દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા પછી દેશમાં અમદાવાદમાં કોચરબ ખાતે આશ્રમ સ્થાપીને ગાંધીજીએ આશ્રમીજીવન એટલું જ સત્યાગ્રહી જીવન આરંભ્યું એ પવિત્ર ભૂમિ પર – રચના અને સંઘર્ષ બંને કામો સમાંતરે કરતા રહીને ગાંધીને ખરા અર્થમાં જીવનાર – ચુનીભાઈ વૈદ્યના સ્મૃિતગ્રંથ ‘અગ્નિપુષ્પ’ના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. દિવસ હતો, ૧૯ ડિસેમ્બર ને શનિવાર. ઢળતી બપોરે કાર્યક્રમ સ્થળ પર એકાદ કલાક પહેલાં પહોંચવાનું થયું ત્યારે ખુરશીઓ ગોઠવાઈ રહી હતી. સ્ટેજ સજી ચૂક્યું હતું. ડિસેમ્બરની ઠંડીમાં બપોરના કૂણા તડકા અને મંદ સ્વરે સંભળાતા ગાંધીગીતોથી વાતાવરણ બની રહ્યું હતું. આમંત્રિતો આવ્યાં તેમ વિશેષ ઉપસ્થિત મહાનુભાવો પણ આવ્યા. જેમાં ખરા અર્થમાં ન્યાયાધીશ રહેનારા ચંદ્રશેખર ધર્માધિકારી હતા, વંચિતોના વકીલ ગિરીશ પટેલ હતા, કંપની અને સરકારની મિલીભગતથી થઈ રહેલા વિકાસની દોટમાં જમીન ખોઈ રહેલાં આદિવાસી-ખેડૂતોના હામી પી. રાજગોપાલ હતા, કાર્યક્રમના આયોજક ગુજરાત લોકસમિતિના અધ્યક્ષ ગોવિંદભાઈ રાવલ હતા અને નિસબતના કામમાં હંમેશની ઉપસ્થિતિ રાખનારા પ્રકાશ ન. શાહ પણ હતા જ હતા. નિશ્ચિત સમય કરતાં લગભગ વીસેક મિનિટ મોડે જ્યારે અધ્યાપક અને કાર્યક્રમના સંચાલક સંજય ભાવેએ માઈક પર તેમનો સંવેદનસભર ધ્વનિ સંભળાવ્યો, ત્યાં સુધીમાં એવી ખાતરી થઈ ચૂકી હતી કે આ એક પરફેક્ટ કાર્યક્રમ થવાનો છે.
સુશ્રી મેઘશ્રી ભાવેએ સાને ગુરુજીની પ્રાર્થના ‘ખરો તો એક છે ધર્મ જગતને અર્પણનો …’ ગાઈને કાર્યક્રમની શુભ શરૂઆત કરાવી. સંજય ભાવેએ મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવ્યો અને કાર્યક્રમમાં સામેલ થનારા સામાન્યજન, આંદોલનવીરો, પત્રકારો, સામાજિક કાર્યકર્તા અને દૂરસુદૂરથી આવેલા ચુનીકાકાના ચાહકોનો આભાર માન્યો. વિગતે ચુનીકાકાની અને થોડી પુસ્તક વિશે પણ વાત મૂકી. સંજય ભાવેએ ચુનીકાકાના હયાતીમાં જ તેમના વિશે ગ્રંથ તૈયાર થવો જોઈએ તે માટે વરાયેલી અભિવાદન-સંપાદન સમિતિ અને એ પછી આગળ વધેલા કામ વિશે ટૂંકમાં વિગત આપી. પણ પછી ગ્રંથમાં જોડાનાર સહુની વ્યસ્તતા અને અન્ય કારણોસર કામમાં આવેલી શિથિલતા અને એ પછી ઇલાબહેન પાઠકની માંદગી-અવસાન એ પછી ચુનીકાકાનું અવસાન વગેરે કારણોસર ગ્રંથ તેમની હયાતીમાં પ્રકાશિત ન થઈ શક્યો તેનો ઊંડો ખેદ વ્યક્ત કર્યો. ગ્રંથના સંપાદક કેતન રૂપેરાએ સંપાદકીયમાં કરેલા તેના ઉલ્લેખ વિશે પણ વાત કરી. પણ હવે આજે ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે તેનો આનંદ છે ત્યારે ચુનીકાકાની હાજરી નહીં હોવાનો રંજ પણ વ્યક્ત કર્યો.
ચિત્રમાં ડાબેથી, પ્રકાશભાઈ ન. શાહ, ગોવિંદભાઈ રાવલ, ગિરીશભાઈ પટેલ, ચન્દ્રશેખર ધર્માધિકારી તથા પી.વી. રાજગોપાલ દૃષ્ટિમાન છે. [છબિસૌજન્ય : અશ્વનિકુમાર ચૌહાણ]
પુસ્તકવિમોચન કાર્યક્રમમાં સામાન્યપણે જોવા મળે છે એમ અહીં પુસ્તક/ગ્રંથને ગિફ્ટ પૅક કરવામાં નહોતા આવ્યા, બલકે ચુનીભાઈ વૈદ્યને તેમના આસામનિવાસના સ્મરણરૂપે આસામની બહેનોએ આપેલા ગમછામાં ગ્રંથને વીંટાળીને રાખવામાં આવ્યા હતા. જેવી સુંદરતા અને નજાકત આ ગમછામાં હતી એવી જ નાજુક રીતે મંચસ્થ મહાનુભાવો દ્વારા તેના પડ ખોલવામાં આવ્યા. આ દૃશ્ય એક પ્રકારની કલાત્મકતા અને સુંદરતા ખડું કરતું હતું. જેવો ગ્રંથ ઊંચકાયો અને સૌ ઉપસ્થિતોએ જોયો એ સાથે જ ‘મંગલ, મંગલ, મંગલ હો … શુભ મંગલ મંગલ મંગલ હો …’ ગીત વાતાવરણમાં ગુંજી ઉઠ્યું. સાથે જ સંચાલક દ્વારા જાહેરાત કરવામાં આવી કે રૂપિયા ૨૫૦ની કિંમતના ગ્રંથની વેચાણકિંમત આજના દિવસે જ માત્ર ૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે. વિમોચન થયા પછી સંચાલકે ટૂંકાણમાં પુસ્તકના કુલ પાનાં, ફોટોગ્રાફ્સ, તેના વિભાગ—જીવન, સમિરન અને મંથન—ઉપરાંત લખાણો વિશે અછડતી માહિતી હતી અને ગ્રંથનું સંપાદન સંભાળવારા કેતન રૂપેરાને પોતાનો અનુભવ રજૂ કરવા આમંત્રણ આપ્યું.
સ્વાભાવિક સંશોધનવૃત્તિથી ધ્યાનાકર્ષક સંપાદન પૂરું પાડનાર સંપાદક સ્ટેજ પર પોતાના અનુભવ જણાવવા આવ્યા. પોતાની કેફિયત માંડતા તેમણે ગ્રંથના અનુભવ અંગે ‘સંપાદક વક્તવ્ય આપે એ કરતાં, લખેલું વાંચે એ કદાચ સંપાદકીય કાર્યને વધારે શોભે’ કહીને ઘણું ખરું વાંચીને જ સંપાદકીય સફર વર્ણવી. વર્ષ ૨૦૦૫માં પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે ગુજરાતમાં ચુનીકાકા જેવી કોઈ ઘટના છે, તેનાથી બેખબર પત્રકાર લેખકે એક વાર તેમના વિશેનું સંપાદન હાથ પર લીધા પછી તેમાં કેવા ઓતપ્રોત થઈને કાર્ય પૂરું કર્યું તેનું બખૂબી બયાન કર્યું. ચુનીકાકાના આંદોલનોનું મુખપત્ર બની રહેલા ‘લોકસ્વરાજ’ના લખાણોમાં કેવી રીતે ખૂંપવાનું થયું અને તેમાંથી પાછાં વળવાનો પ્રશ્ન કેવો વિકટ થઈ પડ્યો તે અંગે પણ વાત મૂકી.
એ પછી ગોવિંદભાઈ રાવલને વક્તવ્ય માટે આમંત્રણ આપવામાં આવ્યું. ગુજરાત લોકસમિતિના અધ્યક્ષ ગોવિંદભાઈ રાવલનો ચુનીકાકા સાથેનો નાતો લાંબા અરસાનો. તેમણે ચુનીકાકા સાથેના પોતાના મૈત્રીભર્યો સંબંધો વિશે જણાવ્યું. આ સાથે ચુનીકાકાની સમાજના વંચિતો પ્રત્યેની પ્રતિબદ્ધતાના વાત આગળ વધારી, પણ ઉધરસે તેમના વક્તવ્યને ટૂંકાવી દીધું. તેમનાથી જેટલું પણ બોલી શકાયું તેમાં કહ્યું કે થોડાં વર્ષો પહેલાં તેમણે ચુનીકાકા વિશે ‘લોકસ્વરાજ’માં લેખ લખ્યો હતો તેનું શીર્ષક ‘અગ્નિપુષ્પ’ આપ્યું હતું. ગ્રંથનું નામ પણ એ જ રહેતાં તેમણે આનંદ વ્યક્ત કર્યો. (આ અંગે સંપાદક સાથે વ્યક્તિગત વાતચીતમાં જાણવા મળ્યું કે ગ્રંથના પરામર્શક પ્રકાશ ન. શાહ અને તેમની વચ્ચેના સંવાદમાંથી ઊભરી આવેલું આ નામ, વર્ષો અગાઉ ગોવિંદ રાવલે લખેલા લેખનું શીર્ષક પણ હતું એ જાણતા તેમને સુખદ આશ્વર્ય થયું હતું. પછીથી ગોવિંદભાઈએ તે લેખ પણ મોકલી આપ્યો.)
પ્રકાશ ન. શાહે તેમના વક્તવ્યની શરૂઆત કબીરના દોહા ‘ગુરુ-ગોવિંદ દોનો ખડે …’ની પંક્તિ પર આગળ વધતા ‘ગોવિંદ-ગિરીશ દોનો બૈઠે, કિસકો લાગું પાય …’ કહીને કરી. ગંભીરમાં ગંભીર વાતને પણ હળવાશથી મૂકી આપતા પ્રકાશ ન. શાહના વક્તવ્યથી પરિચિત શ્રોતાઓ માટે સ્વાભાવિક ક્રમમાં જ આ અપેક્ષિત હતું. ચુનીકાકા સાથેના તેમના સંબંધો, તેમની આત્મીયતા અને બંને એકબીજા સાથે મતભેદના મુદ્દે કેટલી છૂટછાટ લઈ શકતા હતા તેની વાત કરી. ચુનીકાકાના જાહેર જીવન વિશે એક લટાર પણ મરાવી, તો ય પ્રકાશભાઈનું વક્તવ્ય ટૂંકું રહ્યું. ચુનીકાકાએ કટોકટી દરમિયાન જેલના દિવસોમાં જેમને પોતાના ‘વારસ’ ઘોષિત કર્યા હતા એવા પ્રકાશ ન. શાહ થોડું લાંબુ બોલીને પણ શ્રોતાઓને વધુ મજા કરાવી શક્યા હોત અને તેમ છતાં વકતવ્ય માહિતી-જ્ઞાન-અનુભવવર્ધક રહ્યું હોત!
ખેર, એ પછી સંજય ભાવેએ નર્મદા આંદોલન વખતે સામે અને મહુવા આંદોલન વખતે સાથે એવા ગિરીશભાઈની ઍકૅડૅમિક કરિયર વિશે ઓછી જાણીતી વિગતો પૂરી પાડીને ગિરીશ પટેલને નોતર્યા. ગિરીશભાઈએ પણ પોતાના સંબંધો ચુનીકાકા સાથે કેવા રહ્યાં, તેઓ આંદોલનમાં કેવી રીતે એકમેકને સાથ આપતાં અને વિચારભેદ સાથે પણ કેવી રીતે કામ પાર પાડતા એ મુદ્દા પોતાના વક્તવ્યમાં વણ્યાં. ગિરીશભાઈ આવ્યા ત્યારે કાર્યક્રમ તેની ‘પિક’ પર જઈ રહ્યો હતો, પણ કેમ જાણે ગિરીશભાઈ આ વખતે કાયમની જેમ ખીલી ન શક્યા એવું લાગ્યું. છેલ્લે જ્યારે તેમને વિજયસિંહ પરમાર લિખિત કનુભાઈ કળસરિયાના જીવનસંસ્મરણોના પુસ્તક ‘પીડ પરાઈ જાણે રે’ વખતે સાંભળ્યા હતા ને ધન્ય થવાયું હતું એનું પુનરાવર્તન ન થયું, તેનો ખેદ.
ગિરીશભાઈનું વક્તવ્ય પૂરું થતા કાર્યક્રમમાં શાંત-સ્થિર થઈને દોઢ કલાકથી બેસેલા શ્રોતાઓમાં થોડી ચણભણ જોવા મળી. કાર્યક્રમ થોડો લંબાઈ રહ્યો હોય તેમ લાગ્યું. પણ પી. રાજગોપાલે આવીને પોતાની દક્ષિણી શૈલીમાં હિન્દીમાં જે વક્તવ્ય આપ્યું તેનાથી શ્રોતાઓનો કંટાળો દૂર થયો. ચુનીકાકાના જાહેરજીવનનું ફલક કેટલું વ્યાપક રહ્યું છે, તેનો અંદાજો પી.રાજગોપાલ પોતાના વક્તવ્યમાં કરાવી શક્યા. કહેવાતા વિકાસની દોટમાં જેઓ ભોગ બને છે તેઓ તો તેમાંથી મુક્ત થાય જ પણ જેમના દ્વારા (સરકાર, કંપની વગેરે) તેમનો ભોગ લેવાઈ રહ્યો છે તેઓ પણ તેમની વધુ મહત્ત્વાકાંક્ષા, લાલચ, ભ્રષ્ટાચાર વગેરેમાંથી મુક્ત થાય એવા ગાંધીવિચાર સાથે જોડતા ‘ટ્રાન્સફોર્મેશન ઑફ પોલિટિક્સ’ની વાત કરીને કંટાળેલા શ્રોતાઓમાં તાજગી લાવી દીધી હોય એમ જણાયું. શ્રોતાઓમાંથી મોટાભાગનાએ પહેલી વાર જ સાંભળવા મળ્યા હોય એવા પુસ્તકોના સંદર્ભ ટાંકીને પી. રાજગોપાલે સરકાર કે કંપની સાથે બાથ ભીડનાર માણસ કેવા અભ્યાસી હોવા જોઈએ તેનો પણ દાખલો પૂરો પાડ્યો.
કાર્યક્રમ આટલો આગળ વધ્યો ત્યારે ચંદ્રશેખર ધર્માધિકારીની ઉપસ્થિતિ વિસરાઈ ચૂકી હોય એમ લાગ્યું, પરંતુ જેવા તેઓ માઈક પર આવ્યા, તેમણે પોતાની વાતોથી શ્રોતાઓને જકડી લીધા. ચંદ્રશેખરનું વક્તવ્ય અભ્યાસીઓએ કાન દઈને સાંભળવા જેવું હતું. એમાં ય તેઓ ન્યાયમૂર્તિ બન્યા ને વિનોબા ભાવેના આશીર્વાદ લેવા ગયા ત્યારે તેમણે કહ્યું કે તું નર્કમાં જઈશ, પૂછ્યું કેમ? તો વિનોબા કહે, ન્યાયાધિશો માત્ર સાક્ષીઓ અને પુરાવાના આધારે નિર્ણય આપે છે. સાક્ષીઓ સાચું બોલતા નથી અને કાગળો પણ સાચા હોતા નથી. એના આધારે અપાયેલો ન્યાય કેવી રીતે સાચો હોય? સોમાંથી નવ્વાણુ ચુકાદા આમ અપાય છે અને એકાદ સાચો ચુકાદો અપાય તો એનો તો તમને પગાર મળે છે. પછી બાકીના ચુકાદા માટે નર્કમાં જ જવાનું થાય ને! આ સંવાદે શ્રોતાઓમાં હાસ્ય લહેરાવી દીધું. પણ ધર્માધિકારીએ કહેલી આ સાચી, કડવી, નક્કર હકીકત હતી કે આપણું ન્યાયતંત્ર આમ જ ચાલે છે. છેલ્લે નિર્ભયા પર બળાત્કાર ગુજારનાર સગીર (?) ગૂનેગારનું છૂટી જવું એ તેનો ચોટડુક દાખલો છે. પી. રાજગોપાલ અને ચંદ્રશેખર ધર્માધિકારી, એમ બંનેનો પરિચય સર્વ સેવા સંઘના અધ્યક્ષ મહાદેવ વિદ્રોહીએ આપ્યો, જે યોગ્ય જ રહ્યું.
અંતે ડીએસઓના મિત્રો જયેશ પટેલ, દિલીપ સતાસિયા, રિમ્મી વાઘેલા વગેરેએ ‘ડંકો વાગ્યો, લડવૈયા શૂરા જાગજો રે …’ ગાઈને યોગ્ય રીતે જ પ્રસંગને અનુરૂપ માહોલ સર્જી દીધો. કોઈકની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે ચુનીકાકાનું આ પ્રિય ગીત હતું. માત્ર એક ડફલીમાં સ્વરબદ્ધ થયેલા આ ગીતથી શ્રોતાઓમાં કાર્યક્રમના અંતે ભાગ્યે જ જોવા મળે તેવું જોમ પૂરી દીધું. આ ગીત જ્યારે સ્ટેજ પરથી ગવાઈ રહ્યું હતું, ત્યારે પ્રથમ હરોળમાં બેઠેલા કનુભાઈ કળસરિયાને પણ તેમાં સ્વર પૂરતાં જોયાં.
ગીત પૂરું થતા ચુનીકાકાના દોહિત્રી અને એનએફડી (નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ) સાથે સંકળાયેલા મુદિતા વિદ્રોહીએ તૈયાર કરેલી ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી. પણ કદાચ શિયાળાની ઠંડી અને તેના કારણે કકડીને લાગેલી ભૂખને લીધે શ્રોતાઓ ભોજનને ન્યાય આપવા આગળ વધી ગયા હતા. આ ઘટનાએ થોડી અવ્યવસ્થા સર્જી હોય તેવું લાગ્યું પણ નીતા મહાદેવનાં લાગણીસભર આભારવચનોએ કાર્યક્રમને ખરે જ સ્નેહસભર મુકામ પર પહોંચાડ્યો. પહેલી પુણ્યતિથિએ સ્મૃિતગ્રંથ પ્રકાશિત થયાનો આનંદ ચુનીકાકાની હયાતીમાં અભિવાદન ગ્રંથ ન તૈયાર થઈ શકવાને વળોટી ગયો હતો, તેવું તેમને સાંભળતાં લાગ્યું. ગ્રંથ તૈયાર કરવામાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે એટલા બધા લોકોની હૂંફ અને પ્રોત્સાહન રહ્યા હતા કે વધુ લોકોનાં નામ બોલવા જાય તો કદાચ કોઈનાં નામ બાકી રહી જાય, એવી ઉત્તુંગ સંવેદનશીલતાએ એમણે ગ્રંથ સાથે લાગણીથી જોડાયેલા સૌનો આભાર માન્યો.
અંતે ગ્રંથની થોડી વાત. લોકાર્પણ દિવસે માત્ર રૂપિયા ૧૦૦ની કિમંતે, પણ રૂ. ૨૫૦ની વેચાણકિંમત (મુખ્ય વિક્રેતાઃ ગૂર્જર એજન્સી)નો આ ગ્રંથ જોતાં હાલના સમયમાં સહેજે એની બજાર કિંમત ૫૦૦થી ઓછી ન હોય તેમ જણાય છે. આ તો થઈ ગ્રંથના પ્રોડક્શનની ગુણવત્તાની વાત પણ આવનારા સમયમાં ચુનીકાકાને સમગ્રતઃ જોવા માટે આ ગ્રંથ શ્રેષ્ઠ દસ્તાવેજીકરણ ન બની રહે તો જ નવાઈ! સંપાદકીય વાંચતા, સંપાદકે માત્ર શબ્દોથી નિસબત નથી દાખવી પણ ચુનીકાકાના વ્યક્તિત્વમાં પણ પૂરતા ખૂંપીને તૈયાર કર્યું હોય તેવું અનુભવાય છે. આ ઉપરાંત કુલ ત્રણ સંપાદકીય નોંધ અને ‘સુજ્ઞ વાચકોને’ નોંધ વાચકોનો સંપાદક સાથે સંવાદ કરાવી જાય છે તો અનેક ઠેકાણે ‘ભૂમિપુત્ર’ અને ‘લોકસ્વરાજ’ના અંશો વાચકોનો ચુનીકાકા સાથે નાતો જોડી આપે છે. ગ્રંથ માટે કાગળની પસંદગી, ગ્રંથની સાઈઝ, બાંધણી, ડિઝાઈન વગેરે પણ ગ્રંથ હાથમાં લેતા જ એક અલગ અનુભૂતિ કરાવી જાય છે.
e.mail : kirankapure@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016; પૃ. 14-15