1929માં લાહોરમાં કાઁગ્રેસનું અધિવેશન મળ્યું. આ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ મેળવવાનો ઠરાવ પસાર થયો અને તે માટેની લડતનો દોર ગાંધીજીના હાથમાં સોંપાયો.
ગાંધીજીનું મંથન શરૂ થયું. દેશના વધુમાં વધુ લોકો જોડાઈ શકે તેવી લડતના માધ્યમની શોધમાં તેઓ હતા. એમાંથી એમને ‘નમકવેરો’ લાધ્યો. મીઠા ઉપર બ્રિટિશ સરકારે 2,400 ટકા વેરો નાંખ્યો હતો અને તે દ્વારા 6 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં જમા થતા. 1925-26ના વર્ષમાં સરકારની વાર્ષિક કુલ આવકના 19.7% આવક મીઠાના કરમાંથી થઈ! ગરીબ-તવંગર, બચ્ચાં-બુઢાં, પ્રાણીઓ સુધ્ધાં મીઠા વિના ચલાવી ન શકે. એટલે મીઠા ઉપરનો વેરો હરકોઈને લાગુ પડતો હતો. દેશના તમામ વર્ગના લોકોને સીધી રીતે સ્પર્શે તેવો આ મુદ્દો ગાંધીજીએ પકડ્યો અને મીઠા ઉપરના વેરાની નાબૂદી માટે નમક સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું. દેશભરમાં લડત માટેનું વાતાવરણ જામતું ગયું.
ગાંધીજીની લડવાની રીત અનોખી હતી. મોરચો માંડતાં પહેલાં સમાધાન માટેના તમામ પ્રયત્નો કરવાનું તેઓ કદી ચૂક્યા નથી. દાંડીકૂચ કરતાં પહેલાં એમણે સમાધાન માટે તે સમયના વાઇસરોય લૉર્ડ અર્વિનને વિગતવાર લાંબો પત્ર લખ્યો.
ગાંધીજીના પત્રની વાઇસરૉય ઉપર કશી જ અસર ન થઈ. વાઇસરૉયના ખાનગી મંત્રીએ ફક્ત પહોંચપત્ર લખી મોકલ્યો :
ભાઈશ્રી ગાંધી,
તમારો તારીખ 2જીનો પત્ર નામદાર વાઇસરૉયને મળ્યો છે. તમે એવું કાર્ય ઉપાડવા ધારો છો કે, તેને પરિણામે સુલેહશાંતિનો ભંગ થવાનો તથા કાયદાનો અનાદર થવાનો ભય ચોખ્ખો રહેલો છે. એ જાણીને વાઇસરોય સાહેબને દિલગીરી ઊપજી છે.
પત્ર વાંચી ગાંધીજીને ખેદ થયો. અને બોલ્યા : પગે પડીને મેં જ્યાં ખાવાનું માગ્યું. ત્યાં ભાણામાં પથરા મળ્યા!
અને લડતની તૈયારીઓ શરૂ થવા લાગી.
સત્યાગ્રહનું સ્થળ ગુજરાતમાંથી જ પસંદ કરવાનું હતું. ગુજરાતને ઘણો લાંબો દરિયાકિનારો મળ્યો છે. કુદરતી મીઠું પાકે તેવાં ઘણાં સ્થળો ગુજરાતમાં આવેલાં છે. દરિયાકિનારાને અડીને આવેલું દાંડી સૌને ગમ્યું.
ખડતલ શરીર, મજબૂત મન અને સમર્પણભાવ ધરાવતા સૈનિકોની જરૂર હતી. એટલે ગાંધીજીએ બીજે નજર ન દોડાવતાં આશ્રમના વ્રત-નિયમોથી ઘડાયેલા એવા 70 આશ્રમવાસીઓને પસંદ કર્યા.
