જેમના સાહિત્યકાર હોવાનો મને ક્યારે ય ભાર લાગ્યો નથી, એવા વડીલ મિત્ર રમેશ ર. દવે આજે ઇઠોતેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. રમેશભાઈએ મને નિરપેક્ષ સ્નેહ અને પ્રોત્સાહન આપ્યાં છે.
ગુજરાતીમાં લખવાની શરૂઆતના તબક્કામાં ચન્દ્રકાન્ત ટોપીવાળાના સંપાદનમાં ચાલતા ‘પરબ’ માટે લેખ આપવા ગયો એ વખતે ગુજરાતી સાહિત્ય પરિષદના ક.લા. સ્વાધ્યાય મંદિરમાં પહેલો પરિચય. તે મૈત્રીમાં ઝડપથી ફેરવાયો.
પરિષદના ગ્રંથાલયમાં વાંચવા જઉં એટલે સાથે ચા-પાણી-નાસ્તો થાય. તેમનાં પત્ની અને હંમેશનો આધાર ભારતીબહેન પરિષદનો પુસ્તક ભંડાર ચલાવે એટલે ત્યાં પણ પુસ્તકોની વાતો થાય.
રમેશભાઈ સંપાદક બન્યા એટલે તેમણે મારી પાસે લાંબા લેખો સહિત ઠીક પ્રમાણમાં લખાવ્યું, સહજતાથી અને કૃપાભાવ વિના. બે અનુવાદોમાં કેટલાક ખાસ શબ્દોમાં પણ સરૂપબહેન ધ્રુવની મદદની જેમ રમેશભાઈની પણ મદદ મળી.
પરિષદ, તેની ચૂંટણી, ઇતિહાસ અને સાહિત્ય કોશ, જ્ઞાનસત્રો અને અધિવેશનો જેવા વિષયો પર માહિતી મળતી રહી. રિસેસની તેમની મંડળીમાં મને ય તેમણે શરીક કર્યો. ‘કંદોઈ’નો અતિસ્વાદિષ્ટ અને અતિમોંઘો મોહનથાળ તેમણે એકથી વધુ વખત ખવડાવ્યો છે.
પરિષદમાં મને સક્રિય પણ કર્યો. જો કે પછીનાં વર્ષોમાં મને સંસ્થા વિશે વધતા દરે સકારણ અભાવ થતો ગયો.
રમેશભાઈએ મને પુસ્તકો ભેટ આપ્યાં છે. તેમનો શબ્દચિત્ર સંગ્રહ ‘જળમાં લખવા નામ’ ઘણો ગમે છે. ‘શબવત’ વાર્તાસંગ્રહમાં પણ મજા પડી હતી. લોકભારતી અને નયી તાલીમ વિશેનાં પુસ્તકો તેમની પાસેથી મળ્યાં છે. સહુથી મૂલ્યવાન ભેટ તે ‘દર્શક અધ્યયન ગ્રંથ’ની પહેલી આવૃત્તિ અને સ્વામી આનંદ અધ્યયન ગ્રંથ.
કેટલાંક વર્ષો પૂર્વે રમેશભાઈના સૅટેલાઈટ રોડ પરના વીમા નગરમાં આવેલા લીલાછમ્મ ઘરે જવાનું ઘણું થતું. સામાયિકો-પુસ્તકો જોવાનાં અને ક્યારેક રાત્રે પોણા બાર સુધી વાતો કરવાની.
મારી કૉલેજ અંગેના બળાપા પણ એમની આગળ કાઢ્યા છે. મારી એક નોકરીમાં ઘટતું કરવામાં પ્રા. ભાલચન્દ્ર જોશીની જેમ રમેશભાઈ અને તેમના સંબંધી પ્રા. સૅમે મને કરેલી મદદનું ઋણ મારે માથે છે.
મારી દીકરીને નાનપણમાં રવિવારે સવારે ‘અટીરા’ના બાગમાં ફેરવીને પાછાં આવતાં એક હૉલ્ટ રમેશભાઈને ત્યાં હોય. તેને ફૂલ-પાન, રંગીન કાંકરા-પથ્થર સુખડીનો ખાઉ અને વ્હાલ મળે. રતન સમા જયંત મેઘાણી અને રમેશ સંઘવીને પહેલી વાર મળવાનું રમેશભાઈને ત્યાં થયું.
રમેશભાઈ એટલે ઝાડ-પાનનાં જણ. એક જમાનામાં પરિષદના પરિસરમાં જે હરિયાળી હતી તે રમેશભાઈના પરસેવાનું પરિણામ હતી. તેમના ઘરની સામેના કોટની ધારે તેમણે વર્ષો લગી વૃક્ષો વાવીને ઊછેર્યાં છે.
આપણે ત્યાં કુદરત અને વૃક્ષોનાં ગાણાં ગાનારાં મોટા ભાગના સાહિત્યકારો કુદરત કે વૃક્ષો બચાવવા-જાળવવામાં બિલકુલ જ જવલ્લે સક્રિયતા દાખવે છે. તેનાથી વિપરીત રમેશભાઈ વૃક્ષજન હતા. પરસેવે નિતરતા તાંબા વરણા ડિલે હાથમાં ખુરપી લઈને ક્યારીમાં કામ કરતાં રમેશભાઈની છબિ મારા મનમાં વસેલી છે.
જાણકારને ચોક્કસ અતિશયોક્તિ લાગે, છતાં ખબર નહીં કેમ પણ રમેશભાઈને જોઈને મને લોકભારતીના અજોડ વૃક્ષજન ઇસ્માઇભાઈ નાગોરી યાદ આવે.
‘જીવતર નામે અજવાળું’ નામના ઉજાસભર્યા પુસ્તકમાં મનસુખ સલ્લાએ કરેલા તેમનું અદ્દભુત શબ્દચિત્ર વાંચતાં ઇસ્માઈલ દાદા અને રમેશભાઈ વચ્ચે ઓછું સામ્ય લાગે.
અલબત્ત, મારા મનમાં બંનેને જોડતી બે કડી : ઝાડપાન માટેની આસ્થા અને રમેશભાઈની માતૃસંસ્થા સણોસરાની લોકભારતી સંસ્થા. એ ગ્રામશિક્ષણ વિદ્યાપીઠ અને એની આખી સંસ્કૃતિનો તેમ જ દર્શકનો પરિચય – જેના વિના ગુજરાતનો પરિચય અધૂરો ગણાય – તે મને પત્રકારત્વના પ્રા. સોનલ પંડ્યાની જેમ રમેશભાઈ થકી મળ્યો હતો.
ગુજરાતી સાહિત્ય અકાદમીએ સોંપેલા દર્શકના સમગ્ર સાહિત્યની ગ્રંથશ્રેણીનું અનેક રીતે માતબર ગણાતું કામ રમેશભાઈએ સ્વાયત્ત અકાદમી ચળવળના સાથી તરીકે વિરોધના ભાગ રૂપે છોડી દીધું હતું.
રવીન્દ્રનાથ ટાગોર પરના એક વીડિયો કાર્યક્રમ માટે કવિવરની ઇમેજ તરીકે રમેશભાઈનું દૃશ્યાંકન કરવામાં આવ્યું હતું.
રમેશભાઈની નવી નવલકથા ‘વામનરાવ નાઇટ્સ’ હમણાં પ્રસિદ્ધ થઈ છે. તેઓ સાહિત્ય પરિષદના ‘ગ્રંથવિહાર’મા આવ્યા હતા અને ઘણી વાતો કરી એમ હંસાબહેન પાસેથી જાણ્યું ત્યારે ઘણો આનંદ થયો.
મારા પ્રેમાળ વડીલ મિત્ર રમેશભાઈને નિરામય દિર્ઘાયુ માટે શુભેચ્છા.
01 સપ્ટેમ્બર 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર