ચૂંટણી સભાઓ, રોડ શો અને રાજકીય વચનોનાં માહોલમાં આપણે ખેંચાઈ રહ્યાં છીએ ને કોને મત આપવો એની ગડમથલમાં દિવસો કાઢીએ છીએ. બધાં જ રાજકીય પક્ષો આપણને જાતભાતનાં વચનો આપીને ભરમાવી રહ્યા છે. નેતાઓ વાયદાઓ કરે છે. એ વાયદાઓ આપણે યાદ રાખવાના ને ફાયદાઓ એમણે યાદ રાખવાના. આગલી ચૂંટણીઓમાં કેટલું કહેલું અને એમાં કેટલું થયું તે એ લોકોને નથી ખબર, આપણને ખબર છે, એવું જ આ વખતે પણ ખરું. સુરતની જ વાત કરીએ તો અગાઉનાં કોઈ ભા.જ.પી. કેન્દ્રીય બજેટમાં સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની વાત થયેલી. ભા.જ.પ.ના પ્રદેશ પ્રમુખ સુરતના છે ને રેલવે મંત્રી પણ સુરતના છે, છતાં તેમાં કેટલું થયું તે આજનું સ્ટેશન જોવાથી સમજાય એમ છે. તે પછી તો ગાંધીનગર રેલવે સ્ટેશન આંતરરાષ્ટ્રીય સ્તરે ડેવેલપ થયું. ઠીક છે, એવું બધું તો ચાલ્યા કરે. નેતાઓના વાયદાઓને માનવાના ન હોય તે તો છોકરું ય જાણે છે.
એ પણ જવા દો, સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકાર પર ભરોસો નથી એવું આજે જ ચૂંટણી કમિશનરની નિમણૂક સંદર્ભે કહેવાયું છે. શંકા પડે એવું છે જ. વાત એવી છે કે હાલ જે ચૂંટણી કમિશનર નીમાયા તે અરુણ ગોયલ વિષે સુપ્રીમને એ વાતે શંકા પડી છે કે ગુરુવારે ગોયલને વી.આર.એસ. મળ્યું, શનિવારે એમની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થઈ અને સોમવારે તો તેમણે પદ સંભાળી પણ લીધું. આટલો ઝડપી વિકાસ સુપ્રીમને પણ પચાવવાનું અઘરું થયું એટલે તેણે સરકાર પાસેથી ગોયલની ફાઇલ જોવા માંગી છે. સુપ્રીમને તો એવા ચૂંટણી કમિશનરની અપેક્ષા છે જે વખત આવ્યે વડા પ્રધાનને ય પડકારી શકે. એવા તો મળે ત્યારે ખરા ! જો કે, સુપ્રીમની ચકાસણી વાજબી છે. ચૂંટણી કમિશનર તો સ્વતંત્ર અને સ્વાયત્ત જ હોવા ઘટે. આમ પણ નબળા વિપક્ષને કારણે લોકશાહી ડામાડોળ થઈ જ છે, ત્યાં ચૂંટણી કમિશનર પણ સ્વાયત્ત ન હોય તો લોકશાહી જેવું જ કેટલું ટકે?
આમાં નાગરિક તરીકે જવાબદાર આપણે પણ છીએ. આપણે ફોગટિયાં સંસ્કૃતિથી એટલાં લલચાયાં છીએ કે બધું મફતનું જ શોધીએ છીએ. ડિસ્કાઉન્ટ, ફ્રી અને એક્સચેન્જ ઓફરોથી છેતરાઈએ છીએ. કોઈ કૈં મફત આપવાનું કહે છે કે આપણી લાળ ટપકવા માંડે છે. કોઈ પક્ષ કહે કે અમે બે વડા પ્રધાન આપીશું. એક પર એક ફ્રી ! તો, તેનો ય વાંધો નથી, કારણ આપણને કોઈ વાતે ફેર જ નથી પડતો. મૂરખ બનવા આપણે કાયમ તત્પર હોઈએ છીએ. જેમ એક પર એક ફ્રીનું છે એવું જ રાજકીય વાયદાઓનું પણ છે. તે આગલા અનુભવો પરથી સમજાવું જોઈએ. સાચું તો એ છે કે સામે પક્ષે બધા જ સાચા હોવાનો દાવો કરનારા છે, ત્યારે આપણો વિવેક કામે લગાડવાનો રહે. આપણે કાઁગ્રેસનું શાસન જોયું છે, બી.જે.પી.નું જોઈ રહ્યાં છીએ ને આપને તક જોઈએ છે. આપણે એટલું પણ સમજી લઇએ કે આ બધા જ વેપારીઓ છે ને વેચવા ઊભા છે. એ કૈં આપે કે ન આપે, આપણે મત આપવાનો છે. એ વેચવો કે આપવો એ આપણે નક્કી કરવાનું છે. વાત આટલેથી જ અટકતી નથી. ગુજરાતનાં પરિણામોનો પડઘો કેંદ્રમા ય પડવાનો છે તે ભૂલવા જેવું નથી.
એ સંદર્ભે વિચારીએ તો હાલ ગુજરાતમાં ભા.જ.પ.ની સરકાર છે, કેન્દ્રમાં પણ ભા.જ.પ.ની સરકાર છે ને તે પાય એટલું જ પાણી ગુજરાત પીએ છે. ડબલ એન્જિન જોડ્યા વગર ગુજરાતની ગાડી દોડે એમ નથી. ગુજરાતમાં અને કેન્દ્રમાં કાઁગ્રેસની સરકાર લાંબો સમય રહી. કાઁગ્રેસના સમયમાં જ ભ્રષ્ટાચાર શરૂ થયો ને તેનો છેડો હજી આવ્યો નથી. વડા પ્રધાનની ખાતો નથી – વાળી વાત સાચી, પણ ખાવા દેતો નથી – વાળી વાત ખોટી છે. ગુજરાતમાં 27વર્ષ અને કેન્દ્રમાં 8 વર્ષ પહેલાં કાઁગ્રેસ સત્તા ભોગવી ચૂકી છે, પણ તેણે બહુ ઝડપથી પોતાનો પ્રભાવ ગુમાવ્યો છે. એ સાથે જ દિલ્હી અને પંજાબમાં આપને શાસનની તકો ઊભી થઈ છે. એવી તક તે ગુજરાતમાં શોધે છે. સુરત કોર્પોરેશનથી તેણે શરૂઆત કરી છે. તેની સ્વસ્થતા વધે તો કાઁગ્રેસની ઢીલાશ, આપને વિધાનસભા સુધી લઈ જાય એમ બને.
અનેક વાંધાઓ છતાં ભા.જ.પ.નું ગુજરાત અને કેન્દ્રમાં થયેલું કામ અવગણી શકાય એમ નથી. નોટબંધી ને લોકડાઉન જેવામાં ભા.જ.પ. સરકારે ઉતાવળ કરી છે, તો કોરોના વખતે કરોડો લોકોને સરકારે મફત રસી આપી, એટલું જ નહીં, વિદેશ પણ મોકલી. આ નાનું કામ નથી, એ ઉપરાંત સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી જેવાં કામો નજર અંદાજ કરી શકાય નહીં. વડા પ્રધાને ભારતનું વિદેશમાં જે વર્ચસ્વ ઊભું કર્યું છે તે ઐતિહાસિક છે. વીજળી, પાણી, રસ્તા, ટેક્નોલોજી અને અનેક પ્રોજેકટોની બાબતે પણ નોંધપાત્ર કામ થયું જ છે, પણ પક્ષમાં અસંતોષ, મોંઘવારી અને બેરોજગારીને મુદ્દે સરકાર બેક ફૂટ પર છે. ગરીબોને સહાય મળે છે, પણ કામની, રોજગારીની બાબતે તેમની સ્થિતિ હજી કાળજી માંગે છે. ઘણીવાર એમ પણ લાગે છે કે દેશ ઉદ્યોગપતિઓના હાથમાં છે અથવા સરકાર ઉદ્યોગપતિઓના હાથમાં છે. મોંઘવારી વધારવામાં એમનો હાથ છે ને સરકારે એમના પર નિયંત્રણો મૂકવાની જરૂર છે. અબજો રૂપિયા બેન્કોના ડુબાડીને એન.પી.એ. વધારવામાં ને વિદેશ ભાગી જવામાં ઉદ્યોગપતિઓએ આડો આંક વાળ્યો છે. દેશના કરોડો રૂપિયા લોન માફીમાં વેડફાયા છે. દેવા માફી અમીરોની પણ હોય એ તો આ જ દેશમાં બને. પૈસા કરતાં પણ પ્રમાણિકતાનો અભાવ દેશને વધારે હાનિ પહોંચાડી રહ્યો છે. દેશનો ગરીબ જેટલો પ્રમાણિક છે, એટલો અમીર નથી તે દુ:ખદ છે.
એમાં સૌથી વધુ કફોડી સ્થિતિ તો મધ્યમ વર્ગની છે. અમીરોને મોંઘવારી નડતી નથી, ગરીબોનું સહાય પર નભી જાય છે, પણ મધ્યમ વર્ગ કશીયે મદદ વગર પગાર પર નભે છે. મોંઘવારી વધે છે એ ઝડપે પગાર કે ભથ્થાં વધતાં નથી. કોઈ પણ કોર્પોરેટર એકાદ વર્ષમાં કરોડપતિ થઈ જાય છે. એટલી ઝડપે મધ્યમ વર્ગની આવક વધતી નથી. તેનો પગાર, ટેક્સ કપાયા પછી હાથમાં આવે છે. એને અપ્રમાણિક થવાની તકોયે ઓછી છે. બીજું બધું જવા દઇએ, માત્ર પેટ્રોલનો જ વિચાર કરીએ તો 2014માં પેટ્રોલ 66 રૂપિયે અને ડિઝલ 50 રૂપિયે લિટર હતું, તે 8 વર્ષમાં 100નીયે પાર પહોંચ્યું. એને લીધે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું, પરિણામે ઘણી વસ્તુઓ મોંઘી થઈ. લોન સસ્તી થઈ તે સાથે ડિપોઝિટના રેટ પણ ઘટયા. એની અસર સિનિયર્સની આવક પર પડી ને તેમને ઓછી આવકમાં વધુ મોંઘવારીનો સામનો કરવાનો આવ્યો. એનું પેન્શન અપડેટ થતું નથી ને એ આઉટ ઓફ ડેટ થતો જાય છે. એની સામે આવકવેરાનો સ્લેબ અઢી લાખ અને સિનિયર્સનો ત્રણ લાખ 2014થી એમનો એમ જ છે. 2014માં મોદી સરકારનું પહેલું બજેટ આવ્યું ત્યારે નાણાં મંત્રી અરુણ જેટલીએ આવકવેરાનો સ્લેબ બે લાખથી વધારીને અઢી લાખ અને સિનિયર્સ માટે ત્રણ લાખ કરેલો, તે પછી બધું જ વધ્યું, પણ સ્લેબ વધ્યો નથી. દૂધને ત્રણ ચાર મહિને બબ્બે રૂપિયા વધવાની ટેવ પડી છે, પણ આવકવેરાનો સ્લેબ હતો ત્યાં જ સ્થિર છે. પ્રજા પણ સ્થિર છે. તે પ્રચારમાં ટોળે વળે છે, પણ દૂધ મોંઘું થાય છે તો ચુમાઈને બેસી રહે છે.
આપણી કેન્દ્ર સરકારને ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગ વિષે ગેરસમજો ઘણી છે. તે 6થી 18 લાખની આવકવાળાને નિમ્ન મધ્યમ વર્ગમાં મૂકે છે, તો 8 લાખની આવકવાળાને ગરીબ ગણે છે. નાણાં મંત્રીએ 2021માં મિડલ ઇન્કમ હાઉસિંગ સ્કિમ માર્ચ, 2021 સુધી લંબાવતાં કહેલું કે એનો લાભ જેમની વાર્ષિક આવક 6 લાખથી 18 લાખની વચ્ચે છે તે લોઅર મિડલ ક્લાસને મળશે. તેમણે વધુ સ્પષ્ટતા કરતાં ઉમેરેલું કે જે ગરીબી રેખાની ઉપર છે એવા નિમ્ન મધ્યમ વર્ગને આ લાભ મળશે. છેને કમાલ ! 6 લાખવાળો નિમ્ન મધ્યમ વર્ગમાં અને 8 લાખવાળો ગરીબ વર્ગમાં.
મદ્રાસ હાઇકોર્ટની જસ્ટિસ આર. મહાદેવન્ અને જસ્ટિસ સત્ય નારાયણ પ્રસાદની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને પુછાવ્યું છે કે 8 લાખની આવક ધરાવનાર નબળા વર્ગમાં આવતો હોય તો તેની પાસેથી આવકવેરો કેમ વસૂલાય છે? અઢી લાખથી વધુ આવકવાળો ગરીબ ગણાતો નથી ને તેની પાસેથી આવકવેરો વસૂલાય છે, જ્યારે 8 લાખની આવકવાળો ગરીબ ગણાય છે. મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી આવી છે, જેમાં આવકવેરાની હાલની જોગવાઈને પડકારવામાં આવી છે. અરજી મુજબ આવકવેરા વસૂલાત માટે સ્લેબ અઢી લાખનો છે ને ઇકોનોમિકલી વીકર સેકશન (EWS) માટેની વાર્ષિક આવક મર્યાદા 8 લાખ નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ 103માં બંધારણીય સુધારા બિલની કાનૂની માન્યતાને સમર્થન આપ્યું છે જેમાં EWS માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે ને એની આવક મર્યાદા આઠ લાખ નક્કી કરવામાં આવી છે. આ વિસંગતતા મદ્રાસ હાઇ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે ને કોર્ટે તેનો જવાબ કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો છે. અરજદારે 8 લાખથી ઓછી આવકવાળા તમામને આવકવેરાના દાયરામાંથી બહાર રાખવા આ અરજી કરી છે. આ મુદ્દો ખરેખર વિચાર માંગે એવો છે. સરકાર પોતે જ જો 8 લાખની આવકવાળાને આર્થિક રીતે નબળા ગણતી હોય તો તે અઢી લાખથી આઠ લાખની વચ્ચેની આવકવાળા ગરીબો પાસેથી ટેક્સ વસૂલી કઇ રીતે શકે? સરકારે આ મુદ્દે ફેર વિચારણા કરીને નવાં કેન્દ્રીય બજેટમાં આવકવેરાનો સ્લેબ ઓછામાં ઓછો આઠ લાખ કરવો જોઈએ. એ ન કરે તો પ્રજા તરીકે આપણે તેને ફરજ પાડવી જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 નવેમ્બર 2022
![]()


હા, માણસાઈ માણસમાં જ હોય છે. તે પશુપંખીમાં જોવા ન મળે. એની પાસેથી એવી અપેક્ષા પણ નથી, છતાં, ક્યારેક વફાદારી, લાગણી વગેરે એનામાં જોવા મળે છે ને માણસમાં એ જોવા મળતી નથી. મનુષ્ય આ પૃથ્વી પરનું ઉત્તમ સર્જન છે, તે છે પણ ખરું, પણ સૌથી વધુ ત્રાસ પણ એ જ ફેલાવે છે. એણે જ શાંતિ માટે પ્રયત્નો કર્યાં છે ને એણે જ સૌથી વધુ યુદ્ધો પણ ખેલ્યાં છે. સ્ત્રી અને પુરુષને એકબીજાં માટે સર્જ્યાં કુદરતે, પણ સૌથી વધુ વિખવાદો એ બે વચ્ચે જ છે. એક તરફ તેમને અહમ્થી દૂર રહેવાનું શીખવાયું ને સૌથી વધુ અહમ્નો ટકરાવ સ્ત્રી-પુરુષો વચ્ચે જ જોવા મળે છે. શિક્ષણે એ સ્થિતિ સર્જવાની હતી કે મનુષ્ય વધુ નમ્ર ને વિવેકી બને. એ શીખવાયું પણ ખરું, પણ એનો અમલ ખાસ થયો નહીં. એનાં કરતાં કદાચ અશિક્ષિતોમાં અહમ્નું પ્રમાણ ઓછું જ જોવા મળે છે. એમ લાગે છે કે શિક્ષણનું પ્રમાણ વધ્યું, તેણે આકાશની ક્ષિતિજો વિસ્તારી, પણ મનુષ્યને તો વધુ સંકુચિત અને અહંવાદી જ બનાવ્યો. એનાં સૌથી વરવાં પરિણામો સ્ત્રી-પુરુષમાં જ જોવાં મળ્યાં.
ચૂંટણી જોર પર છે. પ્રજા અને પ્રધાનો એકબીજાને પટાવવામાં / પતાવવામાં પડ્યાં છે. સભાઓ થાય છે, રોડ શો થાય છે ને પક્ષોને લાગે છે કે પ્રજા પોતાની સાથે છે એટલે જીત તો પોતાની જ છે, પણ પ્રધાનો જેટલી, પ્રજા બોલકી નથી. તે વધારે અકળ છે. કોઇની પણ સભામાં તે તાળીઓ પાડવા પહોંચી તો જાય છે, પણ મત તો ‘ગમે તેને’ જ આપે છે. ગુજરાતમાં 27 વર્ષથી ભા.જ.પ.ની સરકાર છે. એ જોર પર પ્રદેશ પ્રમુખે 182માંથી 182 સીટ ભા.જ.પ.ને મળવાની આગાહી કરી છે, પણ નાનું છોકરું ય ન વિચારે એવું ભા.જ.પ.ના નેતાઓ જાહેરમાં બોલે છે ત્યારે આશ્ચર્ય નથી થતું, રમૂજ થાય છે. 182 સીટ મળે કે ન મળે, પણ ભા.જ.પ.ની સરકાર ન જ બને એવું પણ નથી. તે એટલે કે પ્રજાને ભા.જ.પ.ની ભક્તિ ફળે તેવો ભરોસો છે. એક વાત તો છે કે રામ મંદિર અને 370મી કલમની નાબૂદી બાબતે ભા.જ.પે. રાષ્ટ્રમાં અને પાણી-વીજળીની બાબતે ગુજરાતમાં, પ્રજાને રાહતનો અનુભવ કરાવ્યો છે. એ જ કારણ છે કે પ્રજા મોંઘવારીની બાબતે આંખ આડા કાન કરી લે છે. આજે ઘણાં એવાં છે, જેમનું કોઈ પક્ષ પૂરું કરતો નથી, પણ પ્રજાની વફાદારી ઘટતી નથી. એ આંખ મીંચીને મત આપી આવે છે ને પછી અનેક મુશ્કેલીઓ માટે તૈયાર પણ રહે છે. ભક્તિ અને આરતી ભલે ભક્તો કરે, પણ પક્ષમાં અને પ્રજામાં, એક નાનો વર્ગ રાજી નથી તેનો ભા.જ.પે. વિચાર કરવાનો રહે જ છે. કેટલાંક ક્ષેત્રોમાં કામ નથી થયાં, તેનો અસંતોષ પ્રજાએ પોતાનાં વિસ્તારમાં મત ન માંગવા આવવાનું કહીને પ્રગટ કર્યો છે. મોંઘવારી, બેકારીથી ત્રાસનાર વર્ગ પણ નથી એવું નથી. બોટાદનો લઠ્ઠાકાંડ ને મોરબીનો ઝૂલતો પુલ ભુલાયો નથી. એની અસર ચૂંટણીમાં વર્તાય તો નવાઈ નહીં. સરકારનાં પ્રોજેક્ટ્સ ભલે અર્પણ થાય, વિશ્વમાં વડા પ્રધાન ભારતનું નામ ભલે ઊજળું કરે, પણ દીવા નીચે અંધારું છે ને તે નજર અંદાજ કરી શકાય એવું નથી તે સ્વયં સ્પષ્ટ છે.