હૈયાને દરબાર
૧૯૬૯માં એક સરસ ફિલ્મ આવી હતી. ગોરી-માંજરી આંખોવાળી અભિનેત્રી અને ફિલ્મનું અદ્ભુત સંગીત મનમાં અમીટ છાપ છોડી ગયાં હતાં. ફિલ્મ હતી ‘કંકુ’. આ ફિલ્મ આવી ત્યારે તો અમારી ઉંમર પૂરી દસની ય નહોતી, પરંતુ નેશનલ એવૉર્ડ જીતેલી આ ફિલ્મનો સ્પેિશયલ શો પાંચેક વર્ષ પછી એ વખતે બહુ પ્રતિષ્ઠિત ગણાતા અમદાવાદના નટરાજ સ્ટુડિયોમાં રાખવામાં આવ્યો, ત્યારે જોવાની તક મળી હતી. એ વખતે ફિલ્મમાં શું સમજાયું હશે ભગવાન જાણે, પણ હમણાં એનું એક ગીત સાંભળવા આખી ફિલ્મ ફરી જોઈ અને હું છક્કડ ખાઇ ગઈ. શું બોલ્ડ વિષય છે એ ફિલ્મનો! જે ફિલ્મ આજથી ૪૮ વર્ષ પહેલાં રજૂ થઈ હોય અને જેની વારતા ૧૯૩૬માં એટલે કે ૮૦ વર્ષ પૂર્વે લખાઈ હોય એ ફિલ્મમાં સ્ત્રીનાં પુનર્લગ્નની, વિધવાવિવાહની વાત સાવ સાહજિક અને સક્ષમ રીતે કહેવાઈ હોય એ જ કેટલી આશ્ચર્યજનક ઘટના!
પ્રસિદ્ધ વાર્તાકાર પન્નાલાલ પટેલે લખેલી ૨૦ પાનાંની આ વાર્તા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કાન્તિલાલ રાઠોડના હાથમાં આવી. એમણે પન્નાલાલ પટેલને વારતાનો વિસ્તાર કરવા કહ્યું જેમાંથી લઘુનવલ રચાઈ, એ પછી આ ફિલ્મ બની.
આપણે મૂળ વાત કરવાની છે અહીં પ્રસ્તુત થયેલા એક લાજવાબ ગીતની અને તેમાં પ્રગટ થતી નારી સંવેદનાની. કંકુ નામની રૂપાળી કન્યા (પલ્લવી મહેતા) ગામમાં પરણીને આવી છે. પતિ ખૂમો માના (કિશોર જરીવાલા – સંજીવકુમારના નાના ભાઈ) કંકુને ખૂબ પ્રેમ કરતો હોય છે. બેઉ જણ સુખેથી જીવન ગુજારતાં હોય છે એ દરમ્યાન કંકુને સારા દિવસો જાય છે. જતે દહાડે કંકુ કેલૈયા કુંવરને જન્મ આપે છે, જેનું નામ પાડવામાં આવે છે હીરો. ધણી-ધણિયાણી એ ય ખેતરે જાય, મોજ-મસ્તી કરતાં વાવણી કરે, ગીત્યું ગાય ને લહેર કરે. પણ કહેવાય છે ને કે, એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી …!
