સોશિયલ મીડિયામાં સ્વાર્થી અને ક્રિમિનલ માનસિકતાવાળા લોકો જુઠ્ઠાણાં/ગપ્પાં હાંકતા હોય છે. બાંગ્લાદેશની હત્યાનો વીડિયો પશ્ચિમ બંગાળનો છે, તેમ કહીને નફરત/ધૃણા ફેલાવતા હોય છે. બિહારમાં મુસ્લિમો દ્વારા એક હિન્દુને માર મારવામાં આવે છે, તેવો વીડિયો હકીકતમાં બાંગ્લાદેશનો હતો ! મારવાડી છોકરીને બુરખો ન પહેરવા બદલ સળગાવી દેવાની ઘટનાનો વીડિયો ગ્વાટેમાલાનો હતો ! આવા વીડિયો સાચા છે કે ખોટા તે ચેક કરવાનું કામ ‘ઓલ્ટ ન્યૂઝ’ કરે છે. Alt-ઓલ્ટ ન્યૂઝની સ્થાપના અમદાવાદમાં 2017માં થઈ હતી. તેના સ્થાપકો છે પ્રતીક સિંહા (જન સંઘર્ષ મંચના સ્થાપક, એડવોકેટ મુકુલ સિંહાના પુત્ર) અને મોહમ્મદ ઝૂબૈર. બન્ને સાચુકલા Software engineer છે. તેમની સત્યની શોધના કારણે અસંખ્ય કિસ્સાઓમાં ધૃણાનું વાવાઝોડું ફેલાતું અટકી ગયું છે અને અનેક લોકોના જીવ બચી શક્યા છે ! દિલ્હી પોલીસે 27 જૂન 2022ના રોજ, IPC કલમ-153A (જુદા જુદા સમૂહો વચ્ચે દુશ્મનીને ઉત્તેજન આપવું.) અને 295A (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય) હેઠળ મહમ્મદ ઝૂબૈર(33)ને એરેસ્ટ કરી જેલમાં પૂરેલ છે !
બે સંસ્થાઓએ; ઝૂબૈર સામેની દિલ્હી પોલીસની કાર્યવાહીનો સખ્ત વિરોધ નોંધાવ્યો છે. EGI-એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ 28 જૂન 2022ના રોજ, કહ્યું છે : ‘નૂપુર શર્માએ ટી.વી. ડિબેટ દરમિયાન વાંધાજનક ટિપ્પણી કરેલ; તેને પ્રકાશમાં લાવનાર ઝૂબૈર સામે પોલીસે ઈરાદાપૂર્વક ખોટી કાર્યવાહી કરી છે ! ઝૂબૈરને તાત્કાલિક છોડી મૂકવામાં આવે અને તેમની સામેનો કેસ પરત ખેંચવામાં આવે !’ ઓનલાઈન ન્યૂઝ સંગઠન DIGIPUB News India Foundationએ 27 જૂન 2022ના રોજ કહ્યું છે : ‘એક લોકતંત્રમાં, જ્યાં પ્રત્યેક વ્યક્તિને બોલવાની અને અભિવ્યક્તિની આઝાદીનો હક છે. પત્રકારો સરકારી સંસ્થાઓના દુરુપયોગ સામે જાગૃત પ્રહરીની ભૂમિકા નીભાવે છે; તેમની સામે કાયદાનો દુરુપયોગ ઉચિત નથી !’ આશ્ચર્યની વાત એ છે કે 2018માં ઝૂબૈરે ટ્વિટ કરેલ તેનો ગુનો જૂન 2022માં દાખલ થયો છે ! ઝૂબૈરે ટ્વિટમાં લખેલ કે “2014 સે પહલે : હનીમૂન હોટલ ઔર 2014 કે બાદ : હનુમાન હોટલ !” ટ્વિટમાં એક તસ્વીર હતી તેમાં હનીમૂન હોટલના સાઈનબોર્ડમાં સુધારો કરીને હનુમાન હોટલ કરેલ હતું ! હનુમાનભક્ત @balajikijaiinએ ટ્વિટ કરેલ કે ‘હમારે ભગવાન હનુમાનજી કો હનીમૂન સે જોડના હિન્દુઓ કા સીધા અપમાન હૈ; ક્યોંકિ વહ બ્રહ્મચારી હૈ. કૃપયા ઈસ આદમી કે ખિલાફ કાર્યવાહી કરેં.’ ઝૂબૈરે ટ્વિટ સાથે જે ચિત્ર મૂકેલ તે વાસ્તવમાં 1983માં બનેલ રુષિકેશ મુખર્જીની કોમેડી ફિલ્મ ‘કિસી સે ન કહેના’નું હતું ! આ ‘હનુમાનભક્ત’નું ટ્વિટર એકાઉન્ટ 30 જૂન 22ના રોજ ગાયબ થઈ ગયું છે ! દિલ્હી પોલીસ ફરિયાદી ‘હનુમાનભક્ત’ને શોધી રહી છે ! 2018ના ધાર્મિક લાગણી દુભાવનાર ટ્વિટ અંગે 2022માં અદૃશ્ય ફરિયાદી ફરિયાદ કરે અને દિલ્હી પોલીસ ત્વરિત કાર્યવાહી કરે તે ચમત્કાર જ કહેવાય ! બીજી તરફ, દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ આસ્થાના નૂપુર શર્માને એરેસ્ટ કરવાનું વિચારી પણ શકતા નથી !
ઓલ્ટ ન્યૂઝ દેશના લગભગ મોટા-નાના મીડિયા હાઉસની ખબરોનું ‘ફેક્ટચેક’ કરે છે. તેણે અનેક ફેઈક ન્યૂઝના પર્દાફાશ કરેલ છે. ઓલ્ટ ન્યૂઝની આ કામગીરીને દેશ-વિદેશમાં બિરદાવવામાં આવી છે. PRIO-Peace Research Institute Osloએ; ઝૂબૈર તથા ઓલ્ટ ન્યૂઝના સંસ્થાપક પ્રતીક સિંહાને નોબલ શાંતિ પુરસ્કાર માટે પોતાના વાર્ષિક શોર્ટલિસ્ટમાં સામેલ કર્યા હતા ! સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝૂબૈરની એક મોટી ફેન ફ્લોઈંગ છે. સવાલ એ છે કે જેનું સન્માન કરવું જોઈએ તેને જેલમાં પૂરવાની જરૂર કેમ પડી? ઓલ્ટ ન્યૂઝ ટીમે 2019માં ‘India Misinformed : The True Story’ નામનું પુસ્તક લખ્યું છે, જે સત્તાપક્ષને બહુ ખટકે છે ! તેમાં જમણેરી વેબસાઈટસ તથા જૂઠા/ખોટા સમાચાર આપતા 40 સ્રોતોની ઓળખ કરી છે. સત્તાપક્ષના IT Cellના જૂઠનો સતત પર્દાફાશ કરનારને કોઈ પણ રીતે ચૂપ કરવા સરકાર તત્પર બની જાય તે સમજી શકાય તેમ છે. સમાજમાં ધ્રુવીકરણ ઈચ્છતા અને દુષ્પ્રચાર કરનારાઓને ઝૂબૈરની સતર્કતા આંખના કણાની જેમ ખૂંચતી જ હોય !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર