૨૦૦૨ના ભયાનક દાવાનળના સમયથી જ નહીં, ખરેખર તો તે પહેલાંથી, ગુજરાતને હિન્દુત્વના એક પ્રયોગરાજ રૂપે જોવાની શરૂઆત થઈ ચૂકી હતી. આમ તો હિન્દુત્વના રોગાન મહારાષ્ટ્રમાં ચઢવા જોઈતા હતા. (વીર) સાવરકર, ગોળવલકર, ગોડસે, જેવા પ્રખર હિન્દુત્વવાદીઓ મહારાષ્ટ્રની સરજમીં ઉપર પકડ ધરાવતા હતા. વળી નાગપુર ખાતે, આરએસએસની મુખ્ય કચેરી છે, નાગપુર મહારાષ્ટ્રની વૈકલ્પિક રાજધાની પણ છે. છતાં, પ્રાઈમ મિનિસ્ટર ઇન વેઇટિંગ (કેટલાકને મતે વેઇટિંગ એન્ડ વેઇટિંગ) શ્રી લાલકૃષ્ણ અડવાણીને બાબરી મુદ્દે ગુજરાતમાંથી રથ કાઢવાનું ગણિત બેઠું. તે સમયે સત્તા મળે તો રામમંદિર બનાવી દેવાની લૌ લાગી હતી. પછી તો સત્તાના ગણિતમાં તે હિડન એજન્ડાને તળિયે જઈ પહોંચ્યું. કફોડી દશા તો વાજપેયીની થઈ, રામ મંદિરના મુદ્દે તેમણે મુખૌટો ધારણ કરી લેવામાં જ રામ જોયાં. અલબત્ત, આ મુખૌટો એક અન્ય સંદર્ભમાં, રાજ્યની ચૂંટણીમાં મુખ્યમંત્રીશ્રીને પ્રચાર ઝુંબેશરૂપે બહુ ખપ લાગ્યો. આ બધા સમય દરમિયાન પત્રકારો, રાજકીય પંડિતો, આલોચકો, વગેરે સૌને એમ જ લાગ્યું કે ગુજરાત હિન્દુત્વની આંધી ઊભી કરવા માટેનું એક પ્રયોગસ્થળ છે. જુદાં જુદાં આર્થિક જૂથો, સામાજિક પ્રથાઓ, જ્ઞાતિઓ, શિક્ષણના સ્તર, વ્યવસાયિક જૂથો વગેરેમાં જો હિન્દુત્વની ભાંગ પીવડાવાય અને કેટલી ચઢી તેનું પૃથક્કરણ કરાય તો એક મોલ તૈયાર થઈ શકે. કોને કયા મુદ્દે ગુમરાહ કરી શકાય અને તે માટે લાલચ, દબાણ, ઉશ્કેરણી વગેરેના દારૂગોળાને કેટલો ન્યૂનાધિક કરી શકાય તે શોધાય તો પછી 'આસેતુ હિમાલય' ભારતીય જનમાનસમાં જરૂરી ડેપ્થ ચાર્જ મૂકવાનો પ્રયાસ કરી શકાય. ઘણા આ રીતે વિચારતા રહ્યા. તરકીબ અને નહીં કે ઠોસ લોકહિત દ્વારા, રાજરમત અને નહીં કે પ્રાણવાન રાજ્ય દ્વારા મતોનું ગણિત ખેલી લઈને સત્તા મેળવી અંગત મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરતા રહેવાનું તે ગણિત હતું.
પરંતુ આવું કંઈ થઈ શકે અને સમગ્ર ભારતમાં તે ફેલાઈ શકે તેવું ધારવામાં પણ સસલાના શિંગડાને જડીબુટ્ટી બનાવવી જરૂરી હતી. આથી એ નવા મુદ્દાની જરૂર પણ ઊભી થાય જ. બીજી તરફ ૨૦૦૪નો 'ઇન્ડિયા શાઇનિંગ'નો નારો ગાજ્યો તેટલો વરસ્યો નહીં. તો હવેની ચૂંટણીઓ માટે શું? એક ૮૨ વર્ષના સજ્જન હજુ કેટલી ચૂંટણીઓ સુધી 'ઇન વેઇટિંગ' રહે? ખુદા (જો એમને ખુદાના આશીર્વાદથી પરહેજ ન હોય તો) ૧૨૫ વર્ષથી લાંબી આવરદા દે! આથી હવેની ચૂંટણીમાં રામ પણ ખરા, ગામ પણ ખરું એવું કંઈક કરી બતાવવું પડે. મુશ્કેલી એ છે કે ગામને ખામના નામે ભેગું કરવું કે રામને નામે ભેળવવું તે વિમાસણ છે.
ભૂમિતિના અઘરા પ્રમેયોના ઉકેલ માટે 'રાઈડર' દોરવાનો એક નુસખો અજમાવાય છે. પેલા રામ, ગામ, ખામના પ્રમેયમાં રાઈડર કઈ રીતે દોરી શકાય. આપણે આ કવાયતનો પ્રારંભ કરીએ તો સૌથી પ્રથમ તો હેતુ સ્પષ્ટ કરવાનો થાય : પ્રમેયના ઉકેલનો હેતુ એ છે કે 'ઇન વેઇટિંગ એન્ડ વેઇટિંગ' માંથી પાછલા બંને શબ્દોનો છેદ ઊડે તે જરૂરી છે. બે મહિના પછી તો આ ચારે શબ્દો દૂર કરવાના છે.
હવે આ હેતુ માટે ખામ વગર ગામને ભેગું કરવાનું છે અને તેમાં રામનો રોલ અસ્ફૂટ રાખવાનો છે.
વાઇબ્રન્ટ ગુજરાત અને તેને માટેનું જબરદસ્ત મીડિયા બ્લિત્ઝક્રીંગ એક રાઈડર બને તેમ છે. આ વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૦૯ને આ સંદર્ભે જોવો પડે તેમ છે. આ સમગ્ર પ્રયાસ તેનાં જે આર્થિક પરિણામો આણે તે ખરો, હાલ તો તેના ચૂંટણીલક્ષી ફાયદા મહત્ત્વના બને છે.
અગાઉ જોયું તેમ ગુજરાતની હિન્દુત્વવાદી છબિ ઉપસાવવાના પ્રયાસમાં ગામ ભેગું થઈ શકે તેમ નથી તેની ખાતરી તો ૨૦૦૪થી થઈ જ ચૂકી છે. ૨૦૦૯ની ચૂંટણીઓ હિન્દુત્વના મુદ્દે લડવી કે વિકાસના મુદ્દે તેની એકંદર મથામણ હજુ વણઉકેલાયેલી રહી છે. વરુણ ગાંધીના હિન્દુત્વનાં ઝેરી ઉચ્ચારણોનું શું કરવું તે બાબત પણ આ જ પ્રકારની અનિર્ણાયત્મક્તામાંથી સર્જાય છે. વરુણ ગાંધીનાં ઉચ્ચારણો બાબતે આ રાષ્ટ્રીય અને રાષ્ટ્રવાદી પક્ષ કશું બોલી શકતો નથી. પરંતુ ચૂંટણીપંચ સલાહ આપવામાં પોતાની મર્યાદા ઓળંગી ગયું છે. તેવું એક રાંકડું રૂદન જ કરી શકે છે.
આ સંજોગોમાં જો માત્ર ભાજપ જ એકદમ ઝડપી આર્થિક વૃદ્ધિ કરી બતાવી શકે તેવું છે એમ ગુજરાતના મોડલ દ્વારા જનસમાજમાં પ્રસ્થાપિત કરી શકાય તો 'જામો કામી' થઈ જાય! માત્ર ગુજરાત, એક મજબૂત કુશળ, પ્રજારક્ષી અને પ્રજાલક્ષી રાજ્ય છે અને તેનું કારણ ભાજપી પ્રશાસન છે તેવું ગોઠવાઈ જાય તો ખામ વગર પણ ગામ ભેગું થઈ જાય.
વાસ્તવમાં આ વાઇબ્રન્ટ ૨૦૦૯ના ચરિતાર્થો અને લક્ષ્યાર્થો શા છે, તે સમજવાની મથામણ કરવા જેવી છે, થોડાંક ઇંગિતો જોઈએ. કદાચ અંગુઠા ઉપરથી રાવણ ચીતરવાની કળા હાથવગી બને પણ ખરી! કદાચ ન પણ બને.
વાઇબ્રન્ટ ૨૦૦૯માં રૂ. બાર લાખ કરોડથી વધુના એમઓયુ થયા તે માટે તાતાની નેનો અગ્રભાગે છે.
નેનો માટે તાતાને અપાયેલી છૂટછાટો સરકારી તિજોરીફાડ છે. અગિયારસો એકર જમીનની માલિકી, રસ્તા, પાણી, ગટર, વીજળીની સગવડ, વ્યાજના દરમાં અકલ્પ્ય અને જબરદસ્ત રાહત, કરવેરામાં ભારે રાહતો… રતન તાતા પારખી માણસ છે, કહે જ ને : યુ આર સ્ટુપીડ ઇફ યુ આર નોટ ઇન ગુજરાત. મતલબ કે કોઈક લૂંટાવા બેઠું હોય ત્યારે લૂંટી ન લો તો મૂર્ખ જ ગણાવ ને! આથી એક તરફ સરકારની રાજ્ય તેમજ રાષ્ટ્ર કક્ષાની તિજોરીઓને નુકસાન થશે. બીજી તરફ રાજ્યની આવકનો પ્રવાહ ધીમો પડી જશે. રાજ્યની પોતાની ગરીબી નિવારણની તથા વંચિતોના વિકાસની યોજનાઓ ખોરંભાય નહીં તોપણ ખોડંગાય જરૂર!
જો તાતાને આ બંને આવું વધું મળે તો મિત્તલ, અંબાણી, અદાણી વગેરેને પણ મળે જ ને !
જો આવું ને આટલું મૂડીરોકાણ આવે તો ૨૫ લાખને નવી રોજી મળે.
સમગ્ર ગુજરાતનાં શહેરો-નગરોના મધ્યમ વર્ગમાં આ તમામ મુદ્દે ભારે આશા ઊભી થઈ ગઈ છે. વિકાસના પ્રચારમુદ્દાનો આ સારભાગ છે. એ તો વરુણ ગાંધીએ બાજી બગાડી નાખી, નહીં તો પેલી નોકરીની તકો મુસલમાનો માટે પણ હતી જ ને. આખરે પ્રાઇવેટ સેક્ટરમાં ક્યાં કોઈ રિઝર્વેશન કે દબાણ છે, આ પચીસ લાખ નોકરીઓ સર્વસમાવિષ્ટ છે, એમ ધારણા ચાલતી રહે તો ખામ વગર એટલે કે દામને નામે ગામને ભેગું કરી શકાય.
આ વાઇબ્રન્ટની વાત પેલી ગ્રીક દંતકથામાં આવે છે તેવા સાત માથાળા જળચર ડ્રેગન જેવી છે. તેનો ઉપયોગ માત્ર ચૂંટણીલક્ષી નથી.
તેનો બીજો મુદ્દો વિકાસની નીઓ-લિબરલ એવી નવી આર્થિક નીતિનો પણ છે. ૧૯૯૧થી શ્રી મનમોહન સિંહના શ્રીમુખ વડે જ આ નવી નીતિનો પ્રાદુર્ભાવ થયેલો. આ નવી નીતિ વડે શું સિદ્ધ થયું તે અંગેની છણાવટ હજુ વર્ષો સુધી ચાલશે. પરંતુ ગુજરાતમાં વાઇબ્રન્ટ દ્વારા આ નીઓ – લિબરલિઝિમને પોષવામાં અને ઉત્તેજવામાં આવી રહ્યું હોય તેમ જણાય છે. આખરે ગામને ખામ દ્વારા નહીં તો દામ ('વિકાસ') દ્વારા પણ ભેગું કરી શકાય તેમ છે.
આખરે આનો અર્થ એ થશે કે લાંબે ગાળે ગુજરાત નીઓ-લિબરલિઝિમની રચનામાં ભારતનાં અન્ય અનેક રાજ્યોનો મુકાબલે ઘણું આગળ નીકળી જશે. પણ આ બજારવાદની સાથોસાથ અન્ય આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક વમળો પણ સર્જાશે.
સામાન્ય માણસનું હાંસિયાકરણ આવો એક ચિંતાજનક મુદ્દો છે. રાજ્યમાં ખેતમજૂરો-ભૂમિહીન મજૂરોની સંખ્યા વધતી જાય છે. જમીનો 'સેઝ, સિટ' વગેરેમાં ડૂબતી જાય છે. નગરોને ભવ્ય અને આકર્ષક બનાવવા માટે ઝૂંપડાં તૂટતાં અને હડસેલાતાં જાય છે. રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો વધતા જાય છે. શિક્ષણના સમગ્ર ક્ષેત્રમાં રાજ્ય પોતે જ પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણના શિક્ષક-અધ્યાપકોનું શોષણ કરતું રહ્યું છે. નેનો માટે તાતાને જે દરે નાંણા મળે છે તે દરે હીરાનાં કારખાનાં કે લઘુ, નાના – મધ્યમ ઉદ્યોગોને મળતા નથી.
