Opinion Magazine
Number of visits: 9956764
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

The Gujaratis : કોમની તસવીર

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|27 June 2026

The Gujaratis : Salil Tripathi : Aleph Book Company, Promoted by Rupa Publication India : ISBN – 978-93-90652-13-6 : First Edison – 2025 : 730 pages : Indian Rs. 1499/- 

•

સલિલ ત્રપાઠી

આ ગ્રંથના લેખક, સલિલ ત્રિપાઠી, 640 પાનાઓ પર વિચારોત્તેજક માહિતીઓ, વિગતો, વિશ્લેષની રજૂઆત કરી, છેવટે, ઉપસંહારમાં, આ અસ્સલ વાત, દીર્ઘ સ્વરૂપે, માંડે છે : 

એક બપોરે, 2022માં, હાર્મની સિંગાપોરિયા [Harmony Siganporia] મારા નિવાસસ્થાને ભાણું લેવાં આવ્યાં હતાં. એ અમદાવાદમાં શૈક્ષણિક ક્ષેત્રે કાર્યપ્રવૃત્ત છે. થોડાક વખત પૂર્વે એમણે ‘વૉકિંગ ફ્રૉમ દાંડી’ [Walking from Dandi] નામે એક પુસ્તક પ્રગટ કર્યું છે. સન 1930માં, મોહનદાસ ગાંધી સાબરમતી આશ્રમથી પોતાના 78 સાથીઓ જોડે સુરતની અડખે પડખે દરિયા કિનારે દાંડી જવા નીકળ્યા હતા. એ જેમ જેમ દક્ષિણ તરફ આગળ વધતા જતા હતા તેમ તેમ કૂચ સાથે અનેક લોકો જોડાઈને સામેલ રહેતા હતા. એમણે દાંડી કાંઠે ચપટી નીમક ઉપાડ્યું અને એક શહેનશાહતના પાયા ડગમગાવી કાઢ્યા હતા. એને સમય લાગ્યો તો હતો − પૂરાં સત્તર વર્ષ − પણ એથી પરિણામ તો આવ્યું જ.

સિંગાપોરિયાને, પરંતુ, બીજી જ કોઈક ખોજ હતી. એ વ્યક્તિગત જાતરા હતી. એમણે ગુજરાતની સામૂહિક ચેતનામાંથી ગાંધીનું ઉચ્છેદન થતું અનુભવ્યું છે. વળી, રાષ્ટૃના આત્મવિશ્વાસનું રખોપું કરનાર એકમેવ મહાપુરુષને ઠેકાણે સ્વચ્છતાની માત્ર વાતો કરનારા તેમ જ ફક્ત પ્રવચનો કરનારા દરવાન શા રૂપે એ લેખાતા ગયા છે. અતિવાદી માનસિકતામાંથી એમને હટાવવામાં આવ્યા છે. વળી, એમની ગણના શૂન્યમાં ફેરવી કઢાઈ છે તેમ જ પોકળ અર્થહિન તરીકે એમનું મૂલ કરી દેવાયું છે.’ એમ એમણે ઉમેરણ કર્યું.

આમ સિંગાપોરિયાએ પોતાની કૂચ અંગે પોતાની રીતરસમ અનુસાર કરવાનું નિરધારી કાઢેલું. ‘વિકાસ’ની કે પછી ‘પ્રગતિ’ની તરતપાસ કરવાનો આશય એમાં કેન્દ્રસ્થ કરી દેવાયો. ભૌતિક સુખસંપત્તિ સારુ મૂલ્યોનો જાણે કે ગુજરાતના આત્મસમર્પણનો સોદો કરાયો હોય.

હાર્મની સિંગાપોરિયા

એમની મૂળ ઇચ્છા મુજબ તો અમદાવાદથી દાંડી તરફ કૂચ કરવાની જ હતી, જેનું અંતર આશરે 385 કિલોમીટર જેવું છે. પરંતુ આમ કરવા જતાં એ ગુજરાતના ભૂતકાળમાં સરી જતાં હોય તેમ એમને લાગ્યું. એમના મત અનુસાર, દાંડી એટલે એક વેળાના ગુજરાતની પરાકાષ્ઠા. આઝાદી મેળવવા માટેની એ કામગીરી હતી, એક કૃતિ હતી. પરંતુ અમદાવાદ તો ‘વિકાસ’ માટેનો આજે સારસંક્ષેપ હોય, તેમ બન્યું છે. હું આથી ભૂતકાળમાં જઈ કૂચ આદરી ન શકું. મારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પદયાત્રા કરવી રહી. આમ મેં ઊલટે કૂચ કરેલી. મારે જોવું હતું, કે આપણી સંસ્કૃતિની અસર હવે કેવડી રહી છે. ક્યાં ક્યાં બખેડા લેવાના થયા છે. શું શું બદલ્યું છે ? આ ‘વિકાસ’ કેમનો છે ? આ મારે જાણવું હતું.’ એ કહેતી રહી. વિશ્વ હિન્દુ પરિષદના એક કર્મશીલે તો એમને પૂછી પાડેલું, કે તે શા સારુ અવળે મારગે, ઉપરતળે કૂચ કરે છે ? એમને જવાબ વાળેલો, ‘દાંડી તો ભૂતકાળ છે. જ્યારે અમદાવાદ તો વર્તમાન છે. સાંપ્રત ગુજરાતને આજે શું થયું છે તે મારે સમજવું હતું, જોવું હતું. આવો ખુલાસો એમણે કરેલો.

