વિભૂતિમત્ અને ઊર્જિતની આ આરાધના ઉમાશંકરમાં, પછી તો, વધુ ને વધુ ભાવે વ્યક્તિમત્-ની કવિતા બનતી આવી છે. ઉમાશંકરની સૃષ્ટિમાં, જેમ ગાંધીમાં નૂતન મનુષ્યનો સંભવ સ્ફુર્યો હતો, માત્ર સ્વાતન્ત્ર્યનો નહીં, માનવીની સર્વાંગી મુક્તિનો સંકેત વિલસ્યો હતો, તેમ હવે અધ્યાત્મનો પ્રવેશ થાય છે. જો કે પરને વિશે એ અધ્યાત્મ ઠીક ઠીક સમય લગી મુખરિત રહ્યું છે અને સ્વને વિશે અનુચ્ચરિત રહ્યું છે. ‘આત્માનાં ખંડેર’ વ્યક્તિમત્-નું કાવ્ય છે, પણ ત્યાંસુધી એમની સૃષ્ટિમાં ‘હું’-ની જાણે કશી સાવયવ પ્રતીતિ મળતી નથી.
સારસ–બેલડી — Love Sarus Crane
જેમ કે, એમનાં ચિન્તનોર્મિ અને પ્રણયોર્મિ કાવ્યો જુઓ, મોટે ભાગે સૉનેટ્સ. ૧૯૩૧-માં જ કવિને, કાવ્યનાયકને, થાય છે કે પ્રકૃતિમાં સારસબેલડીનો જે ‘મીઠો બેવડ નાદ’ (૪૧) છે, તે સુણીને, એ દામ્પત્યગાથા સુણીને, બેસી નથી રહેવાનું. એટલે પ્રશ્ન થયેલો કે ‘વ્હેવું જગે એકલ, સાથમાં વા?’ (૪૧). વાત પ્રણયની હોય છતાં ‘હું’ એ બધી પૂર્વસમયની આભાથી વિયુક્ત થયો નથી. એમનો નાયક અજંપાભરી કુણ્ઠા અનુભવે છે, દમિત ભાવ આનુભવે છે, કેમ કે એને થાય છે, પ્રણયમાં બીજાના ઉરને જીતી-વળગીને બેસી નથી રહેવાનું! નાયકને એમ પણ થાય છે કે જીવતર એક કલહ હોય અને માનવજાત પણ વ્યથિત હોય, ત્યારે પોતાને જીવવાનો જ કશો કોડ નથી. એ હૃદયદવથી પોતે તો બળે જ છે, પણ ત્યારે પ્રણયલબ્ધિને ય એક ‘સાન્ત્વના’ જ લેખે છે, જો કે, કહે છે ખરો, ‘મધ્યાહ્ને યે મને તું હૃદયદવ શમાવંતી લાધી સુજ્યોત્સના’, (૧૪૦).
કવિએ ‘પ્રણયધબક’ (૧૪૮) કાવ્યમાં, ‘પ્રણયના અણબૂઝ્યા અનલ’-ને અયુત મન્વન્તરોનો, ભૂત માત્રનો, પ્રકૃતિ સમસ્તનો વ્યાપક સંદર્ભ આપ્યો છે. દર્શાવે છે કે પ્રણયધબક તે ભૂત, વર્તમાન અને ભાવિના ‘પ્રજ્ઞામનુજયુગલોની’ રસકલા છે. પ્રણયનું એવા ઓછા વૈયક્તિક સ્વરૂપને કારણે એક દૃષ્ટિદોર ઊભો થાય છે, એક એવી ભૂમિકા રચાય છે, જે પર સમષ્ટિપ્રેમ માટેનું કાવ્ય ‘વિરાટ પ્રણય’ કવિ ખુશીથી સરજી શકે છે. ‘પ્રણયસપ્તક’-માં પત્રો, નયનો વગેરેની ભાવ-નિબિડતા ઊભી થઈ છે ખરી, પણ ત્યાંયે નાયક અફસોસ અનુભવે છે. એને થાય છે, ચોપાસ તુમુલ હિંસા છે, વિનાશ છે, ભૂખ્યાં મનુજોની ચીસો છે, ત્યારે પોતે ‘પ્રણયની બિન બજાવે છે’! જો કે, એવા સંજોગો વચ્ચે ય એ પ્રીતિની કંઈક કદર કરવા ઉદ્યુક્ત થયો છે ખરો, (૩૩૨).
