
રમેશ સવાણી
‘સ્વમાન’ યૂટ્યુબ ચેનલે, 31 માર્ચ 2025ના રોજ, ગોંડલની ગુંડાગીરી અંગે રાજુ સખિયાનો ઈન્ટરવ્યૂ લીધો છે; તે સરકાર અને નાગરિકો માટે આંખ ખોલનારો છે. તેમાં જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાના ગુનાહિત ઇતિહાસનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કઈ હદે ગુલામ બની ગઈ છે તેનો ચિતાર મળે છે. ગુંડાઓનો જન્મ કઈ રીતે થાય છે? ગુંડાઓને પોલીસ અધિકારીઓ / મામલતદા ર/ SDM – સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ / જેલના વડા કઈ રીતે મોટા બનાવે છે તે જોઈએ :
15 ઓગષ્ટ 1988ના રોજ, ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલ ખાતે ગોંડલના ડેપ્યુટી કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે.પી. દવે દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજેલ. તેમાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા દેવની બાજુમાં બેઠા હતા. તે સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટભાઈની ગોળી મારી હત્યા કરી. SRPFના મદદનીશ સેનાપતિ ઝાલા; પોપટભાઈ સોરઠિયાની ડાબી બાજુ બેઠા હતા, તેમણે અનિરુદ્ધસિંહને ભાગતો જોયો. તેણે તરત જ અનિરુદ્ધસિંહને પકડી લીધો. અનિરુદ્ધસિંહે પોતાની પિસ્તોલ ફેંકી તે SRPના અધિકારી આઈ.બી. શેખાવતે સુરક્ષિત કરી. TADA – Terrorist and Disruptive Activities (Prevention) Act, 1987ની કલમ-3/ 5, આર્મ્સ એક્ટની કલમ 25(1)(a), IPC કલમ-302/ 114 હેઠળ અનિરુદ્ધસિંહ તથા નિલેશકુમાર મનસુખલાલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો.
જેમ ગુંડાઓ સામેના કેસમાં સાક્ષીઓ ફરી જાય છે તેમ આ હત્યા કેસમાં પણ થયું. હત્યાને નજરે જોનાર પણ hostile થઈ ગયા ! ટ્રાયલ દરમિયાન, 45 સાક્ષીઓ ફરી ગયા. ડેપ્યુટી કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે.પી. દવે ફરી ગયા ! નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.પી. તરૈયા ફરી ગયા ! સ્થાનિક ડોક્ટર વી.પી. સોજીત્રા અને મામલતદાર ફરી ગયા ! તેથી ટ્રાયલ કોર્ટે ઠરાવેલ કે “[1] ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે કે આરોપી અનિરુદ્ધસિંહ ઘટના સ્થળે પિસ્તોલ સાથે હાજર હતો ! [2] ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે અનિરુદ્ધસિંહે એ ઘટના પછી તરત જ ત્યાં બેઠેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ડાબી બાજુએથી હત્યા માટે વપરાયેલ પિસ્તોલ અને રૂમાલ ફેંક્યા હતા ! [3] ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે અનિરુદ્ધસિંહ મૃતકની ખુરશીથી કેટલા અંતરે ઊભો હતો ! [4] ફરિયાદ પક્ષ અનિરુદ્ધસિંહે મૃતક પર ગોળીબાર કર્યો તે અંગે કોઈ પણ સાંયોગિક પુરાવા રજૂ કરવામાં પણ નિષ્ફળ ગયો છે !” તેથી આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂક્યા.
