અલવિદા
પરંતપ પાઠક એટલે રાજ્યશાસ્ત્રી દેવવ્રત પાઠકસાહેબ અને અર્થશાસ્ત્રી ઋષિકેશ પાઠકના લઘુબંધુ. શિક્ષણજગતમાં દેવવ્રત પાઠક સુવિદિત છે, તેમ સંગીત-ચાહકોમાં ઋષિકેશ પાઠક. તે બંનેના નાના ભાઈ વિજ્ઞાનજગતના જિજ્ઞાસુઓ / અભ્યાસીઓમાં એટલા જ જાણીતા. ‘બંધુત્રિપુટી’ શબ્દ જૈનધર્મ-તત્ત્વજ્ઞાન, પ્રસારકોમાં જાણીતો છે, શિક્ષણ, સાહિત્ય, સંગીત વિદ્વાન જગતના જિજ્ઞાસુઓ / અભ્યાસીઓમાં એટલા જ જાણીતા. બંધુત્રિપુટી શબ્દ જૈનધર્મ – તત્ત્વજ્ઞાન પ્રચારકોમાં જાણીતો છે, શિક્ષણ સાહિત્ય, સંગીત વિજ્ઞાન એવાં બૌદ્ધિકક્ષેત્રોમાં સક્રિય એવી ‘લઘુત્રિપુટી’ : એ જાણીને વધુ આનંદ થાય કે ગુજરાતી સાહિત્યના જાણીતા રસજ્ઞ વિદ્વાન એવા સ્વ. રામનારાયણ વિશ્વનાથ પાઠકના બૃહદ્દ પરિવારનાં આ ત્રણે સંતાનો વિદ્યાપીઠને વરેલું કુટુંબ.
દેવાંગનાબહેન અને પરંતપભાઈ પાઠક
તાજેતરમાં પરંતપ પાઠકનું ૮૫ વર્ષની ઉંમરે બે/ત્રણ દિવસની ટૂંકી માંદગી પછી અવસાન થયું. તેઓની જન્મતારીખ ૦૫-૦૧-૧૯૩૪. મૂળ વતન ભોળાદ (ભાલપ્રદેશ), પણ વર્ષોથી અમદાવાદમાં વસવાટ. તેઓની મુખ્ય ઓળખ વિજ્ઞાનલેખક, ખગોળશાસ્ત્રી તરીકેની.
‘કુમાર’માં તેમણે વિજ્ઞાન વિષયક લેખમાળા કરેલી. તેમને ‘કુમારચંદ્રક’ અર્પણ થયો હતો. અવકાશવિજ્ઞાન, ટેક્નોલૉજી અને ગ્લોબલ વૉર્મિંગ વિષયો પર તેમના લેખો હતા. અંગત રીતે મને પણ મારાં એક-બે સંપાદનકાર્ય દરમિયાન ડૉ. પરંતપ પાઠકના વિજ્ઞાન વિષયક લેખો ‘અહિચ્છત્ર’ (પ્રશ્નોના જ્ઞાતિનું મુખપત્ર-ત્રૈમાસિક) તથા ‘શબ્દોત્સવ’ (જ્ઞાતિના ૨૦૦ જેટલા લેખકોનાં લખાણો સમાવતું વાર્ષિક અંક-૧)માં પ્રસિદ્ધ અર્થે પ્રાપ્ત થયા હતા. તેમના પ્રતિના અંગત આદરને કાર્યાન્વિત કરવાની તે ઉત્તમ તકો મારા માટે રહી હતી. આ ‘શબ્દોત્સવ’ની નકલ તેમના નિવાસસ્થાને (‘ઇન્દ્રપ્રસ્થ’, ૧૧-બી, જ્ઞાનસાગર સોસાયટી, ડૉ. વિક્રમ સારાભાઈ માર્ગ, અમદાવાદ-૧૫) રૂબરૂ જઈ, મળીને પહોંચાડ્યાનો સંતોષ-આનંદ પ્રાપ્ત કર્યો હતો, તેનું સ્મરણ થાય છે. (હાસ્યલેખક મનહર શુક્લની સક્રિય મદદથી આ મુલાકાત શક્ય બની હતી.) અમારી મુલાકાતમાં પરંતપભાઈએ નોંધ્યું છે કે શ્રીમતી દેવાંગનાબહેન તો જાણે હું તેમનો નાનો ભાઈ હોઉં તેવા વહાલથી પ્રવર્તે છે! (શ્રીમતી દેવાંગનાબહેનના લઘુબંધુ શ્રી હારિત ભટ્ટ મારા સહાધ્યાયી રહ્યા હતા. તેમના ભાવનગર-નિવાસ દરમિયાન – ઈ. સ. ૧૯૫૮થી ૧૯૬૦ – આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભાવનગર)
ડૉ. પરંતપ પાઠકની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જ્વળ રહી હતી. તેઓ એમ.એસસી. જે-તે વર્ષે ફર્સ્ટક્લાસમાં ફર્સ્ટ પાસ થનાર એકમાત્ર વિદ્યાર્થી હતા. પછીથી પી.આર.એલ.માં જોડાયા. પીએચ.ડી. કર્યું. તેમના માર્ગદર્શક હતા ડૉ. વિક્રમ સારાભાઈ. તેમનો સંશોધનવિષય હતો ‘કૉસ્મિક રેઝ’ ત્યાર બાદ તેમણે વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ- ઑર્ગેનાઇઝેશનમાં ૨૩ વર્ષ કામ કર્યું. ઈ.સ. ૧૯૯૪માં નિવૃત્ત થયા હતા.
લગભગ ૪૫ વર્ષનો લેખન-અનુભવ તેઓ ધરાવતા હતા. ગુજરાતી ભાષામાં વિજ્ઞાન વિષયક વાતો/લેખો કરવા તે તેમનો લેખન-વિશેષ હતો. આવા લેખન કાર્ય દરમિયાન વિજ્ઞાનના વિષયમાં અભિવ્યક્તિ માટે જરૂર પડ્યે નવા શબ્દોને યોજવા અને પ્રચલિત કરવા તરફીઓ તેમનો ખાસ ઉત્સાહ રહ્યો હતો. ખરા અર્થમાં ખરું પ્રત્યાયન થાય તે માટે અભિવ્યક્તિમાં ડાયાગ્રામ / આકૃતિ વગેરે દોરીને વાત કરવાની તેમની ઢબ રહી હતી. તેઓ સ્વયં એક સારા ચિત્રકાર હોવાના કારણે બહુ વિશદ રીતે આકૃતિ / ડાયાગ્રામ વગેરે દોરતા હતા. ગ્લૉબલ વૉર્મિંગ વિષય પરના તેમના રસપ્રદ અને માહિતીપ્રદ ગ્રંથમાં આનું દૃષ્ટાંત જોવા મળે છે. તેમણે લીધેલી અથાગ મહેનતનું અહીં સુફળ જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું એક પ્રાઇઝ ‘મેજર અચિવમેન્ટ્સ ઑફ ધ સ્પેસ એઇજ’ પુસ્તકને પ્રાપ્ત થયું હતું. કોઈ તકે પરિષદના મંચ પરથી સાંભળ્યાનો પણ લાભ મળ્યો છે, તેનું સ્મરણ છે. (પ્રો. ડી.એન. પાઠકસાહેબ સાથે અવાજનું અદ્ભુત સામ્ય મેં નોંધ્યું હતું.) નૅશનલ તથા ઇન્ટરનૅશનલ જર્નલ્સમાં ‘કૉસ્મિક રેઝ’, ‘સોલર ફિઝિક્સ’, ‘સેટેલાઇટ મેટિરિયોલૉજી’ વિષય પર તેમણે અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ કર્યા હતા.
‘કુમાર’પરિવારના લેખકને ‘નિરીક્ષક’ પરિવારના વાચક તરીકે ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવું છું.
(માહિતી-સૌજન્ય : અભિજિત પાઠક ફેસબુક)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2019; પૃ. 16