‘અવર’-ની શાન્તિ કાજે સ્વના સમર્પણની આ વાત એ રીતે વ્યવધાનમુક્ત નથી થઈ શકી. એમનામાંના કવિને કવનનો પણ ખાસ મહિમા વસતો નથી, કેમ કે, ‘આ પૃથ્વીની જ રાખોડી… / સમગ્ર ઇતિહાસ પે ઊડીને પિછોડી આચ્છાદશે, એવી એને દહેશત છે. એમનો નાયક તો એને ‘ઓરતા’ જ ગણે છે, (૧૨૯). છતાં, કવિ આત્મસંતોષ લે છે, એવું કહીને કે આવતી પેઢીઓની શી કસૂર છે કે કવન ન કરવું, (૧૩૦). જો કે ‘કવિધર્મ’ કાવ્યમાં, કલાકારસહજ શ્રદ્ધા દઢ થઈ છે ખરી, એમ કે કવિનો શબ્દ ‘સંજીવની’ બની શકે છે, (૩૬૬). તો ‘કવિ’ કાવ્યમાં, ‘તે’ અને ‘હું’-ને કવિવ્યક્તિત્વનાં બે અંગ કહ્યાં છે, તેમાં પણ સંભવિત છે. એ બન્ને વચ્ચે આલેખાયેલો લાક્ષણિક સંવાદ કવિધર્મ શું હોઈ શકે એ અંગે સૂચક નીવડ્યો છે, (૩૬૮).
આમ નાયક, કાવ્ય અને પ્રણય બેયને એવી સમીક્ષાબુદ્ધિથી વર્યો છે. સમર્પણને વિશેની એની એ પ્રતિબદ્ધતા એ વરસોમાં સવિશેષભાવે, અને પછી એક નૉંધપાત્ર પરિબળ તરીકે ઉમાશંકરમાં વિલસતી રહી છે.
‘અવર’-થી ‘હું’ લગભગ વિયુક્ત નથી, એ જોતાં, ઉમાશંકરના નિદર્શનમાં, એ ‘હું’-ને એ ભૂમિકાએ કલ્પવો જ ન જોઈએ. છતાં, એમનામાં એ સમષ્ટિપરક વિશ્વ સંકોચાતું આવ્યું છે : ‘ઘાણીનું ગીત’ (૫૨), ‘હથોડાનું ગીત’ (૫૨), ‘દળણાંનાં દાણા’ (૬૭), ‘ધોબી’ (૮૫). ‘મોચી’ (૧૧૦), ‘વાંસળી વેચનારો’ (૧૭૧), ‘ગુંદર વીણનાર’ (૧૭૫) જેવી રચનાઓ વિશ્વતોમુખી પ્રેમધારાની રાષ્ટ્ર-વિરાટ ચેતનાની ભૂમિકાએ લખાયેલી રચનાઓ ભાસે છે, તો પણ, એને પેલા પ્રારમ્ભિક સમષ્ટિમૂલ્યની સમીક્ષક ગણીએ તો ખોટું નહીં. એટલું જ નહીં, નૉંધવું જોઈએ કે એવા વિષયોને વરેલી રચનાઓને પરિણામે, ગુજરાતી કવિતાક્ષેત્ર વધુ ને વધુ વાસ્તવલક્ષી બની રહ્યું’તું.
‘બળતાં પાણી‘ —
‘બળતાં પાણી’ એનું ચોખ્ખું નિદર્શન છે. એમાં, ‘પાસેનાં’-ને વિશેનો તીવ્ર પ્રશ્ન ઊપસ્યો છે, એમાં એક એવું વાસ્તવદર્શન હતું જેમાં ભાવનાઓ અને આદર્શોની ભભકનું નિરસન વાંચી શકાય.
‘જઠરાગ્નિ‘ —
ઉમાશંકરે આકારેલા એ ‘હું’-નો ફુત્કાર ‘જઠરાગ્નિ’-માં પેલી સત્ય-પ્રતીતિ વિશે એમના ચિત્તમાં કદાચ પહેલી વાર પ્રશ્ન ખડો કરે છે, (૪૦). ઉમાશંકરે ‘મંગલ શબ્દ’-ના આરાધક તરીકે નહીં, કે ગાંધી જેવી વિરાટ વિભૂતિની છાયામાં ય નહીં, પણ એક કલાકારની વિલક્ષણ છટાથી, પોતાના જ હું-ના જોસ્સાથી એમાં ‘રચો, રચો’ -નો ધિક્કાર અને બેપરવાઈનો કાકુ ઉપસાવ્યો હતો, અને એ સ્વરૂપે રચનાની પ્રત્યક્ષતાને સિદ્ધ કરી હતી. નિશિત છતાં સરળ કાવ્યબાનીનું એ જોમ પરમ્પરાપ્રાપ્ત કાવ્યપ્રકાર અને કાવ્યમાધ્યમની પાળો વચ્ચે પણ ખીલ્યું હતું. એમાં એમની અધિકૃતતાનું રસાયન ભળ્યું છે. એને નિતાન્ત ઉમાશંકરીય ઉન્મેષ ગણવો જોઇશે.
(ક્રમશ:)
(02/09/24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર