કોઈ પણ જાતિ, ધર્મ, કોમનું અગાઉ ન હતું એટલું મહત્ત્વ હવે પ્રજામાં ઠસાવવામાં આવે છે. તમે હિન્દુ વિષે કૈં બોલો તો મુસ્લિમો સતર્ક થઈ જાય છે ને મુસ્લિમ વિષે કૈં કહો તો હિન્દુઓના કાન ઊભા થઈ જાય છે. હિન્દુઓમાં પણ બે વર્ગ પડી ગયા છે. એક વર્ગ ભા.જ.પ.ની અને ભા.જ.પી. સરકારની ભક્તિમાં માને છે ને બીજો, નીરક્ષીર ન્યાયે સરકારની ગતિવિધિ વિષે મત આપે છે. એ હિન્દુ જ છે, પણ સરકારની ભક્તિમાં રાચતો નથી, તો ભક્તોને તે નથી ગમતું ને સરકારની જાણ બહાર જ સરકારની વકીલાતનો એ વર્ગ આનંદ લે છે. એ કમનસીબી છે કે હિન્દુઓને એક કરવા જતાં, તેમાં જ ભાગ પડી ગયા જેવું થયું છે. આ વાતે સરકાર અજાણ હોય એવું લાગતું નથી. આ વર્ગો વચ્ચે જ હુંસાતુંસી એવી છે કે તે એક થઈને બીજા કોઈ ધર્મની ટક્કર લે એ સ્થિતિ બહુ બચતી નથી. આમ તો હિન્દુ-મુસ્લિમ પ્રજાઓ મોટે ભાગે સંપથી રહેતી આવી છે, પણ બંને કોમોમાં કેટલાંક તત્ત્વો એવાં છે જે આ પ્રજા નજીક આવે તે ઇચ્છતાં નથી. એમાં રાજકીય, સામાજિક, આર્થિક એવાં ઘણાં પરિબળો ભાગ ભજવે છે. કેટલાંક રાજકારણીઓ પણ નથી ઇચ્છતા કે આ બે કોમ સંપીને રહે. બાકી મહોરમ કે ગણેશોત્સવ જેવા તહેવારોમાં બંને કોમના લોકો આનંદ માણે છે તેની નવાઈ નથી.
બન્યું છે એવું કે 1992માં બાબરી ધ્વંસ પછી મુસ્લિમોનું જોર નરમ પડયું છે ને હિન્દુઓનો અવાજ બુલંદ થયો છે. કાઁગ્રેસનું શાસન રહ્યું ત્યાં સુધી લઘુમતીનો મહિમા થતો રહ્યો. એ પછી ગુજરાતમાં ભા.જ.પ. સત્તા પર આવ્યો ને કેન્દ્રમાં તો કાઁગ્રેસનું શાસન હતું જ, એટલે ગુજરાતનાં ભા.જ.પી. શાસન પર કરડી નજર પણ ફરતી રહી. ગુજરાતમાં સફળ નેતૃત્વની મથામણ તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી કરતા હતા તેમાં પણ કેન્દ્રની દખલ થતી જ રહેતી હતી. ખાસ તો લઘુમતીનો અવાજ ક્ષીણ થઈ જશે એવી ચિંતા વચ્ચે 27 ફેબ્રુઆરી, 2002ને રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના s-6 ડબ્બામાં કેટલાંક ઉપદ્રવીઓ દ્વારા આગ લગાડવામાં આવી ને અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકોના કોલસા પાડી દેવામાં આવ્યા. આગ લગાડનારા કોણ હતા તે કહેવાની જરૂર નથી. આ કોઈ ચોક્કસ ઘટનાની પ્રતિક્રિયા રૂપે જ હતું ને એમાં 59 જેટલા કાર સેવકોનો જીવતે જીવત અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવ્યો. મરનાર હિન્દુઓ હતા. દેખીતું છે કે આની પ્રતિક્રિયાઓ આવે ને આવી. અમદાવાદ અને ગોધરામાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં ને એમાં 1,044 લોકો મર્યાં. આમ પ્રતિક્રિયાઓ કોઈને કોઈ રૂપે આવતી જ રહી છે ને બંને કોમોને વેઠવાનું આવ્યું છે. વેઠવાનું વત્તે ઓછે અંશે બંને કોમોને થાય છે, પણ આ અટકે એવું બનતું નથી. પરિણામો વધુને વધુ ભયંકર હોય એ દરેક પ્રતિક્રિયામાં બનતું આવ્યું છે. આ હિંસા ઘટે એવું, નથી કોઈ કોમ ઇચ્છતી કે નથી સરકારો એ બાબતે ગંભીર જણાતી. એટલે ક્યાંક ને ક્યાંક લોહી સાથે છમકલાં થતાં રહે છે. આનો છેડો આવે એવું નજીકમાં તો જણાતું નથી. એમ લાગે છે કે આમાં શિક્ષણ કે સમજદારીની કોઈ ભૂમિકા લગભગ નથી. આ સ્થિતિ હોય ત્યાં પરિણામો કલ્પવાનું અઘરું નથી. એમાં પણ દોષ સામે પક્ષે જ દેખાય તો હિંસક ઉશ્કેરાટ જ કામ કરે એ સ્વયં સ્પષ્ટ છે. આ બધું શાંતિ માટે થાય છે ને પરિણામ અશાંતિમાં આવે છે. ગોધરાની ટ્રેનના ડબ્બાને આગ ચાંપવાની ઘટના પછી જે રમખાણ 2002માં થયાં એમાં લીમખેડાની ગર્ભવતી બિલ્કિસ બાનુ ગેંગ રેપનો ભોગ બની. તેની 3 વર્ષની દીકરીને મારી નાખવામાં આવી ને સાત લોકોની હત્યા પણ થઈ. બિલ્કિસ બાનુનો કેસ નોંધાયો ને અહીં કેસ ચલાવવાનું ઠીક ન લાગતાં રાજ્યની બહાર મહારાષ્ટ્રમાં કેસ ચાલ્યો. 11 જણાંને સામૂહિક બળાત્કાર બદલ આજીવન કેદની સજા થઈ. આરોપીઓ 2004થી જેલમાં હતા ને સુપ્રીમના આદેશ પર સી.બી.આઇ. કોર્ટે આરોપીઓને દોષી ઠરાવી 2008માં આજીવન કેદની સજા ફરમાવી. આમ તો બળાત્કારની સજામાં ફાંસી પણ થાય છે ને આજીવન કેદ પણ થાય છે ને પુરાવાને અભાવે આરોપી છૂટી પણ જાય છે. એ વખતે કોર્ટને લાગ્યું તે ખરું એટલું જ આશ્વાસન લેવાનું રહે. આ કેસમાં આરોપીઓને મુંબઈ અને નાસિકની જેલમાં 9 વર્ષ રખાયા ને તે પછી તેમને ગોધરાની જેલમાં ખસેડવામાં આવ્યા. ગુનેગારો સજા કાપી જ રહ્યા હતા, ત્યાં આઝાદીનું અમૃત પર્વ આવ્યું ને ગુજરાત સરકારે બિલ્કિસના તમામ આરોપીની સજા રેમિનેશન પોલિસી હેઠળ માફ કરી દીધી. આ વાતે કેદીઓ મુક્ત થતા એમને, તેમના સમર્થકો દ્વારા હારતોરા ને મીઠાઈથી પોંખવામાં આવ્યા, પણ જે બળાત્કારનો ભોગ બની હતી તે બિલ્કિસને તો આ સમાચારથી ફરી કોઈએ ચામડી ઉતરડી નાખી હોય તેવો દારુણ અનુભવ થયો. ગુનેગારોની સજા માફ કરી દેવામાં આવી એની નથી તો પીડિતને જાણ કરવામાં આવી કે નથી તો એના વકીલોને એ અંગે માહિતી આપવામાં આવી.
ગુનેગારોની ચાલચલગત સારી હોય તો રાષ્ટ્રીય ઉત્સવે ક્યારેક સજા માફ કરી દેવાતી હોય છે, પણ એમાં સાધારણ રીતે બળાત્કારીઓને બક્ષવામાં આવતા નથી. એમાં આ અપવાદ થયો. ભોગ બનનાર મુસ્લિમ મહિલા હતી તેથી સજા માફ થઈ એવી તો વાત નથી, પણ ગુનેગારો બ્રાહ્મણ હતા ને સંસ્કારી હતા તેથી સજા માફ થઈ એટલું ચોક્કસ છે. ચોક્કસ એટલે કે ભા.જ.પ.ના એમ.એલ.એ. સી.કે. રાઉલજીએ એવું કહ્યું છે કે રેપિસ્ટ સંસ્કારી અને બ્રાહ્મણ છે. ગોધરાના આ એમ.એલ.એ. જામીન માટે બનેલી પેનલનો ભાગ હતા ને આ પેનલે જ સર્વ સંમતિથી તમામ આરોપીઓને છોડી મૂકવાની ભલામણ પણ કરી હતી. એક આરોપીએ મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી ને સુપ્રીમે નિર્ણય રાજ્ય સરકાર પર છોડ્યો હતો.
સજા માફ થઈ ને સરકારે તે કરી એ બાબત કેટલાક પ્રશ્નો સર્જે છે. પેનલનો એમ.એલ.એ. સભ્ય એમ કહે છે કે રેપિસ્ટ બ્રાહ્મણ છે ને સંસ્કારી છે. બ્રાહ્મણ હોય ને સંસ્કારી હોય એ સમજી શકાય, પણ બધાંને તે એકસરખી રીતે લાગુ ન કરી શકાય. એક તરફ રેપિસ્ટ કહો ને તે સાથે જ બ્રાહ્મણ ને સંસ્કારી પણ કહો ત્યારે પક્ષપાત થતો હોવાનું લાગે. જો એ રેપિસ્ટ હોય તો તે સંત જ કેમ ન હોય, અપરાધી છે. એ સાથે જ દુષ્કર્મ જે સ્ત્રી સાથે થયું હોય, તે અમુક કોમ કે ધર્મની હોય, તો તેથી ઓછો આઘાત લાગે એવું નથી. જે સ્ત્રી એનો ભોગ બને છે તે તો અનેક પ્રકારની યાતનાઓ વેઠે જ છે ને તે અમુક કોમની હોય તો ઓછી પીડાય એવું અપવાદ રૂપે ય બનતું નથી. તેને માટે અનુકંપા જ હોય ને તેને ભોગ બનાવનાર કેવળ અપરાધી જ ગણાય. તેનો બચાવ ન હોય. બળાત્કારનું કારણ કોઈ પણ હોય ને તે કરનાર કોઈ પણ હોય, તે કેવળ ને કેવળ સજાને પાત્ર છે.
બિલ્કિસના અપરાધીઓને છોડી મૂકવામાં આવ્યા તે બાબતે પણ પ્રશ્નો છે. સરકાર પાસે એમને છોડી મૂકવાના કયાં કારણો છે તે બહાર આવ્યું નથી. એક વાત સ્પષ્ટ છે કે સી.બી.આઇ.ની કોર્ટે જે અન્ય આરોપીઓ હતા તેમનો દોષ ન જણાતાં તેમને ઓલરેડી છોડી જ મૂક્યા છે ને જે ગુનેગાર હતા તેમને જ સજા કરી છે. આ સજા ભોગવવાનું ચાલુ જ છે ત્યાં 75 વર્ષ સ્વતંત્રતાનાં પૂરાં થતાં સરકારને એકાએક તેમને છોડી મૂકવાનું મન થયું. આ મન 75મું ન આવ્યું હોત તો ન જ થયું હોત, કારણ અગાઉ 74મું પણ આવી ગયું હતું ને ત્યારે સરકારને આ અપરાધીઓની સજા માફ કરવાનું સૂઝ્યું નથી. સવાલ તો એ પણ છે કે સરકારનો અને પેનલનો આ નિર્ણય સ્વતંત્ર રીતે લેવાયેલો નિર્ણય છે કે કશાકથી પ્રેરિત છે? જો નહીં, તો આ સજા જ માફ કરવાનું કેમ સૂઝ્યું તેનાં કારણો સરકારે જણાવ્યાં નથી. ગુનેગાર નિર્દોષ હતા ને તેમને સજા થઈ એવું સરકારને લાગ્યું એટલે ગુનેગારોને છોડી મૂક્યા કે ગુનેગાર તો તેઓ હતા જ પણ, સરકારને એમ જ વહાલ ઉભરાયું ને તેમને છોડી મૂક્યા તે સમજાતું નથી. સવાલ એ છે કે જો તેઓ નિર્દોષ હતા તો તેમને આટલાં વર્ષ જેલમાં કેમ રખાયા ને તેમને છોડાવવા સરકારે 75મું પૂરું થાય ત્યાં સુધી રાહ કેમ જોવી પડી? ને જો તેઓ દોષિત જ હતા તો તેમને સજા ભોગવવામાંથી મુક્તિ આપવાનું કયું કારણ છે? એવું તો નથી ને કે ગુના થવા દેવા ને જો તે ચોક્કસ વર્ગના છે તો ગુનેગારોને બક્ષી દેવા? ગુના ભલે રહે, ગુનેગારો ન રાખવા, તેમને મુક્ત કરી દેવા. આ ગુનેગારોને એટલા માટે છોડવામાં આવ્યા કે તેઓ અમુક ચોક્કસ કોમના હતા? તેમણે અમુક ચોક્કસ કોમની મહિલાને ભોગ બનાવી હતી ને તેથી તેઓ છોડી મૂકવાને પાત્ર હતા, એવું? જો આમ જ ચાલશે તો અમુક ચોક્કસ કોમના અપરાધીઓને, અમુક ચોક્કસ કોમની વ્યક્તિ સાથે ગુનો થયો છે એટલે માફીને લાયક છે એવું પક્ષપાતી વલણ અન્ય સરકારો પણ અપનાવતી થશે ને એમાં સિદ્ધ એવું થશે કે કોર્ટ, કોમ, ધર્મ અને જાતિથી પર એવો ન્યાય કરે છે તો પણ, જો સરકારને યોગ્ય ન લાગે તો તે ન્યાયને ઉલટાવી દેશે. આ થવા દેવાનું છે? એટલું સ્પષ્ટ છે કે આ કિસ્સામાં ન્યાયમાં દખલ કરવા જેવું થયું છે ને તે બીજા કોઈએ નહીં, પણ સરકારે કર્યું છે. આ કેવળ શરમજનક અને અક્ષમ્ય છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ઑગસ્ટ 2022
![]()


આજે કૃષ્ણાષ્ટમી. કૃષ્ણ દર વર્ષે જન્મે છે એટલે તેની ઉંમર વર્ષથી વધતી નથી. આવતે વર્ષે ફરી જન્મશે ને એમ જન્માષ્ટમી ચાલ્યા કરશે ને એ રીતે બાળ સ્વરૂપ સાતત્યપૂર્ણ રહે એમ બને. કૃષ્ણનું સૌથી આકર્ષકરૂપ તેનું બાળસ્વરૂપ છે. એટલે જ તેને પણ દર વર્ષે જન્મવાનું ગમે છે. બાળક થવાનું કોને ન ગમે? કૃષ્ણ એટલે લીલા. તેની બાળલીલા યાદ કરાવવા તે દર વર્ષે જન્મ લે છે. મોટા થવું જ નહીં કે નિર્દોષતા શોધવી પડે ! બાળજન્મ પણ લીલા જ છે, પણ લીલા કરીને તેમાં જ સ્થિર થઈ જાય તો એ કૃષ્ણ નહીં. કૃષ્ણ એટલે ગતિ. તે સ્થિર ન રહે એટલે વર્ષે વર્ષે પ્રગટે ને વિકસે. કૃષ્ણ બાળ સ્વરૂપે પણ પૂર્ણ છે. તે વગર જશોદાને તેનાં મુખમાં બ્રહ્માંડ દેખાય નહીં. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, તે સાથે જ તે અધુરપનો અનુભવ પણ આપે છે. જો કે, એ અધુરપમાં મધુરપનો અનુભવ થયા વગર રહેતો નથી. સાચું તો એ છે કે તેને જોઈને ધરવ થતો નથી.
તે પછી તો કંસ વધ, શિશુપાલ વધ ને બીજી અનેક રાજકીય ઘટનાઓ સાથે કૃષ્ણને સંકળાવાનું થાય છે. કુંતી, વસુદેવની બહેન, તે નાતે ફોઈ થાય. એ સગપણને કારણે પાંડવો-કૌરવોના સંપર્કમાં આવવાનું બન્યું. સ્વયંવર વખતે દ્રૌપદી, કર્ણને, સૂતપુત્ર કહીને મત્સ્યવેધ કરતા રોકે છે. આ અપમાનનો બદલો કર્ણ, દ્રૌપદીને, ચીરહરણ વખતે ‘વેશ્યા’ કહીને લઈ લે છે. કર્ણ અને કૌરવો દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે જે નિર્લજ્જતાથી વર્તે છે તે કેવળ શરમજનક છે. ભરી સભામાં અનેક રાજવીઓની ઉપસ્થિતિમાં એક નારીને નિર્વસ્ત્ર કરવાની કોશિશ થઈ. એ ક્ષણે જ મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થઈ ગયું હતું. પાંડવોની મદદમાં સાથે રહેતાં કૃષ્ણને દ્યુતસભામાં કોઈ યાદ નથી કરતું. એ હોત તો યુધિષ્ઠિરનો દ્યુતરસ આટલો વકર્યો ન હોત. કૃષ્ણને જે બાજુએ મૂકે છે તેને કૃષ્ણ પણ બાજુએ જ મૂકે કે બીજું કૈં? કૃષ્ણે જમુનાને તીરે ગોપીઓનાં ચીર હર્યાં તેમાં નિર્દોષ આનંદ હતો, જ્યારે દ્રૌપદીનું ચીરહરણ તેને અપમાનિત અને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકવાને ઇરાદે થયું હતું. અહીં અનુપસ્થિત રહીને કૃષ્ણ સખીની લાજ રાખે છે. ગોપીનાં ચીર હરનાર દ્રૌપદીનાં ચીર પૂરે છે.
એક સવાલ કાયમ રહ્યો છે કે ભારત પર વિદેશી પ્રજાઓ વેપારને નામે સતત કબજો કરતી જ કેમ આવી? પોર્ચુગીસ, ડચ, અંગ્રેજ, ફ્રેંચ જેવી પ્રજાઓ પહેલાં, મોગલો આવ્યા. આ બધાએ હજારેક વર્ષ દેશ પર રાજ કર્યું. આ પ્રજાઓ ભારતમાં પ્રવેશી ત્યારે તે કૈં લાખોની સંખ્યામાં આવી ન હતી. તે વખતે પણ ભારતમાં એટલા રાજાઓ તો હતા જ કે વિદેશી આક્રમણ ખાળી શકાય, પણ એમ ન થયું. મુશ્કેલી એ હતી કે રાજાઓ વચ્ચે સંપ ન હતો. તેઓ અંદરોઅંદર લડવામાંથી જ ઊંચા ન આવ્યા ને એનો લાભ વિદેશી પ્રજાઓએ લીધો. સામેવાળા રાજાને પરાસ્ત કરવા ઘણીવાર વિદેશી પ્રજાની મદદ લેવાઈ. અંગ્રેજી સલ્તનતનો પાયો એ રીતે નંખાયો. અંગ્રેજોએ જોયું કે રાજાઓ વચ્ચે સંપ નથી. એનો લાભ રોબર્ટ કલાઈવે લીધો ને 1757માં પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ પૂરો પગદંડો જમાવ્યો. અંગ્રેજી સૂબાઓએ ભારતના જ લોકોનું સૈન્ય ઊભું કરીને ભારતીય પ્રજા પર છોડી મૂક્યું ને એમ આખા દેશને એડી નીચે કચડવાનું ચાલ્યું. એવું ન હતું કે બધા જ નિર્માલ્ય હતા. પૃથ્વીરાજ ચૌહાણ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ ને એવા ઘણાં રાજવીઓ વિદેશી સત્તા સામે ઝઝૂમ્યાં, 1857નો બળવો પણ થયો, પણ તે નિષ્ફળ ગયો, એ સાથે જ હિન્દુસ્તાનને કપાળે ગુલામી દૃઢપણે લખાઈ. એ દરમિયાન પણ ભગતસિંહ, ખુદીરામ બોઝ જેવા ઘણા યુવાનોએ અંગ્રેજો સામે બાથ ભીડી, પણ નસીબે ગાળિયો જ આવ્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજારામ મોહનરાય, તિલક, ગોખલે જેવાઓએ વૈચારિક પરિવર્તનનું હવામાન ઊભું કર્યું ને સ્વરાજની ઝંખના તીવ્ર થઈ. 1915માં ગાંધીજી ભારત આવ્યા. એ દક્ષિણ આફ્રિકામાં અપમાનનો સ્વાદ ચાખી ચૂક્યા હતા એટલે એમને રાજકીય પરિસ્થિતિ સમજવાનું સરળ થઈ પડ્યું. ભારત ભ્રમણ દ્વારા એમણે પ્રજાની સ્થિતિ પણ પ્રમાણી. નહેરુ, સરદાર પણ એમની ચળવળમાં સાથે થયા. સુભાષચંદ્ર બોઝને ગાંધીજીનો અહિંસાનો માર્ગ અનુકૂળ ન આવ્યો. એમણે ‘આઝાદ હિન્દ ફોજ’ની રચના કરી ને પોતાની કેડી કંડારી. આ બધાનું પરિણામ એ આવ્યું કે આખો દેશ ગુલામી વિખેરવા તત્પર થઈ ઊઠયો અને 15મી ઓગસ્ટ, 1947ને રોજ ભારતને આઝાદી મળી.