તારીખ ૨૨-૭-૧૯૫૬ના મારો જન્મ, સાવરકુંડલામાં. અમારા ઘરમાં રેડિયો આવ્યો ૧૯૬૨માં. આસપાસમાં ત્યારે રેડિયો નહીં, એટલે કૌતુક જેવું થાય. બધા એકઠા થાય અને મોટાભાગે ભજનો સાંભળે.
આકાશવાણી, રાજકોટ સ્ટેશનના ભજનોમાં ત્યારે કરસનદાસ યાદવના ભજનો આવતા. રોજ સવારે અર્ચના કાર્યક્રમ હોય, અઠવાડિયામાં રાત્રે સંતવાણી હોય, રોજ એક જ કલાકારના ત્રણ ત્રણ ભજનો પ્રસ્તુત થતા હોય. એમાં કરસનદાસ યાદવના ભજન સાંભળી મારા પિતાજી તથા દાદા પ્રભાવિત થયા. એ ભજનિકનો સંપર્ક કરવા તેમની વિગતો જાણવા માટે આકાશવાણીને મારા પિતાજીએ લખ્યું હશે. તો તેમણે તેમનું રાજકોટનું સરનામું આપ્યું. એ મુજબ પત્ર વ્યવહાર ચાલ્યો ને છેક ૧૯૬૫માં તેમનો ભજનનો કાર્યક્રમ અમારા ઘરે ગોઠવાયો.
અમારા ઘરે દર રામનવમીએ બાળકોને જમાડવાનું આયોજન થતું. ૧૯૬૫ના વર્ષમાં રાત્રે ભજન પણ રાખવાનું આયોજન થયું. એ સમયમાં સમાજના લોકોના ઘરમાં પૂજા-પાઠ-પાટ જેવા વિધિ જે ગુરુ હોય તે કરતા. લગ્ન જેવો વિધિ ગોર કરતો. એમાં ભજનનો કાર્યક્રમ રાખ્યો હોય તો જે ગુરુ હોય તે ભજન ગાતા. ભલે સાંભળનારને મજા આવે કે નહીં. અવાજ પણ ભલે કર્કશ હોય પણ આ હક એમનો. ભજનમાં યજમાન તરફથી પૈસા આપવામાં આવતા તેમ જ સાંભળવા આવેલા લોકો પણ પૈસા આપતા. આ બધું જ ગુરુનું. એટલે તેમની આવકમાં આમ આકાશવાણીના કલાકાર આવીને વિક્ષેપ ઊભો કરે તે તેમને ગમતું નહીં. એટલે તેઓ સમાજના અમુક અણસમજ વર્ગને ભડકાવતા પણ ખરા. એટલે કે અત્યારે જે રાજકારણ કરે છે અને સામાજિક વિસંવાદ ફેલાવે છે. તેવું કામ એ સમયે ગુરુઓ કરતા. તે સમયે આવા ભજનિકોને આકાશવાણી ઉપરાંત કોઈ ટ્રસ્ટ કે સંસ્થા હોય તેના સીમિત કાર્યક્રમો કરવાના રહેતા.
૧૯૬૫માં કરસનદાસ યાદવનો કાર્યક્રમ એકદમ સફળ રહ્યો. તે સમયે મારી ઉંમર નવ વર્ષની. મને પણ આ ભજનોમાં બહુ રસ પડ્યો. કાર્યક્રમની અસર ત્યારબાદ મહિનાઓ સુધી મારા મન ઉપર રહેતી. આ ભજન એ કવિતા કહેવાય એવી ત્યારે ખબર પડતી નહીં. પણ આ ભજનો એટલા બધા મને સ્પર્શી જતા, કે એવું લાગે છે કે મારામાં કવિતાનો સૌ પ્રથમ સ્પર્શ આ ભજનોએ કરાવ્યો. એમાં ય કરસનદાસ યાદવના ભજનોએ. ૧૯૬૫ પછી ૧૯૬૬ અને ૧૦૬૭ એમ ઉપરાઉપર ત્રણ રામનવમીમાં તેમને બોલાવવામાં આવેલા. આ કારણસર તેમની સાથે મારા પિતાજી અને દાદાને અંગત સંબંધ બંધાઈ ગયો. તેઓ વાતો કરતા અને હું સાંભળતો. તેઓની વાતોમાંથી એ જાણવા મળ્યું કે તેઓ સાવરકુંડલામાં પ્રથમ વખત હેમુ ગઢવીએ “શેણી-વિજાનંદ” નાટકનો શો રાખેલો ત્યારે આવેલા. તેમાં તેમણે વિજાણંદના જંતરનો અવાજ સિતારમાંથી પડદા પાછળથી વગાડવાનો હતો. ઉપરાંત તેઓની વાતોમાં કલાકાર તરીકે તેમને થતાં અન્યાયની વાતો રહેતી. આકાશવાણી પરથી યોગ્ય ન્યાય મળતો નહીં હોવાનું તેમ જ ટૂંકમાં તેઓ એવોઇડ થતા હોવાનું અનુભવતા. તેમની વાતોમાં ફરિયાદો કેન્દ્રમાં રહેતી. જેમાંથી ઘણી વાતો સાચી પણ હશે.
