“હાલો વાળુ કરી લ્યો, ચાર-પાંચ દીથી તમે ધરાઈને ધાન નથી ખાધું, ખાવું તો પડશે ને?” ભૂરો હજી પણ ગમાણને તાકીને બેઠો હતો. ફરી રૂખીએ અવાજ કર્યો, “કવ છું હાભળો છો, હાલો વાળુ કરી લઈએ.”
ભૂરો ગમગીન ચેહરે ઊભો થયો, ભાણે બેઠો, “રૂખી, ખાવાનું મન નથી થતું.”
“ખાવું તો પડશે ને? ક્યાં સુધી આમ છોરું વગર ઝૂરશો?” ભૂરાએ ભાણામાં જોયું, બાજરાનો રોટલો, બે મરચાં, લસણની ચટણી અને છાશ હતી. ભૂરાને આ પણ શાહી ભોજન લાગતું હતું.
“રૂખી, ભૂખ નથી.” ભૂરો અન્ન દેવતાને પગે લાગી પાણીનો ઘૂંટડો પી ઊભો થઈ ગયો. રૂખીએ આ જોયું રૂખીની આંખમાંથી પણ દડદડ આંસુ વહી રહ્યાં હતાં.
ભૂરા પાસે પશુધનમાં બે બળદ, એક ગાય માતા અને એક ભેંસ હતી. નાની એવી ખેતીવાડી હતી. સામાન્ય સંજોગોમાં રૂખી, ભૂરાનું અને પશુધનનો ગુજારો થઈ જતો હતો, પણ આગલા બે વરસ મોળાં ગયાં અને આ વર્ષે તો દુકાળ ડોકા દેવા લાગ્યો હતો. ઘાસચારો, પશુ આહારની અછત ઊભી થઈ ગઈ હતી અને મોંઘાં દાટ થઈ ગયાં હતાં. ભૂરાએ બચત હતી એ વાપરીને છોરું જેવા પશુધનનો ગુજારો કર્યો પણ મોંઘવારીનાં મારે તેને ડુકાવી દીધો હતો. આર્થિક પરિસ્થિતિ કાબૂ બહારની થઈ ગઈ હતી. ગામ લોકો સાથે તેણે પણ કાળજું કઠણ કરી પોતાના છોરું જેવાં પશુધનને પાંજરા પોળમાં મુકવાનું નક્કી કરી, નજીકની પાંજરા પોળમાં પાંચ દી પહેલાં મૂકી આવ્યો હતો, પણ મનમાં કોચવાતો હતો કે મેં ખોટું કર્યું છે. છોરું જેવાં પશુધનને પાંજરાપોળમાં મૂકી આવ્યો. એટલે મોં માં અન્નનો દાણો નાખવાનું મન નહોતું થતું.
ભૂરો, રોજ રૂખીને પૂછતો, “હે, રૂખી, ત્યાં આપણા છોરુને ગમતું તો હશે ને? પાંજરા પોળવાળા સાચવતા તો હશે ને? રોજ મનગમતું નિરણ તો આપતા હશે ને? સારી રીતે ધમારતા તો હશે ને?” રૂખી પાસે આશ્વાસન આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. રૂખીએ એટલા દિવસ તો આશ્વાસન આપી આપીને કાઢ્યાં હતાં.
“કવ, છું, હાભળો છો.”
“હા, બોલ.”
“મારી પાસે થોડા દાગીના છે, તે શાહુકાર કાકા પાસે ગીરો મૂકી, આપણા છોરુને લઈ આવીએ. એ પૈસાથી તેંનું ભરણ પોષણ કરીએ.” ભૂરાએ રૂખી સામે જોયું, આમ તો રોજ રૂખીને જોતો હતો પણ આજની રૂખી કંઈક અલગથી લાગી, ભૂરાએ સ્નેહભરી નજરે જોયું, રૂખી આજ તેને અન્નપૂર્ણાનો અવતાર, માતૃસ્નેહથી ભરપૂર રૂખી લાગી.
“સારું તું કહે તેમ આપણી પાસે બીજો ઉપાય પણ શું છે?”
ભૂરો, શાહુકાર કાકા પાસે ગયો. “આવ ભૂરા શું કામ છે?”
“કાકા, આ દાગીના ઉપર મળે એટલે પૈસા જોઈએ છે.”
“ભૂરા, તારે વળી આટલા બધા પૈસાની શું જરૂર પડી?” ભૂરાએ શાહુકાકાને વિગતથી વાત કરી.
શાહુકાર કાકા અનિમિશ નજરે ભૂરાને જોઈ રહ્યા, “ભૂરા એક વાત પૂછું?”
“હા કાકા, પૈસા આપવાની ના સિવાય જે પૂછવું હોય તે પૂછો” “ભૂરા, આપણા ગામમાં જે વ્યક્તિઓ પોતાના પશુધનનો નિર્વાહ કરી શકે એવી વ્યક્તિઓ પણ સરકારી ખર્ચનાં પાંજરાપોળમાં પોતાનું પશુધન મૂકી આવ્યા, અને તું ઘરવાળીના દાગીના ઉપર પૈસા લઈ પશુધન પાછું લઈ આવવાની વાત કરે છે?”
“કાકા, બીજાની મને કાંઈ ખબર ન પડે. મને અને રૂખીને તો અમારા છોરું વગર ગમતું નથી, એટલે આ તોડ કાઢ્યો છે.”
“ભૂરા, કેટલા પૈસા જોઈએ છે?”
“જેટલા આપો એટલા, મારે તો મારા છોરુને જીવાડવા છે.”
“લે, આ પચાસ હજાર આપું છું.” ભૂરો થોડો નારાજ થયો. “ભૂરા, અત્યારે આટલા આપું છું, પછી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મારી પાસેથી તું લઈ જજે.”
“ભલે કાકા, પણ તમારું વ્યાજ બહુ ઊંચું છે હું એટલું નહીં આપી શકું, મારી પાસેથી ઓછું લેશો ને?”
“ભૂરા તારે વ્યાજ જ આપવાનું નથી. તારા દાગીના મારી પાસે ગીરો નહીં પણ તારી અમાનત તરીકે રહેશે.”
ભૂરાને પહેલાં તો વિશ્વાસ ન બેઠો, જે શાહુકાર કાકા એક ફદિયું પણ જતું ન કરે તે મને વગર વ્યાજે પૈસા આપે છે. ભૂરાની દ્વિધા કાકા સમજી ગયા, ઊભા થઈ પૈસા આપ્યા અને કહ્યું, “તું મનમાં કઈ શંકા ન રાખતો. મારી વાત સો ટકાની છે કે તારે વ્યાજ આપવાનું નથી.”
ભૂરો બોલ્યો, “કાકા એક સવાલ પૂછું?”
“હા, પૂછ, મને તારા સવાલની ખબર છે.”
“શાહુકાર કાકા, તમારું વ્યાજ બહુ ઊંચું, નિયત સમયે પૈસા વસૂલી લો, તમારી કડક અને પઠાણી ઉઘરાણી હોય, તમે તસુ ભાર પણ જતું ન કરો. એટલે મને તમારી આ વ્યાજ નહીં વસૂલવાની વાત ન સમજાણી.”
“ભૂરા, તારામાં અને રૂખીમાં મને આજે સાક્ષાત પ્રભુના દર્શન થયા. ગામનાં પહોંચતા પામતા લોકોને તેનું પશુધન પાંજરાપોળમાં મુકતા જરા પણ ખચકાટ ન થયો. તને તો સંજોગોએ મજબૂર કર્યો હતો અને તારી ઘરવાળીએ જીવન મૂડી દાવ ઉપર લગાવી દીધી. જે માણસ પોતાના પશુને, પશુ નહીં પણ છોરું, સંતાન માનતો હોય એ કોઈ સંજોગોમાં મારા પૈસા ઓળવી ન જાય. મારી પાસે પશુધન નથી, પણ પ્રભુએ તારા દ્વારા પશુ દેવોની સેવા કરવાની તક આપી છે, તો હું કેમ તે જવા દઉં.”
ભૂરાએ શાહુકાર કાકાને પ્રણામ કર્યા, “ભૂરા, તારે મને નહીં પણ મારે તારો અને રૂખીનો સન્માન સાથે આભાર માનવો જોઈએ. આ કળિયુગમાં પણ માનવ દેવતા તારા જેવા માણસમાં વસે છે.”
તે દિવસે ભૂરાના ઘરે, તેત્રીસ શાક અને બત્રીસ ભોજન બન્યા. શાહી ભોજનમાં ખાલી ભાણામાં એક વધારામાં શાક બન્યું હતું. પણ ભૂરા અને રૂખી માટે તે દીનું છોરું સાથેનું શાહી ભોજન હતું. ભૂરો, રૂખી અને સાથે ભૂરાનું વહાલું પશુધન સાથે વાળુ કરવાં બેઠું.
ભૂરાએ રૂખીને કહ્યું, “જો રૂખી, આપણી બળદની જોડ, ગાય માતા અને ભેંસ આપણી સામે જોઈને એમ કહે છે કે જેમ તારી અને રૂખીની જોડી સાત જનમની છે એમ અમને પણ તમારી સાથે સાત જનમ રહેવા મળે.” ભૂરાની વાતને જાણે અનુમોદન આપતા હોય તેમ ગમાણમાં બંધાયેલ ચારેયની આંખમાંથી હર્ષનાં આસું વહી રહ્યાં હતાં.
તે દિવસે ભૂરાએ, રૂખીએ અને છોરું જેવા પશુધને પેટ ભરીને અન્ન આરોગ્યું. એમ લાગે જાણે રાત પણ આ ક્ષણ માણવા રોકાઈ ગઈ હોય તેમ મંથર ગતિથી વહી રહી હતી.
ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com