Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણ : પરિકલ્પન અને પરિણામ

રોહિત શુક્લ|Opinion - Opinion|30 January 2025

ભૂમિકા :

રોહિત શુક્લ

‘શિક્ષણ’ એક અતિ વિશાળ મહાસાગર સમાન છે. કિશોરલાલ મશરૂવાળાએ ગીતાના સમશ્લોકી ભાષાંતરના બીજા અધ્યાયમાં કહ્યું છે તેમ, “સદા ભરાતાં અચલ પ્રતિષ્ઠ – સમુદ્રમાં નીર બધાં પ્રવેશે …. શિક્ષણ એવો મહાસાગર છે કે જેમાં અનેક નદીઓનાં નીર સદાકાળ પ્રવેશતાં જ રહે છે. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ધર્મ, સમાજશાસ્ત્ર, વગેરે અનેકનાં નીર શિક્ષણના મહાસાગરમાં પ્રવેશતાં રહે છે.

‘શિક્ષણ’ સાથે સંકળાયેલા શબ્દોની એક વિશાળ સૂચિ તૈયાર થઈ શકે : કેળવણી, ઘડતર, ચણતર, તાલીમ, આવડત …

માતા જીજાબાઈએ ગાયેલાં શિવાજીનાં હાલરડાંથી માંડી ગુરુ દત્તાત્રયના ૨૪ ગુરુઓ સુધી બધા ‘શિક્ષણ’ આપનારાં છે. આ ચર્ચાને વધુ નીકટતાથી જોવાના હેતુથી તેના ઔપચારિક ભાગની ચર્ચા કરીશું.

થોડાક કોલાજ :  ઔપચારિક શિક્ષણ શાળા કૉલેજ, યુનિવર્સિટી વગેરેમાં અપાય છે. તેમાં નિશ્ચિત અભ્યાસક્રમ, શિક્ષણની ઢબ, માળખું, ગ્રાંટ, વહીવટ-સંચાલન, વગેરે સંકળાયેલાં હોય છે. આ બધાં અંગેની ચર્ચા પણ લાંબી થઈ શકે તેમ હોવાથી એક યુક્તિ તરીકે સૌ પ્રથમ આપણા મન:ચક્ષુ સમક્ષ કેટલાંક ‘રેખાચિત્રો’ દોરી રાખીશું.

તાજ હોટલ પરનો આતંકી હુમલો : તાજ હોટલ ઉપરનો આ હુમલો સર્વવિદિત છે. હુમલો અકલ્પ્ય અને અચાનક હતો. હોટલમાં રોકાયેલા મહેમાનો (ગેસ્ટ્સ) તથા વિવિધ સ્તરના તમામ કર્મચારીઓ ફસાઈ ગયા હતા. કેટલાકને તો મારી પણ નંખાયા હતા. થોડાક દિવસો આમ વીત્યા બાદ મહેમાનોમાં સળવળાટ થયો. સ્ટાફના માણસોને તેમણે ખાનગીમાં બહાર નીકળવા વિશે પૂછવા માંડ્યું.

હોટલના કર્મચારીઓ હોટલનો તો ખૂણેખૂણો જાણતાં જ હતાં; આજુબાજુની ગલી કૂંચીઓથી પણ સુપરિચિત હતા. પરંતુ જો મહેમાનોને બહાર કાઢવાની હલચલમાં પકડાઈ જાય તો મૉત નિશ્ચિત હતું ! છતાં તેમણે સાહસ કર્યું, અનેકોને બહાર કાઢ્યાં. પણ વિચિત્રતા તો એ હતી કે આવી રીતે મહેમાનોને બહાર કાઢીને પોતે તો વળી પાછા હોટેલમાં પરત ફરીને ફરજ ઉપરના કામે લાગી જતા !

જીવ માત્રની પ્રાથમિકતા જીવતા રહેવાની હોય છે. આ કર્મચારીઓ પાછા કેમ ફર્યા – આ સવાલ હાર્વર્ડ યુનિવર્સિટીના એચ.આર. વિભાગના અધ્યાપકને થયો. ભારતમાં આવી તેમણે જે તારણો કાઢ્યાં તેનાં મુખ્ય ઘટક તત્ત્વો આટલાં છે :

  • તાજ હોટલની ભરતીની યોજના મુજબ મોટાં શહેરોમાં વસતા તેજસ્વી(રેન્કર્સ – ટોપર્સ)ની પસંદગી કરવાની જ ન હતી !
  • મધ્યમ કે નાના કદનાં નગરો કે ગામડાની નિશાળોમાં જઈ, આ ‘ભરતીવાળા’ નિશાળોના શિક્ષકો / આચાર્યોને મળતા અને એવા વિદ્યાર્થીઓની ભાળ મેળવતા કે જે – પરગજુ, સંવેદનશીલ, નિષ્ઠાવાન અને મહેનતુ હોય.

આવા વિદ્યાર્થીઓના ઘરે જઈ તેમનાં માતા-પિતા – વડીલો – પાડોશીઓ વગેરે સાથે પણ, સાવ અનૌપચારિક વાતચીત કરતા. તેના ગમા-અણગમા, ઉત્સાહ મદદની ભાવના, વગેરે વિશે જાણકારી મેળવ્યા બાદ પસંદગી માટેની યાદી બનાવતા હતા.

હરિયાળી ક્રાંતિ અને પૂર્વ પંજાબ : ૧૯૪૭માં દેશનું વિભાજન થયું. તે માનવજાતના ઇતિહાસનો અતિ પીડાદાયક પ્રસંગ હતો. પંજાબ જે ત્યાર સુધી એક જ પ્રદેશ હતો તેનું પણ પૂર્વ અને પશ્ચિમમાં વિભાજન થયું. ઘઉંનો કટોરો ગણાતું પશ્ચિમ પંજાબ પાકિસ્તાનમાં ગયું અને નાનાં અને સિંચાઈ વગરનાં ખેતરોવાળું પૂર્વ પંજાબ ભારતમાં ભળ્યું. પશ્ચિમમમાં તો અયૂબખાન જેવા ડરામણી મૂછોવાળા જમીનદારો અને ભારતમાં હળ-બળદની ખેતીવાળો રાંક ખેડૂત, પણ ૧૯૬૭માં નર્મન બોલોગ (Norman E. Bolaug) અને એમ.એસ. સ્વામિનાથને સંકર બિયારણ શોધ્યાં. ઘઉં-ચોખાના ઉત્પાદનમાં રીતસર ક્રાંતિ પ્રગટી, હવે ઇંગ્લેન્ડની એક યુનિવર્સિટીની અધ્યાપિકા બહેન ઉસુલાના મનમાં સવાલ ઊઠ્યો : પશ્ચિમ પંજાબમાં ખેતરો મોટાં, સિંચાઈ પણ વધુ, ખેડૂતો જબરા મૂછડ જમીનદારો છતાં ત્યાં હરિયાળી ક્રાંતિ કેમ ન થઈ ? અને આ ભારતમાં નાના ખેડૂતો, નાનાં ખેતરો, ઓછી સિંચાઈ છતાં ક્રાંતિ કેમ થઈ ? મૂળમાં એક જ પંજાબ પ્રદેશ, સમાન કલ્ચર, સમાન રીત અને રસમ છતાં આવું કેમ ?

ભારતમાં આવીને તે બહેને તપાસ આરંભી, નતીજામાં જે મળ્યું તે નોંધપાત્ર છે : 

૦ ભારતનો ખેડૂત નાનો ખરો પણ આગવા અને સ્વતંત્ર નિર્ણયો લેવા માટે હકદાર હતો. 

૦ આ ખેડૂતો કમ સે કમ અક્ષર-જ્ઞાન સુધીનું પ્રાથમિક શિક્ષણ ધરાવતા હતા. પાકિસ્તાનના પંજાબમાં આ બે ય બાબતો નહોતી. ભારતના પંજાબમાં લોકશાહી અને શિક્ષણ હતાં અને તેથી આ ક્રાંતિ શક્ય બની. પણ ભીતરની વાત એ છે કે હરિયાળી ક્રાંતિના પ્રત્યેક તબક્કે ખેડૂતે કયાં અને કેવાં પગલાં ભરવાના છે તેની માહિતી કૃષિ યુનિવર્સિટી દ્વારા વહેંચાતાં બ્રોશર-ચોપાનિયાંમાં હતી. ભારતના ખેડૂતો આ બધું વાંચી-સમજી શકતા. અને જરૂરી પગલાં પણ ભરતા. આની અસર હરિયાળી ક્રાંતિ આણવામાં દેખાઈ.

ચાર વર્ષ પછી ભારત-પાક યુદ્ધ સમયે ભારતને દબાવવા અમેરિકાએ અજેય ગણાતું USS Enterprise Aircraft Carrier બંગાળની ખાડી તરફ મોકલ્યું હતું અને ભારતને યુદ્ધ બંધ કરવા ચેતવણી આપતા કહ્યું કે આ યુદ્ધ નહીં રોકાય તો અમેરિકા ભારતને અપાતી અન્ન સહાય બંધ કરશે ! ઇંદિરા ગાંધીએ વળતા જ જવાબમાં અન્ન સહાય મોકલવાનું બંધ કરવા જણાવ્યું. ભારત હવે અનાજમાં સ્વાવલંબી હતું ! આ હતો શિક્ષણનો ચમત્કાર.

લુડવિગ વિટગનસ્ટાઇન (Ludwig Witttgenstein) : તેનો જીવનકાળ ૨૬ એપ્રિલ ૧૮૮૯થી ૨૯ એપ્રિલ ૧૯૫૧ સુધીનો (૬૨ વર્ષ) હતો. તેઓ વિયેનાના એક અકલ્પ્ય ધનિક પરિવારનું સંતાન હતા. પિતાના મહેલમાં એક સાથે છ સભાખંડોમાં સંગીતના કાર્યક્રમો યોજાતા. યુરોપના સાંસ્કૃતિક કેન્દ્ર એવા વિયેના શહેરમાં તેમનો વસવાટ હતો. ન્યૂટનના બીજા નિયમ મુજબ આઘાત અને પ્રત્યાઘાત સમાન અને સામસામી દિશાના હોય છે. આની ઉપરથી વિમાનના જેટ એંજિન બનાવવાના પ્રયોગો ચાલતા હતા. વિટગનસ્ટાઇન ઓસ્ટ્રિયા દેશના એરફોર્સમાં જોડાયા અને જેટ એંજિનની ડિઝાઈનના ગણિતમાં વિશેષ રસ લેતા થયા હતા. તે સમયે કેમ્બ્રિજ યુનિવર્સિટીના દાર્શનિક ગણિતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલ ખૂબ ખ્યાતિ પ્રાપ્ત હતા. વિટગન સ્ટાઇન કેંબ્રિજ પહોંચીને રસેલનાં થોડાંક વ્યાખ્યાનો સાંભળે છે. એક દિવસ રસેલની સામે આવીને ઊભા રહ્યા અને કહ્યું : પ્રો. રસેલ તમને લાગે છે કે હું પાગલ છું ? રસેલે તેની સામે નજર નાંખી. તેને થોડાક કાગળ અને પેન આપીને કહ્યું – ‘અહીં બેસી જા અને તારા મનમાં જે આવે તે દસ મિનિટ માટે લખતો જા.’

સમય પૂરો થતાં રસેલે લખાણ વાંચ્યું અને કહ્યું, ‘અદ્ભુત’.

ત્યારબાદ વિટગન સ્ટાઇને નિબંધ લખ્યો ‘Tractatus Logico Philosophicus’. આ નિબંધ રસેલને પકડાવીને વિટગન સ્ટાઈન ભાગી ગયો. હવે તે યુદ્ધ મોરચે લડવા માંગતો હતો. સમરસેટ મોમ[W. Somerset Maugham(૧૮૭૪ થી ૧૯૬૫)ના પુસ્તક The Razor’s Edgeનો અભ્યાસ કરી જીવન અને મરણ વચ્ચેની ભેદરેખા તેને સમજવી હતી. ટાગોરનાં કાવ્યો પણ તેણે વાંચ્યાં.

યુદ્ધમાં સેનાપતિને આગ્રહ કર્યો કે મને છેક અગ્રીમ હરોળમાં મોકલે. આખરે તે યુદ્ધ કેદી બન્યો અને રસેલ તથા લોર્ડ કેઇન્સની લાગવગથી જેલની બહાર પણ આવ્યો.

આ ગાળા દરમ્યાન વિટગનસ્ટાઇનનો નિબંધ પ્રકાશકને મોકલ્યો. પ્રકાશક તૈયાર તો થયો પણ તે એટલો અઘરો હતો કે અન્ય લોકો સમજી શકે તે માટે રસેલે તેની લંબાણપૂર્વકની પ્રસ્તાવના લખી આપવી તેવો આગ્રહ પ્રકાશકે રાખ્યો. રસેલે આ નિબંધ કેમ્બ્રિજના અન્ય ‘ડૉન’ પાસે મૂક્યો અને આ નિબંધ ઉપર પીએચ.ડી. આપવાની ભલામણ કરી.

વિટગનસ્ટાઇન કેમ્બ્રિજ આવીને રસેલને મળ્યો ત્યારે રસેલે તેને આ બધી ગતિવિધિ સમજાવી. પણ તે વિચારમાં પડી ગયો. તેણે રસેલ પાસેથી એક રાત માટે તે પુસ્તક લીધું અને રાતભર વાંચ્યું.  બીજે દિવસે રસેલને મળ્યો. રસેલને તેણે કહ્યું : પ્રો રસેલ, તમે મારો નિબંધ સમજ્યા જ નથી. તમે પ્રસ્તાવનામાં જે લખ્યું છે તે હું કહેવા માંગતો નથી. બીજું હવે આ નિબંધમાં મેં લખેલા મારા વિચારોથી પણ હું ઘણો દૂર નીકળી ગયો છું. આથી મારાથી આ નિબંધના આધારે પીએચ.ડી. લેવાય નહીં.

  • ગુર્જીએફ કહે છે, માણસ નામનું હોડકું દરિયાની હવા અને લહેરોમાં આમતેમ ફંગોળાતું રહે છે. આ વાત આપણા શિક્ષણને પણ લાગુ પડે છે. ધર્મ, સંસ્કાર, ઇતિહાસ, ટેકનોલોજી, વગેરે અનેક ક્ષેત્રો પારસ્પરિકતા વગર ચાલતાં રહે છે. આ સઘળાં ક્યારેક વધુ તો ક્યારેક ઓછા મહત્ત્વ સાથે અભ્યાસક્રમોમાં દેખાયા કરે છે. શિક્ષણ અંગેની નીતિની સ્પષ્ટતા અને ઉદ્દેશો બાબતે પૂરતી સભાનતાભરી સમસ્યાઓ પણ કઠે તેવી છે. આ સંજોગોમાં શિક્ષણની દિશા અને ગતિ વચ્ચે કોર્સ કરેક્શન – સ્ટીયરીંગ જરૂરી ગણાય. આ માટે શિક્ષણના ક્ષેત્રે સતત સંશોધન જરૂરી ગણાય. ‘સંશોધન’ શબ્દને  મગનભાઈ દેસાઈએ લાઘવ અને સચોટ રીતે સ્પષ્ટ કર્યો છે – ‘નહીં જાણેલું જાણવું અને જાણેલાને સુધારવું’ તે સંશોધન. આમાં બીજો ભાગ પરિકલ્પનનો સંદર્ભ ધરાવે છે. ‘જે જાણીતું છે તેને સુધારવું.’ આ પ્રક્રિયા સંશોધન અને એકંદરે જ્ઞાનના શાસ્ત્રના મૂળમાં છે. આ પ્રક્રિયાના ત્રણ તબક્કા છે :
  • પહેલું – સંશોધનના નક્કી કરાયેલા ક્ષેત્રમાં અગાઉ જે કાંઈ કહેવાયું-લખાયું-ચર્ચાયું હોય તેનો સઘન અભ્યાસ.
  • બીજું – આ અભ્યાસની નિષ્પત્તિરૂપે એવાં વિધાનોની તારવણી કે જે માન્ય હોય પણ ખરાં અને ન પણ હોય.
  • ત્રીજું – સંશોધનની ઉચિત પદ્ધતિનો વિનિયોગ કરી તારવેલાં વિધાનોને ક્યાં તો અનુમોદન આપવું અથવા નકારવાં.

એક ઉદાહરણ લઈએ : મૂડીવાદ એમ કહે છે કે આર્થિક વૃદ્ધિ થવાથી ગરીબી દૂર થશે. કેટલાક અભ્યાસોના નિષ્કર્ષ રૂપે આવું વિધાન – પરિકલ્પન – તારવી શકાય. આ તર્કના મૂળમાં ઝમણ(પરકોલેશન)નો સિદ્ધાંત ગોઠવાયેલો હોય છે.

હવે યોગ્ય સંશોધન દ્વારા સાબિત થાય કે કેરાલા જેવા રાજ્યમાં આર્થિક વૃદ્ધિ ઓછી હોવા છતાં લોકોની સુખાકારી વધુ છે. અને ગુજરાત જેવા રાજ્યમાં આર્થિક વૃદ્ધિ વધુ હોવા છતાં સુખાકારી પ્રમાણમાં ઓછી છે તો ઝમણનો સિદ્ધાંત સાચો નથી એમ સાબિત થશે.

જ્ઞાનના દર્શનશાસ્ત્રના ક્ષેત્રમાં Kuhn અને Lakatos આ પ્રક્રિયાને ફોલ્સિફિકેશન – જૂઠ ફેલાવવું – કહે છે. જ્ઞાન ક્ષેત્ર આવાં અનેક ફોલ્સિફિકેશન ઉપર આગળ વધતું જાય છે. જ્ઞાનનું ક્ષેત્ર પરિકલ્પન, સંશોધન અને તારણોના આધારે મજબૂત બનતું રહે છે. દેખીતી રીતે જ, જ્યાં સંશોધન દ્વારા જ્ઞાનવિકાસ ચાલતો હોય ત્યાં કર્મ, નસીબ, કોઈક અજ્ઞાત શક્તિની રચના વગેરે જેવા વિચારો નિરર્થક બનતા હોય છે. આપણા રોકેટ વિજ્ઞાનીઓ, રોકેટ છોડવાની તમામ ગણતરીઓ કરીને તેમ જ ચકાસણી કર્યા બાદ કોઈક દેવમંદિરમાં જઈને નાળિયેર વધેરે છે. આ જ વિજ્ઞાની જો અમેરિકાની નાસા સંસ્થામાં નોકરી કરતા હોય તો નાળિયેર વધેરવા ક્યાં ય જતા નથી. આ ઘટના દર્શાવે છે કે નાળિયેર ફોડીને પરાશક્તિની સહાય મેળવીને રોકેટ છોડવાથી સફળતા મળે છે તે પરિકલ્પના નિરાધાર છે. આ વિજ્ઞાનનો માર્ગ છે અને વિકાસ માટે તે જરૂરી છે. વિજ્ઞાનની તરફેણમાં આ મજબૂત દલીલ છે.

