બજારનું હોવું અનિવાર્ય છે એમ કબૂલ કરીએ તોયે એને માથે ચડવા દેવાય ત્યારે દાટ વળવાનો
થોડાંક વર્ષો પહેલાં માનવજાતના એક ઉત્તમ અને અજોડ પ્રતિનિધિએ બહુ શાણપણ ભરેલી વાત કરેલી: પ્રકૃતિ પાસે માણસની તમામ મૂળભૂત જરૂરિયાતો સંતોષાય એટલી સંપત્તિ છે, અને પ્રકૃતિ ઉદાર પણ છે. તકલીફ માણસની અમર્યાદ લાલસાની છે, જેને કારણે માણસ નથી સંતોષ અનુભવતો કે નથી જંપતો, અને જંપવા દેતો.
એ મહામાનવની પીઠ ફરી કે ગણતરીના સમયમાં બધું પલટાઈ ગયું. પાયાની જરૂરિયાતોની વ્યાખ્યા બદલાઈ ગઈ, સુખની સમજ પલટાઈ ગઈ, અને ‘સાદાઈ’ તથા ‘કરકસર’ જેવા શબ્દો અર્થ ગુમાવી બેઠા. પૃથ્વી પરનું સઘળું ભોગવી લેવાની, ઝૂંટાઝૂંટ કરીને જેટલું હાથ લાગે તેટલું અંકે કરી લેવાની બેફામ લાલચે માણસને છેક જ વામણો બનાવી દીધો છે, અને એને માથે ચડી બેઠું છે બજાર – લેવેચ, ભાવતાલ, નફાતોટાનું, દેખાદેખી અને હુંસાતુંસીનું, ખરીદો-ખરીદોની કર્કશ ઘાંટાઘાંટનું, જેની બિલકુલ જરૂર નથી એવી મોંઘાદાટ ચીજોના દેખાડાનું, માણસને માત્ર અને માત્ર ઉપભોક્તા બનાવી દેતા એક પાગલ ઝનૂનનું બજાર.
એમાં ય તહેવારો આવે ત્યારે તો આ ગાંડપણ માઝા મૂકે. બજાર માણસ પર રીતસર આક્રમણ કરે, એક્સચેન્જ ઓફર અને મહાએક્સચેન્જ ઓફર, જૂનું કાઢો, નવું લઈ લો! ઊભા થાવ, દોડો, અત્યારે લેશો તો ફલાણી સ્કીમનો લાભ મળશે, તક ચૂકશો નહીં, વિચાર શું કરો છો? તૂટી પડો પૂરી તાકાતથી, અને ઘર ભરી દો નવીનક્કોર, ઝળાંહળાં ચીજોથી. ઓનલાઇન, હાજર થશે કોઈપણ ચીજ, હુકમ મેરે આકા. બજાર દેખાય છે તો ગ્રાહકની સેવામાં, પણ હકીકતમાં એ ચડી બેઠું છે માણસને માથે! ચીજ-વસ્તુુઓઓનું પ્રલોભન ખાળી ન શકતાં, લાલચના પ્રેર્યાં સતત ધકેલાતાં, અને હાથ લંબાવી લંબાવી ઈચ્છેલું જકડવા ફાંફાં મારતાં અમૃતપુત્રો અને અમૃતપુત્રીઓ બજારના વિકરાળ જડબામાં આખેઆખાં હોમાઈ રહ્યાં છે.
અને આ બજાર કંઈ ભૌતિક ચીજો પૂરતું સીમિત નથી. અહીં તો નામો, આવડત અને હાજરી-બધું વેચાણક્ષમતા મુજબ. ખપનું હોય તે ‘ઇન’, અને જે ન હોય તે ‘આઉટ.’ ‘સ્ટાઇલ સ્ટેટમેન્ટ’ અને ‘સ્ટેટસ સિમ્બોલ’, ‘ટ્રેન્ડી’ અને ‘આઉટડેટેડ’, ‘અપ માર્કેટ’ અને ‘ડાઉન માર્કેટ’ જેવી ફેશનની સંજ્ઞાઓમાં માણસની મૂળ ધાતુ કઈ એ જ ભુલાઈ ગયું છે.