આ કૂચયાત્રામાં જોડાવા અનેક બહેનો તત્પર હતાં પરંતુ ગાંધીજીએ એક પણ બહેનને ન લીધાં. કસ્તૂરબાને પણ નહીં. બહેનોએ પૂછ્યું ત્યારે એમણે કહ્યું :
આરંભમાં હું તમને લઈ જવા માંગતો નથી. જૂનાં યુદ્ધો વિશે કહેવાય છે, કે મુસલમાનો પોતાની આગળ ગાય રાખતા કે જેથી ગોપૂજક હિંદુઓને હુમલો કરતાં મૂંઝવણ થઈ પડે. આ વાત સાચી હોય કે ખોટી હોય તેની સાથે આપણને લેવાદેવા નથી. પણ સાચા શૂરવીરથીથી એવું ન થાય. અંગ્રેજો ગમે તેવા હોય, પણ તેમને વિશે આપણે એટલું જાણીએ છીએ કે, તેઓ સ્ત્રીઓ ઉપર એકાએક હાથ ન ઉપાડે. એટલે આપણે આપણી ટુકડીને મોખરે સ્ત્રીઓને રાખીએ એ આપણને ન શોભે.
બહેનો સમજી ગયાં.
12મી માર્ચ યાત્રાના પ્રસ્થાનનો અને 6ઠ્ઠી એપ્રિલ દાંડીમાં સત્યાગ્રહ માટેનો દિવસ નક્કી થયો. એક તો જલિયાંવાલા બાગનો હત્યાકાંડ છઠ્ઠી એપ્રિલના રોજ બન્યો હતો; અને બીજું, પૂર્ણસ્વરાજનો ઠરાવ કાઁગ્રેસે આ જ દિવસે કર્યો હતો. એટલે મીઠાના સત્યાગ્રહ માટે પણ છઠ્ઠી એપ્રિલનો દિવસ મુકરર કરવામાં આવ્યો.
°°°
12મી માર્ચ યાત્રાના પ્રસ્થાનનો અને 6ઠ્ઠી એપ્રિલ દાંડીમાં સત્યાગ્રહ માટેનો દિવસ નક્કી થયો. એક તો ‘જલિયાંવાલા બાગ’નો બનાવ 6ઠ્ઠી અપ્રિલના રોજ બન્યો હતો અને બીજું ‘પૂર્ણસ્વરાજનો ઠરાવ કાઁગ્રેસે આ જ દિવસે કર્યો હતો. એટલે મીઠાના સત્યાગ્રહ માટે પણ 6ઠ્ઠી એપ્રિલનો દિવસ મુકરર કરવામાં આવ્યો. સાબરમતી આશ્રમ, અમદાવાદથી પદયાત્રા દ્વારા દાંડી સુધીનું અંતર 241 માઈલનું હતું. તેને લક્ષમાં લઈ 24 દિવસની યાત્રાનો કાર્યક્રમ ઘડાયો. દાંડીકૂચ વખતે ગાંધીજીની ઉંમર 61 વર્ષની હતી. ખભે બગલથેલામાં પોતાની જરૂરિયાતની વસ્તુઓ રાખીને ચાલવાનું હતું. ઝડપથી ચાલવામાં સરળતા રહે એટલા માટે વાંસની લાકડી સાથે રાખી, ઘૂંટણ સુધીની ટૂંકી ધોતી અને તેનો જ એક છેડો બદન ઉપર ઓઢીને, તેજ ગતિથી ચાલતા ગાંધીજી ભારતીય ગ્રામપુરુષનું સાદગીભર્યું તાદશ ચિત્ર ખડું કરતા. એમની ચાલ એટલી ઝડપી હતી કે સાથેના કેટલાકને તો લગભગ દોડવું પડતું.
એમણે ખભે ભેરવવા બે થેલી તૈયાર રાખી. એક થેલીમાં રોજિંદી જરૂરી વસ્તુઓ અને બીજીમાં જેલમાં જવા માટેની ચીજવસ્તુ. આ યાત્રા દરમિયાન ગમે તે ઘડીએ એમની ધરપકડ થાય એવી પૂરી શક્યતા હતી. તેને લક્ષમાં લઈ એમણે જેલ માટેની થેલી પણ તૈયાર રાખી હતી.
લડત અંગેની જરૂરી પૂર્વતૈયારીમાં એક મહત્ત્વનું અંગ ‘અરુણ ટુકડી’ હતી. લડતમાં જોડાવા થનગનતા છતાં જેનો તેમાં સમાવેશ ન થઈ શક્યો તેવા ગૂજરાત વિદ્યાપીઠના તરુણોની અરુણ ટુકડી બની. ગુલામ રસૂલ કુરેશી તેના આગેવાન હતા.
આ ટુકડીએ મુખ્ય બે કામ કરવાનાં હતાં : એક એ કે દાંડીયાત્રા જે ગામે પહોંચે, તે પહેલાં તેમણે ત્યાં પહોંચી જઈ યાત્રીઓના ઉતારા, ભોજન ઇત્યાદિ સુવિધા સુપેરે ગોઠવાય, તેમાં મદદ કરવી. અને બીજું એ કે યાત્રાના માર્ગમાં આવતાં ગામોનો સરવે – તપાસ – કરી સામાજિક અને આર્થિક સ્થિતિની માહિતી મેળવવી. આ અરુણ ટુકડીએ ભેગી કરેલી માહિતી ગાંધીજીને ખૂબ ઉપયોગી નીવડી.
12મી માર્ચનું પોહ ફાટ્યું. પણ તે પહેલાં 11મીની આખી રાત ભારે ઉત્તેજનાભરી બની રહી. ગાંધીજીને પકડ્યા વિના સરકાર નહીં રહે અને ગાંધીજીને કેવી રીતે પકડે છે તે પ્રત્યક્ષ જોવાની એટલી બધી તાલાવેલી કે આખી રાત લોકો આશ્રમને દરવાજે ઠલવાતાં રહ્યા. આશ્રમ તો નવ વાગ્યે બંધ થઈ જાય એટલે બહાર ખુલ્લામાં ચાંદની રાત અને ઠંડીના ચમકારામાં તાપણાં સળગાવી, ઉજાગરાની પરવા કર્યા વિના લોકો બેસી રહ્યા. કહેવાય છે કે તે રાત્રે નિરાંતે કોઈએ ઊંઘ લીધી હોય, તો કદાચ ગાંધીજીએ જ !
ચારના ટકોરા પડ્યા. લોકો પ્રાર્થનાભૂમિ તરફ જવા લાગ્યા. ચોગરદમ લોકો શાંતિથી આવીને બેસી ગયા. ગાંધીજીની પડખે એક બાજુ મુત્સદી પુરુષ પ્રભાશંકર પટ્ટણી અને બીજી બાજુ સફેદ દાઢીવાળા બુઝુર્ગ પુરુષ અબ્બાસ તૈયબજી હિંદુ – મુસ્લિમ સંસ્કૃતિના સમન્વય સમા બેઠા હતા. પંડિત ખરેએ ભજન ઉપાડયું:
શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં,
દેખ ભાગે સોઈ શૂર નાહીં!
પ્રાર્થના પૂરી થયા પછી લોકો આમતેમ ફરતા રહ્યા. સૈનિકો તૈયારીમાં પડ્યા. પણ સેનાપતિ તો બાકીની ઊંઘ પૂરી કરવા પોતાના ખંડમાં આવીને ઘસઘસાટ ઊંઘી ગયા. પ્રસ્થાનને હજુ વાર હતી. પ્રસ્થાનનો સમય 6-20નો હતો.
સમય થવા આવ્યો. સૌપ્રથમ 79 સત્યાગ્રહી સૈનિકો વણાટશાળાની સામેના ચોગાનમાં બબ્બેની હારમાં ગોઠવાઈ ગયા. તેઓના ઘરમાં જેમને પત્ની, મા, બહેન કે દીકરી હતાં તેમણે તેમને ચાંલ્લા કરી વિદાય આપી.
દરેક યાત્રીની સંપત્તિમાં પોતાનો બગલથેલો, એક જોડ કપડાં, ઓઢવા-પાથરવાની ચાદર, રોજનીશી લખવા નોટપેન અને કાંતવા માટે તકલી-પૂણી હતાં. ધજાઓ, બૅનરો, પોસ્ટરો કે કોઈ પણ પ્રકારનાં પ્રચારાત્મક ચિહનો ન હતાં. યાત્રીઓનો કોઈ ચોક્કસ પ્રકારનો ગણવેશ પણ ન હતો. કેટલાકે લાંબા-ટૂંકા પનાનાં ધોતિયાં પહેર્યાં હતાં. તો કેટલાકે લાંબી-ટૂંકી બાંયના ઝભ્ભા પહેર્યા હતા. કોઈકે ચંપલ તો કોઈકે જોડા પહેર્યા હતા. કોઈક તો ઉઘાડપગા પણ હતા. એમનામાં જો કોઈ એકરૂપતા દેખાતી હતી તો તે એ કે બધા જ ખાદીધારી હતા.
હવે સૌ ગાંધીજીના આવવાની રાહ જોઈ રહ્યા હતા. એટલામાં સૌનું વંદન ઝીલતા, હસતે મુખે ગાંધીજી પધાર્યા. કસ્તૂરબાએ કુમકુમનો ચાંલ્લો કરી સૂતરનો હાર પહેરાવ્યો અને કાકાસાહેબ કાલેલકરે હાથમાં લાકડી આપી. બરાબર 6-20 કલાકે ગાંધીજીએ બધાંને આવજો કરવા હાથ ઊંચા કર્યા અને પગ ઉપાડ્યો.
°°°
એરથાણમાં એવું બનવા પામ્યું, જેનાથી ગાંધીજી દુ:ખી થયા : સવારના ગાંધીજી ત્રણ વાગ્યે ઊઠી ગયા ત્યારે એમણે યાત્રીઓ માટે રાનીપરજ બહેનોને રોટલા કરતી જોઈ. વેડછી તરફથી આવેલી રાનીપરજ બહેનો પાસે આવા કસમયે કામ લેવાતું જોઈ, આવી સેવાનો વહેવાર અવળો લાગ્યો.
ઓલપાડમાં રેંટિયાનો પ્રચાર ઓછો હતો. એટલે બારડોલીથી ગાડામાં રેંટિયા મંગાવ્યા. આવો ખર્ચાળ વહેવાર ગાંધીજીને કઠ્યો. ગાંધીજી માટે સંતરાં સાથે લીલી દ્રાક્ષ પણ વધારાની લઈ આવ્યા. આ બધું જોઈને તેઓ સમસમી ઊઠ્યા. ને આખરે તેમણે પ્રાયશ્ચિત્તનો માર્ગ લીધો : હવે પછી યાત્રામાં લીંબુ સિવાય તમામ જાતનાં ફળોનો ત્યાગ કર્યો. ખજૂર, સૂકી દ્રાક્ષ, લીંબુ અને બકરીનું દૂધ – આ ચાર વસ્તુથી જ ચલાવવાનો સંકલ્પ કર્યો. બારડોલીવાળા રેંટિયા સાથે ન લેવાનો નિશ્ચય કર્યો અને બધાએ તકલી ઉપર જ 160 તાર નિયમિત કાંતવાનું ઠરાવ્યું.
ગાંધીજીનું દિલ દુભાયેલું હતું. તેમાં વળી ભડકો કરે તેવી એક વધુ બનાવ ભટગામમાં બન્યો. એરથાણથી ભટગામનો રસ્તો સારો ન હતો. સાંજનો સમય હતો. લગભગ અંધારામાં ચાલવાનું હતું. યાત્રીઓને ચાલવામાં તકલીફ ન થાય, તે માટે થઈને ગૅસની બે બત્તીઓ—કિટ્સનલાઇટ—ની વ્યવસ્થા કરવામાં આવી હતી. મૂળે આ વ્યવસ્થા ગાંધીજીને પસંદ ન હતી. તેમાં વળી બે ચીંથરેહાલ મજૂરો પાસે તે ઊંચકાવી હતી. તેઓ માથે લઈને ચાલતા હતા. એકાદ કાર્યકરે પેલા મજૂરોને ઝડપથી ચાલવા જુવારના સાંઠકડાનો ગોદો માર્યો. આ જોઈને ગાંધીજી સમસમી ઊઠ્યા. પરિણામે તે પછીની મળેલી સભામાં ખિન્ન હૃદયે તેઓ બોલ્યા :
“આખા હિંદુસ્તાનના માણસો મારા એક સ્વભાવને જાણી ગયા છો. પણ બીજા કરતાં ગુજરાતી વિશેષ કરીને. હું આખાબોલો છું. સરકારના પહાડ જેવા દોષ, પહાડ જેવા બતાવી શકું છું. આપણા પોતાના રજ જેવડા દોષ હોય, તોપણ એ મને પહાડથીયે મોટા લાગે છે.”
દેલાડમાં ભાષણ કરતાં ગાંધીજીએ કહ્યું :
“મને લાગે છે કે, હું પ્રમાણમાં ઘણું ખાઉં છું. દેશમાં અસંખ્ય માણસોને માત્ર રોટલો ને ખરાબ મીઠું મળે છે, તે છતાં સેવાના મોહવશ થઈ હું દૂધ ખાતોપીતો સેવા કરી રહ્યો છું. આ પાપી પેટને દૂધ આપવું પડે છે. ચાલતાં ચાલતાં, ડગલે ને પગલે મને દરિદ્રનારાયણના જ વિચાર આવ્યા કરે છે.”
પાંચમી એપ્રિલ પ્રાતઃકાળે બાહ્મમુહૂર્તમાં નિત્યક્રમ આટોપી, પ્રાર્થના કરી આખો સંઘ કરાડીથી દાંડી જવા રવાના થયો. ગાંધીજીના પગમાં પણ અસાધારણ જોમ વરતાતું હતું. તેઓ જાણે ચાલતા ન હતા. ઊડતા હતા.
°°°
241 માઈલની પદયાત્રા પૂર્ણ થઈ. દાંડીમાં ગાંધીજીનો ઉતારો એક મુસ્લિમ યજમાન શેઠ સિરાજુદીન વાસીને બંગલે સૈફી વિલામાં રાખવામાં આવ્યો હતો અને સૈનિકોનો ઉતારો ડાહ્યાભાઈ કુંવરજી દેસાઈના મકાનમાં. સિરાજુદીન શેઠ રાષ્ટ્રવાદી મુસ્લિમ બિરાદર હતા. ખાદી પહેરીને ગાંધીજીનો સત્કાર કરવા તેઓ સામે આવ્યા. ગાંધીજીએ તેમને હસીને કહ્યું, “તમે બંગલો આપ્યો અને વળી સામા લેવા આવ્યા છો. પણ મને સંઘરીને તમે કોઈ વખત બંગલો ખોઈ બેસવાના છો.”
જવાબમાં વાસી શેઠે ઉત્સાહપૂર્વક જણાવ્યું : “એ ખોવાની મારી તૈયારી છે.”
(અને વાસ્તવમાં બન્યું પણ એમ જ. શેઠે બંગલો ખોયો તો નહીં પણ ‘ગાંધી સ્મારક’ માટે સને 1961માં પંડિત જવાહરલાલ નેહરુ દાંડી પધાર્યા ત્યારે એમણે અર્પણ કરી દીધો! તેમાં આજે ગાંધી સંગ્રહાલય-પ્રદર્શન ગોઠવ્યું છે.)
460 માણસોની વસતિવાળા દાંડી ગામમાં આજે 10થી 12 હજાર માણસો હાજર હતાં ! ધોળી ટોપીઓનો જાણે મહાસાગર ઊમટ્યો હતો. ગામની નિશાળ પાસે આવેલા વડલા નીચે સાંજે સાડા છ વાગ્યે વિરાટ સભા મળી. ગાંધીજીએ છેલ્લું ભાષણ કર્યું :
દાંડી બંદર આવવા હું જ્યારે સાથીઓને લઈ સાબરમતીથી નીકળ્યો ત્યારે હું અને મારા સાથીઓ અહીં પહોંચી શકીશું એવી મારા મનમાં ખાતરી તો નહોતી. એક એકને પકડી લેવાની શક્તિ સરકારના હાથમાં છે. એમ છતાં આ શાંતિસેનાને પકડતાં તેને શરમ લાગી. જે કૃત્યને પડોશીઓ નિંદે, તે નિંદવા લાયક કામ કરતાં પણ માણસ શરમાય તો તે સભ્ય માણસ છે. સરકારે આ ટુકડી વિશે જે ધીરજ અને શાંતિ રાખ્યાં તે વિશે તે ધન્યવાદને પાત્ર ગણાશે.
સૈનિક-યાત્રીઓ પૈકીના એક લેખક હરિદાસ મજમુદારે ન્યૂ યૉર્ક વસતા એક મિત્ર માટે સંદેશો આપવા ગાંધીજીને ખૂબ આગ્રહ કર્યો. પરિણામે હવે તો ખૂબ જગપ્રસિદ્ધ બનેલો સંદેશો ગાંધીજીએ લખી આપ્યો :
I want world sympathy in this battle of right against might : સત્તાબળ સામે સચ્ચાઈ માટેની આ લડતમાં હું આખી દુનિયાની સહાનુભૂતિ માગું છું.
દેશ અને દુનિયાની નજર દાંડી ઉપર મંડાયેલી હતી. છઠ્ઠી એપ્રિલનું મંગલ પ્રભાત ઊગ્યું. પ્રાતઃકાળે ગાંધીજીએ એમના સાથીઓ સાથે સમુદ્રસ્નાન કર્યું અને મુકામ પર પાછા આવ્યા. ગાંધીજીના મુકામની બરાબર સામે જ 100 ડગલાં છેટે કુદરતી મીઠું પાકેલું હતું. એટલે તે સ્થળેથી જ મીઠું ઉપાડી સત્યાગ્રહ કરવાનો હતો. પરંતુ આ મીઠાવાળી જગ્યા ઉપર સરકારે માણસો લાવીને મીઠું બધું કાદવમાં ભેળવી દીધું હતું. સદ્નસીબે એક સ્થાનિક કાર્યકરે— છીબુભાઈ કેશવજી પટેલે —એક ખાડામાં રહેલા મીઠા ઉપર પાંદડાં નાંખી ઢાંકી રાખ્યું હતું તે તેમણે બતાવ્યું અને ગાંધીજીએ વાંકા વળી ચપટી મીઠું ઉપાડ્યું. આસપાસ ઊભેલા સેંકડો લોકોએ ગગનભેદી હર્ષનાદ કર્યો : “નમક કા કાનૂન તોડ દિયા!”
દાંડી ગામની આસપાસ થોડે દૂર કુદરતી મીઠું ઠેરઠેર પડેલું હતું એટલે બાકીના સત્યાગ્રહીઓએ તે લૂંટીને કાનૂનભંગ શરૂ કર્યો. મીઠાના સફળ સત્યાગ્રહના સમાચાર દેશભરમાં વાયુવેગે ફરી વળ્યા. ગુજરાત અને દેશના ખૂણે ખૂણે નમક સત્યાગ્રહ આંદોલન સક્રિય બની ગયું.
°°°
સરકારે ગાંધીજીને ગિરફતાર કરવાની પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રાખી હતી.
ચોથી મેની રાત્રિએ કરાડીમાં ગાંધીજી અને સાથીદારો નિરાંતે ઊંઘ લઈ રહ્યા હતા ત્યાં સુધી ધરપકડનો સહેજ પણ અણસાર કોઈને આવવા ન દીધો. મધરાત પછી ચોરપગલે ગાંધીજીને પકડવા માટે પોલીસનું ધાડું કરાડીની ઝૂંપડી પાસે પહોંચ્યું. આ ધરપકડનો આંખે દેખ્યો હેવાલ કૃષ્ણલાલ શ્રીધરાણીએ આપ્યો છે :
અત્યારે દોઢ વાગ્યો છે. મધરાત છે, પણ જાણે ધોળો દિવસ ઊગી નીકળ્યો હોય તેવો ભાસ થાય છે ! પોણાબે વાગ્યે બે મોટી મોટરબસ આવીને બારણે ઊભી રહી. ક્ષણવારમાં તો એક પછી એક 25-30 સિપાઈઓ કૂદી પડ્યા. સુરતના પેલા ગોરા ન્યાયમૂર્તિ સૌથી આગળ દોડ્યા. પાછળ પોલીસ ઉપરી અને આંટિયા અને તેમની પાછળ પોલીસ બંદૂકના કુંદા ઝાલી દોડ્યા. એકે બાપુ ઉપર ટૉર્ચ ફેંકી.
ખુલ્લા આકાશની નીચે સૂતેલા બાપુ જાગી ગયા હતા.
“I arrest you (હું તમને ગિરફતાર કરું છું).” ગોરો બોલ્યો. બાપુ હસ્યા.
“તમારું નામ મોહનદાસ કરમચંદ ગાંધી ?”
“હા.” બાપુએ જવાબ આપ્યો. “જો તમારે કશો વાંધો ન હોય તો હું દાતણ કરી લઉં ?”
“ખુશીથી.” જવાબ મળ્યો.
બાપુએ દાતણ મંગાવ્યું. જાણે કંઈ જ ન બન્યું હોય, જાણે હંમેશની માફક ચાર વાગ્યાની પ્રાતઃ ઉપાસના માટે તૈયાર થતા હોય તેમ સ્વસ્થતાથી દાતણ કરવા લાગ્યા.
“કાંતિ,” બાપુ બોલ્યા, “મારાં કપડાં તૈયાર કર.”
બાપુ તો સ્વસ્થતાથી દાતણ કરતા જાય અને કહેતા જાય :
“વાલજી, યંગ ઇંડિયા’ માટે અધૂરું લખેલું પડ્યું છે. સંભાળી લેજો ને મોકલી દેજો.”
ત્યાં તો પત્રોની ફાઈલ લઈને આનંદ આવી પહોંચ્યો. બાપુ એકેક પત્ર લેતા જાય અને સમજ પાડતા જાય.
“વખત છે ને ?” બાપુએ પૂછ્યું.
“ના જી.” આંટિયાએ જવાબ આપ્યો. “આપને એક વાગ્યા પહેલાં પકડી લેવાના છે.”
“ત્યારે પાંચ મિનિટ વધારે. એક ભજન ગાઈ લઈએ.”
સૌ એકધ્યાન થયા. પંડિતજીએ શરૂ કર્યું : “વૈષ્ણવજન તો તેને કહીએ”. વચમાં આદર્શ વૈષ્ણવ જન નીચે વદને અંતર્મુખ ઊભા હતા અને આસપાસ સત્યાગ્રહીઓ ગાતા હતા, ‘‘તેનું દરશન કરતાં કુળ એકોતેર” તારતા હતા.
ગામલોક આવી પહોંચ્યું. ગામની સ્ત્રીઓ ગાવા લાગી : “દાતણ કરતા જાવ રે, ગાંધીજી !”
ભજન પૂરું થયું અને એક પછી એક સૌ એ પતિતપાવનના પગમાં પડ્યા લાગ્યા. બાપુ હસતા જાય અને થાબડતા જાય.
“ચાલો હવે ઉતાવળ કરો. મને જવા દો.” બાપુએ છેલ્લા નમસ્કાર કર્યા. ધીમે ધીમે સૌ ખસ્યાં. આંટિયાએ હાથ આપ્યો. જાણે ઊલટ આવી હોય એમ બાપુજી ખટારામાં ચડી બેઠા અને એક પછી એક અમલદારો અને સિપાઈઓ ખડકાયા. બહાર પણ કેટલાક ટિંગાયા. અને ખરર મોટરો ઊપડી ગઈ. સ્ત્રીઓ ગાવા લાગી:
બાપુને શરણે આવજો રે અવસર છે છેલ્લો,
ગાંધીને ચરણે આવજો રે અવસર છે છેલ્લો.
કરાડીથી ગાંધીજીને લૉરીમાં નવસારી તરફ લાવવામાં આવ્યા, પણ નવસારી સ્ટેશને ન ઉતારતાં રેલવે ફાટક ઉપર ઉતાર્યા. અર્ધી રાતે જતા ફ્રન્ટિયર મેઇલને ખાસ એ ફાટક ઉપર ઊભો રાખવામાં આવ્યો અને તેમાં તેમને બેસાડવામાં આવ્યા. તેમને બોરીવલી સ્ટેશન આગળ ઉતારી લઈને પડદાવાળી કારમાં પૂના લઈ જવામાં આવ્યા.
[‘દાંડીકૂચ’ 1-2-3-4-5]
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર