· માતૃત્વ વરદાન છે, પણ સતત સગર્ભાવસ્થાનો બોજ અભિશાપ છે. માતૃત્વ અંતરની ઝંખનાનું પરિણામ હોવું જોઈએ, અજ્ઞાન કે અક્સ્માતનું ફળ નહીં
· પોતાના શરીર પર માલિકી ન હોય ત્યાં સુધી સ્ત્રી સ્વતંત્ર નથી. દરેક સ્ત્રીને એ નક્કી કરવાનો મૂળભૂત અધિકાર છે કે તેને કેટલાં બાળકો જોઈએ છે અને ક્યારે જોઈએ છે.
— માર્ગરેટ સેંગર
‘તારા દીકરાનાં લગ્નને ચાર વર્ષ થઈ ગયાં, સારા સમાચાર નથી?’ મંજુમાસીએ સુનીતાબહેનને પૂછ્યું. નાના ગામની નિશાળમાં આઠ ધોરણ ભણેલાં સુનીતાબહેન સહજતાથી બોલ્યાં, ‘એ લોકોનો હમણાં પ્લાન નહીં હોય.’ આજે ત્રીજા વિશ્વના દેશોમાં પણ અને નાનાં નાનાં ગામોમાં પણ જન્મનિયંત્રણ એટલું સ્વાભાવિક બની ગયું છે કે આ સિવાયની પણ કોઈ પરિસ્થિતિ હોઈ શકે એવું માન્યામાં આવતું નથી. પણ આજથી એક-સવા સદી પહેલા અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બર્થ-કન્ટ્રોલ જેવી કોઈ કલ્પના ન હતી. એક પછી એક સગર્ભાવસ્થા, પ્રસૂતિ અને બાળઉછેરના અનંત ચક્રમાં ફસાયેલી સ્ત્રીઓની સ્થિતિ ખૂબ દયાજનક હતી. ગર્ભાવસ્થા પર નિયંત્રણ શક્ય બન્યું તે વીસમી સદીની મહાન ક્રાંતિકારી ઉપલબ્ધિ હતી. તેનો ઇતિહાસ ભારે રોમાંચક અને રસપ્રદ છે.

માર્ગરેટ સેંગર
1914નો ઉનાળો હતો. ન્યૂયોર્કના ગરીબ વિસ્તારમાં એક નર્સ માર્ગરેટ સેંગર આરોગ્યસેવાઓ આપતી. એની પાસે અનેક માતાઓ આવતી જેમને બાળકો જોઈતાં ન હોય, પોસાતાં પણ ન હોય તો પણ થયા કરતાં હોય. એક દિવસ એક યુવાન સ્ત્રી મરણતોલ હાલતમાં માર્ગરેટ પાસે આવી. તે પાંચ બાળકોની મા હતી અને છઠ્ઠા અવાંછિત ગર્ભનો નિકાલ કરવા જતાં તેની આ સ્થિતિ થઈ હતી. માર્ગરેટે મોટા ડૉક્ટરને બોલાવ્યા અને મહાપ્રયત્ને તેને ભાનમાં આણી. ભાનમાં આવતાં જ તે રડી પડી અને બોલી, ‘મારે વધારે બાળકો જોઈતાં નથી, હું શું કરું?’ ડૉક્ટરે કટાક્ષમાં કહ્યું, ‘તારા પતિને કહે એ અગાસીમાં સૂવાનું ચાલુ કરે.’ માર્ગરેટ આઘાત પામી ગઈ – સ્ત્રીના શરીરની આ અવદશા? અને હમદર્દીને બદલે ક્રૂર મજાક? છ મહિના પછી એ સ્ત્રી ફરી સગર્ભા હતી. ફરી તેણે ગર્ભપાત કરવાનો જીવલેણ પ્રયત્ન કર્યો ને માર્ગરેટના હાથમાં જ છેલ્લા શ્વાસ લીધા ત્યારે માર્ગરેટે નિશ્ચય કર્યો : ‘બહુ થયું. હવે બસ.’ અને 1916ની 16મી ઓક્ટોબરે માર્ગરેટ સેંગરે ન્યૂયોર્કમાં પહેલું બર્થ-કન્ટ્રોલ સેન્ટર ખોલ્યું.
જો કે ગર્ભનિરોધની દિશામાં પ્રયત્નો તો પ્રાચીન કાળથી થતા જ હતા. પ્રાચીન ઈજિપ્તમાં સ્ત્રીઓ વીર્યપ્રવેશ રોકવા માટે મધ, બાવળનાં પાન અને લિન્ટ વૃક્ષનાં પાનની લુગદી બનાવી યોનિમાં મૂકતી તેવો ઉલ્લેખ ઈ.સ. પૂર્વે 1850માં મળે છે. બાવળનો ગુંદર પણ તેઓ વાપરતાં. બાવળની શુક્રનાશક પ્રકૃતિ હવે સંશોધનો બાદ સાબિત થઇ છે એટલું જ નહીં, કોન્ટ્રાસેપ્ટિવ જેલીમાં તેનો ઉપયોગ પણ થાય છે. પ્રાચીન ગ્રીસમાં ઈ.સ. પૂર્વે સાતમી સદીમાં હિપોક્રેટસે સિલ્ફીયમ નામની વનસ્પતિનો ઉપયોગ ગર્ભપાત માટે કરવાનું સૂચવ્યું હતું. ચીન અને ભારતમાં પણ વનસ્પતિ અને જડીબુટ્ટીઓના ઉપયોગથી ગર્ભનિયંત્રણના પ્રયત્નો થતા હતા. જો કે આ પ્રયત્નોમાં સફળતાનો દર ઘણો નીચો હતો. ત્યાર પછી મધ્યયુગમાં નવા જન્મેલા બાળકને, ખાસ કરીને દીકરીને મારી નાખવાનો ક્રૂર રિવાજ શરૂ થયો. આજે ગર્ભનિરોધનાં સાધનો સહેલાઈથી ઉપલબ્ધ હોવા છતાં અનિચ્છિત ગર્ભ રહી જવાના અને ગર્ભપાતના, જન્મેલા બાળકને ત્યાગી દેવાના બનાવો બનતા રહે છે. બાળકના શારીરિક વિકાસ અને અપંગત્વને ગર્ભમાં જ જાણી લેવાની જે પદ્ધતિ શોધાઈ છે, તેમાં બાળકની જાતિની ખબર પડે છે એટલે તેનો ઉપયોગ કન્યાભ્રૂણની જાણકારી અને ગર્ભમાં જ તેની હત્યા માટે વધારે થાય છે. અનર્થ અને દુરુપયોગ કરવાની બાબતમાં માણસજાતનો જોટો જડે તેમ નથી.
ખેર, આપણે વાત કરતાં હતા માર્ગરેટ સેંગર અને તેના બર્થ-કન્ટ્રોલ સેન્ટરની. 16 ઑક્ટોબર 1916ના દિવસે તેમણે બ્રાઉન્સવિલે બર્થ-કન્ટ્રોલ સેન્ટર ખોલ્યું ત્યારે બ્રુકલેન્ડના સ્થાપિત હિતો ખૂબ ગુસ્સે ભરાયા. વિશ્વયુદ્ધ ચાલુ હતું. યૂરપની સ્ત્રીઓને મતાધિકાર મળવાને ચાર વર્ષની વાર હતી. 1870માં બનેલા કોમસ્ટોક કાયદાની બોલબાલા હતી. ગર્ભનિયંત્રણનો પ્રયત્ન કરવો કે તેના વિષે વાત કરવી તે ‘અનૈતિક’ અને ‘બેહૂદું’ ગણાતું. માર્ગરેટ સ્ત્રીઓને ગર્ભનિયંત્રણ અંગે માર્ગદર્શન આપતાં. સ્ત્રીની તંદુરસ્તી, શારીરિક ઈચ્છાઓ અને જન્મનિયંત્રણ અંગે ખૂલીને વાત થવી જ જોઈએ તેમ માનતાં. ‘વિમેન્સ રિબેલ’ નામનું મેગેઝીન પણ ચલાવતાં. કહેતાં કે પ્રજોત્પત્તિ વિષે જાણવું અને તે બાબત નિર્ણય કરવો એ સ્ત્રીઓનો અધિકાર છે ને જ્યાં સુધી એ અધિકાર સ્ત્રીઓને નહીં મળે ત્યાં સુધી બીજા કોઈપણ અધિકાર નકામા છે. માર્ગરેટની ક્લિનિક સ્થાપિત હિતો માટે ખુલ્લો પડકાર હતો. તેઓ મેદાને પડ્યાં અને માત્ર નવ દિવસમાં માર્ગરેટને ગર્ભનિરોધક સાધનો વેચવાં અને ઓબ્સિનિટી-બેહુદાપણાના આરોપસર જેલમાં પૂરવામાં આવ્યાં. માર્ગરેટ અદાલતમાં લડ્યાં. ક્લિનિક ચાલુ રાખવાની મંજૂરી મેળવી અને 1923માં મેનહટ્ટનમાં બર્થ-કન્ટ્રોલ સેન્ટર ખોલ્યું. યૂરપ જઈ ગર્ભનિરોધક સાધનો અને ઉપાયોની માહિતી મેળવી ‘ફેમિલી સેનિટેશન’ નામની પત્રિકા બહાર પાડી જેમાં યુગલોએ બાળકોના જન્મના સમય કે સંખ્યા પર કેવી રીતે નિયંત્રણ મેળવવું તેની માહિતી હતી. તેની લાખો નકલો વેચાઈ અને ઘણીબધી ભાષાઓમાં તેનો અનુવાદ થયો.
માર્ગરેટ 1936માં ભારત આવ્યા હતાં. મુંબઈ, મદ્રાસ ફરેલાં અને ગાંધી આશ્રમમાં પણ રહેલાં. ગાંધીજી સાથેની મુલાકાતમાં તેમણે ભારતમાં પ્રજોત્પત્તિની સમસ્યા અને તેના ઉપાયો વિષે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. ગાંધીજીએ ઠંડકથી કહ્યું, ‘જુઓ બહેન, અત્યારે તો બ્રિટિશ શાસન જ ભારતની સૌથી મોટી સમસ્યા છે.’
યૂરપમાં સૌથી પહેલું બર્થ-કન્ટ્રોલ ક્લિનિક બ્રિટનમાં શરૂ થયું હતું. બર્થ-કન્ટ્રોલ કેમ્પેન ચલાવતા મેરી સ્ટોપસે એ ક્લિનિક 1921માં શરૂ કર્યું હતું. તેમણે ‘મેરીડ લવ’ નામનું પુસ્તક લખ્યું હતું. પંદર દિવસમાં તેની છ આવૃત્તિ કરવી પડી હતી. પશ્ચિમી જગતમાં પહેલી વાર આ પુસ્તકમાં સ્ત્રીની જાતીય ઇચ્છાઓનો આદર કરવાની વાત થઈ હતી. લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેની સમાન ભાગીદારી છે, એથી ઓછું કશું ચાલે નહીં એવું તેમણે સ્પષ્ટ શબ્દોમાં તેમાં કહ્યું હતું. 1935માં થયેલા એક સર્વેક્ષણ મુજબ આ પુસ્તક તેની પહેલાનાં 50 વર્ષોમાં લખાયેલાં પુસ્તકોમાં સૌથી વધુ વેચાણ ધરાવનારું નીવડ્યું હતું. આઇન્સ્ટાઇનના ‘રિલેટીવીટી’, હિટલરના ‘માય કામ્ફ’ કે ફોઈડના ‘ઇન્ટરપ્રિટેશન ઑફ ડ્રીમ્સ’ કરતાં પણ ‘મેરીડ લવ’ની નકલો વધુ વેચાઈ હતી. 1923માં તેના પરથી એક મૂક ફિલ્મ બની હતી.
ભારતમાં 1927માં રઘુનાથ ઘોંડો કર્વેએ ‘સમજસ્વાસ્થ્ય’ નામનું સામયિક શરૂ કર્યું હતું. તેમ તત્કાલીન સામાજિક સમસ્યાઓ સાથે વસતીનિયંત્રણની ચર્ચા પણ તેમણે કરી હતી અને સરકારે ગર્ભનિરોધક સાધનોને વ્યાપક બનાવવા જોઈએ તેમ સૂચવ્યું હતું. આ માટે તેમનો ખૂબ વિરોધ થયો હતો. મહાત્મા ગાંધી ગર્ભનિરોધક સાધનોના વિરોધી અને આત્મસંયમના સમર્થક હતા. કર્વેએ કહ્યું, ‘એ આદર્શ કેટલા અપનાવી શકે? ગર્ભનિયંત્રણ એટલે મહિલાઓનું પોતાની જિંદગી પર નિયંત્રણ.’ સ્વતંત્ર ભારતમાં સરકારે પરિવારનિયોજન યોજનાઓ બનાવી. સારો પ્રતિસાદ મળ્યો. વિદેશથી મદદ પણ મળી. પણ આ બધું ઉપરછલ્લું રહ્યું કારણ કે વસતીવધારાનું મૂળ જ્યાં છે તેવાં ગરીબી, આરોગ્ય અને શિક્ષણ જેવાં તત્ત્વો આમાં સામેલ ન હતાં. 1970માં ઇન્દિરા ગાંધીએ ફરજિયાત નસબંધી કાર્યક્રમ ઉપાડ્યો પણ તે નિષ્ફળ ગયો. યોજના બે બાળકો ધરાવતા પુરુષોની નસબંધી કરવાની હતી. પણ ઘણા અજ્ઞાન, અપરિણીત, ગરીબ પુરુષો તેનો શિકાર બન્યા. આ કાર્યક્રમ એટલો ટીકાપાત્ર બન્યો કે ત્યાર પછી વર્ષો સુધી કોઈ સરકારી યોજના લોકોનો વિશ્વાસ ન મેળવી શકી. આજે ભારત દર વીસ દિવસે દસ લાખ બાળકોને પોતાની વસ્તીમાં ઉમેરે છે.
માર્ગરેટ સેંગરે કહ્યું છે, ‘માતૃત્વ વરદાન છે, પણ સતત સગર્ભાવસ્થાનો બોજ અભિશાપ છે. માતૃત્વ અંતરની ઝંખનાનું પરિણામ હોવું જોઈએ, અજ્ઞાન કે અક્સ્માતનું ફળ નહીં.’ અને ‘પોતાના શરીર પર માલિકી ન હોય ત્યાં સુધી સ્ત્રી સ્વતંત્ર નથી. દરેક સ્ત્રીને એ નક્કી કરવાનો મૂળભૂત અધિકાર છે કે તેને કેટલાં બાળકો જોઈએ છે અને ક્યારે જોઈએ છે.’ કેટલી સાદી ને સાચી વાત – પણ સાદી ને સાચી વાત આચરણમાં લાવવા માટે તો વધારે મોટી લડાઇઓ લડવી પડતી હોય છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 ઑક્ટોબર 2024