દાંડીને મારગે મારે કૂચ કરવી જોઈએ એમ તો એક અરસાથી હું વિચાર્યા કરતી હતી. તિબેટી કવિ અને કર્મશીલ તેન્ઝિન સુન્દુએએ [Tenzin Tsundue] મારા મગજમાં આ વિચારનું બીજ રોપેલું. આરંભે મને થયા કરતું કે હું દાંડી સુધીની પદયાત્રા કરીશ. પરંતુ પછી હું તે બાબતે વિચાર કરવા લાગી કે મારે શું મેળવવું છે. એ ગામના રહીશોને સાંભરે છે કે ગાંધીએ ત્યાં રાતવાસો કરેલો ? પદયાત્રા કરવી એટલે લોકજીવન અને સંસ્કૃતિનું વર્ણન [ethnography] કહેવામાં આવે છે. આ અભ્યાસમાં સંશોધક ચોક્કસ સંસ્કૃતિ કે સમાજના લોકો વચ્ચે રહીને તેમના રીતિ-રિવાજો, ભાષા, જીવનશૈલી અને માન્યતાઓને તેમની દૃષ્ટિએ સમજવાનો પ્રયાસ કરે છે. અને આવી આ માન્યતાઓ અનુસારનું ગુજરાત મારે ખોળવાનું હતું, સિંગાપોરિયા મને જણાવતા હતાં.

એક વિચાર રૂપે હંમેશને સારુ ‘વિકાસ’નું બાહ્ય સ્વરૂપ અપાતું રહ્યું છે. અને ઘણા ગુજરાતીઓ અને ભારતીયો સુધ્ધાં તેને રસ્તાઓ અને વિમાનીમથકો, કે પછી ‘પાણીની ટાંકી રસ્તો અને વીજળી’માં ખતવી દે છે. આવું એ કહી રહ્યાં હતાં. પરંતુ ગાંધી તો સતત અંતરમન વિશે, આધ્યાત્મિક વિકાસની વાત કરતા હતા. આપણે આ ભૂલી ગયા લાગીએ છીએ ને ? કઈ વધુ સારી રીતે આનો અર્થ પામી શકાય ? બસ ડેપોનો ચકચકાટ, ભલા, વિકાસ કેમ હોઈ શકે ? ચકચકાટ મારતો બસ ડેપો શા માટે વિકાસ તરીકે લેખાય ? એ ચકચકાટ મારે છે તેથી, કે પછી, તેની ગતિશીલતાને કારણે, જે સતત ચાલકબળ રૂપે વર્તાય છે તેથી તે ‘વિકાસ’ કહેવાય છે ? શા માટે ઘણા ગુજરાતીઓને ગતિશીલ રહેવું છે ? અભિષેક જૈનની ફિલ્મ, ‘કેવી રીતે જઈશ’માં આ તો કેન્દ્રવર્તી વિચાર છે.

સિંગાપોરિયા બીજા બે મિત્રો જોડે કૂચ આદરે છે, એમાના એક છે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચિરાગ મેદીરત્તા, જે પંજાબી હતા. બીજા હતા સુસ્મિત પ્રભુદાસ, જે આંધ્ર પ્રદેશના વતની હતા. એ બન્નેને દાઢી હતી. પૂલવામાની આતંકી ઘટના પછીની જ આ વાત છે. પૂલવામામાં કેન્દ્રીય સુરક્ષા દળાના ચાળીસ જવાનોની મારી નંખાયા, તે પછીની આ ઘટના હતી. શાસન આ કાશ્મીરમાં બની ઘટનાને આતંકી ઘટના તરીકે ઓળખાવતી હતી. ગ્રામ્યજનતા જાણવા ઇચ્છતી હતી કે સિંગાપોરિયા સાથે બે જણ હતા તે મુસ્લિમ છે કે કાશ્મીરી. એ બે જણ કઈ કોમના છે તે જાણવા સારુ ગ્રામ્યજનો પૂછતા કે તમારે શું જમવું છે. માંસાહાર કરતા હોય તો ખબર પડી જાય કે તે બન્ને મુસ્લિમ છે.

