બારીઓ
એક પછી એક બંધ થવા માંડે છે
અને
છટકબારીઓ ખૂલવા માંડે છે.
ક્યારેક
છટકબારીઓ ફટાફટ ખૂલવા માંડે છે
અને
બારીઓ ધડાધડ બંધ થવા માંડે છે.
હમણાં
ઘડિયાળમાંથી
ગોળ ગોળ ફરવાનું પડતું મેલીને
ક્યારેક નામનો
તીક્ષ્ણ – ધારદાર કાંટો
મારા મગજના જ્ઞાનતંતુઓ ને
ઉપરનીચે
ભોંકાઈને હાહાકાર મચાવી રહ્યો છે.
હાહાકારમાં
કેટકેટલો કોલાહલ !
ટીવીના પડદામાંથી ફેંકાતા જીભ, થૂંક, બંદૂક, કાદવ, મંજીરા, ચમચા, ચમચી, ત્રિશૂળ, ધજા, પતાકાના કર્કશ અવાજો …
કપાઈ ગયેલા પતંગોના રંગબેરંગી દોરનાં ગૂંચળાં જેવાં સોશ્યલ મીડિયાના બૂમબરાડા …
કોલાહલ વધતો જાય છે :
ગોલી મારો સાલોંકો,
ગદ્દાર એટલે ગદ્દાર ! – એસ.એસ.સી.ની પરીક્ષામાં પૂછાતી એવી એની વ્યાખ્યા ના હોય, બોચિયા !
આઝાદ દેશમાં આઝાદીનાં સૂત્રો પોકારનાર તું કોણ, ટણપા ?
અહીં આય ! લે ચખાડું આઝાદી !
ભડકે બાળો !
લે, આ તારાં ભડભડ બળતાં ઘર, ઝૂંપડાં,ચાલી …
જા હવે, ચૂંટણીમાં મત આલી મફત લીધેલાં પાણીથી હોલવી દે ઘર, ઝૂંપડાં, ચાલી !
વધારે જોઈએ આઝાદી ? બોલ ને બેટ ફટકારું એમ પહોંચાડી દઉં પાકિસ્તાન ?
દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ .. પોમ્પોમ્પોમ !
બહુમતીથી ચૂંટાયેલાનું બહુમતી રાજ !
ચોગ્ગા છગ્ગા ને ચિચિયારીઓની વચ્ચે મગજના અંધારિયા ખૂણે પડેલા કૂકડાની પાંખોનો ફફડાટ સંભળાતો નથી,
કૂકડાની પાંખોમાં ચિતરાયેલા નારા દેખાતા નથી,
હાથ ઊંચા કરી મુઠ્ઠીઉછાળ સૂત્રોનાં સરઘસ દેખાતાં નથી ..
કૂકડાના ગળામાં ફસાઈ ગયો છે સૂરજ ..
કૂકડાની પાંખોનો ફફડાટ તમને સંભળાય તો જરા કહેશો ?
કહેજો ..!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 07