હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર એમ બન્ને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો ચોંકાવનારાં છે. ૨૦૧૪ પછી પહેલી વખત એવું જોવા મળ્યું હતું કે નરેન્દ્ર મોદી / ભા.જ.પ.ના વિરોધીઓ અને સમર્થકો તેમ જ થોડી સ્વસ્થા જાળવીને તટસ્થતાપૂર્વક સામાજિક-રાજકીય પ્રવાહો પર નજર રાખનારા લોકો એક મત ધરાવતા હતા કે હરિયાણામાં ભા.જ.પ.નો પરાજય નિશ્ચિત છે. એક્ઝીટ પોલમાં પણ અપવાદ વગર દરેકે આમ કહ્યું હતું. ઊલટું એક્ઝીટ પોલવાળાઓએ તો આક્કાઓને માઠું ન લાગે એ માટે કાઁગ્રેસને થોડી બેઠકો ઓછી આપી હતી અને પછી બીજા દિવસે (એટલે કે મતગણતરીના આગલા દિવસે) અલગ અલગ ટી.વી. ચેનલો અને યુટ્યુબરોની ચેનલો પર જઇને કહ્યું હતું કે કાઁગ્રેસને અમે કહી છે એ કરતાં પણ વધુ બેઠકો મળે તો આશ્ચર્ય નહીં પામતા. આમ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ લોકસભાની ચૂંટણી વખતે ગયેલી આબરૂ પાછી મેળવવાનો હતો. ફલાણાફલાણાં પરિબળો કાઁગ્રેસની તરફેણમાં અને ફલાણાં ભા.જ.પ.ની વિરુદ્ધમાં જોવાં મળી રહ્યાં છે. ભા.જ.પ.ના નેતાઓ વિજય મળશે એવી વાતો તો કરતા હતા, પરંતુ એમાં આત્મવિશ્વાસનો રણકાર નહોતો. જમ્મુ અને કાશ્મીરમાં સર્વસાધારણ મત એવો હતો કે ત્યાં કાઁગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બહુમતીથી દૂર રહેશે.
પ્રત્યક્ષ પરિણામ ધારણા કરતાં જૂદાં આવ્યાં છે. આવું કેમ બન્યું? રાજકીય સમીક્ષકો સંભવનાઓ માટે જે દલીલો કરે છે એ દેખીતી રીતે સંભવના કરતાં અલગ સામે આવેલા પ્રત્યક્ષ માટે નથી કરી શકતા. એ પછી તેઓ પ્રત્યક્ષ પાછળની સંભાવનાઓ શોધવા લાગે છે. મંગળવારે તમને આ જોવા મળ્યું હશે. ભારતીય સમાજ એટલો બધો સંકુલ છે કે આ લખનાર પરિણામોની સંભાવના વિષે લખતો નથી. ખોટા પડવાનો ડર રહે છે અને ભલભલાને ખોટા પડતા આ લખનારે જોયા છે. આ વખતે યેગેન્દ્ર યાદવ પણ ખોટા પડ્યા જેમની સ્વસ્થતા અને પ્રામાણિકતા માટે મને માન છે.
આમ કેમ બન્યું?
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને હરિયાણામાં ૩૪.૭ ટકા મત સાથે ૭ બેઠકો મળી હતી, પરંતુ એ પછી તરત જ યોજવામાં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં ૩૩.૨ ટકા મત સાથે ૪૭ બેઠકો મળી હતી. લોકસભાની તુલનામાં મતનું પ્રમાણ પણ ઘટ્યું હતું અને લોકસભાની બેઠકોને જો વિધાનસભાની બેઠકોમાં પરિવર્તિત કરવામાં આવે તો બેઠકો પણ ઘટી હતી. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં બી.જે.પી.ને અધધધ કહી શકાય એમ ૫૮.૨ ટકા મત સાથે લોકસભાની દસમાંથી દસ બેઠકો મળી હતી, પણ એ પછી તરત યોજવામાં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૨૦૧૪ કરતાં સાત ઓછી, ૪૦ બેઠકો મળી હતી. બી.જે.પી.ને બહુમતી નહોતી મળી. તેને મળેલા મત(૩૬.૪૯ ટકા)ના પ્રમાણમાં બાવીસ ટકાનો ઘટાડો થયો હતો. એ પરિણામ પણ આ વખતનાં પરિણામ જેટલાં જ ચોંકાવનારાં હતાં. ગઈ સામાન્ય ચૂંટણીમાં ભા.જ.પ.ને હરિયાણામાં દસમાંથી પાંચ બેઠકો મળી હતી. તેને ૪૬.૧૧ ટકા મત મળ્યા હતા જે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તુલનામાં ૧૨ ટકા ઓછા હતા.
