હૈયાને દરબાર
મા નામના એકાક્ષરી શબ્દમાં જ આખું બ્રહ્માંડ સમાયેલું છે, નહીં?
મા શબ્દ બોલતાં જ મોંમાંથી મધ ઝરવા લાગે!
મે મહિનાનો બીજો રવિવાર માને સમર્પિત છે. ૧૩મી મે એટલે મધર્સ ડે. આમ તો આ બધા ‘ડેઝ’ પાશ્ચાત્ય સમાજની દેણ છે પણ એ નિમિત્તે વિશ્વ આખાની માતાઓને મહત્ત્વ મળવા લાગ્યું છે. હવે તો સંતાનો માને ગિફ્ટ આપતાં પણ થયાં છે.
બાકી, મા એટલે કોણ? અપેક્ષા વિના સંસાર આખાનો ભાર લઈને ફરતી સ્ત્રી. હરતોફરતો રોબો. "મા, ભૂખ લાગી છે નો આદેશ આવે ને પળવારમાં જમવાની પ્લેટ હાજર. "મા, કપડાં ઈસ્ત્રીબંધ નથી. ને તરત જ ઈસ્ત્રીટાઈટ કપડાં હાજર. ઈશ્વર પાસે માગેલું કદાચ ના મળે, પણ મા તો પડ્યો બોલ ઝીલે અને માંગેલી ચીજ હાજરાહજૂર. સામાન્યત: સંતાનો માટે માનો પ્રેમ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ હોય છે. એમના ઉછેર પાછળ કરેલો પરિશ્રમ, ભોગવેલો માનસિક પરિતાપ ઈત્યાદિ સંતાનો દ્વારા સ્વાભાવિક ક્રમમાં લેવાતું હોય છે એટલે ‘મધર્સ ડે’ નિમિત્તે એક દિવસ પણ માતાને માન-સન્માન ને ભેટ-સોગાદ મળે એ આવકાર્ય જ છે. બાકી, ‘માતૃ દેવો ભવ:’નાં ગાણાં ગાતાં આપણે અનાયાસે માના નાજુક ખભા પર કેટલો ભાર નાંખી દેતાં હોઈએ છે એ કહેવાની જરૂર નથી. શંકરાચાર્યના એક શ્લોકનો સરસ અનુવાદ કવિ મકરંદ દવેએ કર્યો છે :
મા, તેં દુ:સહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું,
કાયા દીધી નિચોવી ના કહું ભલે તેં ધોઈ બાળોતિયાં,
આ જે એક જ, ભાર માસ નવ તેં વેઠ્યો હું તેનું ઋણ,
પામ્યો ઉન્નતિ તો ય ના ભરી શકું, એ માતને હું નમું.
સર્જનાત્મક શક્તિનું બીજું નામ મા છે કારણ કે ઈશ્વરને પણ જન્મ લેવા માની કૂખની જરૂર પડે છે. આવી માતાને યાદ કરીને આજે આપણને સૌને પ્રિય એવા ગીત જનનીની જોડ સખી (જગે) નહીં જડે રે લોલ … વિશે વાત કરીશું. આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે ‘મધર્સ ડે’ની કે આ ગીતની રાહ ન જોવાની હોય – એનો પ્રેમ તો બારેમાસ છે.
તોયે .. ફરી એક વાર આજે મમ્મીને ‘આઈ લવ યુ’ કહી દેજો. એને જરૂર છે બસ, તમારા વહાલભર્યા શબ્દો અને પ્રેમસભર વર્તનની.
આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન થતું હોય તો એ કે જ્યારે કન્યા માતા બને છે. પોતાના બાળક માટે એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે. નવ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલા ય તબક્કાઓમાંથી માતા પસાર થાય છે, માત્ર એના બાળકના વિકાસ માટે!
આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્કૃિત જીવવાની છે! આપણે તો આપણા દેશ, આપણી ધરતી અને ગાયને પણ માતા કહીએ છીએ. આવી આપણી સંસ્કૃિતનું અમર ગીત એટલે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મા હયાત હોય તો અપાર હેત વરસાવવાનું મન થાય અને સમયચક્રમાં વિલીન થઈ ગઇ હોય તો આંખ ભીંજવી જાય એવા આ ગીતની એક એક પંક્તિમાં અપાયેલી ઉપમા ખરેખર માતૃત્વને સાર્થક કરનારી છે. દરેકને એમ લાગે કે આ ગીત પોતાની મા માટે જ લખાયું છે. કાનમાં મોરનું પીંછું ફરતું હોય એવી હળવાશ, સરળ શબ્દોનું માધુર્ય અને રોમેરોમમાં વાત્સલ્યના ઝરા ફૂટતા હોય એવું સદૈવ તાજગીસભર આ ગીત માતૃવંદનાનાં કાવ્યોમાં હજુ ય ટોચ પર રહ્યું છે. મા વિશે કેટકેટલાં કાવ્યો રચાયાં છે પરંતુ, દામોદર ખુશાલદાસ બોટાદકરનું આ ગીત એટલું લોકપ્રિય થયું કે એ હવે લોકગીતની કક્ષાએ મુકાઈ ગયું છે. બોટાદકરનો જન્મ ૨૭ નવેમ્બર ૧૮૭૦માં અને મૃત્યુ ૦૭ સપ્ટેમ્બર ૧૯૨૪માં. દોઢસો વર્ષ પછી ય આ ગીત તરોતાજા લાગે એ કેવી મોટી ઉપલબ્ધિ!
બોટાદકર આમ તો માત્ર છ ચોપડી ભણેલા છતાં તેમણે સંસ્કૃતપ્રચુર કાવ્યસંગ્રહો વધારે આપ્યાં છે. પરંતુ, ‘રાસતરંગિણી’ નામના કાવ્યસંગ્રહમાં કવિએ ગરબી જેવા લોકગીતોના ઢાળમાં સરળ અને લોકભોગ્ય અભિવ્યક્તિઓ રજૂ કરી છે. સૌંદર્ય સાથે ભવ્યતાના દર્શન કરાવતાં આ ગીતકાવ્યોમાં કુટુંબજીવન અને ખાસ તો સ્ત્રી હૃદયનાં ભાવસ્પંદનો વધુ ઝિલાયાં છે. જનનીની જોડ … જેવી વિખ્યાત ગરબીમાં એટલે જ જનની એટલે કે માની સ્તુિત જ સર્વવ્યાપ્ત છે.
સૃષ્ટિમાં અસ્ખલિત, નિ:સ્વાર્થ અને અવિરત સ્નેહની પરિભાષા આપવાની હોય તો આપણને મા જ યાદ આવે. જગજિત સિંહ સાથેની એક મુલાકાતમાં માતા વિશે એમણે સરસ વાત કરી હતી કે, "માની ભૂમિકા આપણા જીવનમાં ગેરંટેડ હોય છે. કેશ ચેક જેવી. સંતાનના સુખે તો એ સુખી જ હોય પણ, દુ:ખમાં ય આપણી પડખે કોઈ નહીં હોય તો મા તો હશે જ. શી ઈઝ અ સિમ્બોલ ઓફ પ્રોટેક્શન. આ જ વાત આ મીઠા મધુરા ગીતમાં દરેક પંક્તિએ પ્રગટે છે.
માતૃવંદના સંદર્ભે કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ની આ પંક્તિઓ પણ ખૂબ સરસ છે:
જે મસ્તી હોય આંખોમાં તે સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી
અલબત્ત, માતા વિશેનાં અનેક કાવ્યોમાં જનનીની જોડ … એ સૌથી વધુ લોકભોગ્ય બન્યું અને પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામ્યું છે. છઠ્ઠા-સાતમા ધોરણમાં સિલેબસના ભાગરૂપ આ ગીત દરેક કલાકારે ક્યારેક તો ગાયું જ હશે પરંતુ, પુરુષોત્તમ ઉપાધ્યાય તથા હેમા-આશિત દેસાઈના કંઠે આ મધુરું ગીત સાંભળવું એ લહાવો અનેરો જ. આ અમારો અંગત મત છે. આ ગીત સખીને સંબોધીને લખાયું છે એટલે એમાં પોઝિટિવિટી અને મા પ્રત્યેના પ્રેમનો આનંદ જ વ્યક્ત થયો છે. અત્યારે ભલે એ પ્રાર્થનાસભાનું ગીત બની ગયું હોય પરંતુ, હયાત માતા સામે ગાઈ જોજો અથવા એને સંભળાવી જોજો, ગીતનો આખો ભાવ બદલાઈ જશે અને તમે બોલી ઊઠશો : મોમ, યુ આર ઈનકમ્પેરેબલ, આઈ લવ યુ ઈટર્નલ!
——————————
મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે …જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે …જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારેમાસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
કવિ : દામોદર ખુશાલદાસ બોટાદકર
———————————————
સોજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 મે 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=409417