જીવન–સ્વીકૃતિ, જીવન–સ્વીકૃતિ વિશે પ્રશ્ન, સમ્પૂર્તિ
સૌ પહેલું તો એ કે ઉમાશંકર જીવન-સ્વીકૃતિના કવિ છે. નિષેધ એમના વ્યક્તિત્વમાં જવલ્લે જ જોવા મળે. કલા-સ્વીકૃતિ એમનામાં જીવન-સ્વીકૃતિના એક સંવિભાગ રૂપે મ્હૉરે છે. જીવનનો અર્થ ઉમાશંકરમાં આજ દિન લગીનું મનુષ્ય-જાતિનું જીવન થાય છે. માનવસંસ્કૃતિનું જાણે છેલ્લી ક્ષણ સુધીનું સ્વારસ્ય એમની જીવન-પ્રેરણા તેમ જ કાવ્ય-પ્રેરણાનો એક એવો આધાર છે જેને આપણે એમની સાહિત્યસૃષ્ટિ અને સાહિત્યપ્રવૃત્તિ માત્રનું અકાટ્ય પરિમાણ ગણી શકીએ.
જીવનપરક વસ્તુતત્ત્વ અથવા કવિની એ વિશેની વેદનશીલતા રચનાસિદ્ધિનું બળ છે. એ બળ કવિમાં મૉડે લગી વિસ્તર્યું છે, ઘણું બધું વિલસ્યું પણ છે. આ પ્રથમ વર્તુળમાં, એ બળ અનેક રચનાઓમાં વરતાય છે, અને એમ માનવાને પ્રેરે છે કે ઉમાશંકરની સમગ્ર કવિતા એ બળથી દોરવાતી રહી છે. જો કે, એમના કવિ-જીવનમાં જીવનતત્ત્વનો ધક્કો જ્યારે ત્યારે કાવ્યમાધ્યમ, શૈલી, પદ્ધતિ, મિજાજ, વગેરેને બદલી નાખતો ક્રાન્તિકર પણ પુરવાર થયો છે.
એટલે ઉમાશંકરને કશો ધીંગો કલા-વ્યામોહ પ્રગટાવનારા કલાકાર તરીકે ઘટાવવા જતાં, ભૂલ થશે. એ જીવન-કલાના કવિ છે. જીવનના સ્વીકારનું એક પરોક્ષ પરિણામ એ કે ઉમાશંકર ગાંધી-પ્રણિત માનવતાવાદની ભારતીય મુદ્રા પ્રગટાવતી, માનવ્યનો પુરસ્કાર કરતી, માનવ્યને દૃઢાવતી, કવિતા રચી શક્યા છે, જેથી તેઓ આપણને સંસ્કૃતિના કવિ ભાસે છે.
પણ, કલા ખરેખર તો માનવસંસ્કૃતિથી ઊફરી જઇને પોતાને સિદ્ધ કરતી વસ્તુ છે, તેથી કલાકાર વિદ્રોહશીલ અને નિષેધમૂલ સર્જકતા વડે જ પોતાની પ્રવૃત્તિનું સત પ્રગાવી શકે, એવી એક હકીકત સુવિદિત છે. અ-પૂર્વ સર્જન કરવામાં તત્સમવૃત્તિ કે પુરસ્કારોમાં રાચતી સમર્થનવૃત્તિ કલાકારને વ્યવધાનરૂપ લાગતી હોય છે. એવા સંજોગોમાં, કવિ કે કલાકારને પોતાની શ્રદ્ધાઓમાં કે પોતાના આશાવાદમાં કશીક ને કશીક શંકા ન પડે તો જ નવાઈ. આજે કોઈપણ કલાકાર સંસ્કૃતિના વૈતાલિકની ભૂમિકાએ ટકી શકતો નથી, સભ્યતાને હમેશાં બિરદાવી શકતો નથી.
“સમગ્ર કવિતા” દર્શાવે છે કે પરમ્પરાઓ અને તેને વિશેની પોતાની વિધ વિધની શ્રદ્ધાઓમાં ઉમાશંકરે તિરાડ પડતી અનુભવી છે. પરિણામે, એમની કવિતામાં રંગદર્શીતાથી વાસ્તવવાદની દિશાનો અને તે પછી આધુનિકતાની દિશાનો ઉઘાડ જનમી આવ્યો છે; અને ત્યારે લાગશે કે એ પ્રત્યેક સ્થિત્યન્તર નાની-મોટી આત્મસમીક્ષામાંથી આવિર્ભાવ પામ્યું છે, પ્રત્યેક વખતે શ્રદ્ધા વિશે આછી-ઊંડી શંકા ઉદ્ભવી છે અને પરમ્પરાનો ત્યાગ કરવાનું બન્યું છે. જુઓ, પ્રારમ્ભે મુકાયેલો ‘મંગલ શબ્દ’ ઉમાશંકરની શ્રદ્ધાનું અધિષ્ઠાન હતો, પ્રારમ્ભબિન્દુ, પણ ‘છેલ્લો શબ્દ’, અન્તિમ બિન્દુ. તેઓ મૌનને કહેવાનું કહે છે. એ બે બિન્દુથી રચાતા સુદીર્ઘ વિકાસપટ પર સંભવ છે કે અનેક ઊથલપાથલોની વૈયક્તિક અનુભૂતિઓ જનમી હશે.
જો કે, એ પછી પણ, કલાકારે પોતાની કલાસૃષ્ટિને સ્વકીય ભૂમિકાએ પૂરી કરી આપવાની હોય છે. થાય કે ન થાય એ જુદી વાત છે. એવી સમ્પૂર્તિ વિના, એટલે કે, ઍકમ્પ્લીશમૅન્ટ વિના, એની વાત અધૂરી રહી જતી હોય છે. જીવનની અનેકાનેક ગતિવિધિઓ વચ્ચે એની કલાએ પોતાની સત્તા પર ઊભા રહીને એ કરવાનું હોય છે. કેમ કે સ્વીકૃતિ પણ પોતાની છટાઓ કે વ્યામોહો વડે કલાસૃષ્ટિનો અતિશય ઊભો કરતી હોય છે, કલાસૃષ્ટિને એ એકાંગી અને પક્ષીલ અધૂરપોમાં છોડી દેતી હોય છે. એ અધૂરપોનું કલાકારે પોતાની સર્જકતાથી નિરસન કરવાનું હોય છે. પરિણામે, એના સમર્થ સર્જનપુરુષાર્થને કારણે, સૃષ્ટિ અને માનવસંસારનું સર્વાંગસુન્દર કાવ્યકલ્પન – પોએટિક ઇમેજ – કે મૅટાફર રચાય છે. અને એ સ્વરૂપે એની કલાને સમ્પૂર્તિ લાધે છે.
ઉમાશંકરની છેલ્લા દાયકાએકની કવિતામાં આ સ્વરૂપની સમ્પૃ્ર્તિ તરફનું પ્રયાણ છે. એમાં, નાનીમોટી બધી જ ક્રાન્તિઓ પછીનો ઉપશમ છે. એમાં, કાવ્યશ્રી પોતે જ વિલસવા માગે છે. એમાં, સત્ય હવે શોધનું પરિણામ છે અથવા શોધ રૂપે છે.
સત્તરેક વર્ષની ઉમ્મરે ઉમાશંકરે પહેલું કાવ્ય કર્યું હતું. તેની ફળશ્રુતિ રૂપે એમને ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમૅળે’-નો કવિને કે કલકારને જ મળવો ઘટે એવો મન્ત્ર લાધ્યો હતો. પરન્તુ ૧૯૨૮-ની એ સાલ પછીનાં ત્રણ જ વર્ષમાં, ૧૯૩૧-માં, તેઓ “વિશ્વશાન્તિ” લઈ ગુજરાતી કવિતાજગતમાં પ્રવેશ્યા, અને ત્યારે, એમની પાસે જે મન્ત્ર હતો તે તો ‘દૂરથી’ આવતો ‘મંગલ શબ્દ’ હતો, ‘ચેતનમન્ત્ર’ હતો.
એ બે મન્ત્રની શક્તશાળી હિલચાલોને ઉમાશંકરની કવિસંવિદે જાણી છે, પ્રમાણી છે, અને તેનાં અનુધાવનો રૂપે એમની કલાસૃષ્ટિ પાંગરતી રહી છે. સમ્પૂર્તિ એમાં મનનીય ઘટના છે.
(ક્રમશ:)
(25 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર