
રાજ ગોસ્વામી
અમેરિકાના 33મા રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેનનું એક નોંધપાત્ર કથન છે : નોટ ઓલ રીડર્સ આર લીડર બટ ઓલ લીડર્સ આર રીડર્સ. આ કથનમાં, ટ્રુમેન વાંચવાની ટેવનું મહત્ત્વ સાબિત કરવા માંગતા હતા; એટલું જ નહીં, ખાસ તો તેઓ એમ સાબિત કરવા માંગતા હતા કે એક લીડર ત્યારે જ એક અચ્છો લીડર ગણાય જ્યારે તે પુસ્તકો વાંચવાનો શોખીન હોય – જે વાંચે જે તે બધા લીડર નથી હોતા, પણ જેટલા લીડર છે તે બહુ સારા વાચક જરૂર હોય છે.
લીડર્સ અચ્છા રીડર્સ હોય છે કારણ કે તેઓ જાણે છે તેમના પહેલાં જીવન જીવી ગયેલા લોકો પાસેથી ઘણું શીખવાનું છે. તેઓ એ પણ જાણે છે કે ઇતિહાસ ખુદને અલગ રંગ અને રૂપમાં દોહરાવે છે. જે અતીતમાંથી બોધપાઠ શીખે છે તે જ નવા ભવિષ્યની કલ્પના કરી શકે છે. જે નથી શીખતા તે અતીતને દોહરાવે રાખે છે. અમેરિકન ફિલોસોફર જ્યોર્જ સંતાયાનાએ કહ્યું હતું તેમ, “જે લોકો ઇતિહાસને યાદ રાખી શકતા નથી તેઓ તેનું પુનરાવર્તન કરવા માટે મજબૂર છે.”
ભારતના 78મા સ્વતંત્રતા દિવસના પાંચ દિવસ પહેલાં, 10મી ઓગસ્ટે, અવસાન પામેલા કુંવર નટવર સિંહ એ અર્થમાં ખાલી લીડર નહોતા, પણ એક અચ્છા રીડર હતા. 31 વર્ષ સુધી કૂટનીતિક ક્ષેત્રે સેવા આપ્યા બાદ કાઁગ્રેસ પાર્ટી તરફથી સાંસદ અને 2004-5માં વિદેશ પ્રધાન બનેલા નટવર સિંહને લખવા-વાંચવાનો બહુ શોખ હતો. તેમના અંગત પુસ્તકાલયમાં 10,000થી વધુ પુસ્તકો હતાં અને તેમની મોટા ભાગની સાંજ પુસ્તકો વચ્ચે પસાર થતી હતી. તેમને 14 ભાષાનું જ્ઞાન હતું.
તેમણે માત્ર એક વિદ્વાનની આંખોથી જ નહીં, પરંતુ એક કવિના હૃદયથી પુસ્તકો પણ વાંચ્યાં હતાં અને મહાન કૃતિઓમાંથી પોતાના માટે પ્રેરણા અને સાંત્વના મેળવી હતી. લેખિત શબ્દ માટેના આ પ્રેમનો વારસો તેમણે ઘણા નવોદિત લેખકોને આપ્યો હતો. છેલ્લે છેલ્લે તો તેમણે રાહુલ ગાંધીને પણ બે જીવનચરિત્રો વાંચવા માટે આપ્યાં હતાં.
નટવર સિંહે ધ લેગસી ઓફ નેહરુઃ અ મેમોરિયલ ટ્રિબ્યુટ, માય ચાઇના ડાયરી-1956-88, મહારાજા સૂરજમલ હિઝ લાઇફ એન્ડ ટાઇમ્સ સહિત અનેક પુસ્તકો પણ લખ્યાં છે. તેમની આત્મકથા ‘વન લાઇફ ઇઝ નોટ એનફ’ને લોકોએ પસંદ કરી હતી.
ભારતીય રાજનીતિમાં, પુસ્તકોના શોખીન નેતાઓની પ્રજાતિ ઘટતી જાય છે, અને નટવર સિંહ તેના આખરી વારસ પૈકીના એક હતા. તેમણે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલ, અજમેરની મેયો કોલેજ તેમ જ દિલ્હી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ચીનની પેકિંગ યુનિવર્સિટીમાં સ્કોલર હતા.
કે. નટવર સિંહ એક એવી વ્યક્તિ હતા જેમણે કૂટનીતિ અને રાજકારણના ક્ષેત્રમાં તો પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ જ્યારે તેમણે લેખનના ક્ષેત્રમાં હાથ અજમાવ્યો, ત્યારે તેમને ત્યાં પણ ઘણી પ્રશંસા મળી હતી. આ ગુણો ઉપરાંત, તેમના વ્યક્તિત્વની વિશેષતા તેમની હાજર જવાબી અને નિખાલસતા હતી, જેનાથી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી.
તેનો એક શરૂઆતી કિસ્સો છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સ્નાતક થયા પછી, નટવર ઇંગ્લેન્ડના કેમ્બ્રિજમાં ગયા હતા. વિમાનમાં તેઓ નહેરુના નજીકના સહયોગી કૃષ્ણ મેનનને મળ્યા હતા. તેમણે નટવરને સિવિલ સર્વિસિ ઇન્ટરવ્યૂ માટે ઘણી ટીપ્સ આપી હતી. નટવરે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને ભારતીય વિદેશ સેવા માટે પસંદગી પામ્યા.
વડા પ્રધાન નેહરુએ વિદેશ સેવા માટેના તમામ પ્રોબેશનરોને મળવા માટે બોલાવ્યા હતા. નટવર તેમના ભત્રીજાઓના મિત્ર હતા, એટલે તેઓ નહેરુને અનોપચારિક રીતે જાણતા હતા. એકબીજાના હાલચાલ પૂછ્યા પછી નહેરુએ નટવરને ચીન અંગે પ્રશ્ન પૂછ્યો હતો : શું આપણને ચીનથી જોખમ છે? નટવર સિંહે કૂટનીતિક પ્રશ્નનો જવાબ હોંશિયારીથી આપ્યો હતો : હા અને ના, તમારો પડોશી તમારો સૌથી સારો મિત્ર બની શકે છે અને સૌથી ખરાબ દુ:શ્મન પણ. નહેરુ આંખોમાં એક તોફાની ચમક સાથે બોલ્યા હતા, “તમે મને ચાણક્ય નીતિ શીખવી રહ્યા છો, નટવર?”
બીજા એક કિસ્સામાં, પાકિસ્તાનમાં તેમની પોસ્ટિંગ દરમિયાન, ત્યાંના લશ્કરી સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હકે એક દિવસ નટવર સિંહને કહ્યુંઃ “કુંવર સાહેબ, કાશ્મીર અમારી નસમાં લોહીની જેમ વહી રહ્યું છે.”
નટવરે સામે જવાબ આપ્યો હતો, “જનરલ સાહેબ, તમે તો લોહીની વાત કરો છો. કાશ્મીર અમારા અસ્થિમજ્જા(બોન મેરો)નો ભાગ છે.”
એ બેઠકમાં હાજર લોકોનું કહેવું છે કે નટવર સિંહનો જવાબ સાંભળીને ઝિયા હક્કાબક્કા થઇ હતા. હકીકતમાં બંને એકબીજાને ઓળખતા હતા. બંને સાથે અભ્યાસ કરતા હતા. જનરલ ઝિયા-ઉલ-હક અને નટવર સિંહ વચ્ચે તેમના વિદ્યાર્થીઓના દિવસો વખતથી જ ગરમાગરમી હતી. બંને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજના વિદ્યાર્થીઓ હતા. એટલા માટે જ્યારે સેન્ટ સ્ટીફન્સની એક ટીમે પાકિસ્તાનની મુલાકાત લીધી, ત્યારે ત્યાંના શિક્ષકો અને વિદ્યાર્થીઓને જનરલ ઝિયાએ ભવ્ય ભોજન અને ઘણી ભેટો આપી હતી.
1931માં રાજસ્થાનના ભરતપુરના શાહી વૈભવમાં જન્મેલા નટવર સિંહ રીડર અને લીડર બનવાનું નસીબ લઈને જ આવ્યા હતા. નાની ઉંમરથી જ, તેમનું જીવન સન્માન અને ફરજના મૂલ્યોથી ઓતપ્રોત હતું, જે લક્ષણો તેમને પડકારજનક કારકિર્દીમાં હેમખેમ આગળ લઇ જવાનાં હતાં.
તેમણે 1953માં ભારતીય વિદેશ સેવામાં પ્રવેશ કર્યો હતો અને એવી દુનિયામાં પગ મૂક્યો હતો જે બીજા વિશ્વયુદ્ધની તબાહી અને શીત યુદ્ધની શરૂઆતથી હજુ પણ ઝઝૂમી રહી હતી. બદલાતા ગઠબંધન અને ઉચ્ચ દાવની વાટાઘાટો વચ્ચે, નટવર સિંહે પોતાને નોંધપાત્ર બુદ્ધિ અને અચળ સંકલ્પના માણસ તરીકે સાબિત કર્યા. 1983માં બિનજોડાણવાદી ચળવળ શિખર સંમેલન દરમિયાન અન્ય રાજદ્વારી મિશનમાં તેમણે કરેલાં કાર્યોએ 20મી સદીના કેટલાક સૌથી તોફાની દાયકાઓ દરમિયાન ભારતની વિદેશ નીતિના મુખ્ય ઘડવૈયા તરીકે તેમની ભૂમિકાને રેખાંકિત કરી હતી.
તેમાં, તેમની આત્મકથાએ ખાસો વિવાદ ઊભો કર્યો હતો. તેમાં તેમણે 2004માં સોનિયા ગાંધી કેમ વડા પ્રધાન ન બન્યાં તેની આંતરિક વાતો જાહેર કરી હતી.
તેમણે લખ્યું હતું, “રાહુલે માતાને વડા પ્રધાન બનતાં રોક્યા હતા કારણ કે તેને ડર હતો કે તેની દાદી અને પિતાની જેમ તેમની પણ હત્યા થઈ જશે. આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે રાહુલે કહ્યું કે તે માતાને વડા પ્રધાન બનતાં અટકાવવા માટે કોઈપણ પગલું ભરવા તૈયાર છે. રાહુલ એક મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતો માણસ છે, તેથી તે એક સરળ ધમકી નહોતી. તેણે આ નિર્ણય લેવા માટે સોનિયા ગાંધીને 24 કલાકનો સમય આપ્યો હતો. તે સમયે મનમોહન સિંહ, સુમન દુબે, પ્રિયંકા અને હું હાજર હતા. સોનિયાને જોઈને એવું લાગતું હતું કે તેઓ ખૂબ જ દુઃખી હતાં અને તેમની આંખોમાં આંસુ હતાં. એક માતા તરીકે તેમના માટે રાહુલની અવગણના કરવી અશક્ય હતી. આ જ કારણે તેઓ વડા પ્રધાન બન્યા ન હતાં.”
સોનિયા ગાંધીએ આ આરોપોને ગંભીરતાથી લીધા હતા. તેમણે તે વખતે કહ્યું હતું, “હું મારું પુસ્તક લખીશ અને પછી દરેકને સત્ય ખબર પડશે. સત્યને બહાર લાવવાનો એકમાત્ર રસ્તો લખવાનો છે. હું તેના વિશે ગંભીર છું.”
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 25 ઑગસ્ટ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર