હૈયાને દરબાર
દરેક પરિણીત સ્ત્રીની મનોકામના હોય છે, પતિના નામની લાલ ચૂંદડી ઓઢીને જ એ સ્વર્ગે સિધાવે. સજન મારી પ્રીતડીના ફીમેલ વર્ઝનના એક અંતરાના શબ્દો છે સુહાગણ રહીને મરવું, જીવવું તો સંગમાં, પલ પલ ભીંજાવું તમને પ્રીતડીના રંગમાં, ભવોભવ મળીને કરીએ, ઉરની ઉજાણી … ! જેને નિતાંત ચાહ્યો છે એ જિગર માટે અમીનું આવું વિચારવું સ્વાભાવિક છે.
અલબત્ત, અંગતપણે મને એવું લાગે છે પત્નીની વિદાય પુરુષ માટે અતિ આકરો આઘાત હોય છે. સ્ત્રી એકલી રહીને પોતાનું જીવન મેનેજ કરી શકે છે. એની પાસે રસોઈ, અન્ય ઘરકામથી લઈને બાળસંભાળ અને ટેલિવિઝન સુધી રસના વિષયો અનેક હોય છે. સામાજિક સ્તરે પણ સ્ત્રી વધુ સક્રિય હોય છે. ઉપરાંત, વાચન-લેખન-કલામાં સાહજિક રસ ગમે તે ઉંમરે વિકસાવી શકે છે. પુરવાર થયેલી હકીકત એ પણ છે કે પત્નીના મૃત્યુ પછી પુરુષ લાંબું જીવી શકતો નથી અને જીવે તો સતત અભાવમાં જીવે છે. એટલે જ એક પરિચિત બહેનને એમ કહેતાં પણ સાંભળ્યાં છે કે, "હે ઈશ્વર વૃદ્ધાવસ્થામાં અમારા બેમાંથી એકને લઇ જવા હોય તો પહેલાં ‘એમને’ લેજો. મારા વિના કષ્ટદાયી જીવન એ નહીં જીરવી શકે. લાલ ચૂંદડીનું કફન મને નહીં હોય તો ચાલશે. આવું વિચારવા માટે ય હિંમત જોઇએ.
પણ, છેવટે તો સ્ત્રી છે ને! શારીરિક શક્તિમાં પુરુષ કરતાં ભલે કમજોર છે, પણ એની મનોશક્તિને કોઈ ન હંફાવી શકે.
આપણે હવે અહીં જિગર અને અમીના પ્રેમસંબંધ વિશે વાત કરવાની છે, અધૂરી કથા પૂરી કરવાની છે. ચંદ્રાવલિ (અમી) વિશ્વંભર (જિગરની) સેવામાં સાસરે રોકાઈ હોય છે ત્યાં સુધીની વાર્તા તમે ગતાંકમાં વાંચી. કથા આગળ વધે છે.
અપર માની આંખમાં કણીની જેમ ખૂંચતી ચંદ્રાવલિનું અપમાન તો એ કરતી જ હતી, પણ વિશ્વંભરને ય એ છોડતી નહોતી. વિશ્વંભર સાજો થઈ જતાં પિયર પાછી ફરવા ઇચ્છતી ચંદ્રાવલિને કુટુંબના વડીલ દાદાજી કલાધર નામના પારિવારિક મિત્રને મૂકવા જવાનું કામ સોંપે છે. કલાધરની નજર આમે ય ચંદ્રા પર બગડેલી હોય છે. એને તો ‘ભાવતું’તુ ને વૈદે કીધું’ જેવો ઘાટ ઘડાય છે. ચંદ્રાવલિની પારખું નજર એ પામી ગઇ છે. દરમ્યાન, કલાધરે ચંદ્રાને લખેલો પ્રેમપત્ર વિશ્વંભરના હાથમાં આવી જાય છે. એના મનમાં શંકાનો કીડો સળવળે છે, "આવો પત્ર મળ્યા છતાં ચંદ્રાવલિ શા માટે આ પાપી સાથે જવા તૈયાર થઈ હશે? આ આશંકાને લીધે વિશ્વંભરના મનને ચેન નથી. ઘરમાંથી કામે વહેલો નીકળી જાય, મિત્રોની સોબતમાં ગાનારીના કોઠા પર જતો થઈ જાય છે એટલું જ નહીં, વિશ્વંભરને ચાહતી મનોરમા નામની સ્ત્રીને જાત સોંપી દઈને મન પર આ હાવી થયેલા ક્રોધને શમાવવા પણ ચાહે છે. આ બાજુ, ચંદ્રા કલાધર સાથે પિયર જવા નીકળે છે, ત્યારે બન્નેની જાસૂસી કરવા વિશ્વંભર પણ છૂપી રીતે એમની પાછળ નીકળી પડે છે. સાંજ પડતાં કલાધર ચંદ્રાવલિને એક ધરમશાળામાં લઈ જાય છે. વિશ્વંભરના ધબકારા વધી રહ્યા છે. બાજુનો કમરો એ ભાડે લઈને વેન્ટિલેટર જેવી જાળીમાંથી છુપાઈને જુએ છે કે રૂમમાં શું ચાલી રહ્યું છે, પરંતુ ચંદ્રાવલિનું જુદું જ સ્વરૂપ જોતાં સ્તબ્ધ બની જાય છે. કલાધરને પાઠ ભણાવવા તથા ચંદ્રાવલિ પ્રત્યે એને બહેન જેવો પ્રેમ ઉત્પન્ન થાય એ માટે જ ચંદ્રાએ અહીં આવવાનું સાહસ કર્યું હોવાની ખાતરી થતાં વિશ્વંભર માફી માગીને એને પાછી ઘરે લઈ આવે છે અને કબૂલાત કરે છે કે ચંદ્રાવલિ સામે બદલો લેવા એ પોતે મનોરમા પાસે ભ્રષ્ટ થવા જવાનો હતો.
અહીં એક નારીની સંવેદના કઈ રીતે પ્રગટે છે એ જુઓ. ચંદ્રાવલિ પોતે જ પતિને મનોરમા પાસે જવા આગ્રહ કરે છે. કેમ? કારણ કે એ કહે છે જે સમજાવટથી એણે કલાધરની વાસનાનો નાશ કર્યો હતો એ જ સમજાવટથી મનોરમાની કામનાનો તમે નાશ કરો અને એને સમજાવો. કેવું ઔદાર્ય અને પતિ પર કેટલો ભરોસો હતો! ખરેખર એમ જ બને છે. વિશ્વંભર નિષ્કલંક પાછો આવે છે અને ચંદ્રાવલિને કહે છે કે ધગધગતા અગ્નિ સામે પીગળ્યા વિનાના ઘી જેવી શુદ્ધ રહી શકતી પત્નીનો હું ઋણી છું. તારા ભાગ્ય, શ્રદ્ધા અને પ્રેમથી પ્લાવિત થઈને જનમોજનમ હું તારો જ થઈને રહું એવી પ્રાર્થના કરું છું. આ સિચ્યુએશન પર ફરી એ જ ગીત આવે છે ચંદ્રાવલિના (એટલે કે સુમન કલ્યાણપુરના) સ્વરમાં:
સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
ભૂલી ના ભુલાશે પ્રણય કહાણી
ગુજરાતી સંગીતના બેસ્ટ પ્રણયગીતોની શ્રેણીમાં હકપૂર્વક બેસી શકે એવાં આ ગીતના બે વર્ઝન થયાં. એક મુકેશના મુલાયમ કંઠે અને બીજું સુમનના સુકોમલ સ્વરમાં. બેમાંથી કયું ચડિયાતું એમ પૂછો તો કહેવું મુશ્કેલ છતાં, મુકેશવાળું ગીત જોવું ગમે અને સુમન કલ્યાણપુરનું ગાયેલું સાંભળવું ગમે એ અમારું વર્ઝન. [https://www.youtube.com/watch?v=looS9zYJc9E] ફીમેલ વર્ઝનમાં સિતારનો પણ ખૂબ સરસ ઉપયોગ થયો છે. શબ્દો કરતાં ય સ્વરાંકન વધુ ચડિયાતું છે આ ગીતમાં. ગીત પૂરું થાય પછી તો વાર્તામાં અનેક વળાંકો આવે છે. વિશ્વંભરનું કાસળ કાઢવા અપર માએ મોકલેલો ઝેરનો કટોરો પતિને બચાવવા ચંદ્રા પી લે છે અને મૃત્યુ પામે છે. મૃત્યુ પછી ચંદ્રાવલિનો પુષ્પા તરીકે પુનર્જન્મ (કાનન કૌશલ ડબલ રોલમાં), જિગરનું અમીની યાદમાં દર દર ભટકવું, હિમાલયની કાશ્મીર ઘાટીમાં પુષ્પા રૂપે જન્મેલી અમી સાથે અચાનક પુનર્મિલન, પુષ્પાનું જિગરને ઓળખી જવું, ફરી બન્નેની એકાકાર થવાની તડપ, ફરી કુટુંબીજનોનો વિરોધ, ફરી પુષ્પાની આત્મહત્યા અને ફરી જિગરનું એકાકીપણું. ઓહો .. કેટકેટલી ઘટનાઓ! એક પુરુષ બે બે વાર પ્રિયતમા ગુમાવે એ વેદના આ ફિલ્મમાં વ્યક્ત થઈ છે.
“જો કે, આ ફિલ્મ કરવામાં એક ગુજરાતી તરીકે સંજીવકુમારે ખૂબ રસ દાખવ્યો હતો. કહે છે આ ફિલ્મના નિર્માતા ચંદ્રકાન્ત સાંગાણીના પુત્ર ભરત સાંગાણી. ભરતભાઈ પોતે પણ નિર્માતા રહી ચૂક્યા છે અને વર્ષો પાર્લામાં વીતાવ્યાં પછી હવે અમદાવાદ સ્થાયી થયા છે. એમણે આ ફિલ્મ સાથે સંકળાયેલી ઘણી રસપ્રદ વાતો કરી. ભરત સાંગાણી કહે છે, "અમે આ ફિલ્મનો પ્રસ્તાવ લઈને ગયા ત્યારે સંજીવકુમાર હિન્દી ફિલ્મોમાં બહુ જ વ્યસ્ત હતા અને હિન્દી ફિલ્મ ‘દસ્તક’નું શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ એમણે વચલો રસ્તો કાઢ્યો. કહે, "મારો સેટ જ્યાં લાગે ત્યાં તમે આવી જજો. લંચ ટાઈમમાં ઘણી વાર લાંબો સમય જતો રહે છે તો એ ટાઈમે આપણે ‘જીગર અને અમી’ના શોટ્સ લઇ લઈશું. અમારું તો કામ થઈ ગયું.
વી. શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં સેટ લાગ્યો અને લગભગ ૮૦ ટકા ફિલ્મ અમે આ રીતે લંચ અવર્સમાં શૂટ કરી. સંજીવકુમારે પણ થાક્યા વિના બન્ને ફિલ્મોને સમય ફાળવ્યો એ ય કેટલી મોટી વાત! બીજું, અમને અન્ય પ્રોડ્યુસર્સનો પણ બહુ સાથ મળ્યો હતો. એમનો આખો સેટ અમને વિનામૂલ્યે વાપરવા આપી દેતા. એમની લેબ, ઍડિટિંગ રૂમ ઇત્યાદિનો ઉપયોગ પણ અમે નિ:સંકોચ કરી શકતા. ફક્ત શિફ્ટમાં કામ કરતા માણસોને અમારે પૈસા ચૂકવવાના રહેતા. એ પછી સંજીવકુમારને ‘દેવી’ ફિલ્મ માટે કાશ્મીર જવાનું થયું. (કહેવાય છે કે આ ‘દેવી’ ફિલ્મ દરમ્યાન સંજીવકુમાર અને નૂતન એકબીજાની નજીક આવ્યાં અને લાગણીનાં અંકુર ફૂટ્યાં હતાં એમની વચ્ચે)
‘જીગર અને અમી’નું થોડું જ શૂટિંગ બાકી હતું. અમને થયું કે શૂટિંગ હવે રખડી પડશે, પણ આ તો આપણા હરિભાઈ! સમય અને શિસ્તના પાકા. અમને કહે, "આવી જાઓ કાશ્મીર! હવે એ જમાનામાં કાશ્મીર પહોંચવું અઘરું. ટ્રેન પણ પઠાણકોટ સુધી જ જાય. છતાં હિંમત કરીને ઓછામાં ઓછા ક્રૂ મેમ્બર્સને લઈને અમે કાશ્મીર પહોંચ્યા. ફિલ્મના અંતે હિમાલયની બર્ફિલી ખીણનાં તથા જિગરના સાધુવેશે ભટકવાનાં દ્રશ્યો કાશ્મીરમાં લેવાયાં છે. બાકી, કયા ગુજરાતી નિર્માતાને કાશ્મીરમાં ફિલ્મ શૂટ કરવાનો મોકો મળે?
"એ વખતે ગુજરાતી ફિલ્મોના કલાકારોને મહેનતાણું શું મળતું? પ્રશ્નના જવાબમાં ભરતભાઈ કહે છે કે, "સાવ નજીવું. આ તો સંજીવકુમાર જેવા મોટા કલાકાર હતા એટલે કદાચ પાંચ-સાત હજાર આપ્યા હશે. એમણે લીધા હશે કે નહીં એ ય યાદ નથી. એ વખતે કોઇ નિર્માતા સારી ગુજરાતી ફિલ્મ બનાવે તો કલાકારો બહુ સપોર્ટ કરતા હતા. ઉપરાંત, બિનગુજરાતી કલાકારોનો ગુજરાતી ફિલ્મ પ્રત્યેનો અભિગમ પણ જુદો હતો, એક પ્રકારની કૂણી લાગણી હતી. પ્રાદેશિક ફિલ્મોને પ્રોત્સાહન મળે એ માટે કશી જ અપેક્ષા વિના હિન્દી ફિલ્મના પ્રોડ્યુસરો પણ પૂરો સહકાર આપતા. એક ફિલ્મ બને એટલે એની સાથે સંકળાયેલા તમામ સભ્યો એક કુટુંબનો ભાગ બની જતા. કાનન કૌશલ મહારાષ્ટૃિયન. તેમનું મૂળ નામ હતું ઇન્દુમતી પૈગણકર, પણ મહેનત કરીને ગુજરાતી શીખી ગયાં હતાં. પપ્પાની શાખ સારી એટલે બધા એમને એમ જ કહે કે તમતમારે ફિલ્મ બનાવો. અમે સાથે છીએ ને! આ ફિલ્મને ગુજરાત સરકાર દ્વારા જુદી જુદી કેટેગરીના ૧૧ એવૉર્ડ મળ્યા હતા. ફિલ્મ સફળ હતી, પણ ફિલ્મ ગુજરાતી એટલે કમાણી ખાસ કંઈ નહીં.
આજે તો તગડું ઍડ્વાન્સ મળે પછી જ કામનું મુહૂર્ત થાય એવા જમાનામાં આ બધી કહાણીઓ સ્વપ્નવત્ લાગે. ગુજરાતી ફિલ્મોનો બહુ ટૂંકો પણ સુવર્ણકાળ હતો, જ્યારે ગુજરાતી ફિલ્મ જોવાનું મન થતું. સદ્નસીબે એ સુવર્ણકાળના અમે સાક્ષી હતાં એટલે પાઘડાં-ધોતિયાં ને ચોયણાવાળી ફિલ્મો આવે તો ય એનાથી હટીને આવી સુંદર ફિલ્મો માણી શકતાં હતાં. હવે એ યુગ પાછો આવી રહ્યાનાં મંડાણ અમુક ફિલ્મો દ્વારા થઈ રહ્યાં છે. આશા રાખીએ કે ગુજરાતીમાં ઉચ્ચ સ્તરીય ફિલ્મો બનતી થાય અને ગુજરાતી કલાકારો, સંગીતકારોને આવી ફિલ્મો સાથે જોડાવાનું મન થાય. આ વખતે તમને સંભળાવવા ‘જીગર અને અમી’ ફિલ્મનું બીજું સુંદર ગીત મૂક્યું છે. અમીના પ્રેમમાં ઘાયલ જીગર ભાવિ લગ્ન અને સુખી સંસારના શમણામાં ખોવાઈ જાય છે ત્યારે મારી પરવશ આંખો તરસે … ગીત ફિલ્મમાં આવે છે.
મનહર ઉધાસના તરોતાજા અવાજમાં તમને જરૂર સાંભળવું ગમશે.
https://www.youtube.com/watch?v=1O7cnD0Ic7w
——————————
મારી પરવશ આંખો તરસે
રૂપ માઝા મૂકીને વરસે … મારી
ચાંદાનું અજવાળું ઝાંખું
પૂનમની શું કીમત આંકું
કંચન થાય કથીર
ના કણ કણ
તુજ પાનીના સ્પર્શે … મારી
કાયામાં કામણ કંડારી
તુજને વિધાતાએ શણગારી
સૃષ્ટિ થઈને પાવન પાવન
તવ
દર્શનથી હરશે … મારી
ફિલ્મ : જીગર અને અમી
ગીતકાર : કાન્તિ અશોક • સંગીતકાર : મહેશ-નરેશ • ગાયક : મનહર ઉધાસ
——————————————
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 03 મે 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=408873