
પ્રવીણભાઈ જે. પટેલ
સોક્રેટિસની સંવાદ પદ્ધતિનાં સામાન્ય રીતે બે મુખ્ય લક્ષણો જોવા મળે છે. જેને પ્રાચીન ગ્રીક ભાષામાં ઈલેન્કસ (elenchus) અને એપોરીઆ (aporia) કહેવામાં આવે છે. ઈલેન્કસ એટલે ઊલટ તપાસ (cross examination). આવી ઊલટ તપાસ દ્વારા સોક્રેટિસ તેની સાથે સંવાદમાં જોડાયેલ વ્યક્તિને પ્રશ્નો પૂછી પૂછીને તેના વિચારોનું પરીક્ષણ કરે છે. આ પ્રક્રિયા દ્વારા સોક્રેટિસ સામા વાળાને તેના મુદ્દા સ્પષ્ટ કરવા, તેની માની લીધેલી ધારણાઓ પાછળના પુરાવા અને તર્કની આલોચનાત્મક સમીક્ષા કરવા, વૈકલ્પિક દૃષ્ટિકોણનું અન્વેષણ કરવા, અને તેની માની લીધેલી ધારણાઓનાં સંભવિત પરિણામો વિષે વિચાર કરવા પ્રેરે છે. તથા આ પ્રક્રિયા દ્વારા સોક્રેટિસ તેની સાથે સંવાદમાં જોડાયેલ વ્યક્તિમાં મૂંઝવણ એટલે કે એપોરીઆ પેદા કરે છે. જેથી તે વ્યક્તિ ચર્ચા હેઠળના મુદ્દા અંગે ઊંડું ચિંતન કરવા અને પોતાના અભિપ્રાયો અંગે પુનર્વિચાર કરવા બાધ્ય થાય છે.
આ સમગ્ર પ્રક્રિયામાં સોક્રેટિસ દાખલા-દલીલો દ્વારા અભિપ્રાય (doxa) અને સાચા જ્ઞાન (episteme) વચ્ચેનો તફાવત સમજાવવાનો પ્રયત્ન કરે છે. ઘણી વાર આપણે અભિપ્રાયને આધારે જ ચર્ચા કરતા હોઈએ છીએ. પણ જ્ઞાન અને અભિપ્રાય વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. સામાન્ય રીતે જે બાબતો વસ્તુલક્ષી (objective) હોય, તાર્કિક કે નક્કર હકીકતો ઉપર આધારિત હોય, તે વિષે આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. તેના વિષે ખાસ વિવાદ નથી થતો. પરંતુ, જે બાબતો આત્મલક્ષી (subjective) હોય, મૂલ્યો ઉપર આધારિત હોય, તેમના વિષે આપણે માત્ર અભિપ્રાય ધરાવીએ છીએ. આવા અભિપ્રાયોની સત્યાસત્યતા વિષે આપણને ચોક્કસ ખાતરી હોતી નથી. તેથી તે અંગે મતભેદ હોઈ શકે છે અને વિવાદ થઈ શકે છે. અભિપ્રાયો દરેક વ્યક્તિના અલગ અલગ હોઈ શકે છે અને એક જ વ્યક્તિના અભિપ્રાયો પણ સમયાંતરે બદલાતા હોય છે. જ્યારે જ્ઞાન સુસંગત રહે છે. જ્ઞાન ચોક્કસ અને અકાટ્ય હોય છે, જ્યારે અભિપ્રાયો ખોટા હોઈ શકે છે. વાદ-વિવાદ મંતવ્યોની વિવિધતામાંથી ઉદ્ભવે છે, જ્યારે જ્ઞાન નિર્વિવાદ હોય છે. જ્ઞાન પુરાવા, તથ્યો, અને તર્ક દ્વારા સમર્થિત માન્યતા હોય છે. તે સચોટ અને ચકાસી શકાય તેવી હોય છે. તેથી જ્ઞાનનો સ્વીકાર અનિવાર્ય હોય છે, જ્યારે અભિપ્રાયો અંગે કાયમ મતભેદ હોઈ શકે છે. સોક્રેટિસનો આગ્રહ જ્ઞાનપ્રાપ્તિ પર હોય છે.
ભારતની શાળા-કૉલેજોમાં વિદ્યાર્થીઓની યાદશક્તિ પર વધુ ભાર મુકાતો જોવામાં આવે છે. તેની સાથે સાથે, જો વિશ્વની કેટલીક સર્વોત્તમ વિદ્યા સંસ્થાઓમાં કરવામાં આવે છે તેમ, આપણી શિક્ષણ સંસ્થાઓમાં પણ આવી સોક્રેટિસની સંવાદ પદ્ધતિ દ્વારા શિક્ષણ અપાય તો આપણા વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક અને મૌલિક ચિંતન કરવાની ક્ષમતા વધુ ખીલી શકે તેમ છે. સોક્રેટિસની સંવાદ પદ્ધતિ પર આધારિત આ કાલ્પનિક સંવાદ શ્રેણીનો એક હેતુ જુદા જુદા મુદ્દાઓ પર તાર્કિક ચર્ચા કરવા ઉપરાંત આ પદ્ધતિના શૈક્ષણિક મૂલ્યનું નિદર્શન કરવાનો પણ છે.
અહીં આપેલ સ્વર્ગમાં થતા કાલ્પનિક સંવાદમાં સોક્રેટિસ એક ભારતીય મુસ્લિમ સાથે હિજાબ, બુરખા, અને મુસ્લિમોની સાંસ્કૃતિક ઓળખ વિષે ચર્ચા કરીને તેને ધર્મનાં મૂળ તત્ત્વ પર તથા ન્યાય અને સમાનતા પર ભાર મૂકવા સમજાવે છે.
•
પાર્શ્વ ભૂમિ : ફૂલોની સુગંધથી ભરેલા સ્વર્ગના એક શાંત બગીચામાં સોક્રેટિસ અને એક ભારતીય મુસ્લિમ એક વૃક્ષની છાયા હેઠળ વાતચીતમાં વ્યસ્ત છે.
સોક્રેટિસ : મિત્ર, તમે મૂંઝવણમાં લાગો છો. સ્વર્ગમાં પણ તમને શી મૂંઝવણ સતાવે છે?
ભારતીય મુસ્લિમ : તમારી વાત સાચી છે, સોક્રેટિસ. મને અહીં પણ શાંતિ નથી.
સોક્રેટિસ : કેમ?
ભારતીય મુસ્લિમ : સોક્રેટિસ, શું કહું? પૃથ્વીલોકની રીત ન્યારી છે. જીવનભર એક મુસ્લિમ તરીકેની મારી ધાર્મિક આસ્થા અને મારી સાંસ્કૃતિક ઓળખ મારા માટે ગૌરવની વાત હતી. પણ ભારતના બિન-મુસ્લિમોને તે ખૂંચતું હતું. હજુ પણ હું તેમનો અણગમો સમજી શક્યો નથી.
સોક્રેટિસ : એક મુસ્લિમ તરીકેની તમારી સાંસ્કૃતિક ઓળખની વાત કરો છો? શું છે એ ઓળખ?
ભારતીય મુસ્લિમ : અમારી વિશેષ ઓળખ એટલે અમારો અલગ પોશાક, અમારું ખાન-પાન, કડક ધાર્મિક રિવાજોનું પાલન, અને અમારા સમુદાયની પરંપરાઓની જાળવણી. અમારી પહેચાન જ અમારા અસ્તિત્વનું કેન્દ્ર બિંદુ છે. પરંતુ તેને લઈને પૃથ્વી પર ઘણા લોકો અમારા પર સંકુચિત અને રૂઢિચુસ્ત હોવાનો આરોપ મૂકતા હતા. તેમ છતાં મને અમારી આ આગવી પહેચાન છોડી દેવાનું કદી મુનાસિબ ન લાગ્યું.
સોક્રેટિસ : કેમ?
ભારતીય મુસ્લિમ : અમારી આગવી પહેચાન છોડી દેવી એટલે અમારા અસ્તિત્વને જ નકારવા જેવું મને લાગતું હતું. તેથી ક્યારેક બીજા ધર્મના કે જુદી સંસ્કૃતિ ધરાવતા લોકો સાથે ઘર્ષણ પણ થતું હતું.
સોક્રેટિસ : આ તો દુ:ખદ કહેવાય. શું તમે મને જણાવી શકો છો કે તમારી કઈ પ્રથાઓ તમને સમાજના બીજા લોકોથી અલગ કરતી હતી?
ભારતીય મુસ્લિમ : દાખલા તરીકે, અમારી સ્ત્રીઓની હિજાબ અને બુરખા પહેરવા જેવી પ્રથાઓ. કે પુરુષો દ્વારા મોટી મોટી દાઢી રાખવાનો રિવાજ. ઘણા લોકો ‘સામાજિક એકીકરણ’ની વાત કરીને અમને આવી પ્રથાઓ છોડી દેવાની સલાહ આપતા હતા. કેટલાક તો જાહેરમાં તેમનો અણગમો બતાવતા હતા. કેટલાક તો અમારી દીકરીઓને શાળામાં હિજાબ પહેરવાની છૂટ પણ નહોતા આપતા. પરંતુ, મને તેમનો આવો અણગમો ક્યારે ય સમજાયો નહીં. મને હંમેશાં લાગતું હતું તે આવા લોકો અમારી પહેચાન ભૂંસી દેવા માગતા હતા. આજે જ્યારે સ્વર્ગમાં તમારી સાથે છું ત્યારે પણ મને થાય છે કે શું તેમનો આવો વહેવાર વાજબી હતો કે હું ખોટો હતો?
સોક્રેટિસ : તમે માનો છો કે તમારા સમાજમાં સ્ત્રીઓની હિજાબ અને બુરખા પહેરવા જેવી આ પ્રથાઓ તમારી આગવી ઓળખ જાળવવા માટે જરૂરી હતી?
ભારતીય મુસ્લિમ : હિજાબ અને બુરખા એ પૃથ્વી પર અમારી ઓળખનો એક ભાગ છે. તે ફક્ત કપડાં નથી, પરંતુ અમારી શ્રદ્ધા અને શીલ-મર્યાદાનું પ્રતીક છે.
સોક્રેટિસ : શીલ-મર્યાદા તો ખરેખર એક મોટો સદ્ગુણ કહેવાય. છતાં, શું આ પ્રથા ફક્ત ઇસ્લામના મુખ્ય ઉપદેશોની ઊપજ છે, કે પછી તે એક રિવાજ છે?
ભારતીય મુસ્લિમ : સોક્રેટિસ, તેનાં મૂળ કુરઆન (કુરાન) અને હદીસમાં છે.૧ અમારા ગ્રંથો અમને મર્યાદાપૂર્વક પોશાક પહેરવાનું જણાવે છે. અને ઘણા મુસલમાનો માને છે કે હિજાબ અને બુરખા પહેરવાની પ્રથા આ આદેશને અનુરૂપ છે.
સોક્રેટિસ : હું સમજી શકું છું. પણ મને કહો, શું ઇસ્લામમાં શીલ-મર્યાદા માટે ચોક્કસ વસ્ત્રોની જરૂર છે, કે મર્યાદા કપડાં સિવાય પણ બીજી રીતે વ્યક્ત કરી શકાય?
ભારતીય મુસ્લિમ : અમારા ધર્મમાં મર્યાદા, ખાસ કરીને સ્ત્રીઓની મર્યાદા, અનિવાર્ય છે, સોક્રેટિસ. કારણ કે, કુરઆનમાં, સ્ત્રીઓને આવી સૂચના આપવામાં આવી છે.૨
સોક્રેટિસ : હા. સ્ત્રીઓને આવી સૂચના છે. પરંતુ શું તે સ્પષ્ટ-પણે આદેશ આપે છે કે સ્ત્રીએ હિજાબ અને બુરખો પહેરવો જ જોઈએ?
ભારતીય મુસ્લિમ : ના, તેમાં હિજાબ અથવા બુરખાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરંતુ, ઘણા વિદ્વાનો, ધાર્મિક ગુરુઓ, અને અમારી પરંપરાઓ માથું અને શરીર ઢાંકવા માટે સ્ત્રીઓ હિજાબ અથવા બુરખો પહેરે તેવો આગ્રહ રાખે છે.
સોક્રેટિસ : તો, શું એવું બની શકે છે કે કેટલાક વિદ્વાનો અને સમાજો જેને દૈવી આદેશ માને છે તે હકીકતમાં માત્ર એક રૂઢિ કે પરંપરા હોય? કેટલાક લોકોએ કુરઆનમાં કહેલી વાતોનું પોતાની રીતે અર્થઘટન કર્યું હોય એવું ન બને?
ભારતીય મુસ્લિમ : તે શક્ય છે, સોક્રેટિસ. પરંતુ, અમારા ધર્મમાં ધાર્મિક ગુરુઓ અને વિદ્વાનો દ્વારા કરવામાં આવેલાં અર્થઘટનને ખૂબ મહત્ત્વ અપાય છે. તેમણે પોતાનું જીવન અલ્લાહની મરજીને સમજવામાં વિતાવ્યું હોય છે.
સોક્રેટિસ : ખરેખર, વિદ્વાનોનો અભિપ્રાય મૂલ્યવાન હોય છે. છતાં, તમે તો જાણો છો કે બહુ બુદ્ધિશાળી વિદ્વાનો પણ અંતે તો માનવી જ હોય છે. અને તેઓ પણ ક્યારેક ભૂલ કરી શકે છે. શું આપણે તેમના અર્થઘટનની આલોચનાત્મક તપાસ ન કરવી જોઈએ, જેથી આપણે પ્રચલિત રિવાજો પાછળના દૈવી હુકમને બરાબર સમજી શકીએ.
ભારતીય મુસ્લિમ : પરંતુ વિદ્વાનો અને ધાર્મિક નેતાઓએ કરેલ ધાર્મિક અર્થઘટન પર પ્રશ્ન ઉઠાવવાથી ગૂંચવાણો ઊભી થઈ શકે છે. તેથી અમારા સમુદાયની આસ્થા ડગી જઈ શકે છે.
સોક્રેટિસ : પરંતુ, શું સત્યની શોધ જરૂરી નથી? જો કોઈ પ્રથા લોકોની સ્વતંત્રતાને બાધિત કરતી હોય કે તેમની ઉપર બિનજરૂરી બોજો લાદતી હોય તો શું આપણે પૂછવું જોઈએ નહીં કે તે ખરેખર દૈવી ઇચ્છા છે?
ભારતીય મુસ્લિમ : સોક્રેટિસ, અમારા સમાજમાં, હિજાબ અને બુરખા ગૌરવ અને ધર્મનિષ્ઠાનું પ્રમાણ છે. તે સ્ત્રીઓના શીલ અને મર્યાદાની રક્ષા કરે છે.
સોક્રેટિસ : શું તમે માનો છો કે ગૌરવ અને ધર્મનિષ્ઠા માત્ર બુરખા અને હિજાબ પર જ આધારિત છે? શું સ્ત્રી આવા આવરણ વગર પણ પોતાનું ગૌરવ અને મર્યાદા ન જાળવી શકે?
ભારતીય મુસ્લિમ : અલબત્ત તેમ કરી શકે છે. ગૌરવ અને મર્યાદા આખરે તો હૃદય અને ઇરાદાની બાબત છે.
સોક્રેટિસ : ચોક્કસ, મારા મિત્ર. જો મર્યાદા મન અને હૃદયની બાબત હોય, તો શું કોઈ સ્ત્રી હિજાબ કે બુરખો ન પહેરે તો ના ચાલે? જો કોઈ એક સ્ત્રી બુરખો પહેરતી હોય પણ બદચલન હોય. અને બીજી સ્ત્રીનું ચાલ ચલણ સારું હોય પણ બુરખો ન પહેરતી હોય તો તમે એ બે સ્ત્રીમાંથી કોને માન આપશો? કોને આદરથી જોશો?
ભારતીય મુસ્લિમ : જેનું ચારિત્ર્ય સારું હોય તેને જ આદર અપાયને? પરંતુ અમારી ઘણી સ્ત્રીઓ માટે આવી વેશભૂષા એક રક્ષાકવચ છે. તે તેમને બીજા લોકોની બૂરી નજરથી બચાવે છે.
સોક્રેટિસ : પોતાની રક્ષા કરવી એ તો દરેક સ્ત્રીનો અધિકાર છે. અને જો તે પોતાની મરજીથી એમ કરવાનું પસંદ કરતી હોય તો તે આદરને પાત્ર છે. પરંતુ, જો પહેરવેશની આવી પસંદગી સામાજિક દબાણ કે ડરથી થતી હોય તો તે ચિંતાજનક નથી શું?
ભારતીય મુસ્લિમ : હા, તો પછી તે અંગત પસંદગી નહીં, પણ એક મજબૂરી કહેવાય.
સોક્રેટિસ : અને શું મજબૂરી ન્યાયસંગત કહેવાય? ધર્મની ઉદાર ભાવના સાથે શું તે સુસંગત છે?
ભારતીય મુસ્લિમ : ના, એવું નથી. ઇસ્લામ શીખવે છે કે ધર્મમાં કોઈ મજબૂરી ન હોવી જોઈએ.૩
સોક્રેટિસ : તો પછી કદાચ આપણે સાચી શ્રદ્ધા અને રીતરિવાજો લાદવામાં તફાવત કરવો જોઈએ. સાચી આસ્થા આત્માને પ્રસન્ન કરે તેવી હોવી જોઈએ, સંકુચિત કરે તેવી નહીં.
ભારતીય મુસ્લિમ : કદાચ કેટલીક પ્રથાઓ અને પરંપરાઓ વગર વિચારે ચાલતી આવે છે. તેમનું આંધળું અનુકરણ થતું હોય છે.
સોક્રેટિસ : શું આવા પહેરવેશ માટે સ્ત્રીઓને ફરજ પાડવામાં આવે તો તે ન્યાય અને સ્વતંત્રતાનાં મૂલ્યોનું ઉલ્લંઘન નથી? શું તે સ્ત્રીઓનું દમન નથી?
ભારતીય મુસ્લિમ : પણ સોક્રેટિસ, હિજાબ અને બુરખા મર્યાદાની નિશાની છે, દમનની નહીં. ઘણી સ્ત્રીઓ તે મજબૂરીથી નહીં, પણ પોતાની મરજીથી પહેરે છે.
સોક્રેટિસ : જો તે તેમની પસંદગી હોય તો તે ઉત્તમ કહેવાય. પરંતુ શું સામાજિક ટીકાના ડરથી તે તેમ કરતી હોય તો તે પસંદગી ખરેખર સ્વતંત્ર કહેવાય?
ભારતીય મુસ્લિમ : આ એક વાજબી પ્રશ્ન છે. કેટલાક સમુદાયોમાં, સામાજિક દબાણ હોય છે. અને ઈરાન જેવા મુસ્લિમ દેશોમાં તો જે સ્ત્રીઓ હિજાબ ન પહેરતી હોય તો તેમની સાથે કઠોર વ્યવહાર કરવામાં આવે છે.૪ ભારતમાં પણ કેટલાક રૂઢિચુસ્ત મુસલમાનો તેમની દીકરીઓને સ્કૂલમાં ભણવા જવા દેતા નથી.
સોક્રેટિસ : શું વાત કરો છો? દીકરીઓને સ્કૂલમાં ભણવા જવા દેતા નથી? કેમ?
ભારતીય મુસ્લિમ : કારણ કે સ્કૂલનો યુનિફોર્મ પહેરવાનો હોય છે. હિજાબ પહેરવાની મનાઈ હોય છે.
સોક્રેટિસ : ભલા માણસ, સંતાનનું ભવિષ્ય મહત્ત્વનું છે કે જૂની પુરાણી પરંપરાઓ? આવી તો મૂર્ખામી થતી હશે?
ભારતીય મુસ્લિમ : તેમ છતાં, ઘણી સ્ત્રીઓ આવો પોશાક પહેરવાનું પસંદ કરવામાં પોતાનું સશક્તિકરણ માને છે.
સોક્રેટિસ : સ્ત્રીઓના સશક્તિકરણની ખરેખર કદર કરવી જોઈએ. પરંતુ પુરુષો કરતાં સ્ત્રીઓ પાસે જ શા માટે મર્યાદા અને શીલનો આગ્રહ રાખવામાં આવે છે ? શું આ લિંગ અસમાનતા નથી?
ભારતીય મુસ્લિમ : સૈદ્ધાંતિક રીતે, મર્યાદા પુરુષો અને સ્ત્રીઓ બંનેને લાગુ પડે છે. અમારો ધર્મ પુરુષોને પણ વિવેકયુક્ત પોશાક પહેરવાનો અને તેમની નજર નીચી રાખવાનો આદેશ આપે છે.૫
સોક્રેટિસ : તેમ છતાં, હિજાબ અને બુરખા પહેરીને પોતાની શીલ-મર્યાદા જાળવવાનો ભાર તો મુખ્યત્વે સ્ત્રીઓ પર છે. શું આ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદભાવ ના કહેવાય? હિજાબ અને બુરખા પહેરવા જેવી પ્રથા એ નથી બતાવતી કે પુરુષોના વર્તનને મર્યાદામાં રાખવાની જવાબદારી પુરુષો કરતાં સ્ત્રીઓ પર વધુ છે?
ભારતીય મુસ્લિમ : તમારી વાત સાચી છે, સોક્રેટિસ. એક રીતે જોઈએ તો પુરુષોને મર્યાદામાં રાખવાનો ભાર જાણે કે સ્ત્રીઓ ઉપર જ છે. અને એક રીતે તે અન્યાયી લાગે છે.
સોક્રેટિસ : અને શું તેથી સ્ત્રીઓની વ્યક્તિગત સ્વતંત્રતાને પણ મર્યાદિત નથી કરતી? શું સ્ત્રી ડર કે સંકોચ વિના ફરવા, પહેરવા-ઓઢવા, અને પોતાને જેવા છે તેવા દેખાવા માટે સ્વતંત્ર ન હોવી જોઈએ?
ભારતીય મુસ્લિમ : સ્વતંત્રતા મહત્ત્વપૂર્ણ છે. પરંતુ હિજાબ અને બુરખા અમારી સ્ત્રીઓને રક્ષણ અને ગૌરવની ભાવના આપે છે.
સોક્રેટિસ : કોનાથી રક્ષણ? જો સમાજ ન્યાયી હોય અને પુરુષો સદ્ગુણી હોય, તો શું સ્ત્રીને કપડાં થકી પોતાને બચાવવાની જરૂર પડે?
ભારતીય મુસ્લિમ : ના, એક આદર્શ સમાજમાં, એવું ન કરવું પડે. જો માન-મર્યાદાની રક્ષા પોતાની પસંદગીને બદલે બોજ બની જાય, તો તે સદ્ગુણ ન કહેવાય. પરંતુ પૃથ્વી પરની વાસ્તવિક્તા અલગ છે. તમે એવા આદર્શની વાત કરો છો જે પરંપરા કરતાં ન્યાયી વ્યવહારને વધુ મહત્ત્વ આપે છે.
સોક્રેટિસ : અને શું પૃથ્વી પર ન્યાયી સમાજ બનાવવાની લોકોની ફરજ નથી? શું સમાજે સમાનતાને ઉત્તેજન આપીને આવી આદતોથી તેના સભ્યોને મુક્ત ન કરવા જોઈએ?
ભારતીય મુસ્લિમ : પણ, સોક્રેટિસ, આપણે એ ન ભૂલવું જોઈએ કે ધાર્મિક આસ્થા અને સામાજિક પ્રથા બંનેનો અતૂટ નાતો છે. પેઢીઓથી ચાલી આવતી અમારી પરંપરાઓ અમને એકબીજા સાથે જોડે છે. દરેક સમુદાય આવી પ્રથાઓથી બંધાયેલો છે. આ પ્રથાઓ અમારી એકતા અને પરસ્પર સહકારનો પાયો છે. તેમના વિના અમારી ઓળખ જ ભૂંસાઈ જાય.
સોક્રેટિસ : હું પરંપરાનું મહત્ત્વ સમજું છું. છતાં, શું અલગ ઓળખનો આગ્રહ રાખવાથી ક્યારેક ગેરસમજ, પૂર્વગ્રહ, અને અલગાવ પણ થતો નથી?
ભારતીય મુસ્લિમ : કદાચ, થાય. પરંતુ, અમારી પ્રથાઓ અમને અમારો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે મદદરૂપ છે. અને જો અમે અમારી અલગ પહેચાન ન જાળવી રાખીએ તો સામાજિક રીતે અમારું આગવું અસ્તિત્વ જ ના રહે, સમાજમાં દબદબો ધરાવતા લોકોની સંસ્કૃતિ અમને ગળી જાય. અમારી સંસ્કૃતિ અમારી ઢાલ છે.
સોક્રેટિસ : શું તમારી સંસ્કૃતિ એક ઢાલ છે કે દીવાલ? ઢાલ આપણું રક્ષણ કરે છે, પણ દીવાલ અલગ પાડે છે. જ્યારે કોઈ સમુદાય સંપૂર્ણ અલગ રહેવાનો આગ્રહ રાખે છે, ત્યારે શું તે બીજા લોકોમાં પૂર્વગ્રહો પેદા નથી કરતો? સામાજિક અવરોધો ઊભા નથી કરતો?
ભારતીય મુસ્લિમ : કદાચ ઘણી વાર ગેરસમજ થાય છે. પરંતુ અમારી પહેચાન જાળવી રાખવી એ શું અમારો ગુનો છે? આપણી ઓળખને મજબૂત રીતે વળગી રહેવાથી આપણા ગૌરવનો આપણને અહેસાસ થાય છે.
સોક્રેટિસ : છતાં, શું ઓળખ અને ગૌરવ ફક્ત પહેરવેશ અને રહનસહન જેવાં બાહ્ય પ્રતીકો કે રિવાજો દ્વારા જ સાચવવામાં આવે છે? કે સદ્ગુણો અને શાણપણ દ્વારા? જો તમે ન્યાય, કરુણા, અને સત્ય જેવા સદ્ગુણોનું પાલન કરો, તો શું તે તમારી બાહ્ય પ્રથાઓ કરતાં વધુ મજબૂત ઓળખ બનાવી ન શકે?
ભારતીય મુસ્લિમ : પરંતુ બાહ્ય પ્રતીકોની પણ જરૂર હોય છે, સોક્રેટિસ. તે આપણને સદ્ગુણોની યાદ અપાવે છે. આપણાં કપડાં, આપણા રિવાજો આપણને પૂર્વજોની પરંપરા સાથે જોડે છે અને આપણી શ્રદ્ધાને મજબૂત બનાવે છે.
સોક્રેટિસ : વાત સાચી છે. પ્રતીકો અગત્યનાં હોય છે. છતાં, જો તેથી સંઘર્ષ અને ગેરસમજ પેદા થતી હોય, તો શું તે ઉપયોગી કહેવાય? જો કોઈ પ્રતીકો એકતાને બદલે વિભાજનને પ્રોત્સાહન આપે તો શું તે પ્રતીકો અર્થપૂર્ણ કહેવાય?
ભારતીય મુસ્લિમ : હું તમારો મુદ્દો સમજું છું, સોક્રેટિસ. ક્યારેક, અમારા રિવાજોનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે, અને તે પૂર્વગ્રહ પેદા કરે છે.
સોક્રેટિસ : હા, અને આવા પૂર્વગ્રહ સામાજિક અને રાજકીય સંઘર્ષ પણ જન્માવી શકે છે. શું આ તણાવને ઓછો કરવા માટે કેટલીક પ્રથાઓને બદલાતા સમય-સંજોગો પ્રમાણે બદલવી શાણપણભર્યું ન ગણાય? બદલાવાનો અર્થ અનુકૂલનશીલતા છે, ભૂંસાઈ જવાનો નથી. આવું અનુકૂલન પરસ્પર સમજણ માટેનો પુલ બની શકે છે.
ભારતીય મુસ્લિમ : પરંતુ સોક્રેટિસ આવી પ્રથાઓ અમારા વિશ્વાસનું ચિહ્ન છે, અલ્લાહ પ્રત્યે અમારી શરણાગતિનું પ્રતીક છે. હિજાબ અને બુરખા સ્ત્રીઓ માટે શીલ અને મર્યાદાની નિશાની છે. તે તેમનું ગૌરવ જાળવી રાખવા માટે મદદરૂપ છે. તે તેમને ઉપભોગ માટેની ચીજ બનતા બચાવે છે. પુરુષો માટે દાઢી ભક્તિનું પ્રતીક છે, પયગંબરનું અનુકરણ કરવાનો એક માર્ગ છે. આ પ્રથાઓ અમને અમારી ધાર્મિક જવાબદારીઓની યાદ અપાવે છે અને અમારી આગવી સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખે છે.
સોક્રેટિસ : એટલે કે તમે માનો છો કે આ પ્રતીકો તમારી ધાર્મિક આસ્થાની સતત યાદ અપાવે છે?
ભારતીય મુસ્લિમ : ચોક્કસ.
સોક્રેટિસ : આવી યાદ અપાવતાં પ્રતીકોનું મૂલ્ય હું સમજી શકું છું. પણ સિદ્ધાંતો મહત્ત્વના કે રીતરીવાજો? સિદ્ધાંતો વિહોણી વ્યક્તિ સુકાન વગરના વહાણ જેવી છે. શું તમે માનો છો કે આ પ્રતીકો તમારી ધાર્મિક આસ્થાને ટકાવી રાખવાનો એકમાત્ર રસ્તો છે?
ભારતીય મુસ્લિમ : તે એકમાત્ર રસ્તો નથી. પરંતુ, તે અમારી આસ્થાનાં પ્રત્યક્ષ પ્રમાણ છે. ખાસ કરીને અમે જ્યાં લઘુમતીમાં છીએ, તેવા સમાજોમાં અમારી આવી પ્રથાઓ અમારી વિશિષ્ટ પહેચાન જાળવી રાખવામાં મદદ કરે છે.
સોક્રેટિસ : હું સમજું છું. તમને ડર છે કે આ પ્રથાઓ વિના, તમારો સમુદાય મોટા સમાજમાં ઓગળી જશે, જેમ પાણીનું ટીપું સમુદ્રમાં સમાઈ જાય તેમ.
ભારતીય મુસ્લિમ : હા, સોક્રેટિસ. જો આપણે આપણી બાહ્ય ઓળખ છોડી દઈએ, તો આંતરિક ઓળખ પણ ટૂંક સમયમાં ખોઈ દઈએ.
સોક્રેટિસ : તમારી ચિંતા વાજબી છે. તેમ છતાં, શું સાચી આસ્થા બાહ્ય પ્રતીકો કરતાં સદ્ગુણોમાં નથી? જો કોઈ વ્યક્તિની આસ્થા અડગ હોય, તો શું તે ફક્ત દાઢી મૂંડાવાથી કે હિજાબ અને બુરખો દૂર કરવાથી જ નાશ પામશે?
ભારતીય મુસ્લિમ : તમારી વાત સાચી છે. સાચી આસ્થા તો સદ્ગુણોના પાલનમાં છે. પરંતુ બધા મનુષ્યો પરિપૂર્ણ નથી હોતા. આપણને આપણા અસ્તિત્વનો અહેસાસ આપણા શરીરથી થાય છે. અને આપણે તે શરીર દ્વારા જ વ્યક્ત કરી શકીએ છીએ. અને તે આપણા આત્મા પર અસર કરે છે.
સોક્રેટિસ : તમારી શરીર અને આત્મા વચ્ચેના જોડાણની વાત સમજદારીભરી છે. પરંતુ, ચાલો આપણે આનો વિચાર કરીએ : જો આવી પ્રથાઓ તમને બીજાથી અલગ પાડે કે ગેરસમજ પેદા કરે, તો શું તે તમારી આસ્થાને પણ નુકસાન નહીં કરે? શું ધર્મનો હેતુ શાંતિ અને સદ્ભાવના દ્વારા માનવતાનું ઉત્થાન કરવાનો નથી? શું ધર્મ આપણને વધુ સમજદાર બનાવવા માટે નથી?
ભારતીય મુસ્લિમ : તે છે, સોક્રેટિસ. ઇસ્લામ કરુણા, ન્યાય અને શાંતિનો સંદેશ આપે છે.૬ પરંતુ તેથી શું અમારે અમારી ઓળખ છોડી દેવાની?
સોક્રેટિસ : ભાઈ મારા, હું ઓળખ છોડવાની વાત નથી કરતો. પરંતુ અનુકૂલનની વાત કરું છું. તમે વહી જતી નદીનો વિચાર કરો : જ્યારે તે ખડકો સાથે ભટકાય છે ત્યારે તે તેનું વહેણ નથી બદલતી? શું તેથી તેના પાણીનું અસ્તિત્વ નાબૂદ થઈ જાય છે? શું તમારી ઓળખ પણ એ જ રીતે પ્રવાહી ન હોવી જોઈએ? યાદ રાખો, તમારી આજુબાજુના વ્યાપક સમાજ સાથે અનુકૂલન કરતી વખતે તમે તેનાં અસલી અને સારભૂત તત્ત્વો ગુમાવી દેતા નથી ?
ભારતીય મુસ્લિમ : પણ આ અનુકૂલન એટલે શું ?
સોક્રેટિસ : તે એક સામાજિક-સાંસ્કૃતિક સંતુલનની બાબત છે. શું હિજાબ અથવા દાઢી કરતાં સદ્ગુણો, સમજણ, અને સંવાદ તમારી પહેચાનનાં વધુ સારાં પ્રતીકો ન બની શકે ? શું જ્યારે તમે તમારી અને અન્ય લોકો વચ્ચેના અંતરને દૂર કરવાના રસ્તાઓ અપનાવો છો ત્યારે તમારી મૂળ આસ્થાને જાળવી શકતા નથી?
ભારતીય મુસ્લિમ : તમે એવું સૂચવો છો કે સામાજિક-સાંસ્કૃતિક અનુકૂલનનો અર્થ ભૂંસાઈ જવાનો નથી, પરંતુ આદરપૂર્વકના સહઅસ્તિત્વનો છે?
સોક્રેટિસ : ચોક્કસ. પરસ્પર સમજદારીભર્યું આવું સહઅસ્તિત્વ આપણને બીજા લોકોને સમજવાની સાથે સાથે આપણે કોણ છીએ તે બતાવવામાં મદદરૂપ છે. દીવાલ અલગ કરે છે, પણ પુલ જોડે છે. મને કહો, શું કુરઆન બીજા લોકો સાથે જોડાવાની અને જ્ઞાન મેળવવાની વાત નથી કરતું?૭
ભારતીય મુસ્લિમ : કુરાન એવી વાત તો કરે છે. પયગંબર પોતે બધી સંસ્કૃતિઓ અને ધર્મોના લોકો સાથે જોડાયા હતા.
સોક્રેટિસ : તો પછી તમે જે પ્રતીકોનો દેખાડો કરો છો તેના કરતાં સંવાદિતા અને સહકાર તમારી આસ્થાનું સૌથી મોટું પ્રતીક ના બની શકે?
ભારતીય મુસ્લિમ : આ એક ગહન વિચાર છે, સોક્રેટિસ. પરંતુ, જો દુનિયા અમને સમજવાનો ઇનકાર કરે તો શું?
સોક્રેટિસ : સત્ય અને ન્યાય શોધનારા બધા લોકોનો આ જ એક પડકાર છે. પરંતુ, જો તમારી વાતોને તર્ક અને ધીરજથી સમજાવવામાં આવે, તો શું બીજા લોકોમાં સમજણ વધે તે શક્ય નથી? અને જો કેટલાક લોકો સમજવાનો ઇનકાર કરે તો તે તેમનો બોજ છે, તમારો નથી.
ભારતીય મુસ્લિમ : તમારો મતલબ છે કે અનુકૂલન એ બે-માર્ગી રસ્તો છે – આપણે અન્ય સમાજને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, અને અન્ય સમાજે પણ આપણને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
સોક્રેટિસ : બરાબર! સાચું અનુકૂલન ઓળખને ભૂંસી નાખવાનો દાવો કરતું નથી, પરંતુ ઓળખના સુમેળની માંગ કરે છે. જ્યારે જ્યારે સૂરોનું મિશ્રણ થાય છે ત્યારે ત્યારે ગાયન વધુ સમૃદ્ધ બને છે. પણ, જો ગાયકવૃંદની દરેક વ્યક્તિ પોતાનો અલગ અલગ સૂર કાઢે તો ગાયન બેસૂરું થઈ જાય છે. તેવી જ રીતે વિવિધતાથી સમૃદ્ધ સમાજ પણ વધુ સમૃદ્ધ બને છે.
ભારતીય મુસ્લિમ : તો પછી કદાચ પડકાર એ છે કે આપણે આપણી જાત પ્રત્યે વફાદાર રહીએ અને બીજાઓ સાથે નેક અને મોકળા રહીએ. દીવાલોને બદલે પુલ બનાવવાના રસ્તા શોધીએ.
સોક્રેટિસ : તમે મારા કહેવાનો મૂળ અર્થ સમજી ગયા છો, મિત્ર. હું તર્ક, સંવાદ, અને પરસ્પર આદર દ્વારા તફાવતોનો સુમેળ સાધવાનો પ્રયાસ કરવાનું કહું છું, તફાવતોને ભૂંસી નાખવાનો નહીં.
ભારતીય મુસ્લિમ : જો હું તમને બરાબર સમજ્યો હોઉં, સોક્રેટિસ, તો તમારો મતલબ એ છે કે આસ્થા અને સૌહાર્દપૂર્ણ સામાજિક સહઅસ્તિત્વ એકબીજાનાં દુશ્મનો નથી. પરંતુ ન્યાયી અને ઉદાર સમાજનો પાયો છે.
સોક્રેટિસ : બરાબર! અને શું તમારી કોમ પહેલેથી જ લવચીક નથી? શું સરકારી કચેરીઓમાં કામ કરતા મુસ્લિમો દિવસમાં પાંચ વખત નમાઝ માટે વિરામ લેવાનો આગ્રહ રાખે છે? શું એવા મુસ્લિમ ઉદ્યોગપતિઓ નથી જે ઇસ્લામમાં પ્રતિબંધિત હોવા છતાં તેમનાં રોકાણો પર વ્યાજ લેતા હોય? શું કેટલાક મુસ્લિમો બેંકિંગ અને નાણાંકીય વ્યવસાયમાં સામેલ નથી? અને શું કેટલાક અગ્રણી મુસ્લિમો ધૂમ્રપાન નથી કરતા? કે દારૂ પણ પીતા નથી?
ભારતીય મુસ્લિમ : તમે સાચા છો, સોક્રેટિસ. અમારામાં આવી વિસંગતિઓ તો છે. છતાં, આવું બધું ઘણી વાર આધુનિક જીવન સાથેના સમાધાન તરીકે જોવામાં આવે છે.
સોક્રેટિસ : કદાચ. પણ અનુકૂલન એ નબળાઈ નથી. જો તમારા લોકો આવી થોડી-ઘણી બાંધછોડ કરતા હોય તો, શા માટે વ્યાપક સમાજમાં તણાવ ઘટાડવા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે થોડી વધુ બાંધછોડ ના કરવી જોઈએ? શું આવું અનુકૂલન તમારા સમુદાયને નબળો પાડવાને બદલે મજબૂત નહીં બનાવે? તમારી સાથે થતા ભેદભાવને ઓછા નહીં કરે?
ભારતીય મુસ્લિમ : તમે એવું સૂચવો છો કે જ્યારે પ્રામાણિકતાથી સહઅસ્તિત્વના પ્રયત્નો કરવામાં આવે, ત્યારે તે તમારી નબળાઈ નહીં પણ તાકાત બની શકે છે. અને તેના ફાયદા પણ છે.
સોક્રેટિસ : ચોક્કસ. તોફાની પવનનો સામનો કરતા એક વૃક્ષની માફક ક્યારે ઝૂકવું એની સાચી સમજણ જ આપણી ખરી તાકાત છે. વ્યાપક સમાજ સાથેનું તમારું અનુકૂલન તમને તમારાં મૂલ્યોને ફેલાવવામાં અને અન્ય લોકો પાસેથી શીખવામાં મદદ કરી શકે છે, જેનાથી એક વધુ સમૃદ્ધ, વધુ સ્થિતિસ્થાપક સમાજનું નિર્માણ થાય છે.
ભારતીય મુસ્લિમ : હા. સાચી નૈતિકતા તો બધા લોકોના ઉત્થાનમાં છે.
સોક્રેટિસ : તો પછી આપણે એક એવા જીવન માટે પ્રયત્નશીલ ન રહેવું જોઈએ કે જ્યાં સ્વતંત્રતા, સમાનતા, અને ગૌરવ કોઈ પણ બંધન કે અવરોધ વિના ખીલી શકે? મારા મિત્ર, સાચી મુક્તિ અન્યાયની નાબૂદીમાં રહેલી છે.
ભારતીય મુસ્લિમ : તમે મને વિચારતો કરી દીધો, સોક્રેટિસ. મને હવે લાગે છે કે કદાચ અમારું વર્તન વધુ સમજદારીપૂર્વકનું અને જવાબદાર હોવું જોઈએ. જૂની પુરાણી સામાજિક પરંપરાઓ કે પ્રથાઓ વિષે આજના યુગમાં નવેસરથી વિચારવું જોઈએ.
સોક્રેટિસ : ચોક્કસ. સાચો સદ્ગુણ અને ગૌરવ અંદરથી આવે છે, બાહ્ય પ્રતીકોથી નહીં. જો કોઈ પ્રથા સ્વતંત્રતા અને સમાનતાને મર્યાદિત કરે, તો શું તેની ફરીથી સમીક્ષા ન કરવી જોઈએ? અને આવી સમીક્ષાથી શું આપણી આસ્થા ઓછી થાય છે? સમીક્ષા કરાયેલ શ્રદ્ધા, સમીક્ષા કરાયેલ જીવનની જેમ, વધુ સમૃદ્ધ અને ગહન હોય છે.
ભારતીય મુસ્લિમ : આભાર, સોક્રેટિસ. ચાલો, આ સંવાદ ચાલુ રાખીએ, કારણ કે સત્યની શોધનો કોઈ અંત નથી.
સોક્રેટિસ : ખરેખર, મારા મિત્ર. ચાલો આપણે ફરીથી મળીશું અને સાથે મળીને શાણપણની વાત કરીશું.
ભારતીય મુસ્લિમ : ઈનશા અલ્લાહ. ખુદા હાફિઝ, સોક્રેટિસ.
સોક્રેટિસ : ખુદા હાફિઝ.
નોંધ સૂચિ:
૧. હદીસ એ પયગંબર મુહમ્મદનાં કથનો, કાર્યો, અને અનુમતિઓનો સંગ્રહ છે. મુસ્લિમો માટે કુરઆન પછી તે ધાર્મિક માર્ગદર્શનનો મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે.
૨. કુરઆનમાં પુરુષો અને સ્ત્રીઓને તેમની નજર નીચી રાખવા અને તેમની મર્યાદા જાળવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્ત્રીઓને ખાસ કરીને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની છાતી ઢાંકે અને અમુક નજીકના સંબંધીઓ સિવાય પોતાની સુંદરતા પ્રદર્શિત ન કરે. (કુરઆન ૨૪: ૩૦-૩૧)
૩. કુરઆનમાં આદેશ છે કે ધાર્મિક આસ્થા એ બળજબરીથી મુક્ત, વ્યક્તિગત પસંદગી હોવી જોઈએ. (કુરઆન ૨: ૨૫૬)
૪. ઇન્ડોનેશિયા, મલેશિયા, મોરોક્કો, ટ્યુનિશિયા, જોર્ડન, કુવૈત, બોસ્નિયા અને હર્ઝેગોવિના જેવા ઘણા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં હિજાબ અને બુરખા પહેરવાનું ફરજિયાત નથી. આ હકીકત બતાવે છે કે ઘણા મુસ્લિમ દેશોમાં આધુનિક ધારા ધોરણો સાથે સુસંગત થવા અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.
૫. કુરઆન, ૨૪: ૩૦-૩૧
૬. કુરઆન, ન્યાય (૪:૧૩૫, ૫:૮), કરુણા (૨:૧૭૭, ૯:૭૧), દયા અને ક્ષમા (૩૯:૫૩) તથા સારા આચરણ (૪૯:૧૩)નો આદેશ
આપે છે.
૭. કુરઆનમાં એકબીજાને ઓળખવાનો (૪૯:૧૩) અને જ્ઞાન પ્રાપ્તિનો (૯૬:૧-૫) પણ આદેશ છે.
સંદર્ભ ગ્રંથ : મૌલાના અબુલઆ’લા મૌદૂદી (રહ.), ૨૦૨૧, દિવ્ય કુરઆન (ગુજરાતી અનુવાદ), ઇસ્લામી સાહિત્ય પ્રકાશન, અહમદાબાદ.
પ્રતાપગંજ, વડોદરા
ઈ મેલ : pravin1943gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2025; પૃ. 04-07 તેમ જ 20 અને 21