હૈયાને દરબાર
સ્વપ્નોની દુનિયા કેવી રંગીન હોય છે! કહેવાય છે કે શમણાં તો પંખીની જાત! એને પાંખો આવે એટલે આસમાનની પેલે પાર ઊડવા જ લાગે! ગયા અઠવાડિયે એક સપનું આવ્યું ને સપનામાં દેખાઈ જૂઈ. ફરફરતી, મઘમઘતી, ડોલતી, નાચતી, ઝૂમતી, ઘૂમતી, તરંગિત અને પ્રફુલ્લિત! કો’ક સરસ મજાના માંડવે ગર્વોન્વિત ઝૂલતી હતી. પરંતુ, એનું આ સુખ તો ક્ષણિક હતું એ આ કમભાગી જૂઈને ક્યાં ખબર હતી? જૂઈને જેની પ્રતીક્ષા હતી એ છબિ આંખ સામેથી ઓઝલ થઈ રહી હતી! વિરહથી બેબાક જૂઈનું અસ્તિત્વ ખરી પડવાનું છે એ વિચારે સપનામાં જ આંખોમાં વાદળ બંધાયાં. ભેજની ભીનાશમાં આંખ ખૂલી ગઈ, સવારે છ વાગે. બેડના સાઈડ ટેબલ પર મૂકેલો ફોન ઉઠાવ્યો. યુટ્યૂબ ઑન કરીને ગીત સાંભળવાનું શરૂ કર્યું, અમથી અમથી મૂઈ, ઓલ્યા માંડવાની જૂઈ! હૃદયની ભીતરમાં એક સન્નાટો છવાયો. નાજુક-નમણી જૂઈ સ્વર્ગે સિધાવી ગઈ હતી. કમરામાં ઘેરી ઉદાસી વ્યાપી ગઈ. આંખમાંથી ધીરે-ધીરે આંસુ ટપકવા લાગ્યાં પરંતુ, મન હળવું થઈ ગયું. રુદન પણ એક થૅરપિ છે. ગળે બાઝેલો ડૂમો વહેતાં અશ્રુ કરતાં વધારે તકલીફદાયી હોય છે. બસ, એને મોકળો કરી દેવાનો.
જૂઈના બોયફ્રેન્ડ પવને એને જે માનપૂર્વક જગતમાંથી વિદાય આપી એ ક્લાઈમેક્સ કલ્પનાતીત છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ! લાગણીઓનો પણ એક સ્વાદ હોય છે. કડવો, મીઠો, તૂરો, તીખો કે ખારો! મન જલે ત્યારે હૃદય રાખ થઈ જાય છે. અને રાખમાંથી ફિનિક્સ પંખીની જેમ સંગીતના સૂર ગીત સ્વરૂપે બહાર નીકળવા લાગે પછી મન પરમ પરિતૃપ્તિ અનુભવે છે.
માંડવાની જૂઈ ગીત મનમાં કોઈક અકળ ભાવ જગાડે છે. ગુજરાતી સુગમ સંગીત સમુદ્રના મોતી જેવું મોંઘેરું ગીત છે માંડવાની જૂઈ.
જૂઈના રૂપકથી એમાં કન્યાનાં અધૂરાં રહી ગયેલાં અરમાનની વાત ફૂલ જેવી નાજુકીથી રજૂ થઈ છે. અમથી અમથી મૂઈ…માં જૂઈના અકાળે કરમાઈ ગયેલાં જીવનની વાત છે. જૂઈનું જીવન એટલે એક લાંબી તરસ. તડકામાં ઊછરી હોવા છતાં એ જિંદગીના તાપ-વિપદા અને દુ:ખોથી ડરી જાય છે એવી વાત કવિએ કેવી ગજબ રીતે વર્ણવી છે. એનો હાથ પકડનાર, એનો સંગી-સાથી છેવટ સુધી આવ્યો જ નહીં. પ્રિયતમની રાહમાં ને રાહમાં એ એક ક્ષણમાં ખરી પડી. જૂઈને જેનો ઈન્તજાર હતો એ પવન આખરે આવ્યો, પણ જૂઈના મૃત્યુ બાદ જ! જૂઈને રોજ રમાડતો, વહાલ કરતો પવન જૂઈના મોતનો મલાજો રાખે છે. પશ્ચાત્તાપરૂપે જૂઈને ઝાકળમાં નવડાવી, ધૂળમાં પોઢાવી એનાં અગ્નિસંસ્કાર કરે છે. પોતાની માનીતી, મઘમઘતી જૂઈને એ અગ્નિદેવતાને ખોળે સોંપે છે. અધૂરા રહી ગયેલા પ્રેમનું આ ગીત સ્વરના ઉતાર-ચડાવ તથા અંતરાના વૈવિધ્યને લઈને વધારે અર્થસભર બન્યું છે. એક વાર સાંભળ્યા પછી આ ગીત મનમાં લાંબા સમય સુધી વિષાદની લાગણી છોડી જાય છે. પુરૂષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનની આ કમાલ છે!
જો કે, આ ગીતની સર્જનપ્રક્રિયા બહુ રસપ્રદ છે. કારુણ્યની પરાકાષ્ઠા સમાન આ ગીત ગરબારૂપે પહેલી વાર રજૂ થયું હતું એ કોઈ માની શકે? એ વિશે વાત કરતાં પુરુષોત્તમ ઉપાધ્યાય કહે છે, "ભારતીય વિદ્યાભવનમાં ‘આ માસનાં ગીતો’ તથા ગરબાના કાર્યક્રમો અવિનાશ વ્યાસ નિયમિતપણે કરતા હતા. એમાં દીવડાનો ગરબો પત્રકાર-કવિ જીતુભાઈ મહેતા લખે અને અવિનાશભાઈ કમ્પોઝ કરે. એક વખત બન્યું એવું કે અવિનાશ વ્યાસની અતિ વ્યસ્તતાને કારણે એમણે ભવનના ગરબાના કાર્યક્રમ માટે દીવડાનું ગીત મને સ્વરબદ્ધ કરવા આપ્યું. એ ગીત હતું માંડવાની જૂઇ. ગીત કમ્પોઝ થઈ ગયું એટલે અવિનાશભાઈ અને હું જિતુભાઈ મહેતાને સંભળાવવા એમના વિલેપાર્લેના ઘરે ગયા. સંગીતના ક્ષેત્રમાં હું તો સાવ નવો હતો. ૧૫-૧૬ની ઉંમર. અવિનાશ વ્યાસના આસિસ્ટન્ટ તરીકે એમનું બધું કામ કરતો એટલે જિતુભાઈને આ ગીત મેં કમ્પોઝ કર્યું છે એવું હમણાં કહેવું નહીં એમ અવિનાશ વ્યાસે મને જણાવ્યું હતું. સ્વરાંકન તો એમને ખૂબ પસંદ આવ્યું. પાંચ દિવસના કાર્યક્રમમાં દીવડાના ગરબા તરીકે એ ગીત રજૂ થવા લાગ્યું. કાર્યક્રમના પહેલા દિવસે સંગીતકાર દિલીપ ધોળકિયા પ્રેક્ષકગણમાં બેઠા હતા. એમને એવો અંદેશો આવ્યો કે આ ગીત અવિનાશ વ્યાસનું ન હોઈ શકે. શૈલી પરથી તો પરખાઇ જાય ને! પોતાના મનનો વહેમ સાચો છે કે ખોટો એ નક્કી કરવા બીજે-ત્રીજે દિવસે પણ તેઓ કાર્યક્રમમાં આવ્યા અને ત્રીજા દિવસે બેકસ્ટેજમાં આવી મને કહ્યું કે આ ગીત તેં કમ્પોઝ કર્યું છે ને? હું તો મૌન હતો ત્યારે અવિનાશ વ્યાસ જ બોલ્યા કે, "હા આ ગીત પશવા (પુરુષોત્તમભાઇને લાડથી એ પશવો કહેતા) એ સ્વરબદ્ધ કર્યું છે. એને આ ગીતની ક્રેડિટ આપવી જ જોઈએ.
આમ કાર્યક્રમના ચોથા અને પાંચમા દિવસે સ્વરકાર તરીકે પુરુષોત્તમ ઉપાધ્યાયનું નામ પહેલી વાર ભવન્સના ઓડિટોરિયમમાં અનાઉન્સ થયું, જે નામ આજે સુગમ સંગીતનો પર્યાય બની ગયું છે. પુરુષોત્તમ ઉપાધ્યાયની કારકિર્દીનું સૌપ્રથમ ગીત હોવા છતાં આજે પણ એટલું જ લોકપ્રિય છે.
એવું તે શું છે આ માણસનાં સંગીતમાં કે તે આટલી બધી અસર કરે છે? મને લાગે છે કે સૌથી વધુ સ્પર્શતી બાબત એ એમના ભાવસભર અવાજની, એમની રજૂઆતની અને એમના સંગીતની તાજગીની છે. એક જ ગીત એમની પાસે અનેકવાર સાંભળો છતાં એ તાજું જ લાગે. ગુજરાતી સુગમસંગીત પુરુષોત્તમભાઇને પામીને ધન્ય બની ગયું છે. ગુજરાતી સુગમસંગીતનો એ શ્વાસ છે.
એમની સંગીતસમૃદ્ધ દીકરીઓ વિરાજ-બીજલે પિતા પુરુષોત્તમ વિશે બિલકુલ યથોચિત વાત લખી છે. "એમની પાસેથી અમે સંગીતની ઘણી બારીકાઇ શીખ્યાં છીએ. હારમોનિયની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ શીખ્યાં છીએ. પપ્પા બેસ્ટ પરફોર્મર છે. ઉત્તમ ગાયક, ઉત્તમ સ્વરાંકન, ઉત્તમ કવિતા – આમ, બધું જ ઉત્તમ ભેગું થાય ત્યારે શ્રેષ્ઠ ‘- પરફોર્મરનો જન્મ થાય છે. એમનાં ગીતો અમે હજ્જારો વાર હજ્જારોની સંખ્યામાં એમના જ કંઠે સાંભળ્યા છે છતાંયે અમને કાન છુટ્ટો’ કરવાનું મન ક્યારેક નથી થયું. પપ્પાનું સંગીત અમને વધુ ગુજરાતી બનાવે છે. પપ્પાથી સંગીત જેટલું નજીક એટલાં જ નજીક અમે. પપ્પાનું ઘર એટલે સંગીતનું નગર. વોશ-બેસિનના ખળખળ વહેતા નળમાંથી પણ તમે ‘સા’ ઘૂંટી શકો એવો સુરીલો માહોલ ..!
વાહ, ક્યા બાત હૈ! આવો માહોલ ભાગ્યશાળીને જ મળે.
સંગીતના જ નહીં, જિંદગીના આરોહ-અવરોહ જેમણે જોયાં છે એ પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ૧૯૩૨માં, ઉત્તરસંડા નામના ગામમાં. આમ તો એ પટેલોનું ગામ. બ્રાહ્મણનાં બે-ચાર ખોરડાં, તેમાંથી એક બ્રાહ્મણ કુટુંબની મા અને દીકરીઓ નવરાત્રીમાં ગરબા ગવડાવે સાથે નાનો ભાઈ પુરુષોત્તમ પણ જાય. એને પણ છોકરી જેવાં જ કપડાં મા પહેરાવે. લ્હાણી મળવાની હોંશે નાનકડો પુરુષોત્તમ બહેનો સાથે નવરાત્રીમાં ગરબા ગાવા જાય. આમ, સહજપણે સંગીતના સૂર સિંચાતા ગયા. છ વર્ષની વયે ૧૭ વન્સમોર મેળવનાર પુરુષોત્તમ ઉપાધ્યાય સિર્ફ નામ હી કાફી હૈ. ગામ છોડી મુંબઈ આવ્યા ત્યારે તો ખરેખર એમણે ખરેખર ચણા ફાકીને ગુજારો કરવો પડ્યો હતો. મંગલવાડીમાં સંગીતકાર કલ્યાણજીભાઈની સામે જીવણલાલ કવિ રહેતા. એ યુવા પુરુષોત્તમને પોતાના ઘરે લઈ ગયા. સૂવાનું ઘરના ઓટલે. સાફ-સફાઈ કરવાની, પાણી ભરવાનાં આ બધાં કામો તો ખરાં જ. એવામાં અવિનાશ વ્યાસની સાથે પુરુષોત્તમભાઈની મુલાકાત એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં થઈ અને તેમનું સમયચક્ર ફરી ગયું. અવિનાશ વ્યાસ સાથે શરૂમાં તો કોરસમાં ગાવાનું શરૂ કર્યું. એક ગીતના રૂપિયા ૧૦ મળે. એ રીતે મહિને સો દોઢસો રૂપિયાની કમાણી થવા લાગી. સાથે ગીતો સ્વરબદ્ધ કરવાની અગત્યની તાલીમ પણ તેઓ પામતા ગયા. અવિનાશ વ્યાસની સાથે રહીને લતા મંગેશકર, આશા ભોંસલે જેવા અનેક કલાકારોના પરિચયમાં આવવાનું થતું ગયું. એ વખતે મંગેશકર ફેમિલી નાનાચોકમાં રહે અને આશાતાઇ ત્યારે ગામદેવીની રેશનિંગ ઓફિસમાં કામ કરતાં હતાં. સંગીતમય વાતાવરણમાં પુરુષોત્તમભાઈનું ઘડતર થતું ગયું.
પુરુષોત્તમભાઈએ સૌપ્રથમ સ્વરબદ્ધ કરેલા ગીત માંડવાની જૂઈના કવિ એટલે ‘મુંબઈ સમાચાર’માં જ કટારલેખક રહી ચૂકેલા જિતુભાઈ મહેતા. આવતી પહેલી જુલાઈએ બીજી શતાબ્દીના ઓવારે પહોંચેલા ૧૯૮ વર્ષના 'મુંબઈ સમાચારે' પ્રતિબદ્ધ પત્રકારો તો આપ્યા જ છે પરંતુ, શૂન્ય પાલનપુરી અને જિતુભાઇ મહેતા જેવા કવિઓ પણ આપ્યા છે.
જિતુભાઈ મહેતા વિશે સાહિત્યકાર અને લેખક દીપક મહેતા એમના પુસ્તક ‘આપણા સારસ્વતો- પ્રત્યક્ષ અને પરોક્ષ’માં જિતુભાઈની સ્વભાવગત લાક્ષણિકતાઓ દર્શાવતા લખે છે કે, "તેઓ અજવાળી કેડીના અલગારી મુસાફર હતા. પત્રકાર તરીકે અનેક વિષયો પર પુષ્કળ લખ્યું છતાં શાસ્ત્રીય સંગીત, લોકસંગીત, નાટ્ય સંગીત, ફિલ્મ સંગીત, સુગમ સંગીત અને પશ્ચિમી સંગીતના માત્ર રસિયા નહીં ઊંડા જાણકાર પણ ખરા. રંગભૂમિ તથા ફિલ્મો સાથે સંકળાયેલા હતા તેમ જ વર્ષો સુધી નવરાત્રિ પ્રસંગે ભગિની સમાજના કાર્યક્રમ માટે ગરબા-રાસ લખતા. એમનો પંખી પ્રેમ એવો કે જાણે પોતાના કુટુંબીજનો હોય એટલી આત્મીયતાથી ઓળખે. વાતમાં બીજાને તો ભીંજવે પણ, પોતે ય ભીંજાય.
આવા ભીંજવી જનારા કવિ પાસેથી આવું હૃદયસ્પર્શી ગીત ના મળે તો જ નવાઈ! આ ગીત પહેલાં તો પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ અને પિનાકિન મહેતાના અવાજમાં રેકોર્ડ થયું હતું. ત્યારબાદ, આશિત દેસાઈ, પાર્થિવ ગોહિલ ઈત્યાદિના અવાજમાં પણ ધ્વનિમુદ્રિત થયું. રાગ શંકરા-હંસધ્વનિની છાંટ ધરાવતું આ ગીત હજુ સુધી ન સાંભળ્યું હોય તો આજે જ સાંભળજો. તમને ચોક્કસ ગમશે.
———————-
અમથી અમથી મૂઈ ! ઓલ્યા માંડવાની જૂઈ !
કંપી કંપીને એ જીવન જીવી ગઈ
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ
એની કાયામાં સુવાસ, જોબન શમણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ !
કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું એ હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ધૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ
• કવિ : જિતુભાઈ મહેતા • સંગીતકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
પુરુષોત્તમ ઉપાધ્યાયને કંઠે :
https://www.youtube.com/watch?v=z0Ef68V_7fk
પુરુષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઈ, પાર્થિવ ગોહિલને કંઠે :
મૂળ ગાયકો : પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ, પિનાકિન મહેતાને કંઠે :
https://drive.google.com/file/d/1QdSa-GQYXw86fNjgy9B79JntaQh22Sq9/view
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=530996
સૌજન્ય : 'લાડકી' પૂર્તિ, "મુંબઈ સમાચાર", 27 જૂન 2019