
પાબ્લો નેરૂદા
કંઈક હળવું લખવાની ઇચ્છા થયેલી, કેમ કે, ગમ્ભીર ગમ્ભીરથી થોડોક કંટાળો આવતો’તો. મને થયું, પ્રેમકાવ્યો પાસે જઉં.
વિચારતાં વિચારતાં પાબ્લો નેરુદા પાસે ગયો. એમનાં કેટલાંક કાવ્યોના ભાવાનુવાદ મેં પહેલાં કરેલાં, ‘ખેવના’-માં પ્રકાશિત છે, એ યાદ આવ્યા; જોયું તો લાગ્યું કે આવા અનુવાદ તો ન જ ચાલે, એ કક્ષાના છે. એટલે, મેં એ નવેસર કરવા માંડ્યા છે.
પણ એક ભાવાનુવાદ હસ્તપ્રતમાં મળ્યો, અપ્રકાશિત, જે પ્રેમકાવ્ય નથી. બલકે ગ્લોબિઝેશન ઉદારમતવાદ બજારવાદ અને મલ્ટિનેશનલ્સની જે વાતો લઈને હું આજકાલ બેઠો છું એને જ સ્પર્શતું એ એક જલદ કાવ્ય છે.
એટલે સમજો, એ-ની-એ જ ગમ્ભીર સૃષ્ટિ! પણ આશ્વાસન એ કે એ સૃષ્ટિ કાવ્યશીલ છે.
નેરુદાની The United Fruit Company —
એ ભાવાનુવાદ નવેસર કર્યો, આ પ્રમાણે :
The United Fruit Company — ધ યુનાઇટેડ ફ્રુટ કમ્પની
ટ્રમ્પેટ બજી એટલે ધરતીવાસી સૌ સજ્જ થઈ ગયાં,
દેવ યહોવાહે
દુનિયા
Coca-Cola, Anaconda, Ford Motors અને
બીજાં Corporationsને અર્પણ કરી.
પણ
મારી દુનિયાનો દરિયાકિનારો
દક્ષિણ અમેરિકાની કમનીય કટિ
અતિ રસદાયી ટુકડો
The United Fruit Companyએ
પોતા માટે રાખી લીધો.
એણે એ બધી કમ્પનીઓનું
Banana Republics
એવું નવું સહિયારું નામ પાડ્યું.
અને એણે
સૂતેલા મૃતકો
વિજયી નાયકો પર
વાવટાઓ ને ધજાપતાકાઓ પર
સ્વાતન્ત્ર્ય અને ગૌરવ પર
જાપતો બેસાડીને
opera buffa કહો કે
હાસ્યાસ્પદ ફારસ શરૂ કરી દીધું —
મુક્ત ઇચ્છાનો નાશ કર્યો
સૌને સમ્રાટશાહી મુગુટ પ્હૅરાવ્યા
ઇર્ષા ભડકાવી
અને
કામણ કરીને
નિમન્ત્રણ આપ્યાં
સરમુખત્યારશાહી મક્ષિકાઓને —
Trujillo મક્ષિકાઓ Tachos મક્ષિકાઓ
Carias મક્ષિકાઓ Martinez મક્ષિકાઓ
Ubico મક્ષિકાઓ
Fruit Company પર
આવી પ્હૉંચી
દમિતોનાં રક્ત અને માર્માલેડ જેવા
છૂંદામાં લદબદ મક્ષિકાઓ
લોકોની કબરો પર બણબણતી નશીલી મક્ષિકાઓ
જુલમમાં નિપુણ સરકસી મક્ષિકાઓ
લોહીતરસી મક્ષિકાઓ
Fruit Company પર
આવી પ્હૉંચી
સાગરતટે લાંગર્યાં
કૉફી અને ફળથી ભર્યાં વહાણ
ઉજ્જડ અમારા પ્રદેશના ખજાનાથી
ઠસોઠસ ભરેલી જાણે તાસકો!
દરમ્યાન
દેશીઓએ બંદરનાં સાકર-મીઠાં પાણીમાં ઝંપલાવ્યું
અને સવારના ધુમ્મસમાં અદૃશ્ય થઈ ગયા
ગબડી રહેલું એક શબ …
એક નિર્નામ વસ્તુ …
કો’કનો એકલો નમ્બ ર…
સડેલાં ફળની એક લૂમ
ઉકરડા પર …
= = =
જરૂરી નૉંધ :
The United Fruit Company નામની એક મોટી અમેરિકન કમ્પની હતી, ૧૮૯૯-માં સ્થપાયેલી. વિકાસશીલ રાષ્ટ્રો, દક્ષિણ અમેરિકા અને આફ્રિકા, Third world plantations ગણાતાં, એશિયા પણ ખરું. કેમ કે, એ દેશોમાં ટ્રૉપિકલ ફ્રૂટ્સનો પાક ખૂબ થાય. દક્ષિણ અમેરિકાથી આ કમ્પની ટ્રૉપિકલ ફ્રૂટ્સ, ખાસ તો કેળાં અને અનેનાસ, યુ.ઍસ.એ. અને યુરપમાં વેચે, મોટો નફાકારક વેપાર કરે. ઓછું મહેનતાણું, કામ કરવાની કંગાળ જગ્યાઓ, શ્રમિકોના મર્યાદિત હક્કો, વગેરે કારણસમવાય હતો; તેથી, શોષણ ઘણું થતું.
૧૯૭૦ સુધી આ કમ્પની ચાલેલી. એથી એણે ૨૦મી સદીના ઘણા દાયકાઓ લગી કેળાંના વેપારમાં પોતાનો ઇજારો ઊભો કરેલો. સૅન્ટ્રલ અમેરિકાના, ઉપરાન્ત, વેસ્ટ ઇન્ડીઝ તેમ જ કોલમ્બિયાના કૅરેબીયન દરિયાકિનારાના, વિશાળ પ્રદેશોના ટ્રાન્સપોર્ટેશન્સ પર પણ એણે કબજો જમાવેલો. એટલે કેળાંના આન્તરરાષ્ટ્રીય વેપારમાં આ કમ્પની ‘ખેલાડી’ કહેવાય છે. દક્ષિણ અમેરિકાના દેશોમાં આર્થિક અને રાજકીય વિકાસ પર એનો ખાસ્સા સમય લગી પ્રભાવ રહેલો.
સમીક્ષકોએ એવાં કારણોથી આ કમ્પનીને exploitative neocolonialism-નું દૃષ્ટાન્ત કહી છે અને જણાવ્યું છે કે ‘banana republics’-માં ‘રીપબ્લિક’ જેવું કશું નથી, બલકે એમાં મલ્ટિનેશનલ કમ્પનીઓના અંદરોઅંદરના રાજકારણની ભારે અસરો છે; કમ્પની એવી અસરોનો મૂળ નમૂનો છે.
નેરુદાના આ કાવ્યનું વસ્તુ જોઈને મને માર્ક્વેઝની નવલકથા “One Hundred Years of Solitude’-ના બનાના પ્લાન્ટેશનની યાદ આવી ગઈ. માકોન્ડો ગામમાં એની સ્થાપક પણ અમેરિકન કમ્પની જ છે. એમાં પણ કમ્પનીના અંકુશ હેઠળ શ્રમિકોના શોષણ તેમ જ તેમની યાતનાઓની જ કથા છે. ૧૯૨૮-ના Banana Massacre in Colombia-ની ઐતિહાસિક દુર્ઘટનાવલીનો એ કથાભાગ પર પ્રભાવ છે.
મને એ વિચાર આવ્યો કે આપણા સમયની મલ્ટિનેશનલ્સથી પ્રેરાઈને કાવ્ય લખાય કે વાર્તા, તો એમાં વીડિયો ગેમ્સ અને સાયન્સ ફિક્શનનું સર્રીયાલિઝમ ઘણું હશે.
એ વાત બીજી કોઈ વાર, તક મળશે ત્યારે …
(ક્રમશ:)
(23JanUSA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર