેવતીના નાનાં નાનાં તોફાનોએ એને જીવંત કરી મુક્યું હતું. હવે, એ જ રેવતી ઝીમર ફ્રેમ પકડીને બે ડગલાં માંડવા માટે પણ સંઘર્ષ કરતી હતી.
આ બધું જોઈ, નરેશની અંદર ક્યાંક એક અજાણી ચીડ ઉઠતી. પછી તરત જ એને પોતાની જ ચીડ પર શરમ આવતી. “આ શરીર તો એ જ છે … એ જ રેવતી,” એ મનમાં કહેતો. પરંતુ મન ક્યારેક મનને સંભળાતું નથી. દર કલાકે એની પોઝિશન બદલવી પડતી. રેવતી વિરોધ કરતી. હાથ ઝાટકતી, પગ ખેંચતી, આંખોમાં ગુસ્સો ઉતરી આવતો. તો ક્યારેક એ એટલી શાંત રહેતી કે નરેશને ડર લાગતો … “ક્યાંક એકદમ શાંત તો નથી થઈ ગઈ ને?”
સવારે શાવરરૂમ, પછી રીક્લાઈનર ચેર, ને ત્યાંથી બેડ પર. આ બે જગ્યાઓ વચ્ચેની યાત્રા હવે નરેશના દિવસનો મોટો ભાગ બની ગઈ હતી. કેર સ્ટાફ ઉપરાંત નરેશ સમયાંતરે રેવતીની નૅપી ચેક કરતો. રેવતીને એ ગમતું નહોતું.
“તમે કેમ અડકો છો મને?”
“કોણ છે તું? …“
“મારા પર રેપ કરવો છે તારે?”
“મારાં કપડાં ના ઉતાર, હરામી.”
“છોડ મને ….”
જેવા વાક્યોના મારથી એ ટેવાઈ ગયો હતો. રેવતી પૂરી તાકાતથી નરેશને દૂર ધકેલતી. છતાં એ ક્યારે ય એના પર થૂંકી નહોતી કે હાથ ઉગમ્યો. અજાણ્યો લાગતો નરેશ, સાવ અજાણ્યો નહોતો. કદાચ, નરેશની હાજરી એને કશીક ઢાઢસ બંધાવતી હતી.
આ બધું કરતી વખતે નરેશને એક અજબ થાક ઘેરી લેતો. ક્યારેક એને લાગતું, “મારું જીવન એક ઓરડામાં સ્થિર છે, જેના એક ખૂણે પ્રેમ છે, બીજે ખૂણે થાક, ત્રીજે ખૂણે ભૂતકાળ, અને ચોથે ખૂણે ભવિષ્યનો ભય. એ ઓરડાની બારી નહોતી, માત્ર એક દરવાજો હતો, જે રેવતી તરફ જ ખૂલતો હતો.”
‘આ બધું; હું કેટલા સમય સુધી કરી શકીશ? મૂકી આવું પાછી એને કેર હોમમાં, ભલે મરતી.’
પણ રેવતીના હોવાનો ડર અનુભવાતો હતો. સતત એક ભીતિ: ‘ક્યાંક એને હું યાદ આવી જાઉં ને મને સામે મુલાકાતીની જેમ બેઠેલા જુએ! એ કશું બોલે એવી નથી, પરંતુ મારી જાતને હું શું જવાબ આપું? રેવતીના એ પતિને હું કેવી રીતે જોઈ શકું?’
સાંજના આકાશમાં કોઈ વાદળ ધીમે ધીમે સરકતું હોય એમ, એનો પ્રેમ પણ ઘરમાં એક અજાણી, નિઃશબ્દતાની જેમ ફેલાયેલો હતો, એનું માન રાખ, નરેશ.
બીજે દિવસે સવારે નરેશે એના પલંગ નજીક ફ્રેમ મૂકતાં પૂછ્યું, “ઉઠીએ?”
રેવતી થોડી ગુસ્સે થઈ. “નહીં… નહીં…” પછી વળતી પળે એના હાથ આગળ કરી બેઠી.
“તમે ના પકડો મને…” અણગમો જતાવીને ય સહારો ન છોડવાની મમત ચાલતી.
નરેશ એને ધીમેથી શાવર ચેર પર બેસાડતો. એના શરીરનો ભાર નહોતો, પણ એનું અસ્થિરપણું ભરેખમ લાગતું. નાહીને એ ફ્રેમ પકડીને બે પગલાં આગળ વધતી. નરેશ એને પકડીને દોરતો. પેલી જંગલી હરણી બંધાઈને ખેંચાતી હોય એમ.
ચાલતા ચાલતા ડિંગ … ડિંગના ટકોરે જૂનો સમય સળવળ્યો.
આઠ વર્ષ સુધી સંતાન ન થવાનું દુઃખ. કેટલી ય રાત્રે રેવતી એકલી, એકલી રડતી. એની એક ફેલોપીન ટ્યુબ બંધ હતી; વળી અનિયમિત માસિક અને અસહ્ય દુઃખાવો. હોસ્પિટલોના ધક્કા ખાઈ, રેવતીનું શરીર અને મન બંને થાકી ગયાં હતાં. રિયા આઇ.વી.એફ.ના ત્રીજા પ્રયાસથી જન્મી હતી. એ દિવસે રેવતી બોલી હતી, “હવે મારું જીવન ફરીથી શરૂ થયું, નરેશ. લ્યો, આપણી દીકરી.”
હવે, એ જ રિયા ફોન પર કહેતી હતી, “ટેક હર ટુ ધ કૅર હોમ, ડૅડ. યૂ નીડ ટુ લીવ યોર લાઇફ ટુ.”
નરેશને એ વક્રતા સમજાતી, પણ સહેવાતી નહોતી. એનું જીવન તો રેવતીની આસપાસ જ ફરતું હતું; ત્યારે પણ, અને આજે પણ.
રેવતી હોલમાં પહોંચતાં થાકી ગઈ. રીક્લાઈનરમાં બેઠા પછી એના ચહેરા પર કોઈ ભાવ નહોતો. એના હાથ થોડા કંપતા હતા. એ સિવાય ઘરમાં શાંતિ હતી.
રેવતીને રીક્લાઈનરમાં બેસાડી નરેશ ઘરના નાનકડા મંદિર નજીક ગયો. એક સમયે આ મંદિર રોજ ચમકતું. રેવતી દર સવાર પૂજા કરતી, દીવો પ્રગટાવતી. હવે મંદિરની ઘંટડી પર ધૂળ ચડી ગઈ હતી, દીવો અડધો ખાલી, અને દીવાલ પર પડતી છાયાઓમાં એક સૂનાપણું.
નરેશ મંદિરનો ટેકો લઈને ઊભો રહ્યો. એના ખભા થોડા વાંકા, આંખોમાં થાક. એણે હાથ જોડ્યા, આંખો બંધ કરી. ભગવાનને અસંખ્ય વાર પ્રાર્થના કરી હતી: ‘એને શાંતિ આપો, એને બોલાવી લો, આ પીડાથી એને છૂટકારો આપો.’
ત્યારે પણ, રેવતી અહીં હતી. એ થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો. મંદિરની દીવાલ પરથી તડકો ધીમે ધીમે ખસતો ગયો.
રેવતી ચૂપચાપ સૂતી હતી, ત્યારે રિયાનો ફોન આવ્યો.
“પપ્પા, મમ્મી કેમ છે?”
નરેશે રેવતી તરફ જોયું. એ રીક્લાઈનરમાં, હાથ ચુસ્તપણે બાંધેલા, અને ફોન પર વાત કરતા, નરેશ તરફ સાવચેત નજર મંડાયેલી.
“શાંત છે,” નરેશે ધીમેથી કહ્યું.
“હવે એ મને ય ઓળખતી નથી, પપ્પા…”
લાઇન પર થોડું મૌન.
“કાશ હું ત્યાં વધુ હોઉં… હું ફક્ત ફોન કરી શકું છું. મમ્મી મારાથી વાત કરશે?”
નરેશે રેવતીને ફોન આપતાં કહ્યું,
“રીયા, આપણી દીકરી છે ફોન પર. વાત કરો.”
ફોન લેતાં જ રેવતી મોટેથી બોલવા લાગી,
“હેલો… સાંભળો છો? પ્લીઝ, મને બચાવો… હું અજાણી વ્યક્તિ સાથે છું… હેલ્પ, હેલ્પ…”
એના ગાલ પર આંસુ સરકી પડ્યાં. એ ધ્રૂજતા હાથથી પોતાનો ચહેરો લૂછી રહી હતી.
“તે સારો છે… પરંતુ હું એને ઓળખતી નથી… હું એને ઓળખતી નથી…”
નરેશ એની બાજુમાં બેઠો. એના ખભા પર હળવો હાથ મૂક્યો.
“બધું ઓલરાઇટ છે, રેવતી,” એણે શાંતિથી કહ્યું,
“હું નરેશ. તારો પતિ. હું અહીં જ છું.”
રેવતી આંસુ સારતી હતી; એનું શરીર ધ્રૂજતું હતું. થોડીવાર એ નરેશ તરફ ઝૂકી.
“કોણ… તું કોણ છે?” એનો અવાજ ચેરાયેલો, ભયભીત.
“હું નરેશ છું. આપણે પતિ–પત્ની છીએ.”
ફોન પર રિયાનો અવાજ થોડો ગૂંગળામણ ભરેલો હતો.
“પપ્પા… કાશ હું ત્યાં હોત. મને ખબર છે કે આ બધું મુશ્કેલ છે. હું તમને બંનેને બહુ પ્રેમ કરું છું.”
નરેશ માથું હલાવે છે, જાણે રિયા એને જોતી હોય.
“મને ખબર છે, બેટા.”
રેવતીને હળવેથી પકડી રાખતાં એ સાંભળે છે—
રિયા હવે એન્ડી વિશે બોલવા લાગી છે. એના લગ્નના તણાવ, એન્ડીનો ગુસ્સો, એના પોતાના થાકેલા દિવસો …
નરેશ જાણે છે—આ વાતો હવે લાંબી ચાલશે. પણ રિયાનો અવાજ સાંભળવાનો મોહ છૂટતો નથી. એ બંને વચ્ચેનું અંતર માત્ર માઈલોનું નથી.
* * *
વ્હેલી સવારે ઘરમાં એક તીવ્ર, અસહ્ય ગંધ ફેલાયેલી હતી. એ પલંગ પાસે પહોંચ્યો. મળથી ખરડાયેલી રેવતી નસકોરાં બોલાવતી હતી. ભીની ચાદર પર મળ રેલાહેલું હતું. હમણા હમણાં આ ત્રીજી વાર બન્યું!
નરેશને શ્વાસ લેવો ગમતો નહોતો. મોં પર કપડું બાંધી, એણે રેવતીને ધીમેથી ઉઠાડી, આદતવશ એના હાથ લંબાયા. રેવતીના ટેરવાં અને નખમાં સુકાયેલો મળ નરેશની આંખ સુધી આવ્યો. સહજ પ્રતિક્રિયાથી એણે ચહેરો પાછળ ખસેડ્યો. રેવતીનો એક હાથ હવામાં લબડી પડ્યો. એણે અણગમાથી નરેશ સામે જોયું.
નરેશે એને ઊભી કરી, શાવર સુધી લઈ ગયો. પાણી વહેતું રહ્યું. રેવતીને નવડાવતાં, એનું શરીર સાફ કરતાં, એને અરેરાટી થઈ, શ્વાસ ભારે થતો ગયો. રેવતીનાં કપડાં બદલાવીને રીક્લાઈનર સુધી લાવવામાં, રેવતી ફરી પોતાની જ દુનિયામાં ખોવાઈને બેઠી હતી. નરેશ થાકથી કંપતો હતો.
રેવતીને સરખી બેસાડી, એણે ઓશીકાના ગલે ફ્રેમ બદલ્યાં. રેવતીના માથા નીચે ઓશીકું મૂકવા હાથ લંબાવ્યો.
“કેટલું ચાલશે આ…? ક્યાં સુધી…?”
એણે રેવતીનો શ્વાસ ઘોંટી દેવાની ઇચ્છાથી ઓશીકું હાથમાં લેતાં રેવતી સામે જોયું. રેવતીની આંખોમાં પેલો ચમકારો હજી ઝબકી રહ્યો હતો – જાણે કોઈ ગૂઢ રમત રમતી હોય એવી શરારતભરી નજર.
નરેશના હાથ કાંપ્યા. એક ક્ષણ તો એણે પાછા ખેંચવા વિચાર્યું.
પછી… એક આવેગ એના શરીરમાં ફરી વળ્યો. એણે ઓશીકું ધીરેથી, પણ દૃઢતાથી, રેવતીના ચહેરા પર દબાવ્યું.
રેવતીની આંખો વિસ્ફારિત થઈ. એક અવિશ્વસનીય ભાવ!
એ નજર ક્ષણભર જ રહી. પછી એની પાંપણો ધીમેથી બંધ થઈ. શરીરનો તણાવ છૂટી ગયો.
નરેશે હાથ ખસેડ્યા. ઓશીકું પગ પાસે સરકી પડ્યું.
શરમભર્યું મસ્તક રેવતીના ખોળામાં મૂકી, એ સીસકતો રહ્યો.
રેવતીનું શરીર નિશ્ચળ પડ્યું હતું. ઓરડામાં અજવાળું ઢળવા લાગ્યું. બારણે કાન્તાના ટકોરા સંભળાયા, પણ નરેશે દરવાજો ન ઉઘાડ્યો. ફોન વાગ્યો, રિયા… પણ એણે કશી હરકત ન કરી.
એની નજર રેવતી પર જ હતી. એના પ્રત્યેક શ્વાસ સાથે એક જ પ્રશ્ન ઊઠતો હતો:
“હવે હું કોણ છું?”
ઓરડામાં ઘડિયાળનો ટિક્-ટિક્ અવાજ ઘુમરાતો હતો.
8 Carlyon close, WEMBLEY, Middlesex, United Kingdom, HA0 1HR
e.mail : anil.vyas582@gmail.com
પ્રગટ : “એતદ્દ”, જૂન 2026; પૃ. 38-46
![]()

