મૂળદાસ ભૂદરદાસ વૈશ્ય કોણ હતા? તેઓ મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ હતા. જ્યારે સરદાર પટેલનું 15 ડિસેમ્બર 1950ના રોજ અવસાન થયું ત્યારે કાઁગ્રેસ પક્ષે સરદારની ખાલી પડેલી પાર્લામેન્ટની જગ્યા માટે તેમની પસંદગી કરી હતી. તે સમયે મુંબઈ રાજ્યના ગૃહ મંત્રી મોરારજી દેસાઈ હતા; તેમણે કહેલ કે “ભાઈ મૂળદાસ, મહાત્મા ગાંધીજીના એકનિષ્ઠ સેવક છે અને તેમના સિદ્ધાંતો પ્રમાણે ચાલવામાં તેઓ મારા કરતાં એક ડગલું આગળ છે.” મૂળદાસ વૈશ્ય 13 ફેબ્રુઆરી 1951ના રોજ બિનહરીફ ચૂંટાયા હતા. 1952માં લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં પણ કાઁગ્રેસ પક્ષે ભૂદરદાસ વૈશ્યને ટિકિટ આપી અને તેઓ ચૂંટાયા. ત્યારબાદ 1962માં સંસદસભ્ય તરીકે ફરી ચૂંટાયા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયે પોતાના મંદિરમાં દલિતો માટે પ્રવેશબંધી કરી, તેની સામે મૂળદાસ ભૂદરદાસ વૈશ્યએ સુપ્રીમકોર્ટ સુધી લડીને જીત મેળવી હતી તે અંગે મેં ફેસબૂક પર લખ્યું હતું ત્યારે મને પણ આ મૂળદાસ વૈશ્ય વિશે બીજી કોઈ માહિતી ન હતી. પરંતુ ફેસબૂક પર મારી પોસ્ટ વાંચ્યા બાદ, મૂળદાસ વૈશ્યનાં પૌત્રી રુચિરા ચૌહાણે પોતાના પિતા બ્રહ્મદત્ત વૈશ્યએ સંકલિત કરેલ ‘ગુરુજી : મૂળદાસ ભૂદરદાસ વૈશ્યના જીવનપ્રસંગો’ પુસ્તક મને મોકલી આપ્યું. 112 પેજનું આ પુસ્તક સમકાલીન ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે.
સ્વામિનારાયણ સંપ્રદાય દલિત ઉદ્ધારનું કામ કરે છે, તેવી ભ્રમણા સાહિત્યકારો ફેલાવે છે. પરંતુ વાસ્તવિકતા શું હતી? આઝાદી મળ્યાને હજુ થોડો સમય થયો હતો. અમદાવાદની કાપડ મિલોમાં મોટા ભાગના દલિતો થ્રોસલ ખાતામાં કામ કરતા હતા. તેઓ એકત્ર થઈ હરિકીર્તન કરતા કરતા, સ્વામિનારાયણ મંદિરે પ્રભુદર્શને ગયા, પરંતુ મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા. દલિતોએ દરવાજા બહાર ભજન-કીર્તન ચાલુ રાખ્યા. Bombay Harijan Temple Entry Act of 1947 મુજબ દલિતોને અન્ય હિન્દુઓની સાથે ધાર્મિક સ્થળોમાં દર્શન કરવાનો સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો, છતાં મંદિર-પ્રવેશ સામે સ્વામિનારાયણ મંદિરને વાંધો હતો. દલિતો સાથે ભેદભાવ થવાથી દલિતો મંદિરે એકત્ર થવા લાગ્યાં. સૌએ સંકલ્પ કર્યો કે ‘જ્યાં સુધી મંદિર ખૂલે નહીં ત્યાં સુધી એક પણ દલિતે મિલમાં કામે જવું નહીં.’ આ સંકલ્પનાં કારણે અમદાવાદની દરેક મિલના થ્રોસલ ખાતાં બંધ થઈ ગયાં. પરિણામે મિલો બંધ થઈ ગઈ. ત્રણ-ચાર દિવસ મિલો બંધ રહી. આની અસર મંદિરના ધર્મગુરુઓને ન થઈ પણ દિલ્હીમાં પડઘા પડ્યા. ગૃહ મંત્રી સરદાર પટેલ ખાસ વિમાનથી અમદાવાદ આવ્યા. તેમણે જાહેરસભામાં કહ્યું : “સ્વામિનારાયણ મંદિરવાળાઓ પોતાના મંદિરમાં દલિતોનો પ્રવેશ કરાવે અથવા પોતાનાં મંદિરો ભારતની ધરતી ઉપરથી ઊંચે આકાશમાં લઈ જાય ! આ ભારતની ધરતી ઉપરનું એક પણ મંદિર દલિત પ્રવેશ વગર રહી શકશે નહીં.”
સરદારના આ સધિયારા બાદ દલિતો કામે ચડી ગયાં. આ સમય દરમિયાન ડાકોરના મંદિરમાં રવિશંકર મહારાજની આગેવાનીમાં મૂળદાસ વૈશ્યએ દલિતોનો પ્રવેશ શક્ય બનાવ્યો હતો. અમદાવાદના દલિતોએ તથા મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ મૂળદાસ વૈશ્યએ, 14 જાન્યુઆરી 1948ના રોજ, કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ કરી સમૂહદર્શન અને પ્રાર્થના કરવાનું ઠરાવ્યું. પણ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના યજ્ઞપુરુષદાસજીએ ચાલાકી કરી. 12 જાન્યુઆરી 1948ના રોજ, અમદાવાદની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી કહ્યું કે “સ્વામિનારાયણ પંથ હિન્દુ ધર્મથી અલગ છે. સ્વામિનારાયણ મંદિરમાં દલિતો સત્સંગી બને તો જ તેમને મંદિર પ્રવેશ મળે. મૂળદાસ ભૂદરદાસ વૈશ્ય અને બીજા દલિતો સત્સંગી નથી એટલે તેઓ મંદિરમાં દાખલ ન થઈ શકે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો Bombay Harijan Temple Entry Act of 1947ના ક્ષેત્રમાં આવતાં નથી.” સિવિલ કોર્ટે યજ્ઞપુરુષદાસજીની તરફેણમાં સ્ટે પણ આપ્યો !
સિવિલ કોર્ટમાં આ કેસ 10 વરસ ચાલ્યો. કોર્ટે યજ્ઞપુરુષદાસજીનો દાવો મંજૂર રાખ્યો. દરમિયાન, 26મી જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું, અને આર્ટિકલ-17થી અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. કોઈપણ સ્વરૂપમાં અસ્પૃશ્યતા પર પ્રતિબંધિત મૂક્યો. છતાં સિવિલ કોર્ટે 24 સપ્ટેમ્બર 1951ના રોજ યજ્ઞપુરુષદાસની તરફેણમાં ચૂકાદો આપ્યો. આ ચુકાદા સામે મૂળદાસ વૈશ્યએ 8 માર્ચ 1957ના રોજ, મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી. હાઈકોર્ટે 25મી માર્ચ, 1957ના રોજ ‘શું અમદાવાદ ખાતેનું સ્વામિનારાયણ મંદિર અને તેના ગૌણ મંદિરો બંધારણની કલમ 25 (2) (b)ના અર્થમાં હિન્દુ ધાર્મિક સંસ્થાઓ છે?’ આ મુદ્દા પર તારણો નોંધવા માટે કેસ ટ્રાયલ કોર્ટમાં પાછો મોકલ્યો.
યજ્ઞપુરુષદાસજી નમતું મૂકવા તૈયાર ન હતા. તેમણે મુંબઈ હાઈકોર્ટના ચુકાદા સામે 23 માર્ચ 1959ના રોજ, સુપ્રીમકોર્ટમાં અપીલ કરી. સુપ્રીમકોર્ટના જસ્ટિસ પી.બી. ગજેન્દ્રગડકર / પી. સત્યનારાયણ રાજુ / કે.એન. વાંચ્છું / એમ. હિદાયતુલ્લા / વી. રામસ્વામીની બેન્ચે 14 જાન્યુઆરી 1966ના રોજ યજ્ઞપુરુષદાસજીની અપીલ રદ્દ કરતાં કહ્યું : “અપીલકર્તા યજ્ઞપુરુષદાસની દલીલ છે કે ‘સ્વામિનારાયણ સંપ્રદાયના સભ્યો હિન્દુ ધર્મનો સ્વીકાર કરતા નથી, તેથી અમારા મંદિરોને હિન્દુ મંદિરો કહી શકાય નહીં.’ આ દલીલ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. દલિતોને સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર છે. અમે એ બાબત ઉપર ભાર મૂકવા માગીએ છીએ કે જે ધારાને યજ્ઞપુરુષદાસે પડકારેલ છે, તે દલિતોને અપાયેલા મંદિર પ્રવેશનો હક; તમામ સામાજિક સગવડો અને હકો ભોગવવાના દલિતોના અધિકારના પ્રતિક તરીકે છે, કેમ કે સામાજિક ન્યાય એ ભારતીય બંધારણની જોગવાઈઓમાં દર્શાવેલી જીવનની લોકશાહી રીતનો મુખ્ય પાયો છે. આથી દલિતોને મંદિર પ્રવેશ કરવામાંથી બાકાત રાખી શકાય નહીં.”
સુપ્રીમ કોર્ટ સમક્ષની કાર્યવાહીમાં ધણો સમય / મહેનત / નાણાં જોઈએ. યજ્ઞપુરુષદાસજી પાસે અઢળક નાણાં હતા, જ્યારે ભૂદરદાસ વૈશ્ય પાસે ‘ન્યાયની આશા’ સિવાય કશું નહોતું. આ કેસની શરૂઆતનો દલિતોનો જુસ્સો ઓસરી ગયો હતો. ઘણાં તો આવો કેસ ચાલે છે તે પણ ભૂલી ગયા હતાં. તેથી દલિતો પાસે જઈ આ કેસ લડવા માટેની મુખ્ય જરૂરિયાત ‘નાણાં’ માગી શકાય તેમ ન હતા. આ સ્થિતિનો લાભ લેવા સ્વામિનારાયણ મંદિરવાળાએ દાણા દાબી જોયા, પણ ભૂદરદાસ વૈશ્ય ઝૂક્યા નહીં. આ જીત જે દલિતો માટે હતી તે તો ઊંઘતા જ હતા. તેમણે આ જીત પ્રત્યે કોઈ ઉમળકો ન બતાવ્યો. સામે ભૂદરદાસ વૈશ્યએ પણ પોતાની જીતનો કોઈને અણસાર પણ ન આવવા દીધો. કેસના કાગળિયાં બાંધીને મૂકી દીધાં. તેમનો એક જ જવાબ હતો : ‘મેં તો ફક્ત ફરજ બજાવી છે તેથી વિશેષ કાંઈ નહીં !’
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર