હૈયાને દરબાર
અસહ્ય વૈશાખી ઉકળાટ પછી વરસાદની હેલી ધરતીને ભીંજવી ગઈ છે. વૃક્ષો અને પર્ણો નહાઈ-ધોઈને વર્ષારાણીને પૂર્ણપણે સત્કારવા સજ્જ થઇ ગયાં છે. ભીની માટીની મહેક દિલને તરબતર કરી રહી છે ત્યારે ફિલ્મ ‘ઝેર તો પીધાં જાણી જાણી’નું આ મસ્ત મજેદાર ગીત લીલી લીલી ઓઢણી … સાંભળવાની-ગાવાની કેવી મજા પડે!
સંબંધની પ્રગાઢ હરિયાળી પણ પ્રેમ જ છે. પ્રેમ જીવવાની તાકાત આપે છે. પરમેશ્વરે સ્ત્રી-પુરુષની રચના કરીને કમાલ કરી છે. એમાં ય હૃદય આપીને તો એણે હાથ ખંખેરી નાખ્યા છે. "જાઓ બચ્ચો, ખેલો ઇસ ખિલૌને સે, કહીને ઝીણું મરકતો એ ઉપરથી તમાશો જોયા કરે છે. સ્ત્રી-પુરુષ બંને એકબીજાંમાં ઓતપ્રોત થાય ત્યારે એવું અનુભવે જેમાં જગતની તમામ કવિતાઓ, ગીતો, કથાઓ મેઘધનુષી આકાર સર્જીને સાર્થક થાય છે.
‘ઝેર તો પીધાં જાણી જાણી’ના આ ગીતમાં નાયિકાની મીઠી ફરિયાદ છે કે ધરતી લીલીછમ ઓઢણી ઓઢીને સજી છે તો ય આ મારા સાયબા પર કુદરતની મહેરબાનીની કોઈ અસર નથી. એ તો એ ય મુગોમંતર બેઠો છે. સાયબાઓ આવા જ હોય છે, નહીં ? મોટાભાગની મહિલા વાચકો સંમત થશે. ગોપાળબાપાના પ્રયત્નોથી વગડાઉ જમીનને સ્થાને વનમાં વનરાવન ઊભું થાય છે ત્યારે લહેરાતી હરિયાળી વચ્ચે સત્યકામ અને રોહિણીની પ્રણયલીલા પૂર્ણપણે પાંગરી છે. વાંસળીના કર્ણમંજુલ મ્યુિઝકલ પીસ સાથે ’લીલી લીલી ઓઢણી’ ગીતનો ફિલ્મમાં અદ્ભુત ઉઘાડ થાય છે. સાથે આશા ભોંસલેનો કંઠ હોય પછી પૂછવું જ શું?
પરંતુ, વક્રતા એ છે કે એકબીજાનાં પ્રેમમાં ગળાબૂડ સત્યકામ અને રોહિણીનાં લગ્ન શક્ય નથી કારણ કે રોહિણીના અકાળ વૈધવ્યની પ્રખર જ્યોતિષ દ્વારા જાણ થઇ ગઈ છે. બંનેના લગ્ન શક્ય ન હોવાથી સત્યકામ રોહિણીને છોડી ખૂબ દૂર ચાલ્યો જાય છે. કોઈક કેસમાં ફસાય છે અને જેલમાંથી છૂટીને બહાર નીકળે છે ત્યારે વિરહવેદનાનું કરુણ ગીત ફિલ્મમાં આવે છે, ઝેર તો પીધાં જાણી જાણી!
અહીં સુધીની વાત આપણે ગતાંકમાં કરી હતી. એ પછી તો સંબંધોનાં તાણાવાણામાં કથા ખૂબ લંબાય છે. સત્યકામના ગયા પછી રોહિણીને હેમંત (અરવિંદ ત્રિવેદી) નામનો ઉચ્ચ ખાનદાનનો નબીરો મળે છે, જેના પિતા બેરિસ્ટર (પ્રતાપ ઓઝા) હોય છે. હેમંતની તમામ સારપનો અનુભવ છતાં રોહિણી સત્યકામની મોહિનીમાંથી મુક્ત નથી થઇ શકી. જો કે, એકવાર તબિયત બગડતાં શહેરથી હવાફેર માટે રોહિણીની વાડીમાં આવેલો હેમંત રોહિણીને કહે છે, "હું જાણું છું કે તમારું મન સત્યકામમાં છે. તમને હું બહુ માનની દ્રષ્ટિએ જોઉં છું. પણ તમે એકલાં છો. મારા જીવનમાં આવશો તો હું ધન્ય થઈ જઈશ. રોહિણીને થાય છે કે જે નજીક હતા એ સૌ છોડીને ચાલ્યા ગયા. હેમંત જેવા પુરુષ મળવા મુશ્કેલ છે. તેથી એ પરણવાની હા પાડે છે. પરંતુ, થોડા જ સમયમાં હેમંતનું ટીબીને લીધે મોત થાય છે ને રોહિણીને વૈધવ્ય આવે છે. દરમ્યાન સત્યકામ શીતળાના રોગમાં બંને આંખ ગુમાવી બેસે છે. એ કોઇક સાધુના મઠમાં જઈ પહોંચી બૌદ્ધ ભિક્ષુ બની જાય છે. હેમંતના નાના ભાઈ દ્વારા સત્યકામનો રોહિણી સાથે ફરી મેળાપ થાય છે તેમ છતાં એ ભગવા વસ્ત્ર ધારણ કરી રોહિણીથી દૂર ચાલ્યો જાય છે અને ફિલ્મ પૂરી થાય છે.
સત્યકામ કેમ ચાલ્યો જાય છે, પછી એ બન્નેનું શું થાય છે એ જોવા-જાણવા નવલકથા વાંચવી પડે કે ફિલ્મ જોવી પડે. આ તો બહુ સંક્ષિપ્તમાં આ કથા કહી છે અહીં. દર્શકની આ નોવેલમાં અનેક ઉતાર ચડાવ આવે છે જે વાચકને તીવ્રપણે જકડી રાખે છે. આ પ્રચંડ લોકપ્રિયતાને આધારે જ ફિલ્મ બની પણ દુર્ભાગ્યે ફિલ્મ બહુ ના ચાલી, અલબત્ત, ફિલ્મ અગાઉ આ જ નામે ભજવાયેલા નાટકે ભારે પ્રશંસા મેળવી હતી. નાટકમાં ઉપેન્દ્ર ત્રિવેદી સામે નાયિકા તરીકે કોણ હતું ખબર છે? વર્ષા આચાર્ય. ના ઓળખ્યાં ? અરે આપણાં લાડીલાં સાહિત્યકાર-લેખિકા વર્ષા અડાલજા. એ નાટકની કથા પણ બહુ રોચક છે. સાંભળો વર્ષાબહેનનાં મોઢે જ.
"આ નાટક મારી જિંદગીનું યાદગાર નાટક કહી શકાય. ઉપેન્દ્ર ત્રિવેદીની કરિયરની એ વખતે શરૂઆત હતી. એ વખતે કમર્શિયલ નાટકો તો થતાં નહિ. કલાકારો દિવસે નોકરી કરે ને રાત્રે રિહર્સલ. નાટકો માત્ર શનિ-રવિમાં જ થાય. ત્યારે તો નાટક જ મારો પ્રથમ પ્રેમ હતો. ઘણાં નાટકોમાં મેં ભાગ લીધો હતો એ રીતે આ નાટકમાં રોહિણીનું પાત્ર ભજવવાની તક મને મળી. મારી ઉંમર પચીસેક વર્ષની એટલે સાહિત્ય સાથે તો ખાસ કઈં નાતો નહિ. બહુ વાંચ્યું પણ ના હોય. પણ મારા પિતા ગુણવંતરાય આચાર્ય લેખક અને અમારી બાજુમાં જ અભિનેતા વિષ્ણુકુમાર વ્યાસ રહેતા હતા, એટલે લેખકો-કલાકારોની અવરજવર રહેતી.
નાટકનાં રિહર્સલ શરૂ થયાં ત્યારે મનુભાઈ પંચોળી ‘દર્શક’ અમારે ઘરે આવ્યા. પહેલી નજરે તો એમને જોઈને મને એ જ વિચાર આવ્યો કે આ ગામડિયો માણસ કોણ છે? ગ્રામ્ય પરિવેશ અને માથાના વાળ પણ સરખા ઓળેલા નહિ! કોણ જાણે એમણે શું લખ્યું હશે! પરંતુ, નાટકના રિહર્સલ જેમ જેમ થતાં ગયાં એમ હું રોહિણીના પાત્રમાં ઓતપ્રોત થતી ગઈ. સૌથી પહેલો શો સુરતમાં હતો. એ વખતે સત્યકામનો રોલ સુરેન્દ્ર શાહે કર્યો હતો અને હેમંતની ભૂમિકા ઉપેન્દ્ર ત્રિવેદીએ ભજવી હતી. આ ત્રણે પાત્રો મુખ્ય. ગોપાળબાપાની ભૂમિકા વિષ્ણુકુમાર વ્યાસે, બેરિસ્ટરનો રોલ પ્રદ્યુમ્ન બધેકાએ તથા એમનાં પત્નીની ભૂમિકા લીલા જરીવાલા(અભિનેતા દર્શન જરીવાલાનાં માતા)એ ભજવી હતી. સમ હાઉ, અમારો પહેલો જ શો નબળો ગયો.