સરકારે TADA એક્ટની કલમ-19 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને IPC કલમ-302, TADA કલમ – 5 હેઠળ આજીવન કેદની સજા કરી. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે “સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જેવી જવાબદાર વ્યક્તિઓએ ફરિયાદને સમર્થન કરેલ નથી. આઝાદી દિવસ પર ધ્વજવંદન સમારોહ સમયે હાજર રહેલા અને જેમની હાજરીમાં વર્તમાન ધારાસભ્યની હત્યાનો ભયંકર ગુનો આચરવામાં આવ્યો હતો, તેમણે ફરિયાદ પક્ષને મદદ કરવામાં અને સત્ય બોલવામાં પોતાની ફરજ ભૂલ્યા છે. જો કે, અમે આ ભયાનક ગુનાની વાસ્તવિકતાઓ પ્રત્યે આંખો બંધ કરી શકતા નથી. સંજોગોને ધ્યાનમાં લેતા, અમને એવું કહેવામાં કોઈ ખચકાટ નથી કે મૃતક પોપટભાઈની હત્યા અનિરુદ્ધસિંહે કરી છે, અન્ય કોઈએ નહીં. ટ્રાયલ કોર્ટે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પુરાવાઓનું મૂલ્યાંકન કરેલ નથી. અમે માનીએ છીએ કે ફરિયાદ પક્ષે શંકાની બહાર પોતાનો કેસ સાબિત કર્યો છે કે અનિરુદ્ધસિંહ પાસે લાઇસન્સ વગરનું હથિયાર હતું. તે એક અનધિકૃત હથિયાર હતું. અનિરુદ્ધસિંહે ટાડા કાયદાની કલમ 5 હેઠળ ગુનો કર્યો છે અને કલમ 302 IPC હેઠળ સજાપાત્ર હત્યાનો ગુનો પણ કર્યો છે. ટ્રાયલ કોર્ટનો નિર્દોષ છૂટકારાનો ચુકાદો રદ્દ કરવામાં આવે છે. અનિરુદ્ધસિંહને કલમ 302 IPC હેઠળ દોષિત ઠેરવવામાં આવે છે અને તેને ‘આજીવન કેદ’ની સજા ફટકારવામાં આવે છે. ગુનાની તારીખથી નવ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવાથી, અમને ફાંસીની સજા ફટકારવી યોગ્ય લાગતી નથી, જો કે તેણે સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન સમારોહમાં હાજરી આપી રહેલા એક જવાબદાર ધારાસભ્યની હત્યા કરવાનો જઘન્ય અને ભયાનક ગુનો કર્યો છે. તેને ટાડા કાયદાની કલમ 5 હેઠળ ‘3 વર્ષની કેદ’ની સજા પણ ફટકારવામાં આવે છે.”
સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997ના રોજ સજા કર્યા પછી અનિરુદ્ધસિંહ લગભગ 3 વરસ સુધી 28 એપ્રિલ 2000 સુધી નાસતોફરતો રહ્યો ! પછી પકડાયો. ગુજરાત સરકારને લાગતું હતું કે અનિરુદ્ધસિંહ ફરી નાસી જશે, એટલે 25 ઓક્ટોબર 2000ના રોજ, CrPC કલમ-268(1) A હેઠળ અનિરુદ્ધસિંહને જેલ બહાર નહીં કાઢવા હુકમ કર્યો. અનિરુદ્ધસિંહે પેરોલ પર મુક્ત થવાની અરજી કરી હતી તે સરકારે નામંજૂર કરી હતી. અનિરુદ્ધસિંહે હાઇકોર્ટમાં અપીલ કરી તેને 5 દિવસની પેરોલ મંજૂર કરી હતી પણ હાઇકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા પેરોલનો આદેશ રદ્દ કરવામાં આવ્યો હતો.
અનિરુદ્ધસિંહ સજા ભોગવી રહ્યો હતો તે દરમિયાન 25 જાન્યુઆરી 2017ના રોજ, પ્રજાસત્તાક દિવસના અવસરે આજીવન કેદની સજા ભોગવી રહેલા ગુનેગારોના એક વર્ગને વહેલી સજામુક્તિની મંજૂરી આપવા આદેશ થયો હતો. જેલ સલાહકાર સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં અનિરુદ્ધસિંહનો સમાવેશ થતો ન હતો. બીજા વર્ષે 29 જાન્યુઆરી 2018ના રોજ, જેલના વડા ટી.એસ. બિસ્ટે, સરકારની લેખિત સૂચના વિના, જાતે મનસ્વી નિર્ણય લઈ; જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષકને, અનિરુદ્ધસિંહને જેલમુક્ત કરવા લેખિત સૂચના આપી. બીજે દિવસે અનિરુદ્ધસિંહને જેલમાંથી છોડી મૂક્યો.
થોડાં સવાલ :
[1] દલિત એક્ટિવિસ્ટ વાલજીભાઈ પટેલે જેલના વડા ટી.એસ. બિસ્ટે અનિરુદ્ધસિંહને જેલમુકત કરવા 29 જાન્યુઆરી 2018ના રોજ જે આદેશ કર્યો હતો તેની નકલ RTI હેઠળ માંગી હતી; જે આપવામાં ન આવી. માહિતી આયોગમાં અપીલ કરી તો પણ આદેશની નકલ આપવામાં ન આવી. આ આદેશ છૂપાવવાની સરકારને કેમ જરૂર પડી હશે?
[2] 29 જાન્યુઆરી 2018નો આદેશ બરાબર જૂઓ. અનિરુદ્ધસિંહના પુત્ર શક્તિસિંહે 29 જાન્યુઆરી 2018ના રોજ પોતાના પિતાને જેલમુક્ત કરવા અરજી કરી. તે જ દિવસે, તરત જ ટી.એસ. બિસ્ટે જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષકને પત્ર લખી સૂચના આપી કે અનિરુદ્ધસિંહને છોડી દો ! બીજા દિવસે અનિરુદ્ધસિંહને જેલમુક્ત કરી દેવામાં આવે છે. એક હત્યારા માટે ટી.એસ. બિસ્ટની આ કેવી તાલાવેલી?
[3] ટી.એસ. બિસ્ટના 29 જાન્યુઆરી 2018ના પત્રમાં ગૃહવિભાગના 25 જાન્યુઆરી 2017ના ઠરાવને ટાંકેલો છે. પરંતુ તે ઠરાવ મુજબ તો અનિરુદ્ધસિંહ વહેલી જેલમુક્તિ માટે પાત્રતા ધરાવતો ન હતો. વળી આ ઠરાવ તો એક વર્ષ જૂનો છે; તે મુજબ અનિરુદ્ધસિંહને કઈ રીતે જેલમુક્ત કરી શકાય?
[4] આજીવન કેદની સજા પામેલ ગુનેગારની સજામાફી માટે ‘જેલ સલાહકાર સમિતિ’ની ભલામણ પણ ન હતી કે સરકારની લેખિત સૂચના પણ ન હતી છતાં બિસ્ટે પોતાની સત્તા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે અનિરુદ્ધસિંહને જેલ મુક્ત કર્યો. આમ બિસ્ટે સુપ્રીમ કોર્ટથી / રાજ્ય સરકારની ઉપરવટ જઈને એવું ગેરકાયદેસર કૃત્ય કરેલ કે જે સબબ તેમની સામે ગુનો નોંધી તેમને જેલમાં પૂરવા પડે. સવાલ એ છે કે શું હાલના જેલના વડાને / રાજ્યના ગૃહ સચિવને / ગૃહ મંત્રીને / મુખ્ય મંત્રીને / ગુજરાત હાઇકોર્ટને આની જાણ નથી?
[5] બિસ્ટને ગુજરાત સરકારને પૂછવાનું પણ જરૂરી લાગ્યું નહીં ! સુપ્રીમ કોર્ટે સજા કર્યા બાદ 3 વરસ સુધી હત્યારો નાસતો ફરે; ગુજરાત સરકારને લાગતું હતું કે અનિરુદ્ધસિંહ ફરી નાસી જશે, એટલે CrPC કલમ-268(1) A હેઠળ અનિરુદ્ધસિંહને જેલ બહાર નહીં કાઢવાનો હુકમ કર્યો હતો. ટૂંકમાં અનિરુદ્ધસિંહ ખતરનાક કેદી હતો તે બિસ્ટ જાણતા હતા છતાં બિસ્ટ અને અનિરુદ્ધસિંહ એક ટેબલ પર જમવા બેસે તે શું સૂચવે છે? શું આ શરમજનક ઘટના નથી? હાઇકોર્ટની ડિવિઝન બેંચે પણ અનિરુદ્ધસિંહને પેરોલ પર છોડવાનો ઈન્કાર કરેલ તે બિસ્ટ જાણતા ન હતા? શું બિસ્ટે કોઈ ગરીબ / દલિત / આદિવાસી કેદી સાથે ક્યારે ય સહભોજન કરેલ છે?
[6] જૂનાગઢ જેલમાંથી અનિરુદ્ધસિંહ લોકોને ધમકીઓ આપવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો; એની જાણ જેલના વડા બિસ્ટને નહીં હોય?
[7] ખોટી રીતે / ગુનાહિત જેલમુક્તિ પછી અનિરુદ્ધસિંહ સામે ગુના દાખલ થયા તેની જાણ બિસ્ટને નહીં હોય? શું અનિરુદ્ધસિંહે જેલમુક્તિની શરતોનો ભંગ કરેલ ન હતો? શું સરકારને આની જાણ ન હતી?
