ગુજરાતી ભાષાને પ્રેમ કરવો એટલે અન્ય ભાષાઓને ઊતરતી ગણવી કે તેમણે પ્રેમ ન કરવો એવો અર્થ બિલકુલ નથી થતો. ગુજરાતી ભાષાને પ્રેમ કરવો તેનો અર્થ એવો થાય છે કે તેનાથી અળગા ન થવું. બાકી એકથી વધુ ભાષામાં પારંગત હોવું એ તો બૌદ્ધિક વિકાસનું સૂચક છે.
‘સની, ડાર્લિંગ, હવે વેક અપ થઈ જા. બટાટાપૌંઆ કોલ્ડ થાય છે.’ ચાલીસેક વર્ષની ગૃહિણી દસબાર વર્ષનાં સંતાનો સાથે આવી ભાષામાં વાત કરે અને પચીસેકની કેરિયારિસ્ટ માતાઓ એમનાં બેત્રણ વર્ષનાં ભૂલકાઓ સાથે અંગ્રેજીમાં જ વાત કરે એવાં દૃશ્યો ઘરઘરમાં ભજવાઈ રહ્યાં છે. આ સ્થિતિ માટે આપણે જ જવાબદાર છીએ. વિશ્વપ્રવાસે જઈએ ત્યારે ટ્રાવેલ એજન્સી આપણને અમેરિકામાં ઊંધિયું, પૉલેન્ડમાં પાતરાં ને રશિયામાં રસપૂરી ખવડાવશે કે નહીં તેની જેટલી ચિંતા કરીએ છીએ તેટલી પણ ચિંતા ઘરઆંગણે ગુજરાતી ભાષાથી વિમુખ થતાં જતાં બાળકોની અને ગુજરાતી વાંચનથી દૂર થઈ ગયેલા તરુણોની કરતાં નથી – ભાસા જીવવાની હસે તો જીવસે. ભાસા ભાસા કરસું તો ભૂખ્યા મરસું. ઇંગ્લિસ ભણસું, કમાસું તો ઊંચા આવસું …
ગુજરાતી વિશ્વમાં 26મા ક્રમની અને ભારતમાં છઠ્ઠા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. સંસ્કૃત શબ્દ ગુર્જરત્રા પરથી ગુજરાત અને તેના પરથી ગુજરાતી શબ્દ બન્યો છે. દુનિયાના 50 કરતાં વધારે દેશોમાં રહેતા કુલ 6 કરોડ જેટલા લોકો ગુજરાતી બોલી લે છે ખરા, પણ ગુજરાતી વાંચતા-લખતા લોકોની સંખ્યા ઘટતી જાય છે. એટલે ગુજરાતી ભાષા મરી જશે એવું તો નહીં બને, પણ તેના અસ્તિત્વ પર લાગેલો પ્રશ્નાર્થ ચિંતા કરાવતો રહેશે એ નક્કી.
24 ઓગસ્ટે વિશ્વ ગુજરાતી દિવસ છે – મુનશીએ જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યો છે, સુંદરમ્ જેને ‘પ્રાણવંતો પૂર્વજ’ કહે છે, રા.વિ. પાઠક જેને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી’ કહે છે અને ઉમાશંકર જોશીએ જેનાં કાવ્યોને ‘નવા યુગના નાંદી’ તરીકે ઓળખાવ્યાં છે તે નર્મદાશંકર લાલશંકર દવે – નર્મદનો જન્મદિન. નર્મદને નવયુગનો પ્રહરી, યુગવિધાયક સર્જક, નિર્ભય પત્રકાર, પ્રેમશૌર્યનો કવિ અને સુધારાનો સેનાની કહેવામાં આવે છે. આ બધા બિરુદ ઓછાં પડી જાય એવી પ્રેરણાદાયક અને તેજસ્વી એમની કલમ અને એમની જિંદગી હતી. અર્વાચીન ગુજરાતી સાહિત્ય આમ તો દલપતરામથી શરૂ થયું ગણાય, પણ નર્મદના સાહિત્યમાં અર્વાચીનતા તેના સાચા અને પૂરા અર્થમાં પ્રગટી છે તેથી તેને અર્વાચીનોમાં આદ્ય ગણવામાં આવે છે.
નર્મદ 1833માં જન્મ્યા. મહાત્મા ગાંધી કરતાં 35 વર્ષ અને પંડિત નહેરુ કરતાં 55 વર્ષ વહેલા. જન્મ સુરતમાં, ભણતર મુંબઈ અને સુરતમાં. ‘ભટનું ભોપાળું’ના સર્જક-વિવેચક (જેમણે પાછળથી નર્મદનું જીવનચરિત્ર ‘કવિજીવન’ પણ લખ્યું) નવલરામ અને ‘કરણઘેલો’ના સર્જક નંદશંકર તુલજાશંકર તેમના સમકાલીનો. સહાધ્યાયીઓ પણ હોઈ શકે.
ધીરા ભગતની કાફીઓએ નર્મદને કાવ્યસર્જનની પ્રેરણા આપી. એમના જેવા છંદો નર્મદે રચ્યા પણ ખરા, પછી એ સુધારા તરફ વળ્યા. મુંબઈના અભ્યાસ દરમ્યાન ‘અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ના સભ્ય બનેલા નર્મદે 1850માં ત્યાં ‘મંડળી બનાવવાથી થતા લાભ’ પર એક દીર્ઘ ભાષણ આપ્યું. 1851માં આ જ ભાષણ એમણે છપાવીને પ્રગટ કર્યું અને ગુજરાતી ભાષાને એનું પ્રથમ ગદ્ય પ્રાપ્ત થયું.
1852માં નર્મદે રાંદેરની શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. સર્જનસાધના ચાલુ જ હતી. એક વાર એક કડિયાને છંદોબદ્ધ કાવ્ય ગાતો સાંભળી નર્મદે પૂછ્યું, ‘આવું ગાન ક્યાંથી શીખ્યા?’ કડિયો કહે, ‘મારી પાસે એક છંદરત્નાવલી નામનું પુસ્તક છે, એમાંથી.’ ‘મને એ જોવા આપશો?’ ‘હું કોઈને એ આપતો નથી. પણ તમે મારે ઘેર આવીને જોઈ શકો, નોંધવું-લખવું હોય તો એ પણ કરી શકો.’ નર્મદે તેમ કર્યું. જે લખે તેના પર વિચાર કરે. શબ્દો વિષે, અર્થો વિષે, પર્યાયો વિષે વિચારે. આ પરથી ગુજરાતીનો પ્રથમ શબ્દકોશ ‘નર્મકોશ’ તૈયાર થયો.
23માં વર્ષે કાવ્યરચનાની શરૂઆત કરી. કાવ્યોને ઉત્કૃષ્ટ બનાવવાની લગની એમને પ્રતિષ્ઠા અપાવતી ગઈ. શાળાની ‘સાડાદસથી પાંચ લગી કાહૂકાહૂ થાય’ એવી નોકરી નર્મદે 1858માં કોઈને જણાવ્યા વગર છોડી – ‘કલમ, તારે ખોળે છઉં.’ સમાજસુધારાની પણ નવી પ્રેરણાઓ મળતી ગઈ. ‘કન્યાકેળવણી’ એ ગાળાનો એક ગ્રંથ છે. હિન્દુ ધર્મના કુરિવાજો અને અંધશ્રદ્ધા જોઈને લખાયેલો ‘હિન્દુઓની પડતી’ ગ્રંથ તો સુધારાનું બાઇબલ ગણાય છે. નર્મદમાં ટેક અને મક્કમતા ભરપૂર હતી – ‘ડગલું ભર્યું કે ના હઠવું’.
1856માં તેમણે તત્ત્વશોધક સભાની સ્થાપના કરી. વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું એટલું જ નહીં, એક વિધવા સાથે લગ્ન પણ કર્યાં. સુધારાના વિચારો રજૂ કરવા ‘ડાંડિયો’ નામનું પાક્ષિક શરૂ કર્યું. ડાંડિયો એટલે પ્રહરી. તેનો પહેલો અંક 1 સપ્ટેમ્બર 1864માં પ્રગટ થયો હતો. આ અંકના પહેલા પાને ડાંડિયો એટલે શું તે સમજાવતી પંક્તિઓ મૂકેલી હતી : ‘અમાશ નિશ ઘનઘોરમાં ચોરીધાડનો ભોય, ઘરમા વસ્તી દિપકની ને બહાર ડાંડિયો હોય’ કુરિવાજોના અંધકારમાં ઘેરાયેલા સમાજને જગાડવા માટે લખાતા ‘ડાંડિયો’ના લેખોએ નર્મદને સુધારાના સેનાનીનું બિરુદ અપાવ્યું.
‘વીરસિંહ’ નામની કૃતિ માટે નર્મદે વીરવૃત્ત નામનો નવો છંદ પ્રયોજ્યો. ‘વીરસિંહ’ને નર્મદે મહાકાવ્ય તરીકે રચવા ધાર્યું હતું. એ મહેચ્છા અધૂરી રહી, પણ વીરવૃત્તના જનક તરીકે નર્મદ પ્રસિદ્ધ થયો. ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે, યાહોમ કરીને પાડો ફત્તેહ છે આગે’ આ જ છંદમાં છે. જન્મભૂમિ ગુજરાતનું ગૌરવ ગાતું એમનું કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત’ આજે પણ મન મોહી લે છે. નર્મદ એમના સમય કરતાં ઘણા આગળ હતા. દેશાભિમાન, સ્વતંત્રતા, સ્વરાજ જેવી ભાવનાઓ ગાંધીયુગમાં પ્રચલિત બની એ નર્મદે એનાથી વર્ષો પહેલા સેવી હતી.
નર્મદે મધ્યકાળની ભક્તિકવિતાથી જુદા પડી કાવ્યનાં અનેક સ્વરૂપો લોકો સમક્ષ ઊઘાડ્યા. ગુજરાતી ગદ્યને ઘડવામાં પણ તેમનો સિંહફાળો છે. ‘રસપ્રવેશ’, ‘અલંકારપ્રવેશ’, ‘પિંગળપ્રવેશ’, ‘નર્મદવ્યાકરણ’ જેવા કાવ્યશાસ્ત્રીય ગ્રંથોનું ઐતિહાસિક મહત્ત્વ છે. ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા ‘મારી હકીકત’નું નિખાલસ આત્મપૃથક્કરણ અને નિર્ભીક સત્યકથન નર્મદને ગાંધીજીના સમર્થ પુરોગામી બનાવે છે. ગુજરાતી ભાષાના ગૌરવ અંગે નર્મદ ઘણા જાગૃત હતા અને ગજગ્રાહમાં પણ ઊતરતા. પોતાની કવિતાની યોગ્યતા દર્શાવવા તેઓ દલપતરામ સાથે સ્પર્ધામાં ઊતર્યા હતા અને આ સ્પર્ધા અંગત માનસન્માનનો વિષય ન બને તે માટે સજાગ રહ્યા હતા. પોતાના ઘરનું નામ એમણે ‘સરસ્વતીમંદિર’ રાખ્યું હતું.
પશ્ચિમનાં કાવ્યોના પરિશીલનથી નર્મદ શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપનાને મહત્ત્વ આપતા. એમનો ‘જોસ્સો’, અર્વાચીન ઊર્મિકાવ્યનો પ્રારંભ, પ્રકૃતિ-પ્રણય જેવા નવા વિષયો, સંસારસુધારો અને દેશાભિમાન નર્મદની બહુ મોટી વિશેષતા હતાં. તેઓ ખૂબ પ્રવાસો કરતા. વર્ડઝવર્થના પ્રકૃતિકાવ્યોથી પ્રેરાઇને નર્મદે બ્રહ્મગિરિ નામનું સુંદર કાવ્ય લખ્યું છે : ‘ચોપાસ સંધુ સૂનકાર લાગે, વચ્ચે ઝરાના મૃદુ શબ્દ થાયે, લહેરો વળી વાયુની મંદ આવે, જોઉં રૂડો ડુંગર પૂર્ણ ભાવે’.
પણ આર્થિક મુશ્કેલીઓ ઓછી ન હતી. 1882માં પચીસ વર્ષના સંઘર્ષ બાદ મિત્રોની ભલામણથી ગોપાલદાસ તેજપાલ પાઠશાળામાં નોકરી અને કાઠિયાવાડ ગૅઝેટિયરના ભાષાંતરનું કામ સ્વીકારતી વખતે નર્મદની આંખમાં આંસું હતાં. પ્રતિજ્ઞા તોડવી પડી એના આઘાતમાં તેઓ ત્યાર પછી બહુ લાંબુ જીવ્યા નહીં. 1886ના ફેબ્રુઆરીમાં 52 વર્ષની વયે એમનું અવસાન થયું. ઉત્તરવયે તેઓ સુધારાની પ્રવૃત્તિઓ છોડી ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાન તરફ વળ્યા હતા.
‘અવસાનસંદેશ’ એ નર્મદની અદ્દભુત રચના છે. પોતાના મૃત્યુ પછી શોક ન કરવાનો એમાં સંદેશ છે : ‘નવ કરશો કોઈ શોક, રસિકડા … યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી’ પોતાના વીરત્વ, સત્ય, રસિક્તા અને ટેક વિષે કેટલો સાચો આત્મવિશ્વાસ! એથી જ તો એમનો જન્મદિન વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઉજવાય છે.
ન ભૂલીએ કે ગુજરાતી ભાષામાં ગુજરાતની સંસ્કૃતિની, ગુજરાતી જીવનશૈલીની અને ગુજરાતની ઊર્જાની સુગંધ છે. ગુજરાતી ભાષાને પ્રેમ કરવો એટલે અન્ય ભાષાઓને ઊતરતી ગણવી એવો અર્થ બિલકુલ નથી થતો. ગુજરાતી ભાષાને પ્રેમ કરવો તેનો અર્થ એવો થાય છે કે તેનાથી અળગા ન થવું. બાકી એકથી વધુ ભાષામાં પારંગત હોવું એ તો બૌદ્ધિક વિકાસનું સૂચક છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 ઑગસ્ટ 2024