એ પછી થોડા થોડા વર્ષના અંતરે સાવરકુંડલામાં એમના કાર્યક્રમ અમારા ઘરે કે અન્ય સ્થળે થયા કરતા. એમાં હું અચૂક સાંભળવા જતો. આમ તો ૧૯૬૫ના પ્રથમ વર્ષે જ જે કાર્યક્રમ થયો એ વર્ષે કુંડલાની બાજુમાં આવેલ બાઢડા મુકામે સનાતન આશ્રમમાં દયાનંદ બાપુએ “ગુરુપૂર્ણિમા” ઊજવવાનું શરૂ કરેલું. ગામ ત્યારે નાનું એટલે કરસનદાસના સાવરકુંડલાના પ્રોગ્રામના સમાચાર તેમને મળ્યા હશે. તો તેમણે પ્રથમ ગુરુપૂર્ણિમાના કાર્યક્રમમાં ઇસ્માઈલ વાલેરા, મુગટલાલ જોશી તથા અન્ય ભજનિકોની સાથે કરસનદાસ યાદવને પણ બોલાવેલા. એ કાર્યક્રમ પણ મેં માણેલો.
બાદમાં મને નોકરી મળી. હું કમાતો થયો. એ સમયે ટેપ રેકોર્ડર બજારમાં આવી ગયેલા. એટલે ખરીદ્યું. કરસનદાસની બે કેસેટો પણ પ્રગટ થઈ હતી તે મેળવી. ઉપરાંત સાવરકુંડલામાં ત્યારબાદ થયેલ કાર્યક્રમનું રેકોર્ડિંગ પણ કરવામાં આવતું તે હું સાંભળ્યા કરતો. તેઓ ભજનો ગાતા એમાં બહુ ગવાઈ ગયેલા / ચવાઈ ગયેલા ભજનો ગાવા માટે પસંદ કરતા નહીં. પણ જે ભજન આપણે ક્યાં ય સાંભળ્યું જ ન હોય એનો પોતાની રીતે સ્વરાંકન કરીને સંભળાવતા. દાખલા તરીકે, રવિ સાહેબનું આ પદ:
સઘળું કુટુંબ પરવાર્યું રે રવિ કહે
તણખલિયે રે ઘર બાળ્યું રે રવિ કહે.
કાકા રે કુટુંબના મેં તો કરી નાખ્યાં કટકા,
પછી રવિને ચડ્યા છે રંગના ચટકા રે રવિ કહે.
તેમની પાસે આવા ભજનોની એક હસ્તલેખિત બુક પણ હતી તેમણે એક વખતે એમ કહેલું કે હેમંત ચૌહાણ જ્યારે નવોદિત હતા ત્યારે ભજન વિશે જાણવા તેમની પાસે આવેલા. ત્યારે મૌખિક વાતો ઉપરાંત તેઓએ આ બુક હેમંત ચૌહાણને આપેલી. જેમાંથી હેમંત ચૌહાણે ગમતા ભજન ઉતારી પરત કરેલી. એટલે ઘણાં ભજન કરસનદાસ યાદવે ગાયેલા હોય તે હેમંત ચૌહાણના સ્વરમાં પણ સાંભળવા મળે છે. તેમના ભજનો youtubeમાં તેમનું નામ સર્ચ કરવાથી મળી રહેશે.
તેઓ રાજકોટની હાઈસ્કૂલમાં પ્યુન તરીકે સેવા આપતા હતા. એમાંથી નિવૃત્ત થયા બાદમાં થોડાક વરસ પછી જૂનાગઢમાં સંન્યાસ લઈને તેમણે આશ્રમ સ્થાપેલો. હું તેમના ઘરે રાજકોટ ગયો છું. પણ નોકરીની વ્યસ્તતાના કારણે જૂનાગઢ આશ્રમે જઈ શક્યો નથી.
પછી તો તેઓ કાર્યક્રમ ન હોય તો પણ સાવરકુંડલા આવતા અને બે ત્રણ દિવસ રોકાઈને મારા પિતાજી સાથે સત્સંગ કરતા. આ સમયમાં હું મોટાભાગે ઓફિસ કામે બહાર હોઉં. એક વખત તેઓ આવ્યા. મારા પિતાજી તેમને લઈને રાત્રે મારે ત્યાં આવ્યા. અને વાત કરી કે કરસનભાઈ ને મોરારિબાપુને મળવું છે. એટલે હું એમાં તેમને મદદરૂપ થાઉં. મને મોરારિબાપુની ખબર હતી. તેઓ અનેક કથામાં એવું બોલેલા કે જેમણે મને મળવું હોય તેઓ સીધા મારી પાસે આવો. કોઈ ઓળખાણ વાળાને સાથે લઈને નહીં. આ વાત મેં તેઓને કરી ઉપરાંત એમ પણ કહ્યું કે “પૂ. મોરારીબાપુને હું બરાબર ઓળખું છું. અત્યારે તેઓ તલગાજરડા હશે. સવારના ૧૦થી ૧૨ અને સાંજે ૫થી ૭ તેઓ મુલાકાતીઓને મળતા હોય છે. એટલે તમો કાલે સવારે જાવ અને બાપુને તમારો આકાશવાણીનો પરિચય આપીને એમ કહેવાનું કે બાપુ, મારે તમને ભજન સંભળાવવા છે. એટલે બાપુ ફ્રી હશે તો ના નહીં પાડી શકે. અને ક્યાંક જવાનો સમય આપેલો હશે તો તમારો મોબાઈલ નંબર નોંધાવવા અને તેઓ વારંવાર રાજકોટ તથા જૂનાગઢ આવતા હોય જ્યારે આવશે ત્યારે તમને ભજન માટે બોલાવીશું, એમ કહેશે.” આ વાત કરસનદાસ યાદવને ગળે બરાબર ઊતરી ગઈ. તેમણે એમ કર્યું. આ વાત મારે ક્યારે ય કોઈ સાથે થઈ નથી. પરંતુ અહીં સંસ્મરણો લખવાનો હેતુ છે. આ વાત વગર વાત અધૂરી રહે એવું લાગે છે, એટલે લખી છે.
એ વાતને વરસ-દોઢ વર્ષ થયું હશે ત્યારે ફરી તેઓ સાવરકુંડલા આવ્યા. ત્યારે પણ હું ઘરે નહીં. તેઓ મારા પિતાજીને અત્યંત ખુશખુશાલ હાલતમાં મળ્યા. અને કહ્યું કે “ગઈ કાલે હું તલગાજરડા હતો. બાપુએ નવો સંતવાણી એવોર્ડ શરૂ કર્યો છે. આ એવોર્ડ આપવા માટે સૌ પ્રથમ મને પસંદ કરવામાં આવ્યો અને બાપુના હસ્તે આ એવોર્ડ મને મળ્યો એટલે હું બહુ આનંદિત છું.” એ કાર્યક્રમની સી.ડી. પણ તેઓ “સંગીતની દુનિયા”માંથી સાથે લાવેલા. એ મારા પિતાજીને આપી અને જતા રહ્યા.
સાંજે હું નોકરી પરથી પરત આવ્યો એટલે આ વાત અને સી.ડી. મને મળ્યા. તે જ રાત્રે એ સી.ડી. જોઈ. બાપુએ સંતવાણી એવોર્ડના એ કાર્યક્રમમાં તમામ હયાત ભજનિકોને તેમ જ હયાત ન હોય તેમના વારસદારોને આ કાર્યક્રમમાં બોલાવેલા. તમામનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલું. ત્યારબાદ કરસનદાસ યાદવને એવોર્ડ અર્પણવિધિનો કાર્યક્રમ ચાલ્યો. આ કાર્યક્રમ પછી સંતવાણી કાર્યક્રમ. કરસનદાસ યાદવ પાસેથી ભજનની શરૂઆત કરાવી તમામ હાજર ભજનિકો જેવા કે પ્રાણલાલ વ્યાસ, હેમંત ચૌહાણ વગેરેએ એક એક ભજન ગાવાનું હતું. એમ કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો. તારીખ ૧૪-૯-૨૦૦૮ના રોજ યોજાયેલ સંતવાણી એવોર્ડના કાર્યક્રમ પછી તેમના મનમાં રહી ગયેલો રંજ આપોઆપ ઓગળી ગયો હોય એવું લાગ્યું.
બાદમાં એકાદ વર્ષ પછી સાંજે તેમને છાતીમાં દુખાવો થાય છે. રાજકોટની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાય છે. સાંજે થોડી તબિયત સુધરી હશે તો રાત્રે ઊંઘ ન આવે ત્યાં સુધી તેઓ ભજન ગણગણ્યા કર્યા હતા. હોસ્પિટલમાં બીજા દિવસે તારીખ ૨૪-૧૧-૨૦૦૯ના વહેલી પરોઢે તેઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી.
સૌજન્ય : ભરતભાઈ વિંઝુડાની ફેઇસબૂક દીવાલેથી સાદર