
રવીન્દ્ર પારેખ
કોરોના વખતે બધું આડેધડ બંધ કરાયું તેમાં શિક્ષણ જગત પણ શરૂઆતમાં બંધ જેવું જ રહ્યું. તે પછી ઓનલાઈન શિક્ષણ પ્રવેશ્યું ને તે સાથે જ ગુજરાતમાં એકમ કસોટીઓ પણ દાખલ પડી ગઈ. કોરોના તો ગયો, પણ તેના અવશેષ જેવી એકમ કસોટી, સોટીની જેમ વાગ્યા કરે છે. સરકાર બદલાઈ. શિક્ષણ મંત્રીઓ એકથી ભલા બે થયા, 2020થી નવી શિક્ષણ નીતિ આવી, તેમાં પરીક્ષાનું ભારણ ઘટાડવાની વાત હતી, પણ એકમ કસોટીનો બોજ વિદ્યાર્થીઓને કે શિક્ષકોને માથે ખડકાયેલો જ રહ્યો તે દુ:ખદ છે. કોરોના વખતે તેનું મૂલ્ય હશે, પણ હવે તે શું કામ છે તે નથી સમજાતું. એક તરફ કાયમી શિક્ષકોની ઘટ છે ને કામચલાઉ શિક્ષકોથી કામ લેવાતું હોય ત્યારે કાયમી થઈ ગયેલી એકમ કસોટીનું વિસર્જન થવું જોઈએ, પણ નથી થતું ને તે કેમ છે તેનું કોઈ લૉજિક શિક્ષણ વિભાગ નથી આપતું, ત્યારે તેનો સાર્વત્રિક વિરોધ થાય તે શક્ય છે.
કોણ જાણે કેમ પણ ક્યાંક ને ક્યાંક પરીક્ષાઓ ચાલ્યા જ કરે છે. ભણતર એટલે પરીક્ષા એવો અર્થ રૂઢ થતો આવે છે. ભણ્યા કે ભણાવ્યા વગર પરીક્ષાઓમાં જીવવું એ જ નવી શિક્ષણ નીતિની નીતિ હોય એવું ગુજરાતમાં તો લાગે જ છે. ઓન પેપર ગુલાબી ચિત્ર ઊભું થતું રહે અને વાસ્તવિકતા વરવી હોય એવી વ્યવસ્થા તંત્રોએ ગોઠવી છે. પરિપત્રોએ અને ડેટાએ એટલા ડાટા માર્યા છે કે શિક્ષકો કારકૂન થઈ ગયા છે અને વર્ગશિક્ષણ અપવાદરૂપે જ થાય છે. પરિપત્રોના ખરા ખોટા જવાબો મોકલાય છે, અપેક્ષિત ડેટા આપી દઈને સ્કૂલો ભાર ઉતારી દે છે ને એ મેળવીને શિક્ષણ વિભાગ પણ રાજી રહે છે. એ ડેટાનું સરકાર શું કરે છે તે નથી ખબર, પણ એનાથી અસરકારક પરિણામો સુધી પહોંચાતું હશે કે કેમ એની શંકા રહે છે. નહિતર એ સવાલ થાય કે પચાસેક હજાર શિક્ષકોની ઘટ છે ને જ્ઞાન સહાયકો નોકરી કાયમી ન હોવાથી હાજર થતા નથી, તો શિક્ષણ ચાલે છે કેવી રીતે?
શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું છે છતાં સુરત જિલ્લા પંચાયતની સ્કૂલોનાં 36 હજાર વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળ્યા નથી ને કમાલ એ છે કે 2 કરોડની જોગવાઈ યુનિફોર્મ વિતરણ માટે ઓલરેડી થઈ ચૂકેલી છે. આખેઆખી સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે તો શિક્ષક ભણાવે છે શું ને વિદ્યાર્થીઓ ભણે છે શું એ સવાલ થવો જોઈએ. 22 જાન્યુઆરીના જ સમાચાર છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 99માંથી 4 સ્કૂલો જર્જરિત છે. શાળા નંબર 1 અને 51 માટે બજેટમાં 2 કરોડની જોગવાઈ છતાં, કામગીરી ટેન્ડર સુધી પણ નથી પહોંચી. 2008થી શાળા નંબર 99 ભાડાના મકાનમાં ચાલે છે. એમાં 1થી 5નાં 222 વિદ્યાર્થીઓની વચ્ચે 4 જ રૂમ છે. શાળા નંબર 100 કપાતમાં જાય છે ને 1થી 5નાં બાળકોને ભગવતીપરાની આધુનિક હાઇસ્કૂલમાં ખસેડવાની નોબત આવી છે, પણ કરમની કઠણાઇ એ છે કે આધુનિક હાઈસ્કૂલનું લોકાર્પણ થઈ ચૂક્યું હોવા છતાં, તેને મંજૂરી મળી નથી.
આ એકલાં રાજકોટની જ વાત નથી, ઘણાં શહેરોની ને ગામડાઓની હાલત કૈં બહુ જુદી નથી. એમાં પરીક્ષાઓ માથે મરાતી રહે તો શિક્ષણનું કેવું ને કેટલું કામ થતું હશે તે કલ્પી શકાય એમ છે. ખરેખર કેટલી નિયમિત હશે તે તો ખબર નથી, પણ ધોરણ 3થી 8/9 કે ક્યાંક તો 12 સુધીની દર શનિવારે સરકારી શાળાઓમાં એકમ કસોટી લેવાની વાત છે જ ! એનું કેલેન્ડર શાળાઓને મોકલવામાં આવ્યું છે ને સરકાર એમ માને છે કે એ કેલેન્ડરથી શિક્ષકો સમયસર અભ્યાસક્રમ પૂરો કરી શકશે. જો કે, પરીક્ષાનાં કેલેન્ડરથી અભ્યાસક્રમ પૂરો કરવામાં મદદ કેવી રીતે મળે એનો ખુલાસો સરકારે કર્યો નથી. બને કે શિક્ષકો ને આચાર્યો એ જાણતા હોય. વિદ્યાર્થીઓ સંદર્ભે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર એવો ખુલાસો પણ કરે છે કે નિયમિત કસોટીઓ વિદ્યાર્થીઓને પરીક્ષાના સતત ડરનો સામનો કરવામાં મદદ કરે છે. એમાં તથ્ય હશે, પણ સતત પરીક્ષા, પરીક્ષા પ્રત્યે વિદ્યાર્થીને બેપરવા કરે અને માત્ર પરીક્ષાલક્ષી તૈયારીઓમાં જ વ્યસ્ત રાખે એમ બને. એ સ્થિતિમાં વિદ્યાર્થી અભ્યાસ અને ચિંતન મનનને બદલે જવાબો આપવા જેટલું જ યાંત્રિક કૌશલ્ય કેળવે એવું, નહીં?
એકમ કસોટીઓ નિરર્થક છે એવી વાત GCERTના પૂર્વ નિયામક ડો. નલિન પંડિતે ઘણા વખતથી સરકારને કાને નાખી છે, પણ સરકારે અત્યાર સુધી તો એ વાત કાને ધરી નથી. એમણે એટલે જ ઉપવાસથી આંદોલનનાં મંડાણ કર્યાં છે. એમને અનેક શિક્ષક સંઘોએ ટેકો જાહેર કર્યો છે ને જોતજોતામાં તેની રાજ્ય વ્યાપી અસરો પણ પડી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી ડિંડોરને પત્ર લખીને એકમ કસોટીની સમીક્ષા કરવા અંગે પત્ર પણ લખ્યો છે. મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ – ભાવનગરે તો શિક્ષણ મંત્રીને એકમ કસોટી નાબૂદ કરવાની રોકડી વાત કરી છે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતે એકમ કસોટી સંદર્ભે 14,302 શિક્ષકોને 14 પ્રશ્નો પૂછીને એક સર્વે કર્યો છે, જેમાં 97.6 ટકાએ કબૂલ્યું છે કે કસોટી અને તેને લગતી કામગીરીને લીધે વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરી ખોરંભે ચડે છે. 97.2 ટકા શિક્ષકો માને છે કે ડેટા વગેરે સરકાર સુધી પહોંચાડવામાં અભ્યાસક્રમ પૂરો કરવામાં મુશ્કેલીઓ સર્જાય છે. સરકાર સુધી ડેટા પહોંચાડવામાં એટલો સમય જાય છે કે 91.4 ટકા શિક્ષકો માને છે કે તેને માટે વહીવટી પોસ્ટ અલગથી સ્કૂલોમાં ઊભી કરવી જોઈએ. 78.4 ટકા શિક્ષકો માને છે કે એકમ કસોટીથી વિદ્યાર્થીની શૈક્ષણિક યોગ્યતામાં કોઈ વધારો થતો નથી. આ ઉપરાંત પણ એવાં તારણો મળ્યાં છે જે સૂચવે છે કે એકમ કસોટી કોઈ રીતે વિદ્યાર્થીઓને કે શિક્ષકોને ઉપકારક નથી.
એકમ કસોટીની અસરકારકતા અંગે ડો. નીરજ રાજ્યગુરુએ પ્રસ્તુત કરેલ સંશોધનપત્રમાં પણ એ સ્પષ્ટ કર્યું છે કે એકમ કસોટીની અસરકારકતા પ્રસ્થાપિત થઈ શકી નથી. 95 ટકા પાત્રોનું માનવું છે કે પુન:કસોટી, મહાવરો અને ઉપચારાત્મક કાર્ય કઠિન છે અને ઘણો સમય માંગે છે. દર 15 દિવસે લેવાતી એકમ કસોટીમાં એકંદરે સાડા આઠ કલાક જેટલો સમય ખર્ચાય છે. આ કસોટી દર અઠવાડિયે લેવાતી હોય તો અઠવાડિયે સાડા આઠ કલાક કસોટી પાછળ બગડે છે તે નોંધવું ઘટે. શિક્ષકો ઓછા હોય એ સંજોગોમાં આ સમય અસરકારક શિક્ષણમાંથી ખર્ચાય છે તે પણ સમજી લેવાનું રહે.
આખું પ્રારંભિક શિક્ષણ આંકડાઓની માયાજાળમાં અટવાઈ ગયું છે. દર શનિવારે એકમ કસોટી લેવાય, તેના માર્કસ અપાય, તેનું ઉપચારાત્મક કાર્ય થાય, તેનો ડેટા સરકારને મોકલાય, એ બધાંમાં એટલો સમય જાય છે કે અભ્યાસક્રમ પૂરો જ ન થાય ને થાય તો તેમાં ભલીવાર ન હોય. આ બધું વિદ્યાર્થીઓ માટે ઓછું, પણ ડેટા મોકલવા થતું હોય એવું વધારે છે. શિક્ષણ થાય તો પરીક્ષણનો અર્થ છે, પરીક્ષણ જ શિક્ષણ ગણાતું હોય તો આ આખો વ્યાયામ મજૂરીથી વધારે કૈં નથી.
ડો. નલિન પંડિતને કસોટીનો વાંધો છે, મૂલ્યાંકનનો નથી. મૂલ્યાંકન પણ 360 ડિગ્રી થવું જોઈએ ને એ નવ સંસ્કરણ પામેલ હેન્ડ, હાર્ટ અને હેડથી સંભવિત છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 12માં મોટે ઉપાડે એકમ કસોટી દાખલ તો કરી દેવાઈ છે, પણ હવે રાજ્યભરમાંથી એ અંગે વિરોધનો વંટોળ ઊઠયો છે, ત્યારે સરકારની ચૂપકીદી ભેદી બની રહી છે. ગમ્મત તો એ છે કે રાજ્ય એક, સરકાર એક, શિક્ષણ ને શિક્ષણ પદ્ધતિ એક, પણ સરકારી સ્કૂલોમાં એકમ કસોટી ફરજિયાત અને ખાનગી સ્કૂલોને તે મરજિયાત છે. આ બરાબર છે? ઘણી સ્વનિર્ભર સ્કૂલો એકમ કસોટીમાં જોડાઈ જ નથી ને સરકારીનો માસ્તર અઠવાડિયે સાડા આઠ કલાક એકમ કસોટીની મેથી મારવામાંથી જ ઊંચો નથી આવતો ! આમાં વિદ્યાર્થીના સમયની તો વાત જ નથી આવતી. એ ભણે છે ઓછું ને કસોટીમાં ખપે છે વધુ !
એકમ કસોટીઓ ચાલુ રાખીને શિક્ષકો અને વિદ્યાર્થીઓનાં સમય અને શક્તિ બગાડવાનું કોઈ કારણ જણાતું નથી, પણ શિક્ષણ વિભાગમાં શિક્ષણ શાસ્ત્રીઓ ઓછા છે ને વહીવટી અમલદારો વધારે છે એટલે ડેટા ભેગા કરવાનું ગૌરવ જ લેવું હોય તો સરકાર એકમ કસોટી ચાલુ રાખશે. એકમ કસોટી નાબૂદ કરવાને બદલે સરકાર તેને કસોટીએ ચડાવવાનો આનંદ લૂંટે એમ બને. એવે વખતે પ્રાર્થના જ કરવાની રહે કે સબકો સંમતિ દે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જાન્યુઆરી 2025