સુધાબહેન વશીનું અમેરિકા ખાતે ૭૬ વર્ષની ઉંમરે અવસાન થયું. બે-એક વર્ષ પહેલાં ભાવનગરમાં અહિચ્છડા સંસ્કાર કેન્દ્રમાં એક શોકાંજલિ-પ્રાર્થના સભામાં સુધાબહેનને મળવાનું બનેલું. તેમનાં મોટાં બહેન ઉષાબહેન રામનારાયણ પાઠકે મને તેમનો પરિચય કરાવ્યો. તે પહેલાં સુધાબહેનના અનુવાદનું એક સુંદર પુસ્તક વાંચવાનો લાભ ઉષાબહેનના કારણે પ્રાપ્ત થયો હતો. તેથી સુધાબહેનના વ્યક્તિત્વનો પરોક્ષ પરિચય થયો હતો.
પાઠક કુટુંબનાં આ બંને બહેનોનાં બીજાં બે ભાંડુ તે (સ્વ.) ભારતીબહેન અને ડૉ. સતીશ પાઠક. પિતા રામનારાયણ નાગરદાસ પાઠક અને માતા નર્મદાબહેન. પિતા નૂતન બાલશિક્ષણ દક્ષિણામૂર્તિના ઉત્તમ શિક્ષક, સાહિત્યકાર અને ખેતીકાર્યમાં પ્રવૃત્ત, માતા ખેતી ક્ષેત્રે નિષ્ણાત. પતિ-પત્ની બંને ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રીમ સેનાની હતાં. ગાંધીચીંધ્યા રાહે ગામડામાં જઈને બેઠાં હતાં. ચારેય સંતાનોએ પિતા તથા માતાનો સાહિત્ય અને ખેતીનો વારસો સાચવ્યો અને વિકસાવ્યો. વાળુકડ (ભાવનગર) ખાતેની તેમની ‘શબરી વાડી’ આજે ય ડૉ. સતીશ તથા ઉષાબહેન સંભાળે છે. ડૉ. સતીષ ખેતીનાં વિષયમાં અભ્યાસી તેમ જ અનુભવથી નિષ્ણાત છે. ઈ.સ. ૧૯૩૧માં રામનારાયણ ના. પાઠકે ‘પચાસ વર્ષ પછી’ નામની નવલકથા લખી હતી તેનાથી તેઓ પ્રસિદ્ધ થયા હતા. ‘બાલ શિક્ષણ પ્રણેતા ગિજુભાઈ’ પુસ્તક નૂતન બાલશિક્ષણમાં રસ લેનાર દરેકે વાંચવું જોઈએ. તેમણે ગાંધીજી અને સરદાર પટેલના જીવનચરિત્ર સહિત બીજું પણ ઘણું સાહિત્ય લખ્યું છે.
સુધા વશીએ આઈઝેક ડિનેસનના ખૂબ જાણીતા પુસ્તક ‘આઉટ ઑફ આફ્રિકા’નો અનુવાદ ‘અલવિદા આફ્રિકા’ નામે કર્યો છે. મીડિયા પબ્લિકેશન (જૂનાગઢ) દ્વારા પ્રસિદ્ધ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ માર્ચ-૨૦૧૬માં થઈ. આપણા અનુવાદ સાહિત્યમાં આ એક મૂલ્યવાન ઉમેરો ગણાશે.
સુધા વશી સ્વભાવે વૉરેશસ રીડર – અઠંગ વાચક – રહ્યાં હોઈને તેમના સિત્તેરમાં જન્મદિને તેમના નાના દીકરાએ ‘આઉટ ઑફ આફ્રિકા’ ભેટ આપ્યું અને કહ્યું ‘મૉમ, વાંચો, તમને ગમશે.’ આ પુસ્તકમાંથી પસાર થયા પછીની એક તકે ભાવનગરમાં જયંત મેઘાણી સાથે પોતાનો આનંદ વહેંચતાં જયંતભાઈએ ‘આઉટ ઑફ આફ્રિકા’નો અનુવાદ કરવાનું સુધાબહેનને સૂચવ્યું. સુધાબહેને ‘આઉટ ઑફ આફ્રિકા’ તથા ‘શેડોઝ ઑન ધ ગ્રાસ’ – આઈઝેક ડીનેસનનાં પુસ્તકોના અનુવાદ કર્યા. બંને અનુવાદો એક જ પુસ્તક ‘અલવિદા આફ્રિકા’ તથા ‘ઘાસ પરના પડછાયા’માં પ્રસિદ્ધ કર્યા. પુસ્તક સ્વતંત્ર અવલોકનનું અધિકારી છે. હાલ આટલો ઉલ્લેખ.
આઈઝક ડીનેસન તખલ્લુસ છે. લેખિકાનું નામ છે કેરન બ્લિક્સન. તેમનો જન્મ ડેન્માર્કમાં ૧૭ એપ્રિલ, ૧૮૮૫માં થયો હતો. ૭મી સપ્ટેમ્બર ૧૯૬૨ના રોજ ૭૭ વર્ષની ઉંમરે શાંતિપૂર્વક પોતાના નિવાસસ્થાને અવસાન પામ્યા હતાં. લેખિકા અત્યંત પ્રતિષ્ઠિત હતાં. તેમનું જીવન અને કાર્ય પ્રેરણાદાયી છે.
સુધા વશી જેવાં સંવેદનશીલ નારીને આ પુસ્તકોમાં રસ પડે તેવું જ રૂચિતંત્ર બાળપણથી રહ્યું. તેઓ બાળપણથી જ ખૂબ તરવરાટવાળાં, જેને તોફાની પણ કહી શકાય તેવાં હતાં. બા-બાપુજીનો સંસ્કારવારસો તો ખરો જ પણ ઘેર આવેલ કાઠી દરબાર મહેમાનની ઘોડી પલાણીને મોટી લટાર મારી આવે તેવાં હતાં. મોટાં થયા પછી વિદુષી નારી તરીકે દેશ-વિદેશમાં સભાઓ, પરિસંવાદોમાં વ્યાખ્યાનો આપી શ્રોતાસમૂહને મંત્રમુગ્ધ કરે તેવું વ્યક્તિત્વ નીખર્યું હતું. શ્રોફ પરિવારના એક્સલ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદનને લગતા વિષયો પર અધિકારીની રુઈએ તેમને બોલવાનું પ્રાપ્ત થતું હતું. આ સંદર્ભમાં તેમને અનેક દેશોની મુલાકાતો લેવાનું બન્યું. ઇઝરાયેલમાં રહ્યાં તે દરમિયાન ત્યાંના નેતા યુસુફ બારાત્સને તેઓ રૂબરૂ મળેલાં; કિબુત્સમાં રહેવાનો અનુભવ પણ લીધેલો. યુસુફ બારાત્સનું પુસ્તક ‘અ વિલેજ બાઈ ધ જોર્ડન’નો ‘દગાનિયા’ શીર્ષકથી સુધાબહેને ૧૯૬૫માં અનુવાદ કર્યો હતો. ગમતા પુસ્તકનો અનુવાદ કરવો તે તેમનો શોખ હતો. અમેરિકાના વસવાટ દરમિયાન આબાલવૃદ્ધ સૌને રસ પડે તેવું ગાંધીજીનું જીવનચરિત્ર અંગ્રેજી ભાષામાં આપવાની ઇચ્છા થઈ. પોતાના પિતા રામનારાયણ ના. પાઠકના સરળ શૈલીમાં લખાયેલા પુસ્તક ‘ગાંધીકથા’નો તેમણે ઈ.સ. ૨૦૧૨માં અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો.
જીવનમાં અંતિમ વર્ષોમાં સુધાબહેને રંગ અને પીંછી સાથે સંબંધ સ્થાપ્યો. કેટલાંક સુંદર ચિત્રો આપ્યાં. (ઉષાબહેન પાઠક પણ સાહિત્યવિદ્ અને ચિત્રકાર છે.) સુધાબહેનનાં લગ્ન રમેશ વશી સાથે ૧૯૬૭માં થયાં હતાં તેમનાં બે પુત્રો મેહુલ અને મિહિર સૌનો વસવાટ અમેરિકા.
સુધાબહેન જેવાં વિદુષી સન્નારી, પ્રતિભાવંત મહિલાને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવું છું.
ભાવનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2018; પૃ. 13 અને 07