
નંદુભાઈ શુક્લ
સ્વ. નંદુભાઈ શુકલ તેમના સમયના એક સુખ્યાત કેળવણીકાર હતા. ૧૯૫૫માં તેમણે અમદાવાદના ખમાસા ચોકી વિસ્તારમાં ‘નવજીવન’ નિશાળની સ્થાપના કરી હતી. અંગ્રેજી ભાષા પર અદ્ભુત પ્રભુત્વ હતું અને શેલી, કિટ્સ, બાયરન, વર્ડઝવર્થ કે શેક્સપિયરની પંક્તિઓ સહજતાથી, પ્રસંગોપાત્ત અને પ્રસંગસર ટાંકતા. તેમના ઉત્કૃષ્ટ કેળવણીકાર્યની સન્માન-પૂર્વકની સ્વીકૃતિ ભારતના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર દ્વારા થઈ હતી. આવા રાષ્ટ્રકક્ષાના ઉત્તમ કેળવણીકાર નંદુભાઈ દામોદર શુકલના, શિલીનભાઈ એક માત્ર સંતાન. શિલીનભાઈને પિતા તરફ જે પ્રેમ, માન અને એકાત્મભાવ હતો તેનો જોટો જડવો લગભગ અશક્ય છે.
માતા કમળાબહેન આદર્શ ગૃહિણી, તેમના પિતાશ્રી પણ ડૉક્ટર. કમળાબહેન વ્યવહારકુશળ અને બંને પતિ-પત્ની સામાજિક સંબંધો જાળવવામાં તથા વિકસાવતા રહેવાની કાળજી રાખતાં. શિલીનભાઈને તેજસ્વીતા, સંસ્કારિતા, નિપુણતા તથા પરગજુપણાના ગુણ વારસામાં મળ્યા હતા. તેમણે પોતે આ વારસાને ઘણી ઊંચી કક્ષા સુધી પહોંચાડ્યો. તેમના આ પ્રયાસમાં તેમનાં પત્ની ઉષાબહેનનો સહયોગ સંપૂર્ણ સમર્પણભાવ સાથે હતો. ઉષાબહેન

ઉષાબહેન શિ. શુક્લ
પોતે પણ ઉત્તમ કક્ષાનાં આચાર્ય અને કેળવણીકાર બની રહ્યાં. તેમને પણ, શ્વસુર નંદુભાઈ શુક્લની જેમ ભારતના રાષ્ટ્રપતિના હસ્તે ઉત્તમ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ઉપરાંત રાજ્યકક્ષાએ પણ ઉત્તમ શિક્ષક તરીકે સન્માનિત થયાં હતાં. અખિલ હિંદ મહિલા સમાજ સાથે જોડાઈને તે સામાજિક સેવાકાર્ય પણ કરતાં. વિશેષમાં, સમય મળ્યે નાટક, ટૂંકી વાર્તા વગેરેનું સાહિત્ય સર્જન પણ કરતાં. આવાં માતાપિતાએ પોતાની ત્રણ દીકરીઓ – ઉર્વી શ્રીરામ પાઠક, ડૉ. શિવાની જય ભટ્ટ તથા ડૉ. માધવી નીરવ પરીખમાં ઉત્તમ સંસ્કાર સિંચન કર્યું. કહેવાયું છે ને – ‘ઝાડનાં પારખાં ફળ ઉપરથી’ – આ ત્રણ બહેનોને મળવા માત્રથી આ કુટુંબના સંસ્કાર-સામર્થ્યનો અણસાર આવી શકે તેમ છે. ત્રણે બહેનો શાસ્ત્રીય નૃત્યમાં પ્રવીણ છે; તેમાં ય ઉર્વી શ્રીરામ પાઠક(જે અમેરિકામાં સ્થાયી થયાં છે)ના કેટલાક નૃત્ય કાર્યક્રમોમાં લાખેક માણસોની હાજરી હોય છે.
ડૉ. શિલીન શુકલ નાનપણથી જ અતિ સંવેદનશીલ તથા તેજસ્વી હતા. અગિયારમા ધોરણની પરીક્ષામાં બોર્ડમાં ચૌદમા ક્રમે આવ્યા હતા. પણ મેડિકલનો અભ્યાસ કરી, પિતાની છત્રછાયામાં જ રહેવાના ઈરાદાથી વિદેશ ન જ ગયા. ઓન્કોલોજી – કેન્સર તેમના વિશેષીકરણનું ક્ષેત્ર રહ્યું, આ ક્ષેત્રમાં તેમણે લખેલા કેટલાક સંશોધન લેખોના બે-બે હજાર સાઈટેશન્સ થયા છે. તેમણે કેન્સરના સંશોધન ક્ષેત્રે પુષ્કળ અને સમાજોપયોગી કાર્યો કર્યાં. પેશન્ટ્સ તરફની તેમની અનુકંપા કેટલી હતી તેનો અંદાજ એક પ્રસંગ દ્વારા સાંપડે છે.
વિદેશથી હજુ ચાલ્યા જ આવતા હતા. ઘરનું તાળું ખોલીને બેગો ઘરમાં મૂકતા હતા ને એક પેશન્ટનો ફોન આવ્યો. સ્થિતિ ગંભીર હતી. બીજી જ ક્ષણે ગાડી લઈને પેશન્ટ પાસે દોડી ગયા. લાંબી અને કંટાળાજનક વિદેશી સફરના થાકને પણ ગણકાર્યો નહીં !
અમદાવાદની સિવિલ હૉસ્પિટલની કેન્સર હૉસ્પિટલના તે નિયામક પદે હતા ત્યારે તેમણે પોતાના વિદ્યાર્થીઓને પણ માનવતા, અનુકંપા અને સંવેદનશીલતાના પાઠ ભણાવેલા. દાક્તરી વિદ્યામાં નિપુણતા એકલી જ હોય તે પૂરતું નથી એમ તે માનતા. કેન્સર વિષય ઉપર તેમણે લખેલાં પુસ્તકોની અનેક આવૃત્તિઓ થઈ છે.

શિલીનભાઈ નંદુભાઈ શુક્લ
શિલીનભાઈ ભલે એક ‘કેન્સર સ્પેશિયાલિસ્ટ’ તરીકે ઓળખાય – તેમની ભીતરમાં તો ધર્મ, માનવતા, વિજ્ઞાન અને આ સઘળામાંથી સર્જાતી તત્પરતાના અનેક પડ હતા. કોઈ કેન્સર સ્પેશિયાલિસ્ટ અને આલા દરજ્જાના નિષ્ણાતને વળી ગુજરાતી ભાષા, જોડણી, સંસ્કૃત ભાષા, મેડિકલના અંગ્રેજી શબ્દોનું ગુજરાતીકરણ, ગાંધીવિચાર, આ બધા સાથે કોઈ સ્નાન-સૂતકનો પણ સંબંધ હોય ખરો ? કેન્સરના નિષ્ણાત તરીકે એકાંગી જીવન જીવવાનું તેમને કબૂલ ન હતું. લગભગ ચારેક વરસ પહેલાં બહાર પડેલી ગૂજરાત વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’ની નવી આવૃત્તિના સંપાદનકાર્યમાં શિલીનભાઈનું મોટું યોગદાન છે. ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ માત્ર શુદ્ધ જોડણીના આગ્રહ અને ચીવટ પૂરતો જ સીમિત ન હતો. તેમના એક વિદ્યાર્થી (અને હવે જાણીતા તબીબ) ડૉ. મુકુલ ઓઝાએ કહ્યું હતું, ‘શિલીનભાઈ ગુજરાતીમાં બોલતા હોય ત્યારે તેમને સાંભળ્યા જ કરવાનું મન થતું !’
ગુજરાતી ભાષા અને જોડણી માટેનો આ લગાવ માત્ર જોડણીકોશ પૂરતો જ ન હતો. તે આગળ વધીને વિશ્વકોશમાં પણ પ્રસર્યો હતો. ગુજરાતી વિશ્વકોશમાં મેડિકલ ક્ષેત્ર અંગેનાં અનેક અધિકરણોમાં તેમનું પ્રદાન છે. તેમની શ્રદ્ધાંજલિ સભામાં કુમારપાળભાઈ દેસાઈએ તેમના વિશ્વકોશમાં પ્રદાન વિશે જે કહ્યું તે ઘણું સૂચક છે. તેમણે કહ્યું, ‘હમણાં બે દિવસ પહેલાં જ મારી ઉપર તેમનો ફોન આવ્યો અને તેમણે કહ્યું, “અંગ્રેજી મેડિકલ ટર્મિનોલોજીના ગુજરાતીકરણનું કાર્ય પૂરું કરી લીધું છે !” અંતિમ શ્વાસ સુધી આવી લગન !
પ્રગલ્લભ પાંડિત્ય છતાં સદાનો હસતો ચહેરો, મુલાયમ સ્વભાવ સાથે સંવેદનાસભર સહકારના સતત જાગ્રત પ્રયાસ – આ શિલીનભાઈની ઓળખ હતી. સ્વ. કે.કા. શાસ્ત્રી આ દુનિયા છોડી ગયા અને તેમનાં પુસ્તકોનો વારસો સમાજ માટે ખુલ્લો મુકાયો ત્યારે શિલીનભાઈ તેમાંથી મોલિયટનો સંસ્કૃત-અંગ્રેજી કોશ લઈ આવેલા ! સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી એમ ત્રણે ભાષાઓ અને સાથોસાથ ધર્મ, દાર્શનિકતા અને બિન-આયાસી સહજતા વગર આ બધાં કાર્યો સંભવ જ ન હતાં ! જે વ્યક્તિ ગુજરાત મેડિકલ એસોસિયેશન અને ઓલ ઇન્ડિયા મેડિકલ ઓસિયેશનમાં વારંવાર મંચસ્થ બન્યા હોય તેને સંસ્કૃત ભાષા, ગીતાજી અને ગુજરાતીમાં સાચી જોડણીમાં પણ ‘અધિકૃત કક્ષા’ની ફાવટ હોઈ શકે ? આવું અન્ય કોઈ ઉદાહરણ હોય તો શોધવું રહ્યું.
શ્રીમદ્ ભગવત્ ગીતામાં એટલો સાયુજ્ય-સભર રસ કે ઘરના રસોડામાં રાખેલા એક બ્લેકબોર્ડ ઉપર રોજ એક શ્લોક લખે. સમગ્ર પરિવાર આવતાં-જતાં, ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં એ વાંચે, વિચારે અને ચર્ચે ! છેલ્લા કેટલાક મહિનાથી તેમણે ગીતાજીનો અભ્યાસ વધારી દીધેલો અને તેનું લેખન પણ કરવા માંડેલું. જતા પહેલાં ‘ગીતા-એક અનુસરણ’ પુસ્તકરૂપે સમાજને ચરણે ધરી ગયા. તેમને માટે ગીતા માત્ર કથાવસ્તુ ન હતી; તે ‘અનુસરણ’નો રાજપથ હતો. ગીતાના જ્ઞાન, ભક્તિ અને કર્મ નીત જિવાતા જીવનની મથામણનો ભાગ હતો. જીવનના પ્રત્યેક ઘટનાચક્રમાં જ્ઞાન, ભક્તિ અને કર્મના ત્રિકોણને સતત સમબાજુ ત્રિકોણ બનાવવા મથતા રહેતા. ત્રિકોણની આ ત્રણ બાજુઓ પૈકી કોઈક ખડી ન પડે, ખૂણાનું પ્રમાણ બદલાઈ ન જાય અને ‘समत्वं योगमुच्चुते’ – સમતાનો યોગ ભક્તિ તથા જ્ઞાન દ્વારા જાળવવો તે તેમની કાળજીભરી મથામણ હતી.
શિલીનભાઈ માત્ર ‘પોથી-પંડિત’ પણ ન રહ્યા. વિનોબાના ‘दानं संविभाग:’ના સૂત્ર અનુસાર અનેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને ફી, ચોપડીઓ, અનાજ વગેરેની સહાય કરતા રહ્યા. અનેક સંસ્થાઓમાં અક્ષરશ: લાખો રૂપિયાનાં દાન પણ કર્યાં.
આમ તો જીવન અને મરણને ઈશ્વરેચ્છા ગણીએ છીએ. તેની ઉપર માણસજાતનો કાબૂ નથી એમ કહીએ છીએ. પણ શિલીનભાઈને પોતાની વિદાયનો અંદાજ આવી ગયો હતો ! તેમના સાથી અને ઘનિષ્ઠ મિત્ર તથા અવ્વલ નંબરના કેન્સર વિશેષજ્ઞ ડૉ. પંકજ શાહ કહે છે; “શિલીનભાઈને પોતાના સ્વર્ગારોહણનો અંદાજ આવી ગયો હતો. તેથી જ તે એક પછી એક કામ આટોપતા જતા હતા. સવારે ચાર વાગે ઊઠીને કમ્પ્યુટર ઉપર ગીતાજી ઉપરનું પુસ્તક ‘ગીતા અનુસરણ’ લખતા. ગુજરાતી વિશ્વકોશનું પણ બાકીનું કામ – મેડિકલમાં અંગ્રેજીમાં વપરાતા શબ્દોની ગુજરાતી ટર્મિનોલોજીનું કામ, પણ વિશેષ પરિશ્રમ કરીને થાક્યા વગર અને – તેમની ચિરવિદાયના સંદર્ભમાં – સમયસર પૂરું કરી દીધું.”
પોતાની આયુમર્યાદાનો અંદાજ આવી જાય તો સામાન્યત: લોકો નાસીપાસ કે ભયભીત થઈને આકુળ-વ્યાકુળ બની જતા હોય છે. શિલીનભાઈ ગીતાજીના જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રિકોણને समकृत्वा આ પ્રસ્થાનત્રયીના માર્ગ પર ચાલતા રહ્યા.
એક બેનમૂન અને અદ્ભુત વ્યક્તિત્વ આ જગતને તા. ૨૭મી નવેમ્બર, ૨૦૨૨ની વહેલી સવારે – મધરાતે એક વાગે આ સંસાર છોડીને વિલીન થઈ ગયું ! તેમની વિદાય સાથે એક ગુણસંપન્ન જીવનના અસ્તનું દુ:ખ તો છે જ પણ સાથોસાથ એક બળતરા પણ છે :
વિશ્વગુરુની શોધ કરતા આ દેશમાં સૌની નજર સામેના આ વિશ્વ-ગુરુની નોંધ પણ ન લેવાઈ ! સત્તા, પૈસા, રાજકારણ અને હૂસાતૂસીમાં આપણે એટલા ખોવાઈ ગયા-ભટકી ગયા; કે આ સમાજને વરસો સુધી પ્રેરણા આપી શકે તેવા વ્યક્તિત્વને કોઈ પદ-પુરસ્કારથી પણ નવાજીને કદર ન કરી શકાઈ !
ખેર ! ગાંધીજીને પણ ‘નોબલ’ ક્યાં મળ્યું હતું ! ‘નોબલ’ ન મળવાથી ગાંધીજી નાના નથી બનતા; પદ્મ-પુસ્કાર વગર શિલીનભાઈ નહીં, સમાજ નાનો બને છે.
e.mail : shuklaswayam345@gmail.com
પ્રગટ : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2023