રોકેટ છોડવું અને શાળા કૉલેજમાં શિક્ષણ આપવું તે બે સમાન પ્રવૃત્તિઓ નથી. રોકેટ છોડવામાં તમામ પરિસ્થિતિઓ સંપૂર્ણ કાબૂમાં હોય છે. એકાદ પરિસ્થિતિ પણ બગડે તો ‘Mission Abort’ – રોકેટ છોડવાના કાર્યક્રમને પડતો મૂકવાની સૂચના અપાય છે. પણ શિક્ષણની પ્રવૃત્તિ જુદી છે. તેમાં અભ્યાસક્રમ અને પરીક્ષા ઉપર કાબૂ હોય છે, બાકીનું બધું કાબૂ બહાર હોય છે. આથી શિક્ષણના સંશોધનમાં પરિકલ્પન અને પરિણામ બાબતે વિશેષ સાવચેતી આવશ્યક બને છે.

અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ધર્મ અને રાજકારણ એવાં ક્ષેત્રો છે જેમાં શિક્ષણ વિશે પરિકલ્પનો અને સંશોધનો હાથ ધરાયાં છે / ધરાતાં રહે છે.

અર્થશાસ્ત્ર : પાકિસ્તાનના મહેબૂબ-ઉલ-હક અને ભારતના અમર્ત્ય સેન દ્વારા Human Development Indexની કરેલી રચના દ્વારા આપણે ‘માનવ વિકાસ સૂચકાંક’ જાણી શકીએ છીએ. જી.ડી.પી.માં મપાતી આર્થિક વૃદ્ધિના વધારા સાથે માનવ વિકાસ સૂચકાંકને ખાસ મેળ પડતો નથી.

આર્થિક વૃદ્ધિને ઉપાસ્ય માનવામાં જોખમો રહ્યાં છે. શિક્ષણે જો સતત ‘કોર્સ કરેક્શન’ કરતાં જ રહેવાનું હોય તો ભાવિ સમાજ વિશે વિચારવું જ રહ્યું. મૂડીવાદી / સામ્રાજ્યવાદી સમાજ આખરે બેકારોની ફોજ ઊભી કરશે. આ લોકો ઉપર સત્તા એવી હાવી થઈ જશે કે તેમની બોલતી બંધ થઈ જશે. પર્યાવરણ કેવું બનશે તેનું એક ઉદાહરણ દિલ્હી પૂરું પાડે છે. આવા સમાજમાં ‘મૂળ સોતાં ઊખડેલાં’ કરોડો માણસો ઘરબાર છોડીને – માઇગ્રન્ટ મજૂર તરીકે શહેરોમાં ભટકતા હશે. કોર્પોરેટ જગત અને સત્તાના મેળાપીપણામાં રાજ્ય પણ બેરહેમ બનશે. કલ્યાણ રાજ્યની કલ્પના જ ગુમ થઈ જશે. આ સંજોગોમાં શિક્ષણનું સ્થાન શું હશે ?

શિક્ષણ માટે કેટલાક સાદા સવાલો ઊભા કરવા રહ્યા :

શિક્ષણ : ૦ કોનું શિક્ષણ ૦ કયા હેતુથી ૦ કોના દ્વારા ૦ શિક્ષણ અને સમાજ, વ્યક્તિનું જીવન અને સુખ સંતોષની પ્રાપ્તિ.

આ પ્રકારના બીજા પણ સવાલો ઊભા કરી શકાય જેનો ઉપયોગ શિક્ષણની પ્રથા અને વ્યવસ્થા ઉપર સતત નજર નોંધી રાખીને મિડ કોર્સ કરેશન કરતા રહેવાય.

અલબત્ત, આની સામે એક સવાલ ઊભો થાય જ : શિક્ષણ પાસેથી આ તમામ બાબતોની અપેક્ષા રાખવામાં આવે તે ઉચિત ખરું ?

શિક્ષણ લેનાર આખરે તો માણસ છે. માણસ માત્ર વિવિધ સ્વરૂપો અને વર્તન દાખવતા રહેતા હોય છે. આમ શિક્ષણ દ્વારા બીબાંઢાળ વ્યક્તિત્વો ઊભાં કરવાનો ખ્યાલ રાખી ન જ શકાય. છતાં વિવિધતા, સર્જનાત્મકતા, સંવેદનશીલતા, સ્વતંત્રતા વગેરે જેવા ગુણોના સામાજિક વિકાસના કાર્યક્રમમાં શિક્ષણ પણ સહયાત્રી બની રહે તેવું વિચારી શકાય.

મનોવિજ્ઞાન : હવે આપણે શિક્ષણ અને મનોવિજ્ઞાનના આંતર સંબંધો પર વિચાર કરીએ. તાર્કિક દૃષ્ટિએ આવા સંબંધ અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર કે ધર્મની બાબતે પણ ઊભા કરીને ચર્ચી શકાય.

શિક્ષક અને શિક્ષણના કાર્યમાં વિદ્યાર્થીઓ અને મનોવિજ્ઞાન કઈ રીતે પ્રભાવક નીવડે છે તેનો એક દાખલો ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના આત્મકથનમાંથી સાંપડે છે. તેમના શિક્ષક વર્ગમાં બેસાડીને ભણાવવાને બદલે દરિયા કિનારે લઈ જતા. ત્યાં હવાની દિશા અને ગતિની સાથે ઊડતાં પંખીઓ પોતપોતાની પાંખોનું સંકલન કઈ રીતે કરતાં તે બતાવીને વિદ્યાર્થીઓને આકાશ, હવા, ઉડાન વગેરેની સમજ આપતા.

ડૉ. કલામના જીવનમાં આ બાબતના ઘેરા પ્રત્યાઘાત પડેલા. વર્ગ ખંડોના નીરસ બંધિયાર અને આક્રમક શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણે ઘણી પેઢીઓને બરબાદ કરી નાંખી છે.

કોઈક વ્યક્તિ ઉત્તમ વિદ્યાર્થી હોય અને અધ્યાપક બનવા માટેની શૈક્ષણિક લાયકાત મેળવી લીધી હોય તેટલા માત્રથી તે સારો અધ્યાપક બની ન શકે. શિક્ષણ અધ્યાપનની એક કળા છે. અને તે સૌને માટે સમાન રીતે હાથવગી ન હોઈ શકે. વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થીને પણ પોતાને શીખવવા આવનાર(શિક્ષક)ને ‘નાપાસ’ કરવાની સત્તા હોવી જોઈએ – કેમ કે તે ચર્ચાનો મુદ્દો છે.

સમાજશાસ્ત્ર : શિક્ષણના ક્ષેત્રે સમાજશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. આ ક્ષેત્રે વિવિધ માર્ગે વિચાર ચાલતા રહે છે. ભારતના સંદર્ભમાં વિચારીએ તો શું મુસલમાન અધ્યાપક સંસ્કૃત ભાષા શીખવી શકે ? બનારસ હિંદુ યુનિવર્સિટીમાં થોડાંક વરસો અગાઉ બનેલો આ બનાવ છે. એક મુસલમાન વિદ્યાર્થી તરીકે સંસ્કૃત ભાષા ખૂબ સારી રીતે શીખ્યો. અધ્યાપક તરીકે નોકરી માટે જરૂરી એવા તમામ લાયકાત તથા ગુણો તેનામાં હતા. પરંતુ વર્ગમાં બેસતા મોટા ભાગના સવર્ણ હિંદુઓએ તેનો વિરોધ કર્યો. યુનિવર્સિટીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો.

શિક્ષણ દ્વારા સર્વ સમાવેશી સમાજની રચના કરવી તે પણ એક મહત્ત્વની અવધારણા છે. ‘સર્વ શિક્ષા અભિયાન’ દ્વારા સમાજના પ્રત્યેક તબક્કાનાં બાળકો, યુવાઓને સમાન મૂલ્યોવાળું શિક્ષણ અપાય તેવી ધારણા કરવામાં આવે છે. ભારતના બંધારણમાં પણ (એકવીસમી કલમ દ્વારા) શિક્ષણને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના રાજ્યમાં શિક્ષણ ફરજિયાત હતું. સવાલ એ છે કે શિક્ષણ દ્વારા સમાજને એકરૂપ કરી શકાયો છે ખરો ?

સૌથી મોટી સમસ્યા દલિત, આદિવાસી, લઘુમતી, પછાત વર્ગ વગેરેના શિક્ષણમાંથી ઊભી થાય છે. ડૉ. આંબેડકરનો વિદ્યાર્થી તરીકેનો અનુભવ જાણીતો છે. ખાનગી શાળાઓ અને યુનિવર્સિટીઓ વચ્ચેનો ભેદ સમતાલક્ષી સમાજ સર્જવાની દિશા સૂચવતો નથી.

એક અન્ય બાબતમાં પણ સમાજ અને શિક્ષણ વચ્ચેનો સંબંધ વિચારવા જેવો બને છે. સમાજમાં ઔપચારિક શિક્ષણ લેવા આવનારા સૌ હંમેશાં અનૌપચારિક શિક્ષણ પણ પામતા જ રહે છે. તાજ હોટલનો દાખલો આવા અનૌપચારિક શિક્ષણનું સ્થાન અને મહત્ત્વ દર્શાવે છે. ચોક્કસ પ્રકારના ધાર્મિક કે રાજકીય વિચારો ધરાવનારા શિક્ષક / અધ્યાપક પણ શિક્ષણનો ઉપયોગ પ્રચાર અને ભેદભાવ ઊભા કરવા વાસ્તે કરતા હોય છે.

ધર્મ : જગતના તમામ ધર્મોએ શિક્ષણના ક્ષેત્રનો ઉપયોગ સ્વપ્રચારાર્થે કર્યો છે. પોતાના ધર્મના વિચારો જ સાચા અને માનવજાતનું કલ્યાણ કરનાર છે તે આ પ્રચારના મુખ્ય મુદ્દા છે. પોતાના ધર્મની શ્રેષ્ઠતા પુરવાર કરવા વાસ્તે અનેક યુદ્ધ થયાં છે અને લાખો લોકોના જીવ ગયા છે. ધર્મથી શાંતિ કે મુક્તિ મળશે એવા આશ્વાસન હેઠળ પણ યુદ્ધો ખેલાયાં છે.

ધર્મ શિક્ષણમાં પ્રવેશે ત્યારે ઘણીવાર ‘નીતિ’નું રૂપ ધારણ કરે છે. દેખીતી રીતે આ નીતિ-સંકુલ પુરાતન અને પરંપરાલક્ષી છે. આધુનિકતા, તર્કવિવેક કે મનુષ્યલક્ષિતા તરફ ધર્મોની રુચિ ઘણી વાર જોવા મળતી નથી. મૂડીવાદી અને સામ્રાજ્યવાદી પશ્ચિમી જગતે ઊભો કરેલો ઇસ્લામોફોબિયા આનું એક ઉદાહરણ છે.

ધર્મની આ ટીકા છતાં, તેના દ્વારા માનવસમાજોને સુગ્રથિત અને સ્વહિતની પ્રતિપાલક બનાવતા રહેવાની પેરવી પણ નજર અંદાજ થવી ન જોઈએ.

આ વરસે (વર્ષ ૨૦૨૪-૨૫) ભારતમાં અડતાલીસ લાખ લગ્નો થશે, આથી દેશમાં બસો હજાર કરોડ રૂપિયાનો ખર્ચ / ખરીદી થશે. તેથી લાખો રોજગારી – અલબત્ત, ટૂંક સમય માટે સર્જાશે.

પશ્ચિમના રેશનાલિસ્ટ ગણાતા દેશોમાં આવાં લગ્ન કદી જોવા ન મળે. ધર્મની આ બાહ્યતાને લીધે હોટલ અને ટુરિઝમ, રસોઈ અને કેટરિંગ, સંગીત, બ્યુટિશિયન વગેરે ક્ષેત્રોમાં ઔપચારિક તથા અનૌપચારિક શિક્ષણ શક્ય બને છે. આ અડતાલીસ લાખ લગ્નોમાંથી – ખુદા ન કરે – એકાદ લાખ છૂટાછેડાના કેસ પણ સર્જાશે અને તો વકીલોની આમદની વધશે !

રાજ્યશાસ્ત્ર સામાજિક ઓળખ ઊભી કરવામાં તથા લાંબા-ગાળાની ‘નીતિ’લક્ષતા સર્જવામાં ઉપયોગી છે. મૂડીવાદ, લોકશાહી, સમાજવાદ, ગાંધી-વિચાર ધાર્મિક મતાગ્રહ વગેરે ઊભા કરવામાં તથા તેના વૈશ્વિક અનુભવો તારવીને ઉચિત દિશાનિર્દેશ કરતા બંધારણના ઘડતર તથા અમલમાં રાજ્ય-શાસ્ત્રની વિશેષ ભૂમિકા છે. જો કે અનેક દેશોનો અનુભવ દાખવે છે કે રાજ્યના વહીવટ તથા સંચાલન કોઈ આદર્શ કે નીતિઓના આધારે ચાલતાં નથી. આ સંજોગોમાં રાજ્યને મુખ્ય ડર સત્તાપલટાનો હોય છે. ખાસ કરીને યુવાવર્ગ સત્તા સામે ન પડે તે માટે શિક્ષણના સિલેબસ, વહીવટ પદ્ધતિ વગેરેમાં ચોક્કસ વિચારધારાને પ્રચલિત કરવામાં આવે છે. અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં મૂડીવાદ – સામ્રાજ્યવાદ તરફી વિચારોને પ્રાધાન્ય અપાય છે. ચીનમાં સામ્યવાદને આગળ કરાય છે. ભારતમાં, ગાંધીવિચારનો પ્રારંભ તો થયો પરંતુ તે લાંબો ચાલી શક્યો નહીં.

આ તમામ ક્ષેત્રોનો પરિકલ્પનો દ્વારા અભ્યાસ થઈ શકે છે અને ક્યારેક થાય છે પણ ખરો.

પરિણામ : શિક્ષણના ક્ષેત્રે ગમે તેટલી ચોક્સાઈ, અભ્યાસ, ખંત અને ટેકનિકલ જાણકારી સાથે પરિકલ્પના યોજીને અભ્યાસ થાય, છતાં તેના પરિણામે અગાઉ નક્કી કરાય – પ્રોજેક્શન કરાય – તેવાં પરિણામો નીપજાવવા તે કાબૂ બહારનું લક્ષ્ય બની રહે છે. બધી નિશાળો – કૉલેજ – યુનિવર્સિટીઓનું વાતાવરણ, સગવડ, સ્ટાફ, વહીવટ વગેરે સમાન હોતાં નથી. શિક્ષકોની ભરતી કે પગારોની બાબતે પણ અનેક સમસ્યાઓ પ્રવર્તતી રહે છે. આ સંજોગોમાં શિક્ષણના પ્રયાસોનાં પરિણામો વિશે સવિશેષ સાવધાની જરૂરી બને છે. આમ છતાં વિવિધ દેશોમાં વિવિધ સમયે આગવી નીતિઓનાં કેવાં પરિણામો નીપજી શક્યાં તેનું એક વિહંગાવલોકન કરી શકાય.

અમેરિકા (યુ.એસ.) : અમેરિકા મૂડીવાદ અને સામ્રાજ્યવાદીઓનો ગઢ છે. તેના શિક્ષણમાં ખુલ્લાપણું ઉદારમતવાદ, જવાબદારી, અભ્યાસ અને ખંત, સર્જનાત્મકતા, મનુષ્યલક્ષિતા અને તર્કવિવેક જોવા મળે છે. આ વિશેષતાઓના ફલસ્વરૂપ અમેરિકાના નાગરિકોના નામે કોઈપણ અન્ય દેશની તુલનાએ, સૌથી વધુ નોબેલ ઈનામો, પેટન્ટ, સંશોધન લેખો તથા અભ્યાસો જોવા મળે છે. કોલાજમાં જોયેલા તાજ હોટલના અભ્યાસમાં અમેરિકા હતું, ભારતની કોઈ પણ સંસ્થા ન હતી.

હવેનાં ત્રીસથી પચાસ વરસમાં જગતમાં ત્રણ જબરદસ્ત ક્રાંતિઓ પ્રગટવાની છે એમ દાર્શનિક હરારેનું કથન છે. ૦ ડીજીટલ (AI), ૦ બાયોલોજીકલ અને ૦ પ્રચુર ડેટા.

બાયોલોજીકલ ક્રાંતિ માણસને અમરત્વ બક્ષશે. અને ડેટા દ્વારા અલગોરીધમ વડે સર્જિત મેધા (એ.આઈ.) માણસને વાંછિત જીવન આપશે. આ વાસ્તે અમેરિકા તૈયાર હશે. કદાચ ચીન પણ ત્યાં પહોંચવાની અપેક્ષા રાખી શકે પણ ભારત માટે આ શક્ય જણાતું નથી.

ચીન : ચીનની વિશેષતા, વૈશ્વિક પરિસ્થિતિ સમજવી, આવશ્યક હોય ત્યાં સંશોધનો વાળવાં તથા ત્વરિત નિર્ણય લેવામાં છે. ચીન શિક્ષણ અને સંશોધન પાછળ મબલખ ખર્ચ કરે છે. તાજેતરમાં ચીને દસ વરસ માટેની શિક્ષણ નીતિ બહાર પાડી. આ નીતિ બનાવતાં પહેલાં તેણે વૈશ્વિક હલચલનો ગહન અભ્યાસ કર્યો. તેને જણાયું છે કે હવેના દસકામાં વિશ્વમાં ‘બેટરી’ની માંગ પુષ્કળ વધશે, ઘડિયાળ મોબાઈલ ફોન, રિમોટ, કાર, સ્કુટર, સાયકલ વગેરે અનેક બાબતે બેટરીની જરૂર પડશે.