શ્રાવણી રાતે મુશળધાર વરસાદ પડે છે, ગામમાં પૂર આવે છે ને કંકુનો પતિ ખૂમો સજ્જડ માંદગીમાં પટકાય છે. કંકુની કેટકેટલી સેવા છતાં પતિ સ્વર્ગે સિધાવે છે. કંકુની કઠણાઈ અહીં શરૂ થાય છે. સાવ નાનકડા, ઘોડિયું ય હજી છૂટ્યું નથી એવા વ્હાલુડા બાળક હીરાના ઉછેરમાં કંકુ જોતરાઈ જાય છે. પણ, એ એવી કોમમાંથી આવી છે જ્યાં સ્ત્રી નાતરું કરી શકે. અર્થાત્, પતિના મૃત્યુ બાદ બીજે પરણી શકે. બસ, પછી તો ગામની સ્ત્રીઓ, સગાં-વહાલાં કંકુને બીજે પરણી જવા સલાહસૂચનોનો મારો ચલાવે છે. પણ, કંકુ ખુદ્દાર સ્ત્રી છે. "આંગળિયાતને લઈને પારકે ઘેર જાઉં તો મારો હીરિયો ઓશિયાળો ના થઈ જાય? એ વિચારે કંકુ ગામના ભાયડાઓની મશ્કરીનો ભોગ બનતી હોવા છતાં અંતરના જખમ જીરવીને દીકરાને ઉછેરવા માંડે છે. જરૂર પડ્યે પુરુષોને રોકડું પરખાવી દે એવી હિંમતવાન કંકુ સુખે-દુખે દહાડા વિતાવતી હોય છે. આમ ને આમ સમય વીતતો ગયો અને દીકરો હીરો જુવાનજોધ થઈ ગયો. કંકુએ એનાં લગન લેવાનું વિચાર્યું. સુંદર કન્યા શોધી કાઢી, પરંતુ લગનનો ભારે ખર્ચ ઉઠાવવા પૈસા ક્યાંથી લાવવા? આ મૂંઝવણમાં એને ગામનો શાહુકાર મલકચંદ (કિશોર ભટ્ટ) યાદ આવ્યો. કંકુ પહોંચી મલકચંદની પેઢીએ. "આવ આવ કંકુ, હજુ તો તારા ધણીનો ય હિસાબ બાકી છે, પણ ચિંતા ન કરીશ, દીકરાના લગન ટાણે હું તને બધી ય મદદ કરીશ. પછી તો લગન નિમિત્તે વાત-વહેવાર કરવામાં કંકુનો ય મલકચંદ સાથે મનમેળાપ વધવા લાગ્યો હતો. કંકુ પ્રત્યે કૂણું વલણ ધરાવતા મલકચંદે દીકરાની વહુ માટે સાડી, વાસણો, દાગીનાની વ્યવસ્થા માટેનાં નાણાં ધીરવા કંકુને ઘરે બોલાવી.
એ રાત્રે કંકુ નાણાં અને વાસણકૂસણ લેવા મલકચંદને ઘેર ગઈ અને દુન્યવી દૃષ્ટિએ ‘ન કરવાનું’ કરી બેઠી. અંધારી રાતના ઉન્માદક એકાંતમાં કંકુએ મલકચંદને શરીર સોંપી દીધું. એક બાજુ દીકરાના લગન લીધાં હતાં ને બીજી બાજુ મા પોતે જ પગલું ચૂકી ગઈ હતી! કેવો જબરજસ્ત વિરોધાભાસ અને કેવી વિટંબણા? આ સિચ્યુએશનમાં જે ગીત આવે છે એ ભલભલાની આંખમાં પાણી લાવી દે એવું ચોટદાર છે.
એ ગીત છે, પગલું પગલામાં અટવાણું કે મનખો રમતો ચલકચલાણું … બરાબર એવી સિચ્યુએશન પર ફિલ્મમાં આવે છે કે એ તમારી તમામ સંવેદનાઓને ઢંઢોળી દે છે. દિલીપ ધોળકિયાના અદ્ભુત સ્વરાંકન અને હંસા દવેના મીઠા કંઠે ગવાયેલું વેણીભાઈ પુરોહિત રચિત આ લાજવાબ ગીત ગુજરાતી ફિલ્મ સંગીતનાં શિરમોર ગીતોમાં સ્થાન પામ્યું છે.
સાત સાત સાચાં પગલાં ને ખોટું પગલું એક ….
સાત સાત આ જન્મારાની અધવચ તૂટી મેખ …
ઊકલશે ક્યાંથી હવે ઉખાણું … કે મનખો રમતો ચલકચલાણું ..!
મનુષ્ય સ્વભાવની વિવશતા અહીં ભારોભાર પ્રગટે છે. એક ખોટું પગલું ભરાય ત્યારે લોકો સાત સાચાં પગલાંને કેવાં સિફતપૂર્વક ભૂલી જાય છે એની વિડંબના ગીતમાં વ્યક્ત થઈ છે. કહાનીમાં ટ્વિસ્ટ તો હવે આવે છે. કંકુ તો વિધવા છે, એટલે વિધવા થઇને દીકરાના લગનમાં કેવી રીતે જવાય?
એ જમાનામાં તો એ અપશુકન ગણાય. તેથી કંકુ જાન લઈને જતા દીકરાને કહે છે, "બેટા, વહુરાણીને વાજતેગાજતે લઈ આવજે. આમ કહીને જીવનનાં અંધારાં-અજવાળાંનાં લેખાંજોખાં કરતી કંકુ ઘરમાં એકલી વિચારે ચડે છે! માનસિક પરિતાપે શરીર તાવથી ધગધગવા માંડ્યું છે.
બીજે દિવસે સવારે દીકરો નવી વહુને પરણીને લાવે છે. કંકુ હજુ સૂતેલી જ હોવાથી વહુ આશ્ચર્ય પામી ખબરઅંતર પૂછે છે. મન વિક્ષુબ્ધ અને શરીર તાવથી તપતું હોવા છતાં કોઈને કશી ગંધ ના આવે એટલે કંકુ કામે વળગે છે. અહીં દૃશ્ય બદલાય છે. દીકરા હીરાના લગનને ચાર મહિના વીતી ગયા છે. કંકુ પાણી ભરવા ગઈ છે, તેની બદલાયેલી ચાલ જોઈને ગામની સ્ત્રીઓને કૈંક વહેમ જાય છે. ગામની જે કાકીએ કંકુની સુવાવડ કરી હતી એ જ અનુભવી કાકી એને પોતાના ઘરની અંદર લઇ જઈને પૂછે છે કે "અલી કંકુ, હાચું બોલજે, આ તારી ચાલ કેમ બદલાયેલી છે? કંકુ કંઈ જવાબ નથી આપતી, નીચું જોઈ જાય છે. "હાચું બોલીશ તો બચી જઈશ, કહી દે વાત શું છે? ચાર મહિનાની સગર્ભા કંકુ નતમસ્તકે કહે છે, કાકી મને ઝેર આપી દો, મારો પગ લપસ્યો, મોટી ભૂલ થઇ ગઈ છે! આ વખતે પીઢ અને અનુભવી કાકીનો જવાબ તમને સ્તબ્ધ કરી દે છે. "કંકુ, તેં વૈધવ્યનાં સોળ વર્ષ સુધી સંયમ રાખ્યો એ જ બહુ મોટી વાત છે. બાકી જુવાન દેહની ઈચ્છા શી ના હોય? બસ, એ કાળમુખાનું નામ કહી દે એટલે તને એના નામનાં લૂગડાં પહેરાવી દઈશું.
આ લૂગડાં પહેરાવવાં એટલે એ પુરુષની સાથે પરણાવી દેવાની જેથી લગ્ન વગર થયેલા બાળકનાં મહેણાં અને ‘પાપ’થી બચી જવાય. પણ જે કહેવાતું ‘પાપ’ પોતે સામે ચાલીને, પોતાની મરજીથી, સ્વેચ્છાએ કર્યું હતું એ પુરુષનું નામ કેમ લેવાય? બીજું કે એ પુરુષ, નામે મલકચંદ તો પાક્કો મરજાદી વિધુર હતો. પરનાતની કન્યા, એ ય પાછી એક દીકરાની માતા એવી વિધવાને પરણીને પોતાના ઘરમાં લાવવાનો તો પ્રશ્ન જ નહોતો! કંકુએ નામ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. પણ વાર્તાની ખૂબી એ છે કે પગલું ચૂકી ગયેલી સ્ત્રીને વખોડવાને બદલે આગેવાન ગામવાસીઓ એની વહારે આવીને કહે છે, "આપણી કંકુને માથે લાંછન ના લાગવું જોઈએ કે એ પરપુરુષ સાથે રાત વિતાવી આવી છે. બીજી તરફ પેલી કાકીની નિર્ભયતા જુઓ: એ કંકુને કહે છે, "તારે ઝેર કેમ ખાવાનું? જુવાન દેહને આ વાયરો ક્યારેક તો લાગવાનો જ હતો. કોઈ મેણું મારે તો કહી દેજે કે એક વરસ તો સંસારની બહાર રહીને જુએ! સાપનો ભારો પંદર વરહ હુંધી માથે મૂકીને હાલ્યા છો કોઈ દિ? પછી મેણું મારજો, અરે સફેદ પળિયાં આવી ગયાં હોય ને એવા પુરુષોની નજર તારા પર બગડતી. પણ વાઘણ સામે કોઈની હિમ્મત નહોતી. તારું તપ કોણ નથી જાણતું કંકુ ? તપેશરીના તપ ખૂટ્યાં તો આ મનેખનાં શાં લેખાં? સ્ત્રીનો અવતાર જ એવો કે જરાક પગ લપસ્યો તો આબરૂ રાખ પાણી ને જીવતર ધૂળધાણી. ફિલ્મના આ સંવાદો ખરેખર વિચારતાં કરી મૂકે એવાં છે.
પગલું ચૂકી ગયેલી એક સ્ત્રીની પડખે આમ બીજી સ્ત્રી ઊભી રહે? એ ય પાછી ગામની વડીલ! કાકીએ ઘણું સમજાવી છતાં કંકુ નામ આપ્યા વગર ચાલી ગઈ. આ બાજુ ગામના કેટલાક મુખિયાઓ અને કાકીએ કંકુ માટે વર શોધવાની કવાયત શરૂ કરી. ગામમાં વાતો થવા મંડી હતી ને દીકરા હીરાના કાને ય પહોંચી હતી. દીકરો-વહુ મનમાં સોસવાતાં હતાં કે, "બાએ આ ઉંમરે ભવાડો કર્યો છે તે મોં શું બતાવશું? ત્યારે ય કાકી આ કંકુની મદદે આવે છે ને કહે છે કે હીરિયાને ગામલોકને જવાબ આપતા ના આવડે એમાં કંકુનો શો વાંક? કંકુના ગુણ જુઓ ગુણ! કાળા માથાનો માનવી છે તે ભૂલ પણ થાય. લાખનો ઘોડો ય ઠોકર ખાઈ જાય છે, તો એક જવાન નારીહૃદયની શી વિસાત? આમ છતાં, કંકુ માટે વર શોધવાનો વિકટ પ્રશ્ન સર્જાયો હતો. સમાજમાં સુવાવડીની લાજ રાખવા એને પરણાવવી તો પડે જ. પણ બીજાનું પાપ લેવા કોણ તૈયાર થાય? એટલે કોઈ ગરીબગુરબાંને જ પરણવા માટે ઊભો કરવાનો હતો. છેવટે દેખાવે સારા પણ ગરીબ ઘરના દાધારંગા એવા કાળુ(આપણા લાડીલા નાટ્યકાર અરવિંદ જોશી)ને તૈયાર કરવામાં આવ્યો. સમાજને ખબર ના પડે એમ રાતોરાત ઘડિયા લગન લેવાયાં. કંકુની આબરૂ બચી ગઈ ને થોડા સમય પછી પૂરે મહિને કંકુએ દીકરાને જન્મ આપ્યો. ઘાટ ઘાટનાં પાણી પી ચૂકેલી કાકી ખબર કાઢવા ને દીકરાને જોવા આવી પહોંચી.
ફાનસના અજવાળે દીકરાનું મોઢું જોયું તો છળી મરી, "અલી કંકુ, આ તો મારો પીટ્યો મલકો! આબેહૂબ મલકચંદ. શા સારું એની આબરૂ તેં બચાવી હશે? એવો છણકો કરીને મોં મીઠું કર્યા વિના જ એ ચાલી જાય છે. અંતમાં, પતિ કાળુ પુત્રજન્મની ખુશીમાં કંકુનું મોઢુું મીઠું કરાવે છે ને ફિલ્મ પૂરી થાય છે. એક સ્ત્રીનાં નાજુક હૃદય, સંવેદનાને કેવી આબેહૂબ ઝીલી છે આ કથામાં! જમાનાની ખાધેલ કાકી ય છેલ્લે કંકુને નિસાસો નાખતાં કહે છે, "એ પીટ્યા મલકાનું નામ આપ્યું હોત તો બીજું કંઈ નહીં તો એની પાસેથી દામ તો વધારે કઢાવી શકત!!”
આ એ સ્ત્રીનું સાંસારિક-સ્વાભાવિક રીએક્શન હતું, જ્યારે કંકુએ પુરુષનું નામ ન જ આપ્યું એ એની ખાનદાની હતી, કદાચ વ્યક્ત ન થઈ શકેલો પ્રેમ હતો. ભલે દીકરાનો ચહેરો કંકુના લાગણીના ઊભરા કે ક્ષણિક આવેગની ચાડી ખાતો હતો, પણ એ તો ચૂપ જ રહી હતી! કાળુની ઉદારતા ય કેવી કે પોતાનો સગો દીકરો ના હોવા છતાં પત્નીને એ પ્રેમથી મોં મીઠું કરાવે છે!
એ જમાના પ્રમાણે પરિવર્તનની લહેર સમી આ ફિલ્મ અને અભિનેત્રી પલ્લવી મહેતા નેશનલ એવૉર્ડનાં હકદાર બને એમાં નવાઈ શી? શિકાગો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૧૯૬૯માં પલ્લવી મહેતાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવૉર્ડ મળ્યો હતો. નાગરાણી જેવું સૌંદર્ય અને સ્પષ્ટ ભાષા ઉચ્ચારણ ધરાવતાં પલ્લવી મહેતા અત્યારે ક્યાં છે એની કોઈને ખબર નહોતી. વ્યક્તિગત તપાસ કરી તો ય જાણવા ના મળ્યું, છેવટે ગૂગલ પર ખાંખાખોળા કરતાં નાટ્યકાર હસમુખ બારાડીની એક લિન્ક મળી જેમાં આ અભિનેત્રી સાથેની ટૂંકી વાતચીત હતી. તરત એમની દીકરી મન્વિતાને ફોન લગાડ્યો અને એમની પાસેથી પલ્લવી મહેતાનાં સગડ મળ્યાં.
પલ્લવી મહેતા સાથે વાત કરતાં અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરતાં એમણે જણાવ્યું કે આજે ય લોકો કંકુને અને મને યાદ કરે છે એ ખૂબ આનંદની વાત છે. "એ વખતે હું દિલ્હી રહેતી હોવાથી અને શૂટિંગ ગુજરાતમાં થતાં હોવાથી વધુ કોઈ ફિલ્મો કરી શકી નહોતી, પરંતુ આ ફિલ્મે મને આખા જીવનનું ભાથું બાંધી આપ્યું. ફિલ્મની કથા અને સંગીત બંને લાજવાબ હતાં, કહે છે પલ્લવી મહેતા. પલ્લવીબહેન હવે અમદાવાદમાં સ્થાયી થયાં છે અને પરિવાર સાથે સુખરૂપ જીવન જીવી રહ્યાં છે.
‘કંકુ’ ફિલ્મનો સંદેશ એ જ છે કે સ્ત્રી માનવ ખોળિયું જ છે, એની ય લાગણીઓ છે ને કોક વાર એ ભૂલ પણ કરી બેસે. નારીના નાજુક હૃદયને પરિવાર અને સમાજ સમજે તો એનામાં જાત સમર્પી દેવાની શક્તિ ઈશ્વરે આપી છે. બસ, એની ભાવનાની કદર કરી જુઓ, ભૂલ થાય તો માફ કરી દો. એ તમારી જ થઈને રહેશે. છે કોઈ શક? રાગ ભૈરવની છાંટ ધરાવતું આ મીઠું અધૂરું ગીત સાંભળવાનું યાદ છે ને? અહીં જે ગીતોની વાત થાય છે એ સર્વગુણ સંપન્ન છે. મોંઘી મિરાંત છે ગુજરાતી ભાષાની, એટલું યાદ રાખજો.
——————————–
પગલું પગલામાં અટવાણું
કે મનખો રમતો ચલકચલાણું …
તનનાં પગલાં તો ધરતી પર પાડે એની છાપ
મનનાં પગલાંની માયા
ને મનડું જાણે પાપ
ભટકતાં ભવમારગ ભરવાણું …
કે મનખો ..
સાત સાત સાચાં પગલાં ને ખોટું પગલું એક
સાત સાત આ જન્મારાની અધવચ તૂટી મેખ
ઊકલશે ક્યાંથી હવે ઉખાણું …
કે મનખો ..
કવિ : વેણીભાઈ પુરોહિત
• સંગીતકાર : દિલીપ ધોળકિયા • ગાયિકા : હંસા દવે • ફિલ્મ : કંકુ
http://www.hungama.com/song/paglu-paglaman-atvanun/23037572/
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 અૅપ્રિલ 2018