આજે કૃષ્ણાષ્ટમી ! કૃષ્ણનો 5,251મો જન્મોત્સવ દ્વારિકામાં આજે ઉજવાવાનો છે. એ જાણીને આનંદ એટલે થયો કે કૃષ્ણને 5,250 વર્ષ થયાં. ઘણાંને એવી શંકા છે કે રામ, કૃષ્ણ વગેરે થયા છે કે એ કેવળ કાલ્પનિક છે? આવાં કાલ્પનિક પાત્ર હોય તો પણ, વાલ્મીકિ અને વ્યાસને દંડવત્ જ કરવાં પડે, કારણ કલ્પના કરીને ય આવાં અદ્દભુત પાત્રો સર્જવાનું સરળ નથી. કૃષ્ણના હોવાને 5,250 વર્ષ થયાં. ન હોવાને તો 5,250 વર્ષ કેવી રીતે થાય? વળી, રામાયણ વાલ્મીકિએ સર્જ્યુ હોય તો એનો રામ કાલ્પનિક નથી, કારણ રામના પુત્રો લવકુશના ઉછેરમાં સ્વયં વાલ્મીકિ હાજર છે. જો લવકુશ હોય તો રામ પણ હોય જ ને ! એવી જ રીતે વ્યાસ પોતે મહાભારતમાં પાત્ર તરીકે ઉપસ્થિત છે, એટલું જ નહીં, કૌરવકુળનું પિતૃત્વ પણ એમણે સ્વીકાર્યું છે. સર્જક પોતે ઉપસ્થિત હોય ને ધૃતરાષ્ટ્રનું પિતૃત્વ સ્વીકારતા હોય તો ગાંધારી, શકુનિ, દુર્યોધન … કાલ્પનિક હોય? દુર્યોધન હોય તો પાંડવો પણ હોય. પાંડવો હોય તો અર્જુન પણ હોય. અર્જુન હોય તો કૃષ્ણ કેમ ન હોય? એણે જ તો અર્જુનને ગીતા કહી છે. ગીતા આજે પણ પુસ્તક તરીકે ઉપલબ્ધ હોય ને એ જો અર્જુનને કહેવાઈ હોય તો એ કહેનાર કૃષ્ણ સિવાય બીજું કોણ હોય? આ પછી પણ કોઈ દલીલો કરીને રામને કે કૃષ્ણને કાલ્પનિક ઠેરવે તો મને કશો વાંધો નથી, હા, મારી આ મહાનુભાવોના હોવા વિષે જરા પણ શંકા નથી, પૂરી પ્રતીતિ છે.
કૃષ્ણ વિષે જ્યારે પણ વિચારું છું, મને ધરવ નથી થતો. એને પૂર્ણ પુરુષોત્તમ કહ્યો છે ને મને તો એનો જ આનંદ છે. પોતે અવતાર છે એટલે દેવત્વ ન હોય એવું તો કેમ બને? પણ, મને એનું મનુષ્યત્વ વિશેષ ખેંચે છે. કૃષ્ણમાં કૃષ્-નો અર્થ ખેંચવું પણ થાય છે. એ કૃષિ સંદર્ભે હોય તો પણ, કૃષ્ણમાં સહજ આકર્ષણ છે. જન્મ માટે એ મધરાત પસંદ કરે છે ને સ્થાન કારાગાર ! નબળામાં નબળો જીવ પણ આવી પસંદગી ન કરે. વારુ, જન્મતાં જ માબાપનો વિરહ વેઠ્યો ને પાલક માતાપિતા સાથે અજાણતાં જ ગોઠવવાનું થયું. મધરાતે જન્મ્યા પછી મથુરાની સવાર પણ કૃષ્ણ જોવા નથી પામતો. રાતોરાત ગોકુળ પહોંચે છે, એક એવો આદર્શ સ્થાપવા કે પાલક માતાપિતા પણ સગાં માબાપથી રજ માત્ર ઊતરતાં નથી. અહીં જ એ બતાવે છે કે ઘરનાં ઘંટી ચાટે એ ન ચાલે. ગામનું ગોરસ મથુરા ભરાય અને ગોકુળ દૂધ વગરનું રહે તો નંદ ઘેર આનંદ ભયો – કહેવાય કેવી રીતે? એટલે જ એણે ગોપીઓની મટકી ફોડી જેથી ગામની બહાર કશું જાય નહીં. એ રીતે ગોપાલનનો મહિમા બાલ ગોપાલે કર્યો. અહીં જ એક એવો પ્રણય વિકસ્યો જે લગ્નમાં ન પરિણમ્યો, પણ મંદિરોમાં સ્થપાયો.
રાધા હતી જ નહીં, એવું પણ કહેવાય છે, પણ એવું હોય તો પણ કલ્પના કેટલાં બધાં મંદિરોમાં સાકાર થઈ છે તે કેમ ભૂલાય? ગોકુળમાંથી બે પ્રતીકો કાનાએ ઉપાડ્યાં. મોરપિચ્છ અને વાંસળી. એ પછી એક્કે મોરપિચ્છ એવું ખર્યું નથી, જેણે કૃષ્ણનું સ્મરણ ન કરાવ્યું હોય. એ જ રીતે વાંસની એણે વાંસળી કરી. વાંસળી નામ પડતાં જ રાધા-કૃષ્ણનું એકત્વ પ્રગટ થયા વિના રહેતું નથી. રાધા અને કૃષ્ણને જોડનારું તત્ત્વ જ વાંસળી છે. સૂર છે. 16,108 રાણીઓ કરનારને રાધા વધારાની નથી. તે પરિણીત હતી એટલે રુક્મિણી થઈ, પણ રાધા પટરાણી ન થઈ. પણ, પ્રેમ તો હતો જ એટલે વાંસળીએ બંનેને મંદિરોમાં પણ સાથે રાખ્યાં. આમ લગ્નેતર સંબંધ સમાજ માન્ય નથી, તો તેનું મંદિર હોવાની તો કલ્પના પણ કેવી રીતે થાય? પણ, આ પ્રેમનાં મંદિરો થયાં. વૃંદાવનમાં રાસ રચાયો અને દરેક ગોપીને એનો કહાન મળ્યો. જે સમાજ માન્ય નથી, એ બધાંનું કૃષ્ણે પાવિત્ર્ય ઊભું કર્યું, તે એટલે કે જે ગોપીઓનાં તેણે ચીર હર્યાં, તેનું સાટું તેણે દ્રૌપદીનાં ચીર પૂરીને વાળ્યું.
રાધા-કૃષ્ણનાં પ્રેમનો અર્થ જ ચિર વિરહ છે. ગોકુળ છૂટે છે, એ સાથે જ રાધા પણ છૂટે છે. એ સતત વિરહથી જોડાયેલાં છે, એટલે જ મંદિરોમાં છે. રુક્મિણી પટરાણી છે એટલે દ્વારિકાનાં સામ્રાજ્ય પૂરતી સીમિત છે. દ્રૌપદી પ્રેમિકા નથી, સખી છે. આ સખ્યને પરિણામે જ દ્રૌપદી પાંડવોની પત્ની બને છે ને બહુ પતિત્વ આમ તો ટીકાને પાત્ર ઠરે, પણ પાંડવો વચ્ચેનો સંપ એને લીધે જ જળવાઈ રહ્યો ને એ કૃષ્ણે શક્ય બનાવ્યું. કૃષ્ણ અવતારી પુરુષ છે, છતાં ક્યાં ય છવાઈ જતાં નથી. દરેકને પોતાની ભૂમિકા ભજવવા દે છે. પોતે છે તેનો ભાર બીજાને લાગવા દેતા નથી ને એ સાથે જ પોતે ન હોય તો પાંડવો ક્યાંયના ન રહે તે સ્થિતિ પણ ઊભી થાય છે, ખાસ કરીને દ્યૂતસભામાં. કૃષ્ણ હોત તો પાંડવોનો વનવાસ ટળ્યો હોત, પણ દ્યૂતથી પાંડવોએ વેઠવાનું આવ્યું. ત્યાં પણ કૃષ્ણ દખલ કરતાં નથી. વનવાસ દરમિયાન પણ જેને તેને પોતાનું કર્તવ્ય બજાવવા દે છે.
કૃષ્ણ એટલે જ કર્તવ્ય !
મહાભારત યુદ્ધમાં કૃષ્ણ શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા કરે છે ને અર્જુન કુરુક્ષેત્રમાં શસ્ત્રો હેઠાં મૂકી દે છે, તો તેને ગીતા ઉપદેશીને શસ્ત્ર ઉપાડવા ફરજ પણ પાડે છે. યુદ્ધમાં અહિંસાનો મહિમા પોતે કરે છે, પણ રાજસૂય યજ્ઞને અંતે અર્ઘ્ય અર્પવા બાબતે શિશુપાલ કૃષ્ણનું અપમાન કરે છે તો તેનો, 100 ગાળ સાંભળીને, સુદર્શન ચક્રથી વધ કરે છે. આવું ન કર્યું હોત તો શિશુપાલ વધુ વકર્યો હોત અને અન્ય રાજાઓ જે યુધિષ્ઠિરનું આધિપત્ય સ્વીકારી ચૂક્યા હતા તેમની વચ્ચે વિખવાદ થયો હોત. આમ કૃષ્ણે બધું પોતાને માટે કર્યું હોય એવું લાગે, પણ એમાંનું કશું પણ પોતાને માટે કર્યું નથી. મહાભારતનાં યુદ્ધ પછી અર્જુનને તો કૈંકે મળવાનું હતું, પણ કૃષ્ણને તો કૈં મળવાનું ન હતું, છતાં તે અર્જુનની સાથે રહે છે, કારણ તે સત્યને પક્ષે હતો. યુદ્ધને અંતે એ સ્થિતિ સર્જાય છે કે તેના પોતાના યાદવ કુળમાં કૃષ્ણ તરફી ને કૃષ્ણ વિરોધી એવાં જૂથ પડી ગયાં હતાં. એટલે કૃષ્ણ માટે તો આ યુદ્ધ કોઈ રીતે લાભદાયી ન હતું.
જો કે, કૃષ્ણે યુદ્ધને અટકાવવા શક્ય તે તમામ પ્રયત્નો કરી જોયા. કૃષ્ણ વિષ્ટિ માટે નીકળે છે તો કૃષ્ણા પૂછે છે કે યુદ્ધ ટાળવા જાવ છો? તો કૃષ્ણ કહે છે કે હું ટાળું તો ય દુર્યોધન તે ટળવા નહીં થવા દે. એમ જ થાય છે. સોયની અણી જેટલી જમીન પણ દુર્યોધન આપવા તૈયાર નથી ને દૂત થઈને ગયેલા કૃષ્ણને બંદી બનાવવાની ચેષ્ટા કરે છે. અહીં કૃષ્ણને વિરાટ રૂપ પ્રગટ કરવાની ફરજ પડે છે. છે ને આશ્ચર્ય કે અહીં વિરાટરૂપ યુદ્ધ રોકવા કૃષ્ણ પ્રગટ કરે છે ને કુરુક્ષેત્રમાં વિશ્વરૂપ, યુદ્ધનો પ્રારંભ થાય એટલે પ્રગટ કરે છે. એવું જ બ્રહ્માંડ દર્શન તે માતા યશોદાને પણ કરાવે છે, તે એટલે કે પુત્રની શક્તિથી તે પરિચિત થાય ને આસુરી પરિબળોથી ભયભીત ન રહે.
યુદ્ધ રોકવાના છેલ્લા પ્રયત્ન રૂપે કૃષ્ણ, કર્ણને પાંડવોના પક્ષે લાવવા મથે છે. દુર્યોધને દૂત જોડે કરેલા વ્યવહારની ક્ષમા માંગવા કર્ણ, કૃષ્ણ પાસે આવે છે તો કૃષ્ણ, કર્ણને પહેલી વખત સ્પષ્ટ કરે છે કે તે કુંતીનો કૌમાર્ય અવસ્થામાં થયેલો પુત્ર છે. તે જો પાંડવોને પક્ષે આવી જાય તો આ યુદ્ધ ટળે. બીજું, તે પાંડવોના જ્યેષ્ઠ બંધુ તરીકે રાજગાદીનો અધિકાર મેળવે, એટલું જ નહીં, આપોઆપ જ દ્રૌપદી પણ તેને મળે. જરા પણ પૂછ્યા વગર દ્રૌપદીનો સોદો કરવાનું જોખમી હતું, છતાં કૃષ્ણે યુદ્ધ રોકવા એ પણ કરી જોયું, પણ કર્ણ, દુર્યોધનને છેહ દેવા રાજી નથી. કુંતી પોતે પાંચ પુત્રો ખંડિત ન થાય એ માટે કર્ણ પાસે માતાનો હક કરતી આવે છે તો કર્ણ કહે છે કે હું અર્જુન સિવાય કોઈને હાનિ નહીં પહોંચાડું. અર્જુન નહીં રહે તો પાંચમા પુત્ર તરીકે હું રહીશ ને હું ન રહું તો પાંચના પાંચ તો રહેશે જ !
યુદ્ધ વખતે કર્ણનું રથચક્ર જમીનમાં ધસે છે તો કૃષ્ણ જ અર્જુનને બાણ મારવાનો આદેશ આપે છે, તો કર્ણ યાદ અપાવે છે કે નિ:શસ્ત્ર પર વાર કરવો યુદ્ધના નિયમની વિરુદ્ધ છે, તો કૃષ્ણ પૂછે છે કે અભિમન્યુને અધર્મથી માર્યો તે નીતિયુક્ત હતું? એ જ રીતે ભીમ નિયમ વિરુદ્ધ દુર્યોધનની સાથળ પર ગદા મારે છે, તે પણ કૃષ્ણના ઇશારે, તો થાય કે એ ઠીક હતું? એનો જવાબ એ કે દુર્યોધને જીવનભર નિયમથી એકે કામ કર્યું જ ન હોય તો કેવળ અધર્મ સામે સતત ધર્મ ન શોભે. એવે વખતે પાઠ ભણાવવો એ કૃષ્ણની નીતિ છે. શિશુપાલનો વધ કરનાર ગાંધારીનો શાપ નતમસ્તક માથે ચડાવે છે ને યાદવ કુળનો નાશ કૃષ્ણના અંતનું કારણ પણ બને છે.
સામાન્ય માણસ પણ ન સ્વીકારે એવું મૃત્યુ કૃષ્ણ સ્વીકારે છે. યુદ્ધોના થાક અને કુળના સર્વનાશથી પીડિત કૃષ્ણ અશ્વત્થ નીચે વિશ્રામ કરે છે. પગની પાની જોઈને હરણ છે એવું માની બેઠેલો પારધી તીર મારે છે તે દેહોત્સર્ગનું કારણ બને છે. પરમ આશ્ચર્ય તો એ વાતનું છે કે પગમાં તીર વાગવાથી કોઈ સામાન્ય માણસ પણ ન મરે, તો કૃષ્ણ એટલાથી મરણ પામે એવું કઈ રીતે બને? પણ, એ દિવસે એક જીવ જ્યોતિ થયો ને એ આજે ય પ્રકાશે છે ને અનંતકાળ સુધી ઝળહળશે એવી અખૂટ શ્રદ્ધા છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ઑગસ્ટ 2024