સિંગાપોરિયાએ જોયું કે જ્યાં ‘સંદેશાઓ’[messages]ને વૉટ્સએપ વાટે હકીકત તરીકે પાઠવવાની સંસ્કૃતિ છે, ત્યાં તો ઇતિહાસને પુરાણકથામાં ફેરવી કાઢવાનો આ પ્રયાસ છે. વળી, સિંગાપોરિયાને આ લોકો જણાવતા હતા કે વિવિધ મંદિરોના ઘુમટોનો આકાર અલાયદો છે કેમ કે મોહમ્મદ બેગડાએ એનું ખંડન કરી કાઢેલું. કેટલાંક મંદિરોના ઘુમ્મટોનો આકાર મસ્જિદ શો દેખાતો હતો. કે પછી મસ્જિદો મંદિરના આકારની લાગતી હતી ? અને સિંગાપોરિયા માટે પડપૂછ કરવી તદ્દન મુશ્કેલ હતી. સમગ્ર મિજાજ જ દૂષિત બની ગયો હતો. એ તો ખુદ પારસી હતી, જીવ પટેલના એક પ્રસિદ્ધ કાવ્યમાં આવે છે તેમ તેનું નસીબ જ જાણે કે અસ્પષ્ટ બની ગયું હતું.    

રસ્તે ગ્રામ્યજનો સારા યજમાન હતા. આ ત્રિપુટી સવારે કૂચ કરતી, નવા ગામમાં બપોર પસાર કરતી, અને પછી, સાંજ પડે તે પહેલાં, નવા ગામે પહોંચી જતી. ત્યાં જ રાતવાસો કરતી. આ લોકો કોઈક ધર્મશાળામાં કે પછી ધાબામાં સૂવાનું રાખતાં. બહુધા રાતે આ બહેન એકલાં જ મહિલા હતાં. એક મહિલા બે દાઢિયાળા જણ સાથે રાતવાસો કરતી એની આ ગ્રામ્યજનોને વિમાસણ રહેતી. ‘અમારી અટક નોખી નોખી હતી. અને મોટા ભાગની ધર્મશાળાઓના રખેવાળો અને હોટેલવાળાઓ અમને એક જ ઓરડામાં રાતોવાસો કરવા દેતા નહીં. એમ એ કહેતાં હતાં. ગુજરાતીઓની જૂનવાણી, મધ્યમમાર્ગી નીતિમત્તા જાણે કે સતત ડોકાયા કરતી. છેવટે, એમને બે ઓરડા અંકે કરાવવાના થતા, એક બે છડા માટે, અને બીજો આ મહિલા સારુ.

જેમ જેમ અમદાવાદ નજીક આવતું જતું હતું તેમ તેમ એમને ‘વિકાસ’ દેખાવા લાગ્યો હતો. અમદાવાદ પહોંચવા સારુ ત્રણ દિવસની વાર હતી અને આ પદયાત્રીઓને આ ‘વિકાસ’ની વાસ આવવા માંડી હતી. રસાયણી ધુમાડો એમના લલાટને [sinuses] ગૂંગળાવવા લાગ્યો હતો. ‘કેટલાક સમયે તો અમે શ્વાસ લઈ પણ શકતા નહીં’, એમ એ જણાવતાં હતાં. પાક લેવાયો હોય તેના ખૂંપરાને બાળી કઢાતા હતા, એવી માહિતી એમને જણાવવામાં આવતી. પરંતુ કલકારખાનામાંનો રસાયણી ધુમાડો જ કારણભૂત છે તેમ એમને વર્તાતું જ હતું. ને એમનું હૃદય દૃવી ઊઠતું. એમણે એ પણ જોયું કે પાણીનો પ્રવાહ પ્રદૂષણને કારણે જાંબુડી, લીલો, પીળો અને રાતો દેખાતો હતો. પરંતુ આ તો ‘વિકાસ’ જ હતો ને.

અમદાવાદ પહોંચતાની સાથે, એ રોક્યા રોકાય તેમ રહ્યા નહોતાં. ગુજરાતને તેમ ગુજરાતીઓને સમજવા સારુ એકની એક કથાવાર્તા સાંભળી સાંભળીને ઊબકી જવાયું છે. પરંતુ એમને તો આ સઘળું રોજેરોજ સાંભળવાનું થતું. જે જે એમને મળ્યાં તે તે સૌ પોપટની જેમ જાણે કે પઢાવેલા હોય તેમ વર્તાતું હતું. કેટકેટલાં સો વર્ષોથી વધુના સમય દરમિયાન એમના મતે જે કંઈ બની ગયું હતું તે ખરાઈ રૂપે કહેતા રહી, એ દરેક એમના પર થોપતા રહેલા. આ જમણેરી જૂથની વાતો એમને જે ભણાવવામાં આવેલી તેને ફળ બેઠાં છે તેમ દેખાતું હતું. ત્રણેક દાયકા ઉપરાંતના સમયગાળા દરમિયાનના આ ગુજરાતમાં હવે એવી એક પેઢીની મજબુતાઈ આવી છે કે જેને એકપરિમાણીય દૃષ્ટિકોણથી ઇતિહાસને જોવાની સમજણ છે. 