સંપત્તિ અને વૈભવશાળી જીવનશૈલીની ભ્રમજાળમાં જે ભસ્મ થઈ રહ્યું છે એનું ભાન પચીસમે માળે મોબાઇલ પડદે ખોવાયેલાં, વાસ્તવિક જીવનનો સ્પર્શ ખોઈ બેઠેલાઓને નહીં થાય. એમની પાસે સપનાં તો છે, પણ એ સ્વકેન્દ્રી છે. સંસ્કાર-સંસ્કૃિત જાળવવાની હાયવોય કરનારાંઓને કદાચ ખ્યાલ નથી કે જાતનો કેન્દ્રસ્થ રાખી જીવતી આ પેઢી એમની સાવ નજીકનાંઓને પણ પોતાનાં વર્તુળમાં સમાવી નથી શકતી, ત્યાં બૃહદ્દ પરિવારની, અને એથી આગળ વધી સમાજ સુધી જવાની કથા કેવી રીતે માંડવી?
પોતાની જાત પર પૈસા વેરવાની લાલચને સહેજ મર્યાદામાં રાખી શકાય તો જે કંઈ બચે તેને અન્ય કોઈની મૂળભૂત જરૂરિયાત માટે રાખી શકાય. આ ઉત્તમ ભાવને સેવનારા જીવો જ્યાં મળે ત્યાં તીર્થ. અમુકતમુક સગવડ કે વૈભવ જતાં કરવાથી આપણા પ્રાણ નહીં નીકળી જાય, પણ કોઈને એ બચેલી રકમમાંથી મોટો આધાર આપી શકાશે. આટલો વિચાર આવે એટલાં અપ્રદૂષિત ચિત્ત કેટલાં બચ્યાં છે એનો સર્વે અશક્ય છે. ક્યારેક આશ્ચર્ય થાય કે તગડી રકમ ખર્ચ્યા પછી આપણે એના બદલામાં મળનારી સવલતોની ગુણવત્તા વિશે જેટલો આગ્રહ સેવીએ છીએ, તેટલો આગ્રહ આપણે આપણી જાત પાસેથી શાલીન અને ટકોરાબંધ વર્તનનો સેવીએ છીએ ખરાં? આપણી પાછળ પણ તાલીમનો શ્રમ અને નાણું – બંને ખરચાયાં છે, તો બદલામાં ગુણવત્તાનો આગ્રહ કેમ નહીં? બેફામ વર્તતાં, બોલતાં, સ્વકેન્દ્રી બની જતાં આપણે જાત પરત્વે ઉદાર બનીને સતત બાંધછોડ કરતાં ફરીએ છીએ, અને સાથોસાથ પોતાને બચાવ કરવા સાવધાન રહીએ છીએ, એવું કેમ? ઉમદા વર્તનનો આગ્રહ પોતાની જાત પાસેથી કેમ નહીં રાખવાનો?
બજારનું હોવું અનિવાર્ય છે એમ કબૂલ કરીએ તોયે એને માથે ચડવા દેવાય ત્યારે દાટ વળવાનો. જરૂરિયાતો જેટલી વધારવી હોય તેટલી વધે, અને ઘટાડવી હોય તેટલી ઘટે. સંજોગો આવી પડે ત્યારે ફ્રીજ વગર, ટીવી વગર, મોબાઇલ વગર અને કાર વગર જીવી જ શકાય છે. ખુદ આપણે જ ક્યારેક એ રીતે જીવ્યાં છીએ. ફરિયાદ વગર અને મોજથી. આપણી પ્રાથમિક જરૂરિયાતોમાં વૈભવ કે એશઆરામની કોઈ ચીજ સામેલ કરવામાં નથી આવતી. પાયાની જરૂરિયાત સંતોષાયા પછીનું જે કંઈ છે એ વ્યક્તિની આવક અને એની જીવનશૈલી મુજબ આવતું જાય છે. જીવવાની ઢબને સાદી રાખવી કે ઝાકઝમાળ ભરેલી, એ જીવનારના અભિગમ અને વિચારસરણી પર આધાર રાખે છે.