બેટરીમાં વપરાતા મટિરીયલથી માંડી તેની બનાવટ સુધીના ક્ષેત્રે કામ કરનારા માણસો મળી રહે અને યુવાનોને કામ ધંધો મળી રહે તેવા આયોજન સાથે ચીને પંચાવન યુનિવર્સિટીઓમાં બેટરીના વિવિધ પાસાં અંગેના કોર્ષ શરૂ કર્યા છે. ચીનમાં નોબલ ઇનામ મેળવનારા ખાસ નથી પણ તેનું અર્થતંત્ર અમેરિકા પછી બીજા સ્થાને છે. ચીને પણ શિક્ષણની બાહ્યતા દ્વારા અનેકવિધ મોરચે સિદ્ધિ મેળવી છે.

China : Firm 3D Prints 10 full sized houses in a day.

ભારત : અંગ્રેજોએ ભારતનું પુષ્કળ શોષણ કર્યું. પરંતુ ૧૮૫૭ના બળવા પછી મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં ત્રણ યુનિવર્સિટીઓ સ્થાપી. સતી-પ્રથાની નાબૂદી, મહારાજ લાયબલ કેસ, વિધવા પુન: લગ્ન વગેરે જેવા અનેક સામાજિક સુધારા તેની બાહ્યતા રૂપે સમાજને સાંપડ્યા. આમ છતાં છેક ૧૯૧૧ની વસતી ગણતરી અનુસાર ભારતમાં અગિયાર ટકા લોકો જ શિક્ષિત હતા. આ પૈકી છ ટકા લોકો શહેરી, બ્રાહ્મણ પુરુષો હતા !

શિક્ષણ ‘સુધારા’ એટલે શું – તેનું તાત્પર્ય ક્યારે ય સ્પષ્ટ થયું નથી. ૧૯૬૦ના કોઠારી કમિશને જી.ડી.પી.ના ૬ ટકા શિક્ષણ પાછળ વાપરવા સૂચવ્યું. પરંતુ તેનો આજદિન સુધી અમલ થયો નથી. રાજીવ ગાંધીએ દરેક વર્ગખંડમાં એક ‘બ્લેક બોર્ડ’ હોવું જોઈએ એમ માની શિક્ષણ નીતિમાં ‘ઓપરેશન બ્લેક બોર્ડ’ દાખલ કર્યું. તે પછી છેક ૨૦૨૧માં જાહેર કરાયેલી નીતિમાં ‘વિશ્વગુરુ’ની કક્ષાનું કશું જ નથી. આ નીતિ કોઈ ચોક્કસ હેતુ કે ફોક્સ ઊભું કરવાને બદલે સંસ્કૃત / હિંદી જેવી ભાષાઓના સ્થાન વિશે ચર્ચા આદરે છે. જ્યાં ગંદી નાળીના ગેસમાંથી પકોડા તળવાની વાત થતી હોય તેવા અર્થકારણમાંથી અમરત્વ, એ.આઈ. કે ડેટા ક્રાંતિ પ્રગટાવવાં મુશ્કેલ છે.

સમાપન : શિક્ષણ એક અતિ વિશાળ મહાસાગર જેવું ક્ષેત્ર છે. તેમાં તરતા મુકાએલા હોડકા ઉપર પવન તેમ જ દરિયાની લહેરો, મોજાં, વમળ, વગેરેના અપાર દબાવો સર્જાતા રહે છે. આવી સ્થિતિમાં શિક્ષણ વિશેની પરિકલ્પનાનાં તારણો પણ ઝડપથી ફોલ્સીફાયેબલ બની જાય છે. ઇજનેરી વિદ્યામાં આટલા માહેર હોવા છતાં અહીં એવા પુલ બને છે કે જે પવનના સામાન્ય સપાટામાં તૂટી પડે છે. ટનલોમાં લોકો દટાઈ જાય છે, ચોમાસામાં રસ્તા શેકેલા પાપડની જેમ ભાંગી જાય છે. મુસ્લિમ અધ્યાપક અન્યથા સંપૂર્ણ લાયક હોવા છતાં અને પૂરતી કસોટી પછી પણ નોકરી પામ્યા પછી સંસ્કૃત ભણાવી શકતો નથી. આવા બનાવોની કથા ખૂબ લાંબી થઈ શકે છે. બીજી તરફ તાજ હોટલના ચમત્કાર બાબતે ભારતીય એકેડેમિશિયા ચૂપ અને નિષ્ક્રિય રહે છે પણ તેનો શંખનાદ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં થાય છે. હરિયાળી ક્રાંતિની ઘટના બાબતે ઇંગ્લેંડનાં એક અધ્યાપિકા સંશોધન કરે છે. ભારતના શિક્ષણ બાબતની આ ટીકા ઓછી છે ? દેશની સમસ્યાઓ બાબતે શિક્ષિતોની નિર્લેપતા વિશે શું કહી શકાય ?

અહીં બે બાબતોને અલગ પાડીને જોઈ શકાય : એક : શિક્ષિતો કે જે વળી પાછા શિક્ષણ આપવાના વ્યવસાયમાં જ જોડાયા છે. સમાજના પ્રવર્તમાન તેમ જ ભાવિ પ્રશ્નો સમજી તેના ઉકેલની દિશા શોધી આપવાની અપેક્ષા તેમની પાસેથી કેટલા પ્રમાણમાં રાખી શકાય ? શિક્ષણ પ્રસરાવવામાં પણ તેમની પાસે સર્જનાત્મકતા કેટલી ? બીજું શિક્ષણ લીધા પછી અન્ય વ્યવસાયોમાં જોડાયેલા શિક્ષિતોની સામાજિક, રાજકીય કે ધાર્મિક અને નૈતિક જીવન માટેની તમન્ના કેટલી ? ડૉક્ટર, વકીલ, અધિકારી વર્ગ, કારખાનાં વગેરેના માલિકો વગેરેના રાજકીય મત ગમે તે હોય – તેમની નૈતિકતા અવિચ્છિન્ન રહે છે ખરી ?

