આઠમી ઓગસ્ટથી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ થઈ. આમ તો અવિશ્વાસ પ્રસ્તાવ સંસદમાં 27 વખત આવી ચૂક્યા છે ને એમાં સરકારો વધુ મજબૂત થઈને બહાર આવી છે. મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ બીજી વખત આવ્યો છે. પહેલી વખત તેલુગુ દેશમ પાર્ટી દ્વારા 20 જુલાઇ, 2018માં આવ્યો હતો, પણ ત્યારે વિપક્ષને ઓછા વોટ મળતાં સરકારને વાંધો આવ્યો ન હતો ને આ વખતે 26 જુલાઈ, 2023ને રોજ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ અપાઈ છે, પણ સરકારને વાંધો આવે એમ નથી. આ પ્રસ્તાવથી પણ મોદી સરકાર તો મજબૂત જ થશે, કારણ ભા.જ.પ.ને બહુમત પુરવાર કરવા જોઈએ તેથી વધુ મત સાથીઓ સાથે (333 સભ્યો) તેની પાસે છે ને એની સામે વિપક્ષ પાસે અડધાથી ય ઓછા (143) સભ્યો જ છે, એટલે મોદી સરકારને ઊની આંચ આવે એમ નથી. મૂળ વાત એવી છે કે વડા પ્રધાન મણિપુર મામલે મગનું નામ મરી પાડતાં ન હતા ને એમનું એ મુદ્દે મૌન તૂટે એટલે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. વડા પ્રધાને ચોમાસુ સત્રના પહેલા દિવસે સંસદની બહાર મણિપુર મુદ્દે અફસોસ વ્યક્ત કર્યો હતો, એ સિવાય એમનું મૌન તૂટ્યું ન હતું. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા ચાલી. વિપક્ષના ગૌરવ ગોગોઈ, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી જેવા નેતાઓએ ચર્ચા કરી ને એના બચાવમાં કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની, અમિત શાહ, નિર્મલા સીતારામન્ જેવાંઓએ પોતાનાં મંતવ્યો પણ સ્પીકર સમક્ષ મૂક્યાં.
ગૌરવ ગોગોઇએ ચર્ચાનો પ્રારંભ કરતાં જણાવ્યું કે આ પ્રસ્તાવ મણિપુર મુદ્દે વડા પ્રધાનનું મૌન તૂટે તે માટે લાવવામાં આવ્યો છે. વડા પ્રધાન માટે તેમણે ત્રણ પ્રશ્નો મૂક્યા. 1. તેમણે મણિપુરની મુલાકાત કેમ નથી લીધી? 2. મણિપુર વિષે બોલતાં તેમને 80 દિવસ કેમ લાગ્યા ને બોલ્યા તે પણ 30 સેકન્ડ ! 3. મણિપુરના મુખ્ય મંત્રીને બરખાસ્ત કેમ નથી કરાયા? ભા.જ.પ. વતી નિશિકાંત દુબેએ તેમને જવાબ આપતાં રાહુલ ગાંધીની ગેરહાજરી અંગે નિશાન તાકીને પરિવારવાદનો દાખલો આપતા કહ્યું કે શ્રીમતી સોનિયા ગાંધીનો એક જ એજન્ડા છે ને તે દીકરાને સેટ કરવો અને જમાઈને ભેટ આપવી. તક મળતાં કિરણ રિજિજુએ પણ સંભળાવ્યું કે વિપક્ષ કામ ભારત વિરોધી કરશે, પણ ગઠબંધનને નામ ‘ઇન્ડિયા’ આપશે. એન.સી.પી.ના સુપ્રિયા સૂલેએ સરકારનાં ઘમંડનો નિર્દેશ કરીને જણાવ્યું કે નવ વર્ષમાં ભા.જ.પે. રાજ્ય સરકારો તોડવાનું જ કામ કર્યું છે.
બીજે દિવસે રાહુલ ગાંધીએ આક્રમક સ્વરે આરોપ મૂકતાં કહ્યું કે ભા.જ.પે. મણિપુરમાં આગ લગાવી ને ભારત માતાની હત્યા કરી છે. વડા પ્રધાન એટલે મણિપુર જતા નથી, કારણ મણિપુર તેમને માટે ભારત નથી. સેના એક દિવસમાં ત્યાં શાંતિ લાવી શકે એમ છે, તો શા માટે સેના મોકલાતી નથી? એનો ઉગ્ર પ્રતિવાદ કરતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભારત માતાની હત્યા જેવા શબ્દોનો વિરોધ કર્યો ને જણાવ્યું કે મણિપુર ભારતનું અભિન્ન અંગ છે જ ! એ સાથે જ તેમણે રાહુલ ગાંધીએ મહિલા સાંસદોને ફ્લાઇંગ કિસ આપી હોવાનું કહીને, અભદ્ર વર્તન ગૃહમાં કરવા અંગે, પગલાં લેવાની વાત કરી, મૂળ વાતને વળાંક આપ્યો. અભિનેત્રી હેમા માલિનીએ રાહુલનાં અભદ્ર વર્તનના વિરોધમાં સહી કરી ને એમ પણ કબૂલ્યું કે રાહુલને ફ્લાઇંગ કિસ આપતાં તેમણે જોયાં નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મણિપુર મુદ્દે કેટલાક ખુલાસાઓ આપતા કહ્યું કે મણિપુરમાં જે થયું તે શરમજનક છે, પણ તેનાં પર રાજનીતિ કરવી તે તેનાથી વધારે શરમજનક છે. તેમણે એમ પણ કહ્યું કે નરસિંહ રાવ પી.એ.મ હતા ત્યારે મણિપુરમાં 700 લોકો માર્યા ગયેલા, પણ એ મણિપુર ગયા ન હતા. એ જ રીતે 2004માં મનમોહન સિંહની સરકાર હતી. ત્યારે પણ 1,700થી વધુ લોકોનાં એન્કાઉન્ટર થયેલાં, પણ પી.એમ. મણિપુર ગયા ન હતા. રહી વાત મણિપુરના મુખ્ય મંત્રી બિરેન સિંહને હટાવવાની, તો એ મુદ્દે અમિત શાહે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મુખ્ય મંત્રી સહયોગ ન આપતા હોય તો તેને હટાવાય, અહીં તો ખુદ વડા પ્રધાન બિરેન સિંહના સંપર્કમાં હોય તો કયા આધારે તેમને હટાવવા? વીડિયોમાં નગ્ન પરેડને મુદ્દે શાહે સ્પષ્ટ કર્યું કે નવેનવ આરોપીઓને પકડી લેવાયા છે ને મણિપુરમાં હિંસા ઘટી રહી છે, તો વિપક્ષોએ ફરી આગ ભડકાવવી ન જોઈએ.
ગઈ કાલે નાણાં મંત્રી નિર્મલા સીતારામને ભારતની આર્થિક પ્રગતિની વિકાસ ગાથા આલેખી, તો વડા પ્રધાને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા બદલ વિપક્ષોનો એમ કહીને આભાર માન્યો કે કોઈને કોઈ માધ્યમથી ભગવાન ઈચ્છાપૂર્તિ કરતો હોય છે. તેણે વિપક્ષને સૂઝાડ્યું ને તે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યા. વડા પ્રધાને બંને ગૃહમાં ડેન્ટલ કમિશન બિલ, ડિજિટલ પ્રોટેક્શન બિલ, આદિવાસીઓનાં બિલ જેવાં ઘણાં બિલ પસાર થયાં તેની નોંધ લીધી. 1999માં વાજપેયી સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો તેને યાદ કરીને વિપક્ષને સંભળાવ્યું કે જેનાં વહીખાતાં બગડેલાં છે તે અમારો હિસાબ માંગે છે ! અધીર રંજનને સાઇડમાં કરી દેવાયા છે તેની નોંધ લઈને તેમના પ્રત્યે સંવેદના પણ પ્રગટ કરી. બધે સાનુકૂળ વાતાવરણ છે ત્યારે વિપક્ષ જનતાના આત્મવિશ્વાસને તોડવાની કોશિશ કરી રહ્યો છે તેની ટીકા કરતાં વડા પ્રધાને સ્પષ્ટ કર્યું કે આ લોકો જેનું ખરાબ ઇચ્છશે તેનું ભલું જ થશે. દેશનો વિશ્વાસ છે કે 2028માં તમે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવશો તો દેશ પહેલા ત્રણમાં હશે. વિપક્ષની ભરપૂર ટીકા કરતાં જઈને વડા પ્રધાને સરકારે કરેલાં કામો ગણાવ્યાં ને એ સંભળાવ્યું કે આ ઇન્ડિયા ગઠબંધન નથી, ઘમંડિયા ગઠબંધન છે. આની જાનમાં દરેકને વરરાજા બનવું છે. બધાંને પ્રધાન મંત્રી બનવું છે.
એક વાત સ્પષ્ટ છે કે વડા પ્રધાન સંસદમાં આવ્યા ન હોત તો પણ, સરકારને કોઈ જોખમ ન હતું. એની ખાતરી તો વિપક્ષને પણ હતી જ, તો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો હેતુ પાર પડ્યો ખરો એ વિપક્ષે પોતાને પૂછવા જેવું છે. મૂળ વાત વડા પ્રધાનનું મણિપુર મુદ્દે સંસદમાં મૌન તોડાવવાની હતી. વડા પ્રધાન સંસદમાં આવ્યા તો ખરા ને બોલ્યા પણ ખરા. એ જે બોલ્યા તે વિપક્ષે બોલાવવું હતું કે એ જે બોલે તે સાંભળી લેવું હતું તે વિપક્ષે નક્કી કરવાનું રહે. સાચી વાત તો એ છે કે મણિપુર મુદ્દે વિપક્ષે અને અમિત શાહે વાત કરી તે સિવાય આખી ચર્ચા, વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા ને એક બીજાને ટપી જવા મથતા સ્પર્ધકો જેવી વિશેષ રહી. સામાવાળાને દાવા-દલીલ વડે પછાડી દેવાનું ઝનૂન એમાં વિશેષ હતું. ગૃહ અખાડાની ગરજ સારતું હોય તેમ દરેક વિજયી થવા મથતું હતું ને એને માટે અપ્રસ્તુત બધું જ ક્ષમ્ય હતું. આગ મણિપુરની હતી ને અહીં ચર્ચા સબકા સાથ, સબકા વિકાસની, આર્થિક પ્રગતિની, વિપક્ષની મુર્ખાઈઓની થતી હતી. આ બધા પછી પણ વડા પ્રધાને મણિપુર મુદ્દે મૌન કેમ સેવ્યું એ પ્રશ્ન તો અનુત્તર જ રહ્યો છે.
એ પણ નથી સમજાતું કે આટલું બધુ મૌન કેળવવાની વડા પ્રધાનને ફરજ કેમ પડી? બધે જ જવાનું સહજ છે તો મણિપુર વડા પ્રધાન માટે આટલું અસહજ કેમ છે? એમ લાગે છે કે વડા પ્રધાનને છે એટલી પરેજી, ગૃહ મંત્રી અમિત શાહને નથી. એ તો ત્યાં જઇ પણ આવ્યા છે. એમણે જોયું પણ છે બધું. એ પછી પણ એમને એમ લાગે છે કે વડા પ્રધાને મણિપુર ન જવું જોઈએ?
વિપક્ષે 6.40 વાગે વોકઆઉટ કર્યો, પછી વડા પ્રધાન મણિપુર વિષે, બાર વર્ષે બોલતાં હોય તેમ બોલ્યા કે મણિપુરમાં શાંતિનો સૂરજ ઊગશે. મણિપુર ફરી વિકાસને માર્ગે આગળ વધે એમાં કોઈ કસર નહીં રહે. એનો આનંદ છે કે વડા પ્રધાન મણિપુર અંગે બોલ્યા. આવું એ પહેલાં પણ બોલી શક્યા હોત, પણ સુપ્રીમકોર્ટે દખલ કરવી પડે એ હદે વડા પ્રધાન શાંત રહ્યા. આ શાંતિ સહજ નથી. વડા પ્રધાને, અમિત શાહના મણિપુર અંગેના વક્તવ્ય અંગે, વિપક્ષે ચર્ચા કરવાની જરૂર હતી તેવું કહ્યું, પણ તેને તો રાજનીતિમાં જ રસ હતો એવો આરોપ પણ મૂક્યો. તે રસ વડા પ્રધાનને ન હતો એટલે છેક વિપક્ષના વોક આઉટ પછી મણિપુર અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી?
કાઁગ્રેસે ઉત્તર-પૂર્વમાં અશાંતિ ફેલાવવામાં કૈં બાકી નથી રાખ્યું. 1996માં મિઝોરમમાં કાઁગ્રેસે નિસહાય નાગરિકો પર વાયુસેનાથી હુમલો કરાવેલો તે યાદ કર્યું. તે સાથે અકાલ તખ્ત પર પણ હુમલો કરાવ્યો તે પણ ગણાવ્યું ને 1962માં ચીનનો હુમલો થયો ત્યારે રેડિયો પ્રસારણમાં વડા પ્રધાન નહેરુએ કહેલું કે માય હાર્ટ ગોઝ આઉટ ઓફ પિપલ ઓફ આસામ ને એ રીતે કાઁગ્રેસે ઉત્તર-પૂર્વમાં અશાંતિ ફેલાવી. આ મામલે વડા પ્રધાન સાથે સંમત થવાનો વાંધો જ નથી, પણ તેનાથી તેમની મણિપુર અંગેની લાંબી ચૂપકીદીનો જવાબ નથી મળતો. કાઁગ્રેસે ઉત્તર-પૂર્વમાં વર્ષો પૂર્વે અશાંતિ ફેલાવેલી એટલે એ અત્યારે ચૂપ રહ્યા એમ માનવાનું છે?
વડા પ્રધાનના મણિપુર ન જવાને મુદ્દે અમિત શાહે બે વડા પ્રધાન નરસિંહ રાવ અને મનમોહન સિંહના દાખલા પણ આપ્યા છે. એ પણ અનેક મૃત્યુ મણિપુરમાં નોંધાયા હોવા છતાં મણિપુર ગયા ન હતા. ટૂંકમાં, કાઁગ્રેસી વડા પ્રધાનોના મણિપુર ન જવાનો સિલસિલો મોદી સાહેબે પણ જાળવ્યો છે એમ માનવાનું રહે. ભા.જ.પ.માં મંત્રીઓની એક ફેશન એ ચાલી આવે છે કે આવું તો યુ.પી.એ. સરકારમાં પણ બનેલું. પણ, એ બચાવ બરાબર નથી. એ સરકારોએ ઊંધું માર્યું એટલે તો એ ગઈ ને ભા.જ.પ.ની સરકાર આવી. એ પણ જો યુ.પી.એ.ની સ્પર્ધામાં જ રહેવાની હોય તો જે એનું થયું તે આનું થાય એવું ખરું કે કેમ? એ થવા દેવાનું છે? ને સો વાતની એક વાત કે યુ.પી.એ.ના વડા પ્રધાનો મણિપુર ન ગયા તો એવો નિયમ છે કે મોદી સાહેબે પણ ન જવું? સવાલોનો સવાલ તો એ છે કે મણિપુરે વડા પ્રધાનનું એવું તે શું બગાડ્યું છે કે તેને વિષેનું મૌન વ્રત તૂટતાં મહિનાઓ લાગ્યા? કમ સે કમ લોકલાજે પણ એકાદ આંટો મણિપુરનો મારવાનું વડા પ્રધાનને મન થાય એમ ઈચ્છીએ. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ઑગસ્ટ 2023