વૈભવશાળી જીવનનાં સપનાં એક પેઢી બીજી પેઢીને આપે છે, જેમ સાદગીની પસંદગી, અને સમાજના ઉત્થાનનાં સપનાં આપી શકાય એ જ રીતે. આ વાક્યનો ઉત્તરાર્ધ હવે લગભગ અદૃશ્ય બન્યો છે. નવી પેઢીને સપનાં મળે છે પંચતારક હોટેલનાં, આરામદાયક જીવનનાં, અઢળક સુખસાધનોનાં, મોંઘાદાટ વસ્ત્રો અને ખર્ચાળ આદતોનાં. સાદાઈના અને અન્યોનાં દુ:ખોનો વિચાર કરવાના ઉચ્ચ આદર્શોની આ બંને પેઢીને જાણ છે, છતાં એની નજીક જતાં એ ડરે છે. એ માટે જે કંઈ જતું કરવું પડે કે છોડવું પડે એની તૈયારી એમની પાસે નથી. આ તૈયારી નથી કારણ કે જાતને મધ્યમાં સ્થાપીને જીવવાનું જ એમને ફાવે છે. એમનાં સ્વકેન્દ્રી વલણો એમને ફરીફરીને પોતાની તરફ જ જવા પ્રેરે છે.
બૂટની જોડ પસંદ કરવા કલાક ગાળતી અને મનપસંદ જોડા માટે કોઈ પણ કિંમત આપવા રાજી એવી વ્યક્તિને, કપાયેલા પગવાળી અને કૃત્રિમ પગની જોગવાઈ ન કરી શકતી સાધનવિહોણી વ્યક્તિનો વિચાર ભાગ્યે જ આવે, એના જેવી છે આ પરિસ્થિતિ. ઘણું બધું પોતાને માટે જ મેળવી લેવાની અંગત એષણાનો સરવાળો અંતે તો માનવ સમાજનું અપલક્ષણ બનીને રહે છે. પ્રકૃતિને ચુસી ચુસીને રસકસ વિનાની બનાવી દેવાનો મહાઅપરાધ પણ પછી સ્વીકૃત અને ક્ષમ્ય ગણાય છે. સમૃદ્ધ અને સંતુષ્ટ જીવો ખાતાપીતા હોય અને આસપાસ થોડાં અભાવગ્રસ્ત છોકરાં કે કૂતરાં ઊભાં ઊભાં એમને જોતાં હોય એવા દૃશ્યો આપણને પરિચિત છે.
એમની આંખોમાં ભય, ભોંઠપ અને અપેક્ષાનું હચમચાવી દેનારું મિશ્રણ દેખાશે, અલબત્ત, જોવાની તૈયારી હોય તો જ. નકારનો અને હડધૂત થવાનો આ સંકોચ જીતવાનું મન થાય તો લગાતાર પોતાના ભણી વળતા હાથને જરાક આજુબાજુએ જવા દઈએ. ક્ષણાર્ધ માટે ય જો જાતને કેન્દ્રમાંથી ખસેડી લેવાનું સુખ સાંપડે તો એ લેવા જેવું. પેલા મર્યાદિત વર્તુળમાંથી બહાર નીકળીને અન્ય સુધી પહોંચવાની આ ક્રિયા જેટલી ત્વરિત, અનાયાસ અને વ્યાપક, તેટલો વિકસિત મનુષ્યત્ત્વનો આંક. તમામ વિકાસગાથાઓની ઉપરનો નરી આંખે ન દેખાતો અને સરકારી દફતરે ન ચડેલો આ સાચુકલો વિકાસ.
એ ક્ષણે માથે ચડી બેઠેલું, અટ્ટહાસ્ય કરતું, અને માણસની સારપને દબાવી રાખવા મથતું બજાર નીચે પટકાઈ જવાનું. શુદ્ધ મનુષ્યત્વનો વિજય ઝંખવાના આ દિવસો છે, સાચવવા જેવું સપનુંયે એ જ છે ને!
(સૌજન્ય : ‘બેફામ લાલચનું પાગલ ઝનૂન’, “દિવ્ય ભાસ્કર”, 06 નવેમ્બર 2015)
http://www.divyabhaskar.co.in/news/ABH-mad-fanaticism-rampant-temptation-the-customer-seated-atop-embroiled-market-5161682-PHO.html?seq=2