૧
ગરલનો ગ હજી ઘૂંટી રહ્યો છું
અમલનો અ હજી ઘૂંટી રહ્યો છું
ન પૂછો મ્હેરબાનીની વિષે કંઈ
ફજલનો ફ હજી ઘૂંટી રહ્યો છું
ત્વચા ભેદાશે ક્યારે પથ્થરોની
અજલનો અ હજી ઘૂંટી રહ્યો છું
જીવનનો મર્મ છે અઘરો સમજવો
કજલનો ક હજી ઘૂંટી રહ્યો છું
હવે ભાવિનુ બખ્તર વીંધવુ છે
રમલનો રહજી ઘૂંટી રહ્યો છુમ
હજુ અવતાર છે કોરોનો કોરો
સજલનો સ હજૅ ઘૂંટી રહ્યો છું
હજી છે ફેંસલાને વાર સાહિલ
અસલનો અ હજી ઘૂંટી રહ્યો છું
•
૨
હજી માંડ વેતેક ઉલી રહ્યો છું
ગગન સામે જોઈને ફૂલી રહ્યો છું
નથી સ્વપ્નમાં પણ જે કરવા વિચાર્યું
ગુના કૈક એવા કબૂલી રહ્યો છું
જગત માટે છે શિર મારું સલામત
અને મારા માટે હું ડૂલી રહ્યો છું
તમે ટાંકણે આંખને ઢાળી દીધી
જુઓ ધીરે ધીરે હું ખુલી રહ્યો છું
કરું રાતનાં સ્વપ્નનો વધ સવારે
નથી જાણતો શું વસૂલી રહ્યો છું
હું ખંજર છું એની નવાઈ નથી કંઇ
નવાઈ છે ખુદ મુજને હૂલી રહ્યો છું
હું ઝૂલું છું કિન્તુ નથી જાણ સાહિલ
ક્યો તાંતણો ઝાલી ઝૂલી રહ્યો છું
•
૩
બોલ બે બોલ્યાં પછીની વાત છે
ભેદ કંઈ ખોલ્યાં પછીની વાત છે
પિંજરામાં શી રીતે પાછા જવું
આભને મોલ્યા પછીની વાત છે
હાલ સમજણના થયા બેહાલ શું
મ્હેફિલે ડોલ્યા પછીની વાત છે
લોહીમાં કંઈ ધૂંધવાયે છે હજી
આગને ઓલ્યા પછીની વાત છે
જીવ જેવું કાંઈ સાહિલ ના મળ્યું
જિંદગી મોલ્યા પછીની વાત છે
નીસા 3/15 દયાનંદ નગર, રાજકોટ 360 002
e.mail : sahilrjt1946@gmail.com