આ બધી જ રચનાઓ ઉદ્વેગજનક છે. ચૂંટણી જીતવા માટેના આ બધા ધમપછાડા માટે આવનારાં વર્ષો નિરાશાજનક બની રહે તેમ છે.
ગુજરાતમાં હિન્દુત્વના મોડલને એક હદથી આગળ ચલાવી શકાય તેમ નથી. તેનું એક મહત્ત્વનું કારણ તેનો વિસ્તરતો સિક્યુલર બેઝ છે. રાજ્યાશ્રયથી ન હોવા છતાં, રાજ્યના સમસંવેદન વડે ગુજરાતમાં ધર્મવાદ ખૂબ પોષાયો છે અને વિસ્તર્યો છે. સિવિક સ્પેસમાં સામે પાણીએ તરવાનું હોવા છતાં ધીમે ધીમે પણ મક્કમ રીતે સેક્યુલર અવાજ સંભળાતો થયો છે. અલબત્ત, આ અવાજ હજુ ચૂંટણીઓ ઉપર નિર્ણાયક પ્રભાવ પાડે તેવો નથી. છતાં તે દિશામાં તેની કૂચ ચાલુ જ છે. ચૂંટણી અંગેના રાજકીય નિર્ણયો અને નીતિ નક્કી કરવામાં આ અવાજને ઉવેખી શકાય તેમ નથી. કદાચ આ જ કારણે 'ખાતો નથી અને ખાવા દેતો નથી', વાળા ગુજરાતમાંથી ખરડાયેલા ભૂતકાળવાળાને ટિકિટો આપવી પડે છે.
આથી, વિકાસના મુદ્દાને પણ ઉમેરવાની જરૂર ઊભી થઈ છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ એક ખાસ્સુ અંતર વિકાસના માર્ગે કપાયું હતું. સોનિયાજીની 'મોત કે સોદાગર'ની ટીકાનો ઉલ્લેખ થયા પછી આ વાત પાછી જૂના માર્ગે વાળવામાં આવી.
હવે સવાલ એ છે કે ગુજરાતના 'વાઇબ્રન્ટ'ને વિકાસના પર્યાય તરીકે પ્રયોજી શકાય કે કેમ? જો પ્રચાર જ મુખ્ય બાબત હોય તો આમ કરી જ શકાય. સમગ્ર ભારતની કુલ જીડીપીના ૨૮ ટકા એક જ રાજ્યના એમઓયુના કદ જેટલા હોય તો કામ અદ્ભુત નથી એમ કોણ કહી શકે?
અહીં પણ ગુજરાતની સિવિક સ્પેસને ધન્યવાદ ઘટે છે. ૨૦૦૯ની ઉત્તરાયણ કરતાં ઘણા પહેલેથી ગુજરાતના ઘણા કર્મશીલો અને બુદ્ધિજીવીઓએ સરકારી નીતિઓ બાબતે લોકોની મુશ્કેલીઓને વાચા આપવાનું કામ સતત અને વિશદ્તાપૂર્વક કર્યે રાખ્યું છે. દા.ત. શ્રી ચુનીકાકાએ 'સેઝ' જેવાં નિમિત્તોએ ગોચરો ખતમ થઈ રહ્યાના અને તે સામે આંદોલનો ઉપાડવાના અહેવાલો આપ્યા છે. (જુઓ. ગોવંશને ભૂખે મારવાની અનીતિ 'નયા માર્ગ', ૧૬-૧-૨૦૦૯, પૃ. ૨૧-૨૨) એકંદરે 'નયા માર્ગ' અને 'નિરીક્ષક' સાથે કેટલાંક સામયિકોએ પણ એક વિશાળ, સંવેદનશીલ અને પરિપ્રેક્ષ્ય ધરાવતા બૌદ્ધિકો દ્વારા આ દિશાની લાંબાગાળાની મથામણ ચલાવી છે.
છતાં વાઇબ્રન્ટ સમિટ, ૨૦૦૯ દ્વારા ગુજરાત નંબર-૧ થવામાં છે તે વાત પણ ખૂબ ઘૂંટાઈ છે, જોકે તે ઘૂંટવામાં વપરાતી 'સ્યાહી', મતદાનમાં આંગળી ઉપર ટપકાં કરવા વપરાતી 'ઇન્ડેલિબલ' ભૂંસાય નહીં, તેવી નથી. ભલે ખૂબ ઘૂંટાવું છતાં વાસ્તવિકતા કાંઈક જુદું જ કહે છે.
એમઓયુ એટલે વિન્ડો શોપિંગ, ખરીદો નહીં માત્ર મોલમાં ચક્કર મારીને બહાર નીકળો.
આટલા ઉદ્યોગો, વ્યવસાયો માટે જરૂરી પાણી ગુજરાત પાસે છે? નર્મદા તો ૧૨૧ મિટરે આવીને ઊભી થઈ છે. ૨૦,૦૦૦ કરોડના ફિઝીબિલિટી અભ્યાસો પછી 'કલ્પસર' કલ્પનામાંથી સરી રહ્યું છે કારણ કે ધોલેરામાં બંદર બનાવવાનું છે.
નવી પચીસ લાખ રોજગારી ઊભી કરવાની છે. પણ અહીં શિક્ષકોને પ્રાથમિક કક્ષાએ રૂ. ૨૫૦૦/- માધ્યમિક કક્ષાએ રૂ. ૪૫૦૦/- અને કૉલેજ કક્ષાએ રૂ. ૭૫૦૦/- આપવાના છે. આ બધાને 'સહાયક' નામ આપી દોઢું બમણું કામ કરાવી પાંચ વર્ષ માટે શોષણ અને માનસિક ગુલામીમાં રખાય છે. આ કામ રાજ્ય પોતે જ કરે છે – પેલું વાઇબ્રન્ટ રાજ્ય જ શોષણ કરે છે. એકંદરે, આજે સમગ્ર શિક્ષણની બાબતમાં ગુજરાત જેટલું દિશાવિહીન છે તેટલું અગાઉ ક્યારે હતું તે શોધવું પડે તેમ છે.
મોટા ભાગના એમઓયુ ટાટાની નેનોના પગલે આપ્યા છે, જેમાં કરવેરાની પુષ્કળ છૂટછાટો અને કરવેરાની લ્હાણી છે.
આ અને આવા મુદ્દા જોડીએ તો જણાય છે કે ગુજરાતમાં નવી આર્થિક નીતિના નીઓ-લિબરાલિઝમનો એક આગવો જ પ્રયોગ થઈ રહ્યો છે. અહીં આર્થિક વૃદ્ધિ મેળવવાની સાથોસાથ તેનો પુષ્કળ પ્રચાર કરવાની પણ વ્યૂહરચના છે. સરકારી આંકડા મુજબ રાજ્યનું અર્થતંત્ર છેલ્લાં કેટલાંક વર્ષોમાં ૧૦-૧૨ ટકાના અભૂતપૂર્વ દરે વૃદ્ધિ પામ્યું છે. પણ સામે પક્ષે મહેબૂબ-ઉલ-હકે કહેલા પેલા વૃદ્ધિના (રૂટલેસ, જોબલેસ, રૂથલેસ, ફયૂચરલેસ અને વૉઇસલેસ) લક્ષણો પણ લાગુ પડ્યા જ છે, ૨૦૦૨નો ભયાનક મુસ્લિમ દ્વેષ આ લક્ષણો સાથે બંધબેસતો છે.
આમ, વાઇબ્રન્ટ ગુજરાતનું મોડલ ગુજરાતના સામાન્ય માણસને શું આપશે તે વિચારવાનું છે. કેટલીક દુષ્કલ્પનાઓ (અર્થશાસ્ત્રમાં જેને પરિકલ્પના – હાયપોથિસિસ કહે છે) આ પ્રમાણે છે :
લોકો હજુ વધુ અને મોટા પ્રમાણમાં હાંસિયામાં ધકેલતા જશે કારણ કે તે જમીન ગુમાવશે.
શિક્ષણક્ષેત્રના અણઘડપણા તથા અરાજકતાને લીધે ગુજરાતના ખાસ કરીને સાધનવિહોણા અને ગ્રામીણ યુવાવર્ગ માટે કોઈ ભવિષ્ય રહેશે નહીં.
આર્થિક અને સામાજિક અસમાનતાઓ વધશે. લોકો પોતાનાથી વિખૂટા પડવાની (એલિયેનેશન) સખત તાણ ભોગવશે.
ગુજરાતનું પર્યાવરણ વધુ દૂષિત બનશે. રાજ્ય ઉદ્યોગો ઉપર કાબૂ રાખીને પર્યાવરણ / પરિસર જાળવવાને બદલે એમઓયુના આંકડામાં રાચ્યા કરશે.
ઉદ્યોગો, સિંચાઈ તથા પીવા માટેના પાણીની પણ તંગી વધતી જશે.
આ બધું વાઇબ્રન્ટ કહેવાય કે વાઇબ્રેટિંગ?