આ દિશામાં વધુ વિચાર કરતાં જઈએ તો સ્પષ્ટ થતું જશે કે શિક્ષણ અને તેના મીડકોર્સ કરેકશન થતા રહેતા હોવા છતાં ભારતનો એકંદર અનુભવ ઉત્સાહજનક નથી. શિક્ષણનું ખાનગીકરણ, વ્યવસાય – લક્ષિતા, વધુ ઘનિષ્ઠ તાલીમ અને આવડતવાળા (પણ ભાગ્યે જ નિયુક્તિ પામતા) શિક્ષકો વગેરે પ્રયોગો પછી પણ શિક્ષણ દ્વારા કોઈ ચમત્કાર સર્જી શકાયો નથી.

ભારત સહિત અનેક વિકાસવાંછુ દેશોની આ પરિસ્થિતિની સામે, વૈકલ્પિક મોડેલ તરીકે અમેરિકા અને ચીનનો વિચાર કરવો રહ્યો. તેમણે વ્યક્તિ સ્વાતંત્ર્ય, સમાનતા, તાર્કિકતા, માનવલક્ષિતા, સંવાદ અને પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ શિક્ષણની નવી ક્ષિતિજો સર કરવા માટે કર્યો છે. ત્યાં પૌરાણિકતા, ધાર્મિક અંધશ્રદ્ધા, પરંપરા વગેરેને ઓછું મહત્ત્વ છે. અષ્ટાવક્રે જનક રાજાની સભામાં પંડિતોને પડકાર્યા હતા અને પોતાના સ્વરૂપ નહીં પણ વિચારોને લક્ષમાં લેવા કહ્યું હતું. એ જ ભારત દેશમાં આજે ‘બાહ્ય’ દેખાવ અગત્યનો છે, વિચાર નહીં.

ચીને ફ્રેંચ ક્રાંતિના રેનેસાના ત્રણ મંત્રોનો ત્યાગ કર્યો છે. ૦ લિબર્ટી, ૦ ઇક્વોલિટી અને ૦ ફેટરનિટીને સ્થાને ૦ ચૂપચાપ કામ કરવા માટેની શિસ્ત ૦ સરકારની સત્તા પ્રત્યેની સંપૂર્ણ વફાદારી તથા ૦ લક્ષ્યાંકોને પૂરા કરો અથવા નાશ પામોની નીતિનો હઠાગ્રહ પૂર્વકનો અમલ કરાયેલ છે. સામે પક્ષે ઉત્પાદનની સાથે શિક્ષણને સુગ્રથિત રીતે જોડવાની જવાબદારી પણ રાજ્યની છે. વર્ષ ૧૯૧૭માં સોવિયત સંઘમાં અને તે પછી કાળક્રમે – બીજા વિશ્વયુદ્ધ બાદ બાલ્કન દેશોમાં જે સામ્યવાદ રચાયો તે મુખ્યત્વે – શાસ્ત્રીય વિચાર પ્રમાણેનો હતો અને તે આખરે જવાંમર્દ ઓરવેલના ‘એનિમલ ફાર્મ’ની કક્ષાએ પહોંચ્યો.

ભારત સહિત અનેક દેશો ડેમોગ્રાફિક ડિવિડન્ડ અને આવનારી પેઢી માટેના સુવર્ણ યુગની કલ્પના કરે છે પણ તે દિશા હજુ શોધવાની બાકી છે. ચીનના ફંક્શનાલિઝમ અને અમેરિકાના ક્ર્રિએટીવ ફંક્શનાલિઝમ વચ્ચે ભારતમાં એડહોકિઝમ અને એનાર્કિઝમ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. પરિણામે ભારત પાસે વિટગનસ્ટાઈનનું ઇન્ડિવીડ્યુઆલિઝમ (વ્યક્તિવાદ), તાજ હોટલના કર્મચારીઓનું સંવેદનશીલ માનવલક્ષિતા અને શિક્ષણ દ્વારા પ્રગટતી જતી બાહ્યતાના આધારે સર્વ સમાવેશી સમાજના પાયા નાંખતા જવાનું બનતું નથી.

જ્યારે માણસને ભાવિ દેખાતું નથી ત્યારે ભૂતકાળ તરફ નજર નોંધી રાખતો હોય છે. માનવજાતના ભાવિ વિષે હરારે નામના એક ફિલસૂફે જે આગાહી કરી છે તેને શિક્ષણની આવશ્યકતાના સ્વરૂપે પણ જોઈ શકાય. હરારે ત્રણ બાબતોની આગાહી કરે છે : 

(૧)    બહુ જલદીથી માણસ અમરત્વ તરફ જશે. 

(૨) સર્જિત મેધા (આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સ) દ્વારા જીવનનાં કલ્પનાતીત પાસાં ખૂલશે. 

(૩) માહિતીના મહાધોધમાં અંગત જીવન, વ્યવહારો, અપેક્ષાઓ – વગેરે બધું જ બદલાઈ જશે. મોટા ભાગના માણસો પણ બેકાર થઈ જશે અને યુવા વસતીના બહુ-સંખ્યકમાંથી મળનારું ડેમોગ્રાફિક ડિવિડન્ડ પણ અદૃશ્ય થઈ જશે.

એલવિન ટોફલરે (Alvin Toffler) ‘થર્ડવેવ’માં કહ્યું છે : જે પ્રજાતિ આવનારાં પરિવર્તનોને સમજીને પોતાનામાં જરૂરી પરિવર્તન આણી શકતી નથી તે નાશ પામે છે. શિક્ષણનું એક કામ આ આવનારાં પરિવર્તનોને ઓળખવાનું તથા તે માટે પ્રજાતિને સાવધ અને તૈયાર કરવાનું છે. આ પ્રવૃત્તિ સામે સમાજમાંથી જે નિષ્કાળજી ઊઠી રહી છે તે ચિંતાજનક છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2025; પૃ. 08-11 તેમ જ 21 અને 22

Loading

30 January 2025 રોહિત શુક્લ
← Between Hope and Despair: 75 Years of Indian Republic
તમે જ કહો ! →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved