દિવાળી નજીક આવતા જ માનસિક રીતે સતાવાયેલા એક ભક્તભાઈ 'સંસ્કૃતિ બચાવો'ની બૂમો પાડતા મારી નજીક પહોચ્યા.
"હિન્દુ તહેવારોમાં જ કેમ બધાને પ્રદૂષણ દેખાય છે ? શું આપણે પોતાના જ દેશમાં પોતાના જ તહેવારો નહીં ઉજવવાના ?"
મેં કહ્યું – એલા, ભાઈ, તને કોણે ના પાડી ? ફોડને ફટાકડા. પૈસા ન હોય તો હું મદદ કરું.
"અરે પૈસા ન હોય તો ભલે ઘર વેચવું પડે, મા ભારતીની સેવામાં એ પણ ઓછું છે. જો ફટાકડા અંગે હવે જાગૃતિ નહિ આવે, તો વિદેશી તાકાતના આક્રમણ માટે તૈયાર રહેવું પડશે."
મેં કહ્યું – ના, ભાઈ, એવું કાંઈ નથી, તને કોણ રોકે છે, શું કામ વિચલિત થાય છે, ચાલ હું આવું તારી સાથે, ભેગા મળીને સંસ્કૃતિનો ડંકો વગાડીએ.
"વાત ફટાકડાની નથી, વાત પૈસાની પણ નથી. વાત સંસ્કૃતિની છે, સનાતન પરંપરાની છે. આપણાં ધર્મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જો દિવાળીમાં ફટાકડા બરાબર નહિ ફૂટે, તો એ દિવસ દૂર નથી જ્યારે વિધર્મીઓની ગોળીથી ફૂટીને આપણે રાખ થઈ જશું. આ દેશને બચાવવો હોય તો દરેક હિન્દુએ પોતાના ફટાકડાનું બજેટ વધારવું પડશે."
મેં કહ્યું – એ બરાબર, પણ અત્યારે પેટ્રોલનું બજેટ વધારવામાં લોકો હાંફી ગયા છે.
"પેટ્રોલ એક માયા છે, એનાથી છૂટવા માટે જ આપના દેશના "પપ્પા"એ ભાવ-વધારની ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. હાલનો રાષ્ટ્રીય મુદ્દો ફટાકડા છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ ફટાકડાનો ઉલ્લેખ છે, એ જો પ્રદૂષણ ફેલાવતા હોત તો શા માટે પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ મળે ?"
બિચારો, ભગત માણસ, માટે એટલો ભોળો કે લોજીકલ વાત હંમેશાં એને ઉપરથી જાય. એટલે કહેવું પડ્યું કે ભાઈ, કોઈ ત્રણેક ચોપડી ભણેલો હોય એને પણ એટલી તો ભાન પડે કે ફાટકડાથી ખૂબ પ્રદૂષણ થાય.
"એ વાત તદ્દન મિથ્યા છે, લોકોને ભ્રમિત કરી અધર્મના માર્ગે ચડાવવાનો કારસો છે. સંસ્કૃતિ બચાવવી હોય તો મગજની શુદ્ધિ જરૂરી છે, બાહ્ય-વાયુ-શુદ્ધિની કલ્પના એ મોહ માત્ર છે, દેશે તેનાથી મુક્ત થવું પડશે. વરસ આખું જો દરરોજ ફટાકડા ફોડવા પડે તો એ પણ કરવાનું, અરે આખી દુનિયા સળગાવવી પડે તો એમાં પણ પીછેહઠ નહીં કરવાની. હવે લિબરલ અને વામિયાની જમાતને દેખાડી દેવાનો સમય પાકી ગયો છે કે આપણે હવે જાગી ચુક્યા છીએ, એમનો ખેલ હવે ખતમ."
આ જ્ઞાન-બોધથી મારી જેવીતેવી બંધ, છઠ્ઠી ઇન્દ્રી પણ ખૂલી ગઈ – આપણા દેશના 'પપ્પા' ગ્લાસગોમાં જઈ ભલે ભાષણ આપે, દુનિયાના મોટા-મોટા લીડરોને ભેટી-ભેટીને પ્રદૂષણ ઘટાડવાના નુસખા સમજાવે. પણ આપણે તો આ માર્ગ પર અડગ રહી ધ્યેય પ્રાપ્તિને નિશ્ચિત બનાવવાની છે. ફટાકડા કોઈ મોજમાજની ચીજ નથી રહી, તે આપણી ધરોહરની પીડાનો ચિત્કાર બની ચૂકી છે.
અમારો વાર્તાલાપ, છેવટે, ફટાકડાની એક દુકાને પહોંચતા અટક્યો. અમે રોફથી ચાંદલિયાની એક ડબ્બીનો ઓર્ડર આપ્યો. દુકાનદારે સ્મિત વેરતા કહ્યું – લો સાહેબ, અને પૈસાની ચિંતા ન કરતા, તમે પેલા સંસ્કૃતિવાળાને ! જાવ મોજ કરો.
સૌજન્ય : લેખકની ફેઇસબૂક દિવાલ પરેથી સાદર