નીલે ગગન કે તલે
ગગનવાલાના અપક્ષ, અશરીરી અને અસંપૃક્ત સ્વાંગ છતાં ગગનવાલાને પણ શરીર છે, ને બહેનો છે, દર વરસે શશીબહેન અને વિનુબહેન પાતાળલોકવાસી પોતાના ભાઈને ટપાલથી પોતપોતાની રાખડીઓ મોકલે છે, “અમારો ભાઈ અમેરિકામાં એકલો હેમખેમ જીવે ને પ્રભુ એની રક્ષા કરે.” દર વરસે ગગનવાલો બંને બહેનોને ફૂલની પાંખડીઓથી છલછલતા ચેક મોકલી બહેનોની રક્ષા કરવાની રસમ નિભાવે છે; મકાનના હબશી દરવાન પાસે રાખડીઓ કાંડે બંધાવી મહિનાઓ સુધી પહેરી રાખે છે; જે યવન પૂછે તેના કાનમાં કૃષ્ણ અને કૃષ્ણા, યમ અને યમુના, બાલિ અને લક્ષ્મી, હિંદી રાજા પુરુ અને ગ્રીક રાણી રુક્સાના, કર્ણાવતી અને હુમાયૂં, મહારાણી જિંદન અને નેપાલના રાણા જંગ બહાદુરની કહાનીઓ કહે છે. આખરે રાખડીઓ સમયક્રમે ધોવાઈ ધોવાઈને ફુવારા નીચે ખરી પડે ત્યારે સાચવીને એક પોતાના કમ્પ્યુટરને પહેરાવે છે, ને બીજી પોતાની મોટરગાડીને. જેથી બહેનોની ભાવના સચવાય, “ઈશ્વર અમારા મનચલા ભાઈ ગગનવાલાના મનની ને કૃશ તનવાલા મધુભાઈના તનની રક્ષા કરે.”
કહેવાય છે કે રક્ષાબંધન ભારતમાં હવે ધર્મનિરપેક્ષ તહેવાર બની ચૂક્યો છે. ગગનવાલા કલ્પના કરે છે કે પરસ્પર વૈમનસ્યથી ઘુરકતા સમુદાયોના સજ્જનો ને દુર્જનો હવે સામસામે રાખડી બાંધે છે જેથી ઈશ્વર તેમની પરસ્પરથી રક્ષા કરે. ગગનવાલા ઈશ્વરમાં માને છે કે નહીં, હૂ નોવ્ઝ! હાલાંકિ ગગનવાલા ‘માણસ’માં અને માણસની માણસાઈમાં માને છે, અને આ ‘સ્ટોરી’ ભાઈ–બહેન કે સજ્જન–દુર્જનના ‘પ્રાણ’ની રક્ષા વિશે નથી પણ માણસાઈના ‘હૃદય’ની રક્ષા વિશે છે, જેનો ફોડ આ ‘સ્ટોરી’ના ‘એન્ડ’માં કરવામાં આવશે.
સૌ જાણે છે તેમ, ખ્રિસ્તીઓમાં લગ્નો દેવળમાં થાય છે. વરપક્ષ અને કન્યાપક્ષના આસામીઓ દેવળમાં ફુલફટાક વસ્ત્રો ધારણ કરી દેવળમાં એકત્ર થાય, દેવળની વેદી પાસે ધાર્મિક વાઘાથી વિભૂષિત ધર્મગુરુશ્રી બનીઠનીને ઊભેલા વરરાજાનું અભિવાદન કરે, ઓરગનવાદક વરવધૂ મિલનના સૂર વગાડે, અને પિતાની કોણીમાં હાથ પરોવી લગ્નોત્સુક શુભ્રવસ્ત્રાવૃત્તા કન્યા હંસગતિથી દેવળમાં પ્રવેશે. વેદી પાસે પહોંચીને પિતા પોતાની કન્યાનું દાન વરરાજાને કરે, સોગનવિધિ થાય, અને વર–કન્યા સામસામાં ઓષ્ટ્યચુંબનથી લગ્ન ઉપર ધગધગતું સીલ મારે. ગયા શનિવારે અમેરિકાના પેનસિલવેનિયા રાજ્યના સ્વિસવેયલ ગામમાં એક શુભ્રવસ્ત્રાવૃત્તા કન્યા પોતાના લગ્નપ્રસંગે એક ગૃહસ્થની કોણીમાં હાથ પરોવી દેવળમાં પ્રવેશી ત્યારે આખા દેશમાં તેનું ટીવી પ્રસારણ થયેલું અને દેશભરના લાખો દર્શકોની આંખ ભીની થયેલી. કેમકે જે ગૃહસ્થની બાંહ પકડી જેની દેવળમાં પ્રવેશેલી તે તેના પિતા નહોતા. એ શનિવારની પહેલાં તે બંને કદી મળ્યા પણ નહોતાં. કિન્તુ બંને વચ્ચે એક ‘હૃદય’ની રાખડી બંધાયેલી હતી. વ્હોટ? હવે ‘રીડ મોર.’
આજથી સાત વર્ષ પૂર્વે સ્વિસવેયલ ગામમાં માઇકલ સ્ટેપિયન નામે એક સજ્જન રહેતો હતો. સન ૨૦૦૬માં કોઈ કારણસર માઇકલની કરુણ હત્યા થઈ. માઇકલની કિશોરી પુત્રી જેનિફર પિતાવિહોણી બની. માઇકલની ઇચ્છા મુજબ તેના મૃત્યુ પછી તેના હૃદયનું અંગદાન થયું મોતના આરે બેઠેલા ન્યુ જર્સી રાજ્યના નિવાસી આર્થર ટોમસ નામના એક ગૃહસ્થને અને આર્થર મૃત્યુના મુખમાંથી બહાર આવ્યો.
માઇકલની પુત્રી જેનિફર ‘જેની’એ જેના શરીરમાં પિતાનું હૃદય ‘જીવતું’ હતું તે આર્થરને પત્ર લખ્યો, આર્થરે જવાબ લખ્યો અને ત્યારથી જેની અને આર્થરનો પત્રો અને સોગાદોનો એક નાતો બંધાયો. એક દસકા પછી જેનીના લગ્નપ્રસંગે “મારા પિતાના સ્થાને તમે મારું કન્યાદાન ન કરો?” એવી જેનીની વિનવણીના જવાબમાં આર્થરે બીજા રાજ્યમાં ગાડી હાંકીને જઈ કન્યાદાન આપવાની સંમતિ આપી અને અહો! “આજે મારા પિતા ઉપસ્થિત નથી પણ મારી બાજુમાં એમનું ‘હૃદય’ અવશ્ય ધબકે છે. આ વાત હું એટલે જાહેર કરું છું કે હવે પછી અંગદાન કરી કોઈ અન્યના પ્રાણની રક્ષા કરવાની ભાવના લોકોમાં જાગ્રત થાય.” જેનિફર પોતાના ફેસબુક પેજ ઉપર કહે છે. “આજે મારા પિતા મારું કન્યાદાન કરે તેવી મારી ઝંખના પૂરી થાય છે.”
ગગનવાલાને થાય છે કે ગગનવાલાનાયે બડાવાલા ગગનવાલાની શી કારીગરી છે. એક માણસ માઇકલનું ખૂન કરે, ને માઇકલનું હૃદય બીજા માણસની જિંદગીની રક્ષા કરે! રક્ષાબંધન અને હૃદય વચ્ચે કશોક સંબંધ છે. માણસના મૃત્યુ પછી પણ માણસાઈ જીવતી રહે છે, બીજા કોઈ માણસના દેહમાં. અભિધાના અર્થમાં, અને વ્યંજનાના અર્થમાં પણ ‘હૃદય’ મીન્સ હૃદય! જય માણસ!
Monday, August 08, 2016
Madhu.thaker@gmail.com
![]()


તમે અશોક મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો ચાલે, પણ ઝવેરચંદ મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો જાઓ, તમારો સેલફોન લઈને તમારા ફ્રેન્ડઝો સાથે લાઇક–લાઇક રમો! ઝવેરચંદ મેઘાણીના સૌથી નાના સુપુત્ર અશોક મેઘાણી અમેરિકા નિવાસે છે અને હવે નિવૃત્ત થઈને ઇતર પ્રવૃત્તિમાં સમય વિતાવે છે, જેને અમે ટૂમચ લાઇક કરીએ છીએ ને ટૂમચ હાર્ટ કરીએ છીએ, કેમકે તે ‘ઇતર પ્રવૃત્તિ’ છે, પિતા ઝવેરચંદની નવકલથાઓનો અંગ્રેજી અનુવાદ! પાઠમાળાબ્રાન્ડ કર્તાકર્મક્રિયાપદ સ્ટાઇલ રૂખુંસૂકું ઇસ્ત્રીટાઇટ અંગ્રેજી નહીં, પણ વિલાયતમાં જન્મેલો અંગ્રેજી માડૂ સડસડાટ વાંચી શકે તેવું ડિક્શન!ઝવેરચંદની લખેલી નવલકથા વેવિશાળ રાઇટ? તેના શીર્ષક વેવિશાળનું અંગ્રેજી શું? બિટ્રોથલ? ફિયાન્સ–ફિયાન્સી? એન્ગેજમેન્ટ?
કમળ, રાતનું કમળ, નદીનું કમળ, કાદવનું કમળ. હવાઇયન ભાષામાં નાળિયેર માટે અસંખ્ય શબ્દો છે, લીલું નાળિયેર, સુક્કું, પાણીવાળું, પાણી વિનાનું, તાજું ને સડેલું એમ દરેક જાતના નાળિયેર માટે અલગ અલગ શબ્દ છે.
સંતુનું આ ભોળપણ અને બાલસુલભ કિન્નાખોરીનો ઇશારો મળે છે મૂળ અંગ્રેજીની ઇલિઝા રાજાને કહે છે, “હેય કિંગ!” તેના ઉપરથી. અને ફક્ત તેટલા પરથી ગુજરાતીની સંતુ કહે છે કે “સુધરેલી બોલીમાં ટૌકો કરીને કઇસ, રાજાના વાંહામાં ઘુંબો મારીને કઇસ” અને તે પછી તેને ઇલિઝાની કોઈ પરવા રહેતી નથી, સંતુ કોઈની અનુકૃતિના સ્થાને સ્વતંત્ર નાયિકા તરીકે પેશ આવે છે.
અમદાવાદથી કચ્છના મોટર રસ્તે તપાસ ચોકી પાસે પોલીસ હાથ ઊંચો કરીને કવિની ગાડી રોકે છે. પોલીસ સામાન તપાસી સીટે વળગાડેલું થર્મોસ ખોલે છે: આ સૂં છે સાયેબ? કવિ કહે છે, અલ્યા મારે પરમિટ છે! /બતાવો સાયેબ./ રિન્યુ કરવા મોકલી છે./ એ ના ચાલે, સાયેબ. પોલીસ ચોકીએ ચાલો./ ચિનુ મને ધક્કો મારીને કહે છે, ચલ, જઈએ પોલીસ ચોકી! ત્યાં ઇન્સપેક્ટર સાયેબ આવે છે, સાયેબ, હવે સમજીને પતાવટ કરો ને! ચિનુ થર્મોસ ઢોળવાનો દેખાવ કરે છે, પોલીસ સફાળો થર્મોસ પકડીને મુદ્દામાલ બચાવવામાં સફળ થાય છે./તમારું નામ લખાવસો, સાયેબ?/ ચિનુ મોદી! નામ સાંભર્યું છે?/ ના ભઈ, પોલીસ અફસર ખાખી રંગના હોઠથી ખીખી મશ્કરી કરે છે, ઓલા ગઝલું લખે છે ઈ ચિનુ મોદી તો તમે નઈં ને? / હા ઈ ઈ ઈ, ચિનુ પોતાનો ચત્તો પંજો પોલીસની સામે ઘોંચીને કહે છે, ઈ ઈ ઈ. /જાવ જાવ સાયેબ, હવે, કોને ઊંઠાં ભણાવો છો– ચિનુ તેને અટકાવીને કચ્છના પ્રોગ્રામનું બ્રોશર બતાવે છે, અલ્યા વાંચતાં આવડે છે?
ચિનુની, આદિલની, મનોજ, મનહર અને અમારી વયના તે સમયના અન્ય શાયરો રમેશ, અનિલની ગઝલો મને ભમરાની સૂંઢ ઉપર ચોંટેલા મધ જેવી તાજી લાગતી. તે પછીથી ગઝલના નામે જે હુલ્લડ ચાલ્યું અને જરી જામા સાથે ગઝલના વિત્ત–નિરપેક્ષ પરસ્પરને વાહવાહ કહીને ચગાવવાનો જે ચાગલો રિશ્તો શિરસ્તો લાગુ થયો તે માટે હું ગઝલઉદ્યોગને ફ્રોડ કહેતો થયો. ચિનુ મને તેનો પેટેન્ટ ચત્તો પંજો ભોંકીને કહેતો, સાલા સૌથી વધુ વાહ તો તારી આવે છે. પણ જાહેરમાં તે મને ‘ગઝલશત્રુ’ કહેતો. હું તેને ‘અમદાવાદનું ઘરેણું’ કહેતો.