લોકસભામાં બી.જે.પી.ને વિજય અને ભવ્ય વિજય અપાવવાનો, પણ પછી તરત જ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને અંકુશમાં રાખવાની કે હરાવવાની હરિયાણવીઓની સફર છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં આમ બન્યું હતું. તો પછી ૨૦૨૪માં એવું શું બન્યું કે આગલા બે વખતના અનુભવ કરતાં અલગ પરિણામ આવ્યાં? સમીક્ષકો થાપ થઈ ગયા એ પાછળનું એક મુખ્ય કારણ હરિયાણાનો દસ વરસનો રાજકીય અનુભવ પણ છે. થાપ ખાવાનું એક કારણ એ પણ હતું કે ગઈ લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસને ૪૭.૬૧ ટકા મત મળ્યા હતા જે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તુલનામાં ૧૮.૭૪ ટકા વધુ હતા અને ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીની તુલનામાં ૧૯ ટકા વધુ હતા. આ સ્થિતિમાં કોઈ કહી શકે કે કાઁગ્રેસનો પરાજય થશે? ગોદી મીડિયા અને ગોદી પોલ્સટરો પણ કાઁગ્રેસ પરાજીત થશે એમ કહેવાની હિંમત નહોતા કરી શક્યા. પણ હરિયાણામાં જે અનુભવ બી.જે.પી.ને ૨૦૧૯માં થયો હતો એ જ અનુભવ કાઁગ્રેસને ૨૦૨૪માં થઈ રહ્યો છે.
કારણ શું એ લાખ રૂપિયાનો સવાલ છે. લોકો ચૂંટણીપંચ અને ઈ.વી.એમ. પર શંકા કરવાના છે. ચૂંટણીપંચ તટસ્થ નથી એ આખી દુનિયા જાણે છે, પણ ઈ.વી.એમ.માં મોટા પ્રમાણમાં ગડબડ કરવી મુશ્કેલ છે એમ જાણકારો કહે છે. આમાં શાસક પક્ષ અને ચૂંટણીપંચ માટે ધડો એ છે કે મથરાવટી મેલી હોય તો લોકોને શંકા કરવાની તક મળે.
ભા.જ.પ.ના વિજય કે કાઁન્ગ્રેસનાં પરાજયનું કારણ પક્ષપાતી ચૂંટણીપંચ કે ઈ.વી.એમ. નથી, પણ જમીન પરનું ગણિત છે. સન્માન્ય વિદ્વાન સમીક્ષકો કહે છે કે કાઁગ્રેસનો પરાજય બે કારણે થયો હોવો જોઈએ. એક તો હરિયાણા કાઁગ્રેસ એકમમાં ભુપિન્દર સિંહ હુડ્ડા, તેમનો પરિવાર અને જાટોનું વર્ચસ્વ. ગેર જાટ મતદાતાઓને કદાચ એમ લાગ્યું હોય કે આપણા પર જાટ કોમ રાજ કરશે. કાઁગ્રેસના ૯૦માંથી ૭૨ ઉમેદવારો ભુપિન્દર સિંહ હુડ્ડાના હતા અને મોટાભાગના જાટ હતા. કાઁગ્રેસની અંદર પણ આ વાતે અસંતોષ હતો. આ વખતે ભુપિન્દર સિંહ હુડ્ડાને છૂટો દોર એટલા માટે આપવામાં આવ્યો હતો કે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી વખતે કહેવામાં આવ્યું હતું કે જો કાઁગ્રેસે હુડ્ડાને છૂટો દોર આપ્યો હોત તો કાઁગ્રેસનો વિજય થયો હોત. હુડ્ડાએ પણ આ જ દલીલ કરી હતી. આ સિવાય બી.જે.પી.એ પાંત્રીસ એકનો પ્રચાર કર્યો હતો અને ગેર જાટોની અંદર ડર પેદા કર્યો હતો. હરિયાણામાં પરંપરાગત રીતે ૩૬ જાતિ છે જેમાં ૩૫ જાતિ જાટ સિવાયની છે. હરિયાણામાં જાટોનું વર્ચસ છે એ તો તમે જાણો જ છો. જે સ્થાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં યાદવોનું છે, મહારાષ્ટ્રમાં મરાઠાઓનું છે અને ગુજરાતમાં પટેલોનું છે એ સ્થાન હરિયાણામાં જાટનું છે. જેની વગ હોય એનો ડર પણ હોય. બી.જે.પી. અને સંઘપરિવાર હિંદુ એકતાની વાત કરે છે, પણ બી.જે.પી. ચૂંટણીમાં જાતિ વિભાજનનું રાજકારણ કરે છે.
ભા.જ.પ.ના વિજયનું બીજું કારણ વોટ કટવાઓ છે. દરેક જગ્યાએ મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો, નાનાં નાનાં પક્ષોના ઉમેદવારો, નાના પક્ષો વચ્ચે વોટ કાપવાની ગણતરી પર આધારિત યુતિઓ કરવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોને તો બી.જે.પી.એ ટિકિટ નહીં આપીને બળવાખોર તરીકે બી.જે.પી.એ જ ઊભા રાખ્યા હતા. જે બે-પાંચ હજાર વોટનું કાઁગ્રેસને નુકસાન પહોંચાડે. વિધાનસભાની ચૂંટણીમાં હજાર મત ખેલ બગાડી શકે છે. અમિત શાહને ફરી એકવાર આ રમત માટે ચાણક્યનો ઈલ્કાબ આપવામાં આવશે, પણ આ જાહેરજીવનને અને લોકતંત્રને કેટલું નુકસાન પહોંચાડશે તેનો વિચાર કર્યો છે? જો કે બી.જે.પી.ને મૂલ્યો અને લોકતંત્ર માટે કોઈ ખેવના હોય એ આજ સુધી જોવા મળ્યું નથી. બી.જે.પી.ની સરકાર આવી એ પછીથી દેશમાં વોટ કટવાઓની અનેક દુકાનો ખૂલી ગઈ છે. જે કામ એક જમાનામાં રાજકીય પક્ષો માટે બાહુબલીઓ કરતા હતા એ વોટ કટવાઓ કરી રહ્યા છે. હાથમાં હથિયાર લીધા વિના તેઓ અબજો રૂપિયા કમાઈ રહ્યા છે.
સંસદીય રાજકારણમાં જે રમત અસ્તિત્વમાં આવે છે એ બીજા પક્ષો પણ અપનાવે છે. એમાં અંતે રાજકીય પક્ષોને તો જે ફાયદો કે નુકસાન થવાનું હોય તે થાય દેશને મોટું નુકસાન થતું હોય છે. પણ દેશની પડી છે કોને?
હવે થોડી વાત જમ્મુ અને કાશ્મીર વિષે. જમ્મુ અને કાશ્મીરમાં દસ વરસ પછી ચૂંટણી યોજાઈ. ૨૦૧૯માં આર્ટીકલ ૩૭૦ને નિરસ્ત કર્યા પછી અને જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા પછી પહેલીવાર ચૂંટણી યોજાઈ છે. એની વચ્ચે રાજ્યનાં મતદારક્ષેત્રોની પુનર્રચના કરવામાં આવી. પુનર્રચના એ રીતે કરવામાં આવી કે જમ્મુ પ્રદેશના હિંદુઓનો હાથ ઉપર રહે. તેની સીટોની સંખ્યામાં સાતનો વધારો કરવામાં આવ્યો અને કાશ્મીરની ખીણની સંખ્યામાં માત્ર એકનો વધારો કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર તો હજુ ચૂંટણી યોજવા નહોતી માગતી, પણ સર્વોચ્ચ અદાલતના આદેશના પરિણામે યોજવી પડે. ગુલામ ચૂંટણીપંચ કેન્દ્ર સરકારને મદદ કરી શકે એમ નહોતું. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને તો એવો પણ આદેશ આપ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી અને હવે નથી લાગતું કે તેનો અમલ થશે.
બી.જે.પી.ની ગણતરી જમ્મુ અને કાશ્મીરને હિંદુ મુખ્ય પ્રધાન આપવાની હતી જે નિષ્ફળ નીવડી. મદાર વોટ કટવાઓ પર હતો. ગણતરી એવી હતી કે જમ્મુમાં હિંદુઓ તો બી.જે.પી.ને ખોબે ખોબે મત આપવાના છે અને ખીણમાં જો વોટ કટવાઓ કાઁગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના વોટ કાપી આપે તો ચાર નિયુક્ત કરવાની બેઠકો તો હાથમાં છે જ. જો જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો ચાર વિધાનસભ્યોને નિયુક્ત કરવાનો કેન્દ્રનો અધિકાર જતો રહે. આ સારુ તો રશીદ એન્જિનિયરને જેલમાંથી જમાનત પર છોડવામાં આવ્યો હતો. હા, એ જ રશીદ એન્જિનિયર જેનાં ‘કાશ્મીર ફાઈલ્સ’ નામની ફિલ્મમાં દેશદ્રોહી કૃત્યો જોઇને ભક્તો આખી રાત ઓશિકામાં માથું ભરાવીને રડ્યા હતા. હા, એને છોડવામાં આવ્યો. તેમની નજરમાં જે દેશદ્રોહી હતો.
પણ કાશ્મીરની ખીણમાં વોટ કટવાઓને સફળતા મળી નહી. ખીણના લોકો રમત પામી ગયા હતા. બાહુબલી પછી વોટ કટવાઓ ભારતીય રાજકારણને લાગેલું બીજું ગ્રહણ છે. પહેલું ગ્રહણ કાઁગ્રેસે લગાડ્યું હતું તો બીજું બી.જે.પી.એ.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ઑક્ટોબર 2024