ગુજરાતમાં પરીક્ષા માટેના પ્રશ્નપત્રમાં, હકીકતે, વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલું કે ગાંધીએ આત્મહત્યા ક્યારે કરી હતી ? એક વાર આ અંગેની વાત બહાર પડી કે, જિલ્લા શિક્ષણ અધિકારીઓ આ બાબત અંગે એમને કંઈ લાગતું વળગતું નથી કહી દૂર હઠી ગયેલા. આ પ્રશનપત્ર તૈયાર કરવામાં એમનો કોઈ હાથ નથી, તેમ તેઓ કહેતા રહ્યા. ‘સુફલમ્ શાળા વિકાસ સંકુલ’ દ્વારા ચાલતી એક નિશાળના નવમા ધોરણના વર્ગના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન કરવાના ભાગ રૂપે પૂછાયું હતું. આ ગાંધીનગરમાં આવી એક સ્વ-નિર્ભર ખાનગી નિશાળ છે, જે સરકારી અનુદાન પણ મેળવે છે. 

એમની પદયાત્રા દરમિયાન, મારગે, સિંગાપોરિયાને વિશ્વ હિંદુ પરિષદના અનેક કાર્યકરોનો ભેટો થયેલો. આજના ગામડાઓમાં સરસ રીતના અલગ અલગ વિસ્તારો બની ગયા છે તેમ અભિમાનપૂર્વક તેઓ જણાવતા હતા. અહીં પટેલો વસે છે, તહીં બ્રાહ્મણો વસે છે અને તે બાજુ દલિતો વસે છે. અને પ્રત્યુત્તરરૂપે બહેને પૂછી લીધું, અને મુસ્લિમો ? વળતાં એમણે અભિમાન સાથે કહેલું કે આ ગામમાં મુસ્લિમો વસતા જ નથી. તેઓ બીજા ગામોમાં વસે છે.

ગુજરાતની વિવિધતાને નવા સ્વાંગમાં કંડારાતી હતી, અને આની એક સરખી વાત રાજ્યભરમાં હોય તેમ તેઓ અભિમાનપૂર્વક જણાવતા હતા. સમગ્ર ગુજરાતીઓને માટે આ હૃદયદ્રાવક પીડા છે તેમ આ બહેન મને કહેતાં હતાં. ‘મારે રોજેરોજ આવું જ સાંભળવાનું થાય છે,’ તેમ સિંગાપોરિયા વિમાસણ વ્યક્ત કરતાં હતાં.

•

હા…શ ! − 

આ પુસ્તકને અંતે, સ્વીકારનોંધ લેતા લેતા, લેખક જણાવે છે : ગુજરાત, મહારાષ્ટૃ તેમ જ અન્યત્ર મળીને લેખકે 213 લોકો જોડે રૂબરૂ વિચારવિમર્ષ કર્યો છે. વળી, એમણે છેલ્લાં આઠેક વરસ દરમિયાન, ગુજરાત અને ગુજરાતીઓ અંગેના સો ઉપરાંત પુસ્તકોનું વાંચન કર્યું છે. આ વરસો દરમિયાન, વળી, બીજી સાઠેક મુલાકાતોનો આધાર લેવાયો છે. આરંભે, લેખકની નોંધપોથીમાં કહેવાયું છે તેમ, આ પુસ્તક માટે સંશોધન કરવાને સારુ, સલિલ ત્રિપાઠીએ, વળી, 2015 અને 2018ના ગાળા વચ્ચે સાતેક વખત ગુજરાતનો પ્રવાસ ખેડ્યો છે. તદ્દુપરાંત, અન્ય આશરે સાઠેક દેશોનો પ્રવાસ કરવાનો એમને આવ્યો.

લેખક સલિલ ત્રિપાઠી સાથે વાતચીતનો અઢારેક મિનિટ લાંબો એક વીડિયો ‘બી.બી.સી. ગુજરાતી’ની વેબસાઇટ પર જોવા મળે છે. 1 મે 2025ની નોંધ મુજબ, જાણીતા પત્રકાર અને બી.બી.સી. ગુજરાતીના સંવાદદાતા, પારસ ઝા સાથેની આ મુલાકાત અનુસાર, તેમાં લેખક ગુજરાતી હોવાની ખરેખર પરિભાષા શું છે ? અને તેમનો વર્ષો જૂનો ઇતિહાસ શું દર્શાવે છે ? તેની છણાવટ છે. મૂળ મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલા સલિલભાઈએ ગુજરાતી સમુદાયની લગભગ તમામ મોટી બાબતો વણી લેતું આ પુસ્તક લખ્યું છે. તેમણે ગુજરાતીઓની વિસ્તૃત ઓળખ આ પુસ્તકમાં આપી છે.ગુજરાતીઓનો ઇતિહાસ કેવો ભવ્ય છે? ગુજરાતીઓમાં ગાંધી કેટલા વસે છે, ગુજરાતીઓ ખરેખર અહિંસક છે? ગુજરાતની અસ્મિતા એટલે શું? ગુજરાતી હોવાની સાચી ઓળખ શું છે? ગુજરાતીઓ વિશેના ઘણા સવાલોના જવાબ આ પુસ્તકમાંથી મળી શકે તેમ છે.

•

આ પુસ્તકને બાર વિભાગમાં ફાળવવામાં આવ્યું છે; ઉપરાંત, કુલ મળીને 87 પ્રકરણોમાં પુસ્તક વહેંચાયું છે. સર્વગ્રાહી બાબતોને અને વિગતમાહિતીઓને પુસ્તકમાં સરળ ભાષામાં તેમ જ રસાળ શૈલીમાં આપવામાં આવી છે. હા, કેટલીક જગ્યાએ પારિભાષિક શબ્દોનો છૂટથી ઉપયોગ થયો છે. ત્યારે ત્યારે શબ્દકોશનો વપરાશ પણ વધ્યો છે. 

વારુ, અસામાન્યપણે ગુજરાતીઓ ઉદ્યમી અને કોઠાસૂઝ ધરાવનાર, સાધનસમ્પન્ન સમૂહ છે. માત્ર ભારતમાં જ આશરે સાડા પાંચ કરોડ જેવડો ગુજરાતી ભાષા બોલતો આ સમૂહ હશે. વળી, આ જમાતનો, જગત ભરમાં અહીંતહીં પથરાયેલા, બીજા સાઠેક લાખનો આંક થવા જતો હશે. વેપારવણજ ક્ષેત્રે ભારે કાબેલ જનસમૂહ તરીકે આ જમાતની નામના રહી છે. દુનિયામાં જેમની ગણના થાય છે તેવા ઉદ્યોગગૃહો – ટાટા, રિલાયન્સ, વીપ્રો સમેતના બીજા કુડીબંધ ઉદ્યોગગૃહો ગુજરાતી જમાતના જ નબીરાઓ છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક સરીખા આગેવાનો ગુજરાતી છે. અને દેશને મળેલા કેટલાક વડાપ્રધાનો પણ આ જમાતમાંથી છે, જેવા કે ગુલઝારીલાલ નંદા, મોરારજી દેસાઈ, તેમ જ નરેન્દ્ર મોદી. આટઆટલું કમ હોય તેમ, વિજ્ઞાન, કલા, સાહિત્ય, ક્રિકેટ, સુગમ સંગીત સરીખા સ્તરે ય ગુજરાતી પ્રતિનિધિઓની બોલબાલા રહી છે. પાકશાસ્ત્રમાં ય એમની નિપુણતા જગજાહેર છે અને શાકાહારી ખાદ્યપદાર્થોમાં તેમ જ અનેકાધિક વ્યજંનો પેટે એમનો ડંકો વાગ્યા કરે છે. બીજી પેરે, ઠગીઓ, મહાઠગીઓ, છેતરપીંડી કરનારાઓ અને, વળી, કોમી આતંકવાદીઓ પણ અહીં જોવા, અનુભવવાના મળે છે.

સલિલ ત્રિપાઠીની કમાલ આ પુસ્તકમાં ઠેર ઠેર જોવા વાંચવા મળે છે. અને એમનાં લખાણની ક્ષિતિજ ચોમેર પથરાઈ હોય તેમ બહુધા અનુભવવા મળે છે. ગુજરાતી એટલે કોણ તેની ઇતિહાસપ્રસિદ્ધ રજૂઆત કરી એમણે આ પાથરણનો પટ ઉઘાડી આપ્યો છે. હિન્દુ જમાત અને તેમાં જોવા મળતા અનેકાધિક નાતજાતના જૂથો, પારસી, સુન્ની મુસ્લિમ, શિયા મુસ્લિમ, બોહરા મુસ્લિમ, સિદ્દી, જૈન તેમ જ બૌદ્ધને આવરી લેવાયા છે. લેખક કહે છે, એ ખુદ મુંબઈગરા છે છતાં ગુજરાત ને ગુજરાતીઓ વિશે આ લેખનકામ હાથ લીધું છે. તેથી આ સમૂળગો ઉપક્રમ અંદરથી બહાર જોતા, તેમ જ બહારથી અંદર જોતા હોઈએ તેવો લાગવાનો. અને પહેલા પ્રકરણને અંતે ‘અસ્મિતા’ શું ચીજ છે તેની વાત માંડે છે. વળી, સિતાંશુ યશશ્ચન્દ્ર સરીખા વિદ્વાન જોડે થયેલા સંવાદને અહીં ટાંકે છે. ‘અસ્મિતા’નું મૂળ ‘અસ્તિ’ અને ‘અસ્તિત્વ’માં છે. આ ‘અસ્તિ’ વ્યાકરણ અનુસાર ત્રીજી વિભક્તિમાં ત્રીજો પુરુષ એકવચન છે. જ્યારે ‘અસ્મિ’ પહેલી વિભક્તિમાં પહેલો પુરુષ એકવચન છે. આથી આ બન્ને શબ્દોનું અહીં મહત્ત્વ છે. આમ આ શબ્દ પોતીકી ઓળખ દર્શાવે છે. આ શબ્દ સ્વઓળખ દર્શાવે છે અને તેથી તેમાં અભિમાન કે પછી ગુમાન સામેલ હોતા નથી. 

તેરમા ગુજરાતી સાહિત્ય સંમેલનમાં કનૈયાલાલ મુનશીના ભાષણમાં આ વિશેની રજૂઆત કરતા જે કહ્યું છે તેની ટિપ્પણ રૂપે ‘સાહિત્યવિચાર’માં આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ, લખે છે, ‘અમે નિખાલસપણે કહીશું કે વર્તમાન સમયમાં પ્રાન્તિક સ્વરાજ્યને લીધે પ્રાન્તિક ‘અસ્મિતા’ ભારતના અભેદદર્શનમાં વિઘ્નકર થવાનો ભય છે. … … આ ભય મુનશીની ધ્યાન બહાર નથી, અને તેથી જ ચેતવણીરૂપે કહે છે કે ‘આવી ભાવના જો પ્રાન્તીયતાની સિદ્ધિ સારુ સેવાય તો તે જરૂર સંકુચિત બને, અને રાષ્ટૃવિધાનની આડે આવે. હિન્દ જેવા વિશાળ દેશમાં જ્યાં સામાજિક અને ધાર્મિક ભેદોના ઢગલા પડ્યા હોય ત્યાં પ્રાન્તિક પ્રેમની નિસરણી દ્વારા જ રાષ્ટૃીયતાની સિદ્ધિને પહોંચાય. જો આ ભાવિ પરસ્પર વિરોધી ન હોય તો હિન્દથી અલગ ગૂજરાતનું અસ્તિત્વ ન હોવું જોઇએ ન હોઈ શકે. બધી પ્રાન્તિક વિશિષ્ટતા હિન્દની પ્રચંડ એકતામાં ભળી જાય તો જ જીવનસાફલ્ય પ્રાપ્ત થશે.’

સલિલ ત્રિપાઠી આચાર્ય આનન્દશંકર ધ્રુવની આ ટિપ્પણીથી અજાણ નથી, તે અહીં પરખાય છે. 

ગુજરાતી જનસમૂહમાં કોનો કોનો સમાવેશ છે તેની વિષદ વિગતમાહિતી બીજા વિભાગના પ્રકરણોમાં છે. નાત, જાત, પાંત, ધર્મ ઉપરાંત વિચરતી જાતિ, આદિવાસી સમૂહની ગણના પણ અહીં કરવામાં આવી છે. જગતને ચોક જ્યાં જ્યાં ગુજરાતીઓ પથરાયા છે, તેને ય લેખકે અહીં આવરી લીધા છે. આ વિશેના આ પ્રકરણો રસપ્રદ થયા છે. આ રજૂઆત સાથે ગુજરાતી જમાતને કોની કોની સાથે ઉદ્વેગ છે, કોની કોની જોડે પૂવર્ગ્રહ આધારિત અન્યાયી વલણ છે તેની વાત છેડતા સલિલ ત્રિપાઠી અચકાતા નથી. આમ શક્ય હોય ત્યાં લેખકની વલણ સમથળ રહેતી હોય તેમ સહજપણે વર્તાય છે.

એ પછીના પ્રકરણમાં ઇતિહાસ ભણી લેખક તેના વાંચકોને લઈ જાય છે અને તે કેવો ભાતીગળ છે તેની મજબૂત રજૂઆત કરી, ગુજરાતીઓથી ભરપૂર ગુજરાતના તેમ જ ભારત ભરનાં અનેક શહેરો અને સમાજોમાં લઈ જવા મથે છે. અને વળી, પરિસ્થિતિવસાત પરદેશ ગયેલી આપણી જમાતની ય વાત માંડે છે. આફ્રિકા ખંડ માંહે દક્ષિણ પ્રદેશ, પૂર્વ કાંઠે આવેલા નાનામોટા પ્રદેશો, મધ્યપૂર્વના દેશો, યુરોપ અને પછી અમેરિકે સ્થાયી થયેલી ગુજરાતી આલમની રજૂઆતોમાં વાચકને દોરી પણ જાય છે. આ આલમને અડતાનડતા અનેક સવાલો અંગે ય વિગતો પૂરે છે. વેપારવણજમાં હંમેશાં પારંગત રહેલી આ જમાતને કેટલાક દેશોમાંથી ઉચાળા ભરવા પડે છે તેની સિલસિલાબંધ વાત કરે છે તો અમેરિકા જેવા દેશમાં મોટેલના ધંધામાં પડેલા આ સમૂહની દાસ્તાઁની પોરસાવતી તેમ જ વાસ્તવિક પ્રશ્નો ઊભા કરતી રજૂઆતો પણ સમજાય છે. આ વિશ્વમાંના અનેક વિસ્તારોમાં સ્થાયી થવા, કે પછી, એક યા બીજા બ્હાના અનુસાર ઉચ્ચ અભ્યાસ સારુ ગયેલી આજની પેઢીના કોયડાઓ અને સવાલોને ય અહીં વાચા અપાઈ છે. આમ ગુજરાતીઓએ પોતાની આગવી મુદ્રા ઉપસાવી છે તેના દાખલાઓ લેખકે અહીં આપ્યા ય છે.

ગુજરાતના હીરાઉદ્યોગ વિશે લેખકે જેમ વાત માંડી છે તેમ, આણંદમાં આવેલી અમૂલ સહકારી દૂધ મંડળી છે તેનો આદરભેર ઉલ્લેખ જ કર્યો નથી, તેની વિગતો ભરપેટ અહીં આપી છે. આ સંસ્થા સહકારી રીતે ૩૧ લાખ દૂધ ઉત્પાદન કરતાં લોકોની માલિકીની સંસ્થા છે. વળી, વહાણ બાંધવાના યુગો જૂના ધંધા બાબત પણ પોરસાવતી રજૂઆત કરાઈ છે. ગુજરાતના ધનપતિઓના વિગતે અપાયેલા ઉલ્લેખો પણ લેખકે ટાળ્યા નથી.

પછીના પ્રકરણોમાં આપણું દંભીપણું છત્તુ હોય તેમ લાગે છે. ગુજરાતે જોયેલા કોમી તોફાનો, શાકાહારીપણું ઠોકી બેસાડવાની ઘટનાઓ, મહિલાઓ પ્રત્યેનાં વલણો ખૂલા કરી આપ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ સમૂળગું ખાડે ગયું છે અને તેને લીધે વિચારવાનું, સહિષ્ણુ રહેવાનું તેમ જ બૃહસ્પતિ ગુજરાતીપણું તળિયે જઈ બેઠું હોય તેમ વર્તાય છે.  

મકરંદ મહેતા સંપાદિત ‘વિશ્વ નાગરિક અને વિરલ વિદ્યાપુરુષ લૉર્ડ ભીખુ પારેખ પરિચય અને પરીક્ષણ’ પુસ્તકમાં, જાણીતા વિદ્વાન પ્રાધ્યાપક ધવલ મહેતાનો એક મજાનો લેખ – લૉર્ડ ભીખુ પારેખ અને પોલિટિકલ ફિલોસૉફી’ નામે આમેજ છે. ધવલ મહેતા તેમાં લખે છે, “ … 1957-1960ના ગાળામાં રાવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમે કૉલેજના વિદ્યાર્થીઓ એકૅડેમિક અને સેક્યુલર ભાથું બાંધી રહ્યા હતા. તેમાં મારા ભાઈઓ મકરંદ, અંગદ, કુંતલ ઉપરાંત નીતિન ત્રિવેદી, સદ્દગત ધીરુભાઈ શેઠ, નવીન ઝવેરી અને પ્રકાશ દેસાઈ ઘડાતા જતા હતા. હેરકટિંગ સલૂનના માલિક મૂળજીભાઈ શર્મા પણ રેનેસાં ક્લબમાં આવતા તેમ જ ભાગ લેતા. વડોદરા નગર તે સમયે સાચે જ ગુલામીમાંથી મુક્ત થયેલા ભારતીય રેનેસાંના અંતરાત્માસમાન હતું. ગુલામીકાળ બાદ ભારત ધીમે ધીમે પણ નવી દિશામાં ફંટાઈ રહ્યું હતું, પણ તેને અમે બધા શોધી રહ્યા હતા. કોઈએ પણ ધર્મ, અધ્યાત્મ, મહાત્મા કે મહાપુરુષની કંઠી બાંધી નહોતી. ચર્ચાઓ અત્યન્ત વ્યવસ્થિત ક્રિટિકલ અને ટુ ધી પૉઇન્ટ થતી હતી. આજે ગુજરાતમાં આ પ્રચારનું મુક્ત ‘વૈચારિક કલ્ચર’ જોવામાં આવતું નથી. યુનિવર્સિટીઓમાં તો નહીં જ. …”   

આ પુસ્તકમાં એક નામ આદરભેર ઠેરઠેર જોવા વાંચવા મળે છે : મહાત્મા ગાંધી. જો કે, ઘણા બિન-ભારતીય વાચકો માટે આ પુસ્તકમાં માત્ર એક જ જાણીતું નામ ગાંધી રહ્યું છે. વર્તમાન સરકાર હેઠળ તેમની થયેલી બાદબાકીના કારણે નહીં, પરંતુ તેમને અર્થહીન મૂર્તિમાં ફેરવી દેવાથી જે નૈતિક શૂન્યાવકાશ સર્જાયો છે, તેને જોતાં તેઓ સલિલ ત્રિપાઠીના વર્ણનમાં એક રક્ષક દેવતાની જેમ છવાયેલા રહે છે, કારણ કે આધુનિક ગુજરાતી મધ્યમ વર્ગ પર તેમના ઘડતર પ્રભાવ રહ્યો છે. વડીલો લાગણી અને નોસ્ટાલ્જિયા (ભૂતકાળ વિશેની યાદો) સાથે મહાત્મા ગાંધી વિશે વાત કરે છે. જ્યારે સલિલભાઈ દ્વારા મુલાકાત લેવાયેલા યુવાનો ગાંધીજીની સામાજિક અને રાજકીય પસંદગીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરે છે અને આશ્ચર્ય વ્યક્ત કરે છે કે શું ભારત તેમના નેતૃત્વ હેઠળ ખોટા રસ્તે તો નહોતું ચાલ્યું ગયું. જો કે, આ એક વ્યાજબી પ્રશ્ન છે અને સલિલ ત્રિપાઠી તેને ટાળતા નથી, છતાં ગાંધીજીની સહિષ્ણુતા અને અહિંસક ઉપદેશોના અસ્વીકારની અહીં સખત નિંદા કરવામાં આવી છે. આ બધા વચ્ચે, બારમાં પ્રકરણના આરંભમાં, ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન, માધવસિંહ સોલંકીને ટાંકીને લેખકે અનેક વમળો ઊભા કર્યા છે. માધવસિંહભાઈ સલિલ ત્રિપાઠી સાથેની ચર્ચામાં કહે છે : ‘આપણે તો હંમેશાં હિંસક હતા. આપણને શાંત કરવા આપણને ગાંધીજીની જરૂર પડી.’

આ અલગ અલગ વાતો માંડવા માટે સલિલ ત્રિપાઠી અનન્યપણે સક્ષમ છે. તેમના કૌટુંબિક ઇતિહાસમાંથી તેમને કવિઓ, દાર્શનિકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથેનો ઘનિષ્ઠ સંબંધ મળ્યો છે. અને તેને કારણે દર્શાવાઈ વિવિધ વિગતોને મજબૂતાઈ સાંપડી છે. એક બિઝનેસ પત્રકાર તરીકેના તેમના વર્ષોના અનુભવને કારણે, તેઓ અંબાણી, અદાણી અને ટાટાના ઉદયને એવી રીતે સમજાવી શકે છે કે જેને જોઈને બિઝનેસ સ્કૂલના પ્રોફેસરને પણ ગૌરવ થાય. તેમના જૂના શાળાકીય સંબંધો (કાળ) તેમને ગુજરાત અને મુંબઈના ઘણા મહાન કોર્પોરેટ નાટકોને નજીકથી (રિન્ગસાઇડ પર બેસીને) જોવાની તક આપે છે. અને અંતે, PEN (પેન)ના એક અગ્રણી અવાજ તરીકે, તેમની પાસે ભારતીય મુસ્લિમો પર થતા અત્યાચારો, માનવ અધિકારોના હનન અને દમનને સમજાવવા માટેના ધારદાર શબ્દો છે. 

‘એશિયન રિવ્યુ ઑવ્‌ બૂક્સ’ માટે ‘રોયલ સોસાયટી ફોર એશિયન અફેર્સ’ના સભ્ય અને જાણીતા લેખક ડેવિડ ચેયફિટ્સ  [David Chaffetz] લખે છે :

‘અંબાણી અને અદાણી જેવા અબજોપતિઓ, પારસી પરોપકારીઓ, વૈશ્વિક પ્રવાસી સમુદાય (ડાયસ્પોરા), ઔદ્યોગિક અને વેપારી ક્ષમતા અને તેમના સૌથી મહાન સંતાન ગાંધીના વારસા ધરાવતા ગુજરાતી લોકોનો આ ઊંડાણપૂર્વકનો અભ્યાસ, લગભગ દરેક પાના પર વાચકોની ઉત્સુકતા જાળવી રાખે છે. કમનસીબે પરંતુ કદાચ સમજી શકાય તેવું છે કે, પુસ્તકના વ્યાપને કારણે અમુક અંશે પુનરાવર્તન આવે છે. જાણે આપણે કોઈ ગુજરાતી વડીલને ઘણી રાતો સુધી સાંભળી રહ્યા હોઈએ, તેમ આપણે સહેજ અલગ દૃષ્ટિકોણથી તે જ વાત ફરી ફરી સાંભળીએ છીએ. બાકી, સલિલ ત્રિપાઠીની સચોટ શૈલી અને પાત્રોને સમજવાની તેમની દૃષ્ટિ આ લાંબા પુસ્તકને અત્યંત રસપ્રદ બનાવે છે. રાષ્ટ્રવાદીઓ જાહેરમાં ગુજરાતની ‘ગંદકી’ (ત્રૂટિઓ) બહાર કાઢવા બદલ લેખકની ટીકા કરશે, પરંતુ ડાબેરીઓ કદાચ એવો આક્ષેપ કરશે કે લેખક તેમના દેશબંધુઓ જ્યારે ઉશ્કેરાઈ જાય છે ત્યારે તેમના પ્રત્યે વધુ પડતા ઉદાર છે. આ પુસ્તક સર્વોપરી રીતે ગુજરાતીઓને તેમના વધુ સારા સ્વરૂપને, અહિંસા, સહિષ્ણુતા, સમાધાન અને સાહસની તેમની પરંપરાને અપનાવવા માટેનું આહ્વાન છે. ‘

સંદર્ભ :

  1. The Gujaratis : Salil Tripathi 

     2.      https://www.bbc.com/gujarati/articles/c87pn5ed0xro

28 મે – 27 જૂન 2026; હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ
e.mail ; Vipoolkalyani.opinion@btinternet.com

Loading

27 June 2026 Vipool Kalyani
← AIને માથે ચડાવવા જેવું નથી …
ચલ મન મુંબઈ નગરી—347 →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved