હમાસ એક આતંકવાદી સંગઠન છે. તેણે ઇઝરાએલ ઉપર ૫,૦૦૦ રોકેટ ઝીંકી દીધાં. મોસાદ ઇઝરાએલની જાસૂસી સંસ્થા છે. તેને ગંધ પણ ન આવી અને આ ભયાનક હુમલાએ તબાહી મચાવી દીધી. હવે ઇઝરાએલ બદલો લેશે અને હમાસનો ખુરદો બોલાવશે. આ પ્રકારના સમાચારોમાં આપણે શું ?
ઇઝરાએલ – બિચારું શાંતિથી જીવી શકતું નથી તેનો અફસોસ પણ જાહેર કરી શકીએ. હવે અમેરિકા અને સઘળા પશ્ચિમી દેશો આ હુમલો કરનારાઓની ખબર લઈ નાંખશે તેવો ઉત્સાહ પણ અભિવ્યક્ત કરી જ શકીએ. આમ તો સંસ્કૃતમાં કહેવાયું છે : युद्धेस्य वार्ता, रम्या । લડાઈ પડોશીના ઘરની હોય કે યુક્રેન-રશિયાની હોય યુ-ટ્યુબ ઉપર જોવાની ગમ્મત પડે છે !
યુદ્ધ માનવજીવન સાથે સુસંગત બનીને વણાઈ ગયેલું છે. પ્રાચીન કાળનાં યુદ્ધો ગાયોનાં ધણ માટે થતાં. તે પછી તે સ્ત્રીઓને ઉપાડી જવા માટેનાં બન્યાં, તે પછી ધન-દોલત માટે અને પછી જમીન માટેનાં યુદ્ધો બન્યાં. દેશના યુવાનો આગળ આવીને ‘આર્ય’ અર્જુનને પડકાર ન ફેંકે તે વાસ્તે ગુરુ દ્રોણે એકલવ્યનો અંગૂઠો કપાવી લીધો હતો. યુદ્ધોનો ઇતિહાસ જમીનની માલિકી વિસ્તારવાના તબક્કાને વટી જઈને હવે કુદરતી સંસાધનો ઉપરના કાબૂ અને આર્થિક લાભની દિશા તરફ વધી રહ્યો છે. ઇઝરાએલ – આરબ યુદ્ધને ખ્રિસ્તી / યહૂદી અને મુસલમાન વચ્ચેના યુદ્ધરૂપે જોવું તે એક ઉપરછલ્લો ઉપક્રમ છે. બીજા વિશ્વયુદ્ધ પછીનાં યુદ્ધો મોટા ભાગે આર્થિક લાભ આપતા એક વિકૃત મૂડીવાદનું પરિણામ છે.
૧૯૪૫માં અમેરિકાએ જાપાનનાં બે શહેરો (હિરોશિમા – નાગાસાકી) ઉપર અણુબોંબ નાંખ્યા. આ અત્યંત જઘન્ય કૃત્ય માટે જે દેશ, સરકારો અને (અ)નીતિ ઘડનારાઓનો વિશ્વસ્તરે બહિષ્કાર થવો જોઈતો હતો તેને જગત ફૂલડે વધાવે છે. અમેરિકા અને પશ્ચિમના દેશોએ ધન, સત્તા અને વર્ચસ્વ સ્થાપવા માટે ગુલામોના વેપારથી માંડી રેડ ઇંડિયનોના નિકંદન સુધીનાં પગલાં ભર્યાં છે. ૧૯૪૫ના અણુ-સંહારથી પૂરતો સંતોષ ન પામનાર અમેરિકાએ ૧૯૫૦માં કોરિયાના યુદ્ધમાં ઝંપલાવ્યું. તે પૂરું થતાં ૧૯૫૪માં તે વિયેટનામના યુદ્ધમાં ખાબક્યું.
વિયેટનામ એક ફ્રેંચ વસાહત હતી અને તેની સ્વતંત્રતા માટેની લડતથી થાકી હારીને ફ્રાંસ તે છોડી રહ્યું હતું. સાવ બિનજરૂરી રીતે અમેરિકા આ યુદ્ધમાં ઊતર્યું. હો-ચી-મિન્હના નેતૃત્વ હેઠળ વિયેટનામે જબરદસ્ત સામનો કર્યો. પણ અમેરિકાએ એટલા બોંબ ઝીંક્યા કે તેનું નામ ‘કાર્પેટ બોમ્બિંગ’ થઈ ગયું. ભયંકર આગ લાગે તેવા – વિશ્વ સ્તરે પ્રતિબંધિત નેપામ બોંબ પણ ઝીંક્યા. અમેરિકાની આ ક્રૂરતા એવી ભયાનક હતી કે ખુદ અમેરિકાનાં જ ઘણાં શહેરોમાં આ યુદ્ધ બંધ કરાવવા આંદોલનો થયાં.
પણ આ યુદ્ધખોર માનસિકતા એમ અટકનારી ન હતી. ૧૯૪૮માં યહૂદીઓ માટે ‘માદરે વતન’ ઇઝરાએલ સ્થપાયું. હિટલરે યહૂદીઓ ઉપર ભયાનક અત્યાચાર ગુજાર્યો હતો. લગભગ સાઠ લાખ યહૂદીઓને મારી નાંખ્યા હતા અને સમગ્ર વિશ્વની સહાનુભૂતિ યહૂદીઓ તરફ હોય તે સ્વાભાવિક જ હતું. પણ સવાલ એ છે કે આ અત્યાચારો થયા તે પહેલાં યહૂદીઓ અનેક દેશોમાં નાગરિકો તરીકે રહેતા જ હતા. તેમને પેલેસ્ટાઈનની ભૂમિ ઉપર લાવીને શા માટે વસાવાયા ? આજે ઇઝરાએલ યહૂદીઓનો દેશ હોવા છતાં, લાખો યહૂદીઓ વિશ્વભરના દેશોમાં નાગરિક તરીકે વસેલા છે જ. જો યહૂદીઓને ક્યાંક પણ એકસાથે વસાવવા હતા તો ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા (અલાસ્કા), કેનેડા વગેરે દેશો પાસે પુષ્કળ ખાલી જમીનો આજે પણ ઉપલબ્ધ છે જ. ઇઝરાએલને પેલેસ્ટાઈનમાં જ શા માટે – તે સવાલ છે. અલબત્ત બાપ્ટિસ્ટ ખ્રિસ્તીઓના ધાર્મિક આગ્રહ અનુસાર યહૂદીઓ પોતાની મૂળ ભૂમિમાં પાછા આવે તો સારું એવી માન્યતા છે.
પણ હવે શું બન્યું ? અમેરિકા વિયેટનામમાંથી લગભગ ૧૯૬૫-૬૬ સુધીમાં નવરું પડી ગયું હતું. હવે યુદ્ધ ક્યાં કરવું ? આ અંગે બે બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.
- અમેરિકા વિશ્વના પ્રથમ નંબરી દેશ તરીકે ટકી રહે તે માટે તેમની પાસે અસીમ આર્થિક અને લશ્કરી તાકાત હોય તે જરૂરી છે.
- અમેરિકાની આર્થિક તાકાત શસ્ત્રોના અને દવાઓના વેચાણ ઉપર નિર્ભર છે. અમેરિકાની ટેકનોલોજી, ઘણી બધી શોધખોળ પણ આ બે ઉદ્યોગોને પોષક હોય છે.
વાસ્તવમાં અમેરિકન મૂડીવાદ આ યુદ્ધખોર અને ભયાનક હિંસક માનસિકતા અને તે માટેના કાવાદાવા ઉપર રહે છે. ૧૯૭૮થી અમેરિકાની શિકાગો યુનિવર્સિટીએ વિશ્વભરમાં વિશ્વીકરણ અને નૂતન મૂડીવાદની હવા ફેલાવી છે. તે ગાંધીવિચારને મૂળમાંથી જ કાપી નાંખે છે. સત્ય, અહિંસા, સાદાઈ, માનવલક્ષિતા, કરુણા, મૈત્રી, પ્રેમભાવ – આ બધાને નૂતન મૂડીવાદમાં કોઈ જ સ્થાન નથી. એક મદોન્મત્ત રાક્ષસની જેમ આ મૂડીવાદ હિંસા, અસમાનતા, પર્યાવરણનો વિનાશ, યુદ્ધ, કાવાદાવાને પોષતી (પીગસસ જેવી) ટેકનોલોજી વગેરે ઉપર નિર્ભર છે.
૧૯૬૬-૬૭માં વિયેટનામમાંથી હટેલા અમેરિકાએ આરબ-ઇઝરાએલ યુદ્ધ કરાવ્યું, તે પછી પણ ઇરાન-ઇરાક-કુવૈત વગેરેનાં યુદ્ધો થયાં. આ યુદ્ધોમાંથી અમેરિકા અને પશ્ચિમી દેશોને વળી એક નવી અને વિશિષ્ટ ઉપલબ્ધિ સાંપડી.
લગભગ ૧૯૭૨થી આરબ દેશોને સમજ પડી કે પોતે જે ખનિજ તેલ વેચે છે તે તો તકોનો એક વિશાળ ખજાનો છે. પશ્ચિમી દેશો તેને મફતના ભાવે લૂંટી જઈ રહ્યા હતા. તેલ ઉત્પાદક દેશો – ઓપેકનું સંગઠન બન્યું અને તેલની સમૃદ્ધિ છલકાવા માંડી. આ સાથે આ પશ્ચિમી રાષ્ટ્રોએ નૂતન બનતાં જતાં શસ્ત્રોનું પણ વેચાણ વધે તેવા નુસખા કર્યા. આંતર-રાષ્ટ્રીય વેપાર, ઉદ્યોગીકરણ, શહેરીકરણ વગેરે માટે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ મૂડી અને ટેકનોલોજી આવનજાવન, દૂધ અને ખાદ્ય સામગ્રીની પણ સસ્તા ભાવે લૂંટ વગેરે કાર્યક્રમ વિશ્વમાં અન્ય દેશોમાં ચલાવાયા અને તેને ‘વિકાસ’નું નામ અપાયું.
૧૯૪૫થી અમેરિકા અને પશ્ચિમ યુરોપે હિંસાત્મક આક્રમકતાને મૂડીવાદનું લેબલ ચીપકાવ્યું. અલબત્ત યુદ્ધ માત્ર ઉપર નિષેધ હોવો જોઈએ, પણ અમેરિકાએ તાલિબાન ઊભા કર્યા, ઇરાકના સદ્દામ હુસેનને મારીને તેને ન્યાયોચિત ગણાવ્યું. હમાસનો સફાયો કરશે, ગાઝા પટ્ટીમાં વિનાશ વેરશે અને આરબને જગતભરમાં નિંદાપાત્ર ગણાવશે અને પોતાની ઊંડી ચાલબાજીઓની કોઈને ભનક પણ આવવા નહીં દે. હમાસના સફાયાથી ખુશ થનારને ખ્યાલ પણ નહીં રહે કે ઇરાનનું તેલ હવે મોંઘું થશે. ભારત જેવા દેશની વેપાર ખાધ વધશે, દેશી-વિદેશી દેવું વધશે, રૂપિયો હજુ વધુ તૂટશે અને રેવડીઓ વહેંચવા કે વિકાસ કરવા માટે પણ ખાસ આર્થિક સાધનો હાથવગાં રહેશે નહીં. ઇઝરાએલની રચના અને સ્થાપન આરબ દેશોના તેલને લૂંટી જવા માટે છે. આ માટે શસ્ત્રો વેચવાં જ પડે, તે માટે યુદ્ધો કરાવવાં જ પડે યુરોપ કે અમેરિકાની તળ ભૂમિ પર એક પણ યુદ્ધ ખેલ્યા વગર સમગ્ર દુનિયાને લોહિયાળ મૂડીવાદ અને ઝાંઝવાનાં જળ જેવા વિકાસનાં સ્વપ્નાં – હથેળીમાં ચાંદની જેમ દેખાડાય છે.
ગાંધીની સાત્ત્વિકતા, સાર્વત્રિકતા, અહિંસા, પ્રેમ અને ઉદાત્ત જીવન – પેલા ગોડસેની ત્રણ ગોળી વડે ખતમ નથી થયાં. વિકાસનું આ પ્રગટ વિષ સમગ્ર વિશ્વનો સંહાર કરી રહ્યું છે.
- યુદ્ધની આક્રમકતા : કેટલાક અંશો
આ યુદ્ધની ભયાનકતા અતિ ગંભીર સંકેતો આપે છે.
(૧) ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની તંગ સ્થિતિ જાણીતી છે. દક્ષિણ કોરિયા અને પશ્ચિમી રાષ્ટ્રો પોતાની ઉપર હુમલો કરે તો તેનાથી બચવા વાસ્તે ઉત્તર કોરિયાએ ભૂગર્ભમાં પૂરેપૂરા વસવાટ નગરો વસાવ્યાં છે. આની ઉપરથી બોધ લઈને હમાસે ગાઝા અને પેલેસ્ટાઈનમાં ભૂગર્ભ ટનલો બનાવી છે. આ ટનલો પૈકી કેટલીક લેબેનોન અને સીરિયા સુધી પહોંચે છે. આ ટનલો મારફત હમાસે પુષ્કળ લશ્કરી સામાન એકઠો કર્યો છે.
(૨) મોસાદ અવ્વલ નંબરની જાસૂસી સંસ્થા છે. મોસાદને હમાસના હુમલાના આયોજનની કોઈ ભનક પણ ન આવે તે માટે પોતાના આયોજનનો એક શબ્દ પણ ડિજીટલ પદ્ધતિમાં ઉચ્ચાર્યો નથી. બધું જ આયોજન પ્રત્યક્ષ મુલાકાત ઉપર જ ગોઠવાયું હતું.
(૩) હમાસે ગણી લીધું હતું કે ઇઝરાએલ હવાઈ રોકેટ હુમલાનાં લગભગ ૨,૫૦૦ રોકેટને (૯૦ ટકા) હવામાં જ તોડી નાંખે તેવો આયર્ન ડોમ ધરાવે છે. હમાસે તેની ક્ષમતાથી બમણાં રોકેટ છોડ્યાં અને ભારે વિનાશ કર્યો.
(૪) શસ્ત્રોના સોદાગર એવા અમેરિકાએ યુક્રેનને પણ શસ્ત્રોની સહાય કરી છે. આ યુદ્ધ હજુ ચાલુ જ છે. એક અંદાજ મુજબ યુક્રેન અને રશિયાએ અત્યાર સુધીમાં કુલ સિત્તેર લાખ ગોળા ફેંક્યા છે. આમાંથી લગભગ અડધા અમેરિકાએ પૂરા પાડ્યા છે. હવે ઇઝરાએલના વપરાશ માટે રોજના પાંચથી છ હજાર ગોળાની જરૂર છે (બાય ધ વે શસ્ત્રોના આ ઉત્પાદનને પણ જી.ડી.પી.માં ગણવામાં આવે જ ને ! ખાંપણ અને શબપેટીનું ઉત્પાદન / વપરાશ વધે તો પણ જી.ડી.પી. વધે અને ‘વિકાસ’ થયો કહેવાય.) પણ હવે આ શસ્ત્રભંડાર ખૂટવા માંડ્યો છે.
(૫) સવાલ એ છે કે હમાસ પાસે આટલાં શસ્ત્રો આવ્યા કયાંથી ? હમાસે પાણીની પાઈપોના બે બે ફૂટના ટુકડા કરી તેમાંથી બોંબ બનાવ્યા હતા. ઇઝરાએલના અતિ મોંઘા અને વિશાળ શસ્ત્રભંડારની સામે આ સસ્તા બોંબ કામયાબ સાબિત થયા.
(૬) ઇઝરાએલે ગાઝામાં વીજળી, પાણી, પેટ્રોલ, ડીઝલ, દવા ખાદ્ય સામગ્રી વગેરે તમામનો પુરવઠો બંધ કરી દીધો છે. આથી ત્યાં એક ભયાનક અમાનવીય કટોકટી ઊભી થઈ રહી છે. હમાસે ૧૩૦ ઇઝરાએલીઓને બંદી બનાવ્યા છે. અને તેને છોડે નહીં ત્યાં સુધી આ ચાલુ રહેશે પણ પશ્ચિમી રાષ્ટ્રો અને ઇઝરાએલ આ બધું ચાલુ રાખશે તો તેનાં પરિણામો હજુ ભયંકર આવશે. હમાસ જેવું જ બીજું એક આતંકવાદી સંગઠન લેબેનોનમાં છે જે હીઝબુલ્લાહ તરીકે ઓળખાય છે. સીરિયામાં આવાં જ અન્ય જૂથો છે. ઇઝરાએલના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં આ જૂથો સક્રિય થઈ શકે છે.
(૭) મોટો સવાલ ઇઝરાએલ પાસેના શસ્ત્ર સરંજામનો છે. શસ્ત્રોના વેપારમાંથી ઊભી થયેલી આ ભયાનકતા શસ્ત્રો વગર સાવ નોંધારી થઈ જશે. અમેરિકા અને પશ્ચિમના દેશો યુક્રેનમાં શસ્ત્રો ઠાલવી ઠાલવીને લગભગ ખાલી થઈ ગયા છે. અમેરિકા પાસે પણ હવે શસ્ત્ર સરંજામ ખૂટવામાં છે. આવી અનેક નિર્બળતાઓ ઇઝરાએલ સામે સતત લડતાં આવેલ જૂથો અને તેના નેતાઓ જાણે જ છે. બીજી તરફ યુ.એન. તો શોભાના ગાંઠિયા સમાન જ રહ્યું છે. આવી ભયાનકતા જ ન થાય તે જોવામાં તે સદંતર નાકામ નીવડ્યું છે. યુદ્ધ શરૂ થયાના એક અઠવાડિયામાં આ ચિત્ર ઊભું થઈ ગયું છે. સમય વીતતો જશે તેમ તેમ તેની ભયાનકતા ઓસરવાની નથી.
દુનિયાભરનાં યુદ્ધોમાં રેડાતું લોહી કોઈ મુસલમાન, યહૂદી કે ખ્રિસ્તી કે હિંદુનું નથી. એ લોહી માણસનું છે. અત્યાચારો અને વિકૃતિઓનો ભોગ બનનાર પણ ‘માણસ’ જ છે. વિકાસના નામ હેઠળ ભોગવાદને પોષનારા અને તે માટે લાંબા ટૂંકા ગાળાનાં કાવતરાં કરનારાઓએ એક ઊંચી પર્વત-શ્રૃંખલા રચી દીધી છે. આ પર્વત-શ્રૃંખલામાંથી ઝરણાં અને નદી સ્વરૂપે નવ્ય મૂડીવાદ અને પશ્ચિમી આધિપત્યના નામે જે માનવસત્તાના પ્રવાહો વહે છે તેને કોઈ ધર્મવિશેષનું નામ આપી શકાય તેમ નથી.
ગમે કે ના ગમે કબરમાં સૂતેલા ગાંધીનો દુર્બલ અને ક્ષીણ અવાજ સાંભળવા મથવું રહ્યું.
તા. ૧૩-૧૦-૨૦૨૩
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2023; પૃ. 04 – 05