[8] 25 જાન્યુઆરી 2017ના ગૃહવિભાગેથી ઠરાવનો લાભ એટલે કે કેદીને જેલમુક્ત કરવો કે કેમ? તે રાજ્ય સરકાર નક્કી કરી શકે? શું બિસ્ટ ‘રાજ્ય સરકાર’ હતા? જેલ સલાહકાર સમિતિને પણ પૂછવાનું નહીં? શું બિસ્ટે કોઈ બીજા હેતુથી પ્રેરાઈને અનિરુદ્ધસિંહને તાત્કાલિક જેલમુક્ત કરાવેલ? શું બિસ્ટે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરેલ નથી? શું બિસ્ટે એક હત્યારાને ગેરકાયદેસર છોડી મૂકેલ નથી? શું બિસ્ટે; બંધારણના આર્ટિકલ-161 અથવા CrPC કલમ 432 હેઠળ સક્ષમ સત્તાધિકારી દ્વારા કોઈપણ આદેશ વિના ભયંકર ગુનેગારને જેલમુક્ત કરેલ નથી? કોઈપણ સત્તા વિના જેલમુક્તિનો આદેશ / સૂચના ગેરકાયદેસર નથી? શું બિસ્ટના આ તરંગી / મનસ્વી / ભ્રષ્ટાચારી કૃત્ય સબબ ગુજરાત હાઈકોર્ટ CBIને તપાસ સોંપી ન શકે? શું લોકોએ આવા ભ્રષ્ટાચારી / અન્યાયી કરતૂતો સહન કરવા તેવું હાઈકોર્ટ તથા સરકાર માનતી હશે?
[9] આજીવન કેદની સજાના ગુનેગારોને ચાર સેન્ટ્રલ જેલ-રાજકોટ / અમદાવાદ / વડોદરા / સુરતમાં રાખવામાં આવે છે. તો અનિરુદ્ધસિંહને સેન્ટ્રલ જેલમાં રાખવાને બદલે જૂનાગઢ જિલ્લા જેલમાં કોની સૂચનાથી રાખવામાં આવેલ? આવી સગવડતા કેમ અપાઈ હતી? શું આવી સૂચના ગૃહ મંત્રી / મુખ્ય મંત્રીએ આપેલ હતી?
[10] અનિરુદ્ધસિંહની વહેલી જેલમુક્તિ માટે બિસ્ટને સૂચના અમિત શાહે આપી હોય તેવું અનુમાન થઈ શકે તેમ છે; કેમ કે મે-2024માં, લોકસભાની ચૂંટણી વેળાએ અનિરુદ્ધસિંહ જુહાપુરામાં અમિત શાહની વિરુદ્ધમાં મુસ્લિમોના મત ન પડે તે માટે ‘મતદાનનો બહિષ્કાર’ કરાવી રહ્યો હતો ! શક્ય છે કે અનિરુદ્ધસિંહને જેલમુક્ત કરવા અમિત શાહે જ ટી.એસ. બિસ્ટને ગેરકાયદેસર સૂચના આપી હોય ! કદાચ એટલે જ રાજ્યના ગૃહ સચિવ / ગૃહ મંત્રી / મુખ્ય મંત્રી ચૂપ હશે?
[11] ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અનિરુદ્ધસિંહની ગેરકાયદેસર જેલમુક્તિને પડકારતી હરેશભાઈ રમેશભાઇ સોરઠિયાની પીટિશન પેન્ડિંગ છે; છતાં આવા જાહેર મુદ્દાને સ્પર્શતી બાબતે હાઈકોર્ટ આળસ કેમ કરતી હશે? શું હાઈકોર્ટ આ પીટિશન પાછી ખેંચે તેની પ્રતીક્ષા કરતી હશે? કોઈ ગરીબ / લાચાર / દલિત / આદિવાસી / મધ્યમવર્ગે હાઈકોર્ટ સામે જોવાનું જ નહીં ને? શું હાઈકોર્ટ ધનવાન ગુંડાઓના રક્ષણ માટે છે?
[12] અનિરુદ્ધસિંહને જેલમાંથી બિલકુલ ખોટી રીતે છોડી મૂકવામાં આવેલ છે; અને તે માટે તત્કાલીન જેલના વડા ટી.એસ. બિસ્ટ જવાબદાર છે; છતાં આ કૌભાંડ બાબતે ગુજરાતના મીડિયા ચૂપ કેમ છે? ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યો / સંસદસભ્યો મૌન કેમ છે? શું સરકાર તત્કાલિન જેલના વડા બિસ્ટને જેલમાં પૂરશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર