છેલ્લા થોડા દિવસથી મનમાં એવું થતું હતું કે માવજીભાઈ સાથે વાત નથી થઈ. ફોન કરવો છે, પણ કેટલાંક કારણોસર રહી જતું હતું. ત્યાં શૈલેષભાઈ(માવજી સાવલાના પુત્ર)ના ઇમેઇલથી સમાચાર મળ્યા કે માવજીભાઈએ ૮૫ વર્ષની ઉંમરે વિદાય લીધી. (તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૫)
માવજીભાઈને સૌપ્રથમ વખત મળવાનું બનેલું ‘વિચારવલોણું’ના તંત્રી સુરેશ પરીખના ષષ્ટિપૂર્તિ સમારોહમાં. અમારી વચ્ચે ઉંમરનો ઘણો તફાવત હોવા છતાં અનેરી મૈત્રી હતી. અને એક પ્રેમાળ મિત્ર તરીકેના માવજી સાવલાનો સ્નેહ મારી જેમ અનેકને મળ્યો હશે. એમને ગુજરાત દાર્શનિક એમ કહું તો પણ ખોટું નથી જ. એમણે અભ્યાસ પણ ફિલોસૉફીનો કરેલો અને પીએચ.ડી.નું કાર્ય પણ એમાં જ કર્યું જે એમણે કેટલાક કારણસર છોડી દીધેલું. બહુ મોટા વાચક અને તેટલા જ મોટા વિચારક. લખ્યું પણ ઘણું જ – પાંસઠ (૬૫) જેટલાં એમનાં પુસ્તકો. વિવેચનમાં અત્યંત નિખાલસ અભિપ્રાય આપે. અને એમના સાચા અભિપ્રાયથી પણ કોઈ નારાજ થાય તો તેનુંયે દુઃખ વ્યક્ત કરે.
માવજીભાઈએ સર્જનાત્મક સાહિત્ય સાથે અનુવાદનું પણ ખાસ્સું કામ કરેલું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના મોટા વાચક અને એમના ઉપર ટાગોરનો પ્રભાવ પણ ખરો. ‘ગીતાંજલિ’નો સારાનુવાદ પણ કરેલો. વિદેશી – અંગ્રેજી સાહિત્યના પણ અનેરા વાચક. જર્મન લેખક હરમાન હેસના બહુ મોટા ચાહક. હેસની ‘સિદ્ધાર્થ’ એમની પ્રિય કૃતિ. આ નવલકથાનો અનુવાદ અને નાટ્યરૂપાંતર પણ એમણે કરેલાં. પણ કોઈ કારણસર એમને આ નવલકથા ઉપરથી સર્જાયેલી ફિલ્મ ‘સિદ્ધાર્થ’ જોવાની રહી ગઈ હતી. એની વાત એમણે કરેલી અને મેં એમને આ ફિલ્મની સીડી મોકલી ત્યારે બહુ પ્રસન્ન થયેલા. કેટલાક મિત્રોને પણ બતાવેલી અને તેના વિશે લેખ પણ કરેલો. મેં શુદ્રકના ‘મૃચ્છકટિકમ્’ ઉપરથી સર્જાયેલી ફિલ્મ ‘ઉત્સવ’ ઉપર એક પ્રવચન આપેલું, જે પછીથી ‘શબ્દસૃષ્ટિ’માં પ્રગટ થયેલું. તે વાંચીને તરત જ મને તે ફિલ્મ તેમને જોવાની ઇચ્છા છે તેવો ફોન કરેલો. આ માવજીભાઈ ફિલ્મો જોવાના બહુ શોખીન હતા અને એમના યુવાનીના દિવસોમાં એમની એક ફિલ્મ સર્જવાની-દિગ્દર્શિત કરવાની ઇચ્છા પણ હતી. ગુર્જીફનો પરિચય પણ ગુજરાતી વાચકોને માવજીભાઈએ કરાવેલો.
એક સાચા ફિલોસૉફરની જેમ એમણે અળગા રહીને કેટલાં ય કાર્યો કરેલાં. જન્મે જૈન ધર્મના હોવા છતાં અન્ય જૈનોની જેમ જૈનવિચારના પ્રચારમાં નહીં. એટલું જ નહીં, મન અને હૃદયથી પણ અત્યંત ખુલ્લા. અળગા એટલે કેવા અળગા કે પુત્રના લગ્નની જાનમાં પોતે જ નહોતા ગયા. ફિલોસૉફીના ક્ષેત્રમાં પોતાનું આગવું પ્રદાન આપી શકે તેવા સક્ષમ હોવા છતાં એમણે ખાસ કશું જ ન લખીને ગુજરાતી વાચકોને થોડો અન્યાય કર્યો છે તેવું મારું માનવું છે. આ વાત એમને કરેલી ત્યારે એમણે ફક્ત સ્મિત કરેલું. એ ‘ઍપ્લાઇડ ફિલોસૉફી સેન્ટર’ પણ ચલાવતા. જીવનના છેલ્લા દિવસો સુધી એમનું લેખન ચાલુ રહેલું. એટલું જ નહીં, પત્રો લખવાના પણ શોખીન. એમનો મિત્રવર્ગ બહુ બહોળો હતો. એ બધા સાથે એમનો જીવંત સંપર્ક. એમણે લખેલા અને એમના ઉપર આવેલા પત્રો વિશે ‘ઓળખ’માં તેઓ નિયમિત લખતા. એક મોબાઇલ ફોન પણ સાથે રાખતા – ફોન કરવા નહીં, પણ એમને ગમતાં જૂના ગીતોને સાંભળવા માટે. મિત્રો એમને ‘નાલંદા-ગાંધીધામ વિદ્યાપીઠ’ તરીકે ઓળખતા હતા. એમના માટે આ અત્યંત યોગ્ય ઓળખાણ છે. એવું જ એક મહત્ત્વનું કાર્ય તે કચ્છી ભાષાને બંધારણના આઠમા પરિશિષ્ટમાં સ્થાન અપાવવાનું એમણે કરેલું.
માવજી સાવલા નામની વ્યક્તિએ દેહ છોડ્યો છે, પણ એમનો અક્ષરદેહ સદા આપણી વચ્ચે રહેશે. એમનાં પુસ્તકો, પત્રો અને હૂંફ ભરેલો સ્નેહ સદા સ્મરણીય રહેશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 16