
રમેશ ઓઝા
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે તેનાથી અમેરિકાનું ભલું થશે કે નુકસાન એ તો સમય કહેશે, પરંતુ એક ચીજ તેમણે આડકતરી રીતે કબૂલી લીધી છે કે અમેરિકા મહાનતાનો દેખાડો કરવામાં ઘસાઈ ગયું છે, ઘસાઈ રહ્યું છે અને હવે વધારે ઘસાવા તૈયાર નથી. આવું જ બ્રહ્મજ્ઞાન ૧૯૮૦ પછીનાં વર્ષોમાં ચીનને થયું હતું, પરંતુ ચીનના તે સમયના નેતા દેંગ ઝિયાઓપીંગમાં અને ડોનાલ્ડ ટ્રમ્પમાં જમીન આસમાનનો ફરક છે. ૧૯૭૬માં ચીની સામ્યવાદી ક્રાંતિના જનક અને સામ્યવાદી પક્ષના સર્વેસર્વા માઓ ઝેદોંગ મૃત્યુ પામ્યા અને ચીન રાજકીય અને આર્થિક અરાજકતા તરફ ધકેલાવા લાગ્યું. બે વરસ પછી ૧૯૭૮માં દેંગ ઝિયાઓપીંગે ચીનનું સુકાન સંભાળ્યું અને ધીરેધીરે તેઓ ચીનને મૂડીવાદની દિશામાં લઈ ગયા, જેની કોઈએ કલ્પના નહોતી કરી. અમેરિકા અને રશિયાની ભાઈબંધી જેવી જ એ અકલ્પનીય ઘટના હતી. દેંગ જાણતા હતા કે વિરાટ ચીની સામ્યવાદી ઈમારત અંદરથી ખોખલી છે અને ખોખલાપણું યાવતચન્દ્ર દીવાકરો છુપાવી ન શકાય. જૂઠની ગમે એટલી મોટી ઈમારત રચવામાં આવે અને સાચું બોલનારાઓને ગમે એટલા દબાવી રાખવામાં આવે, એક દિવસ હકીકત સામે આવીને જ રહેશે. જો ચીનનું રાજકીય અને આર્થિક પતન થશે તો ઊભા થતાં એક સદીનો વખત લાગશે, માટે એવું કશુંક કરવું જોઈએ કે ચીનનું પતન ન થાય. તેમણે સામ્યવાદી રાજકીય ઢાંચો જાળવી રાખીને મૂડીવાદનો માર્ગ અપનાવ્યો. સ્વતંત્રતા અને ઉત્પાદકતા વચ્ચે સંબંધ છે એમ મૂડીવાદી અર્થશાસ્ત્ર કહે છે. દેંગ ઝિયાઓપીંગે અંકુશ અને ઉત્પાદકતા વચ્ચે સંબંધ જોડ્યો. દરેકે કામ કરવું પડશે, દરેકે આપેલું કામ કરવું પડશે, દરેકે બતાવેલા કલાકો સુધી કામ કરવું પડશે, ઉત્પાદિત માલ માટે માર્કેટની જવાબદારી સરકારની. ગણતરી બહુ સરળ હતી, માલ સસ્તો હશે તો માર્કેટ મળી રહેશે.
એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. વિરાટ સામ્યવાદી ઈમારત અંદરથી ખોખલી છે એ રશિયન સામ્યવાદી નેતાઓ પણ જાણતા હતા, પરંતુ તેઓ દેંગ જેવો રસ્તો શોધી ન શક્યા. એક રીતે છેલ્લા રશિયન સામ્યવાદી શાસક મિખાઈલ ગોર્બાચોવે પહેલીવાર રશિયન સામ્યવાદના ખોખલાપણાની વાત સ્વીકારી અને પરિવર્તન કરવાનાં પ્રયાસ પણ કર્યાં, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. ૧૯૮૦ પછીથી ચીન જગતના આર્થિક નકશા પર પોતાની જગ્યા બનાવવા લાગ્યું. ૧૯૯૦ પછીથી એ જગ્યા ચીન નાનીમોટી શરતો મૂકી શકે એવડી મોટી થઈ ગઈ. ૨૧મી સદીના પહેલાં દશકમાં એ જગ્યા એટલી મોટી થઈ ગઈ કે અમેરિકાએ ભારત જપાન ઓસ્ટ્રેલિયા અને બીજા દેશો સાથે મળીને ચીનને ખાળવાનો પ્રયાસ કરવો પડ્યો, પણ એમાં કોઈ સફળતા મળી નહીં. ભારત અતિતમાં રાચે છે અને હિંદુ-મુસલમાન વચ્ચેના ઇતિહાસના હિસાબકિતાબ કરવામાં વ્યસ્ત છે. એ ચળ પૂરી થશે ત્યાં સુધીમાં ભારત ક્યાં ધકેલાઈ ગયું હશે એ કલ્પનાનો વિષય છે. ૨૧મી સદીની પહેલી પચીસી હજુ તો પૂરી થાય એ પહેલાં અમેરિકાને સમજાઈ ગયું છે કે વિજેતા ચીન છે અને અમેરિકા પાછળ રહી ગયું છે. જો હાથ પર હાથ ધરીને બેસી રહીશું તો અમેરિકા હજુ પાછળ ધકેલાઈ જશે.

ડોનાલ્ડ ટૃમ્પ
પણ આગળ કહ્યું એમ ડોનાલ્ડ ટ્રમ્પ દેંગ ઝિયાઓપીંગ નથી. ટ્રમ્પને સત્તા વાપરતા આવડે છે, બુદ્ધિ વાપરતા નથી આવડતું. દેંગે સંક્રાંતિકાળમાં સત્તા કરતાં બુદ્ધિ વાપરી હતી. બીજું, દેંગ સામે ત્યારે ચીન માટે જગ્યા બનાવવાનો પડકાર હતો, જ્યારે અમેરિકા સામે અત્યારે જગ્યા પકડી રાખવાનો પડકાર છે. જગ્યા બનાવવી એ ધીરજનું કામ છે અને જગ્યા પકડી રાખવી એ ધીરજ ઉપરાંત અને ધીરજ કરતાં પણ વધારે સંયમનું કામ છે. પ્રયત્નો નિષ્ફળ જાય અને જગ્યા સરકતી જાય એમ માણસ ઉતાવળો અને ઘાંઘો થઈ જાય. ડોનાલ્ડ ટ્રમ્પ ઉતાવળા અને અધીરા થયા છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો એ એક વાત છે અને વાસ્તવિકતા બદલવી એ બીજી વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઘસાઈ ગયેલા અને ઘસાઈ રહેલા અમેરિકાની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે એનો અર્થ એ નથી કે તેઓ ઈલાજ કરી શકશે. આખાબોલા અને નાગા લોકો શરમાયા વિના ઊઘાડું બોલતા હોય છે, જેને આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કહીએ છીએ.
ભાંગ્યું તો ય ભરુચ એ ન્યાયે અમેરિકા હજુ આજે પણ પ્રચંડ તાકાત ધરાવે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એ તાકાતનો ઉપયોગ કરીને અમેરિકાની જગ્યા પકડી રાખવા માગે છે. શુદ્ધ દાદાગીરી. તેમને એમ લાગે છે કે ટેરીફનો દર ઘટાડાવીને અમેરિકન સામાનની નિકાસ વધારી શકાશે. અત્યારે વિશ્વદેશો સામે અમેરિકાની ટ્રેડ ડેફિસીટ (આયાત સામે નિકાસ) એક લાખ વીસ હજાર કરોડ ડોલર્સની છે જે બે દશક પહેલાં ૫૪૧ અબજ હતી. ટ્રેડ ડેફિસીટમાં ભારત ૨૪૫ અબજ ડોલર્સ સાથે બીજા ક્રમે છે. ચીન અને ભારત વચ્ચે ૧૦૧ અબજ ડોલર્સની વ્યાપાર ખાધ છે. ડોનાલ્ડ ટ્રમ્પે વિચારવું જોઈએ કે અમેરિકા નિકાસ કરવામાં પાછળ કેમ છે? પ્રદૂષણમુક્ત ક્લીન ઈકોનોમી માટે અમેરિકનો પોરસાતા હતા એ દિવસો ભૂલી ગયા? એવી કોઈ ચીજનું ઉત્પાદન નહીં કરવાનું જે અમેરિકામાં પ્રદૂષણ પેદા કરે. આ સિવાય ડોલર જો બીજા ચલણ સામે મજબૂત હોય તો માર તો પડે જ. હવે તખતો પલટાઈ ગયો છે અને અમેરિકાને એનું પરિણામ મળી રહ્યું છે જે માર્ગ તેણે અપનાવ્યો હતો.
આ સિવાય દાદાગીરી કરીને ઉતાવળે અપનાવેલો શોર્ટકટ મોંઘો પણ પડી શકે છે. અમેરિકાએ મંદીનો સામનો કરવો પડશે એમ કહેવામાં આવી રહ્યું છે. ટ્રમ્પને પણ આ સમજાઈ ગયું છે એટલે તેઓ કહેવા લાગ્યા છે કે લાંબાગાળાના ફાયદા માટે અત્યારે થોડી પીડા સહી લેવી પડશે. દરમ્યાન ટ્રમ્પના ગાંડપણનો જગત આખામાં વિરોધ થઈ રહ્યો છે. ચીન, કેનેડા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, યુરોપના દેશો, ફિલિપીન્સ એમ લગભગ બે ડઝન દેશોએ વિરોધ નોંધાવ્યો છે. માત્ર એક જ દેશ ચૂપ છે જે પોતાને વિશ્વગુરુ તરીકે ઓળખાવે છે અને તેના નેતાનો જગતમાં ડંકો વાગી રહ્યો છે એમ કહેવામાં આવે છે. અન્ય દેશોથી ઊલટું, ડોનાલ્ડ ટ્રમ્પે તો વળી ભારતનું અને નરેન્દ્ર મોદીનું નામ લઈને ઊઘાડી અને આકરી ટીકા કરી છે.
પણ બોલે એ બીજા!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 માર્ચ 2025