એ પછીના બીજા રવિવારે મુંબઈના તેજપાલ ઓડિટોરિમમાં સેકન્ડ શો હતો. નવલકથા બહુ લોકપ્રિય એટલે બુકિંગ ઓપન થતાં જ શો હાઉસફુલ થઈ ગયો. અમે બધા કલાકારો ચિંતામાં કે નાટક ક્યાં નબળું પડ્યું! સુરતથી મુંબઈ પરત જવા નીકળ્યાં. ટ્રેનમાં રિઝર્વેશન જેવું કંઈ નહીં. પતરાનાં પેટી-પટારા લઈને થર્ડ ક્લાસમાં મુસાફરી કરવાની. ખાવાના ય ઠેકાણાં ન હોય ઘણીવાર. કપડાંની ગડી, ઈસ્ત્રી બધું કલાકારોએ પોતે જ કરવાનું અને પતરાંની બેગો જાતે જ ઉપાડવાની. છતાં, કોઈ કશી ફરિયાદ ન કરે. નાટક દરમ્યાન બિલકુલ કૌટુંબિક વાતાવરણ. વીલા મોઢે લોકોના ધક્કા ખાઈને અમે ટ્રેનમાં ચડ્યાં. લાકડાનાં એક પાટિયા પર માંડ જગા મળી ત્યાં બેઠાં અને આખા નાટકમાં કાપકૂપી કરીને વ્યવસ્થિત બનાવ્યું. પછી અમે મુંબઈમાં જે શો કર્યો! આહાહા…! મારી જિંદગીનો સર્વોત્તમ શો.
તત્કાલીન નાણાપ્રધાન મોરારજી દેસાઈ સહિત અનેક પ્રતિષ્ઠિતો નાટક જોવા આવ્યા હતા. નાટકની પકડ એટલી તીવ્ર હતી કે ઈન્ટરવલમાં ય કોઈ ઊભું થઈને બહાર ગયું નહોતું. અમુક દૃશ્યો તો એવાં અસરકારક હતાં કે આજે ય યાદ કરતાં રૂવાડાં ઊભાં થઈ જાય. સત્યકામ-રોહિણીનો સપનાનાં ઘરનો મધુર વાર્તાલાપ, ગોપાળબાપાનું પરમ શાંતિમય મૃત્યુ, સત્યકામનો હૃદયદ્રાવક પત્ર, હેમંતનો નિ:સ્વાર્થ અને આદરયુક્ત પ્રેમ તથા સત્યકામ-રોહિણીનું આખરી મિલન આંખ સામે તાદૃશ થાય તો આજે ય આંખ ભીંજવી જાય છે. નાટકના છેલ્લા સીન વખતે તો હું સ્ટેજ પર જ ખૂબ રડી હતી અને ફસડાઈ પડી હતી. રોહિણીની શું આ જ નિયતિ હતી કે કોઈ પુરુષ એના જીવનમાં રહ્યો જ નહીં? મારી સાથે આખું ઓડિયન્સ ધ્રૂસકે ચડ્યું હતું. નાટક પૂરું થયા પછી દર્શકો સ્ટેજ પર ધસી આવ્યા. મનુભાઈ પંચોળી પોતે પણ હાજર હતા. એ સ્ટેજ પર આવ્યા અને ઘુંટણભેર નીચે બેસી મને બાથમાં લીધી, શાંત પાડી અને કહ્યું કે તું જ મારી કલ્પનાની સંસ્કારલક્ષ્મી રોહિણી છે. એ પછી એમનાં વાત્સલ્ય અને સ્નેહ મારા ઉપર નિતરતાં જ રહ્યાં.
વર્ષાબહેન એ ભીનાં સ્મરણોમાં ખોવાઈ જાય છે.
વર્ષા અડાલજાએ બીજી સરસ વાત કરી આ નાટકના સંદર્ભમાં. નાટકનો શો જોવા આવેલા સાહિત્યકાર-ચિંતક ગુણવંત શાહે આ નાટક અને રોહિણીના સશક્ત પાત્રને જોઈને પહેલા સંતાન તરીકે દીકરીની ઈચ્છા કરી હતી, જેની ખબર એમને હમણાં વીસ વર્ષ પછી પડી હતી. યોગાનુયોગે એ વખતે ગુણવંતભાઈનાં પત્ની સગર્ભા હતાં અને નાટક જોયાના બીજે જ દિવસે ગુણવંતભાઈને ઘરે લક્ષ્મી અવતર્યાનો તાર મળ્યો હતો.
પછી તો, નાટકને જબરજસ્ત સફળતા મળી પણ ફિલ્મ ચાલી નહોતી એ સંદર્ભમાં ગુજરાતી ફિલ્મ અને નાટકોના ઍનસાઇક્લોપિડિયા ગણાતા નિરંજન મહેતાએ આ ફિલ્મના સંદર્ભમાં રસપ્રદ માહિતી આપતાં જણાવ્યું કે, "આટલી સબળ અને લોકપ્રિય નવલકથા પર આધારિત ફિલ્મ હોવા છતાં સાવ નિષ્ફળ ગઈ હતી. દર્શક પોતે એ ફિલ્મથી એટલા નારાજ હતા કે અમારે દૂરદર્શન માટે સિરિયલ બનાવવી હતી, તો ય પરવાનગી ન આપી. ફિલ્મોને કમર્શિયલ એન્ગલ આપવામાં મૂળ કથાનું પોત નબળું પડી જતું હોય છે. ઉપરાંત ઉપેન્દ્ર ત્રિવેદીની આ બીજી જ ફિલ્મ હતી એટલે તેઓ પણ લોકોમાં ખાસ જાણીતા નહોતા. અનુપમા મરાઠી અભિનેત્રી હતાં. ફિલ્મ જેસલ તોરલમાં એમને લીધાં પછી ઉપેન્દ્રભાઇએ એમને આ ફિલ્મમાં રીપીટ કર્યાં હતાં. બીજું કે, નિર્માતા-દિગ્દર્શક તરીકે નામ ઉપેન્દ્રભાઈનું હતું પરંતુ, ફાયનાન્સ કર્યું હતું સ્વદેશી માર્કેટના વેપારી રસિકભાઈએ. દિગ્દર્શન પણ એ વખતના જાણીતા ડિરેક્ટર દિનેશ રાવલનું હતું.
‘ઈપ્ટા’ નામની બહુચર્ચિત નાટ્ય સંસ્થામાંથી છૂટાં પડીને પ્રતાપ ઓઝા, દીના ગાંધી (જે લગ્ન પછી દીના પાઠક બન્યાં હતાં), લાલુભાઈ શાહ, ચંદ્રિકા શાહ, લીલા જરીવાલા, વિષ્ણુકુમાર વ્યાસ જેવાં અનેક કલાકારોએ ઈપ્ટાની રાજકીય વિચારધારા સાથે અસંમતિ દર્શાવી એમાંથી છૂટાં થઈને ૧૯૪૫ની આસપાસ ‘રંગભૂમિ’ નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાએ કેટલાંક સરસ ક્લાસિક નાટકો કર્યાં હતાં. એ વખતે ક.મા. મુનશીની ‘સાહિત્ય સંસદ’ સંસ્થા પણ નાટકો કરતી. ભારતીય વિદ્યાભવનની સ્થાપના થયાં પછી એ જ સંસ્થા ‘કલાકેન્દ્ર’માં પરિવર્તિત થઇ. ત્યાર પછી ૧૯૪૯ના અંતમાં ‘આઈ.એન.ટી.’ સંસ્થા સ્થપાઇ. એ પહેલાં ઉક્ત ત્રણ સંસ્થાઓ દ્વારા જ નાટકો થતાં હતાં. ‘ઝેર તો પીધાં ..’ નાટક ૧૯૫૬ની આસપાસ પહેલી વાર રજૂ થયું હતું.
આવી તો અનેક કથાઓ ગુજરાતી ફિલ્મો-નાટકો-ગીતો સાથે સંકળાયેલી છે. કથા-ગીતકથાઓ વરસાદની હેલી સાથે હવે દર ગુરુવારે જાણતાં અને માણતાં રહીશું. ત્યાં સુધી લીલી લીલી ઓઢણી ગીત સાંભળવાનું ચૂકતા નહીં.
https://www.youtube.com/watch?v=brL9FdO8tZc
——————————
લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે રુમઝુમ
ફૂલડાં ખીલ્યાં ફૂલડાં ઉપર ભમરા બોલે ગુનગુન
તોયે મારો સાયબો ન્યારો બેઠો સાવ સૂનમૂન ..
ડુંગર ડોલે મોરલા બોલે
આંબા ડાળે કોકિલા કલ્લોલે રે
પવન કેરો પાવો છેડે
મીઠી મીઠી ધૂન
તોયે મારો સાયબો ન્યારો બેઠો સાવ સૂનમૂન
પારેવડાંની જોડ જોને પેલી
સરવર પર ડોલે
કોડ ભર્યાં એનાં અંતરનાં અમી
એકબીજા પર ઢોળે
પગની પાનીએ સરી જતી
મારી પાયલ બોલે છૂમછૂમ
તોયે મારો સાયબો ન્યારો બેઠો સાવ સૂનમૂન
લીલી લીલી ઓઢણી ઓઢી
ધરતી ઝૂમે રુમઝુમ …
ગીત-સંગીત : અવિનાશ વ્યાસ • ગાયિકા : આશા ભોસલે
————————–
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=411656
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 07 જૂન 2018