“ઉમા, આ તારા નામનું સર્વકલા સંસ્થાનું આમંત્રણ કાર્ડ છે. તારે ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપવાની છે. હું, અહીંયા ટેબલ પર કાર્ડ મૂકું છું. તું જોઈ લેજે.”
“હા, તમારું નામ પણ કાર્ડમાં છે. મારે એકલાએ નથી જવાનું. તમારે પણ મારી સાથે આવવાનું છે.”
“હું ત્યાં આવીને શું કરીશ? મને આ કલા-બલામાં કંઈ ખબર ન પડે. એ તારું કામ છે. તું, જ જઈ આવજે. આમેય મારે ઘણું કામ છે.”
“પણ ટ્રસ્ટીઓનો ખૂબ આગ્રહ છે. તમારે જરૂર આવવાનું છે. આવજોને, તમને મજા આવશે.”
“સારું, જેવી તારી ઈચ્છા.”
“સર્વ આમંત્રિત મહેમાનો અને ઉમાબહેન મહેતાને આજના આપણા આ પચીસમાં સ્થાપના દિવસના સમારંભમાં આવકારતા હું હર્ષની લાગણી અનુભવું છું. ખાસ તો ઉમાબહેનનો આભાર માનવાનો કે તેઓ આપણી સંસ્થાને ખૂબ સારી માનદ્દ સેવા આપે છે તેમ જ આજના સમારંભમાં ચીફગેસ્ટ તરીકે હાજરી આપવાની આપણી વિનંતિ સ્વીકારી. આપણી સંસ્થામાં, ચિત્ર, ગીત-સંગીત, નૃત્ય વગેરે માટે કલાસીસ ચાલે છે. તેમાં ઉમાબહેન બાળકોને ચિત્ર અને ગીત-સંગીત માટે માર્ગદર્શન આપે છે. ઉમાબહેન વિષે વિશેષ કંઈ નહીં કહેતા, હું ઉમાબહેનને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક પ્રવચન આપે.”
ઉમાબહેને કહ્યું, “મને અને મારા પતિ જયેશ મહેતાને ચીફગેસ્ટ તરીકે આમંત્રણ આપવા માટે, હું, ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત સદસ્યો અને બાળકોની ખૂબ ખૂબ આભારી છું, આ ઉપરાંત સંસ્થાને માનદ્દ સેવા આપવા માટે અને મારી શોખની પ્રવૃત્તિ કરવા માટે મારા પતિ જયેશ મહેતાનો મને ઘણો જ સહકાર મળ્યો છે. તેઓ બિઝનેસમેન છે. બિઝનેસના કામ અંગે સતત કાર્યશીલ રહેવું પડે છે પણ મને ક્યારે ય મારી મનગમતી પ્રવૃત્તિ કરવા માટે રોકી નથી. હંમેશાં પ્રોત્સાહન આપ્યું છે.” જયેશભાઈએ ઉમાબહેન સામે જોયું. ઉમાબહેને આંખથી જયેશભાઈને હકારમાં સંમતિ આપી કે હું કહું છું એ બરાબર છે.
“હું તો આ ક્ષેત્રમાં બહુ નાની વ્યક્તિ છું. મેં જે નાનપણમાં મારા દાદા અને મમ્મી પાસેથી મેળવ્યું છે એ જ્ઞાન મેં બાળકોમાં વહેચ્યું છે. મારા દાદા સંગીત શિક્ષક હતા. હું એમની પાસેથી સંગીત શીખી. મને ગીત ગાવાનો, સંગીતનો શોખ નાનપણથી હતો. ચિત્રકળા હું મારી મમ્મી પાસેથી શીખી હતી. મારી મમ્મી સારી આર્ટિસ્ટ છે. મેં ઘણા ચિત્રો બનાવ્યાં છે જે મારી મમ્મીએ હજી પોતાની પાસે સાચવીને રાખ્યાં છે. આ બંને મારા શોખ મેં બાળકોને શિખવાડીને પૂરા કર્યા. મેં વિશેષ કંઈ નથી કર્યું. બસ, મેં જોયેલું મારું સ્વપ્ન, બાળકો દ્વારા પૂરું કરવાનો પ્રયત્ન કર્યો છે. મને સર્વકલા સંસ્થાના ટ્રસ્ટી મુકુંદભાઈએ વાત કરી અને મેં એ વાતને સહર્ષ સ્વીકારી લીધી. મુકુંદભાઈ મારા પપ્પાના મિત્રના મિત્ર છે. એમને મારી કલા વિષેની ખબર પડી અને મને તક આપી. બાકી વિશેષમાં હું કંઈ મહાન આર્ટિસ્ટ નથી. મારી કલાને સ્વીકારી, પ્રોત્સાહિત કરી મને આજના સમારંભમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપી મારું જે બહુમાન કર્યું તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું અને સદા ઋણી રહીશ.”
“જયેશભાઈ, તમે આજના પ્રાસંગિક સમારંભ માટે બે શબ્દો કહો.” જયેશભાઈ ઉમાબહેન સામે સ્નેહભરી નજર નાખી ઊભા થયા. આજે ઉમાબહેન તેમને કંઈક અલગ લાગતાં હતાં.
“આજે હું આ સર્વકલા સંસ્થાના સર્વ ટ્રસ્ટીશ્રીનો આભારી છું. મારી પત્ની ઉમામાં આટલી બધી કલાઓ છુપાયેલી છે, એ મને જ ખબર નહોતી. મેં જાણવાનો પણ ક્યારે ય પ્રયત્ન કર્યો નહોતો. સાચા અર્થમાં કહું તો આજે જ મને ઉમાની સાચી ઓળખ થઈ છે. ઉમાએ તેની એકલીની જ પ્રતિષ્ઠા નથી વધારી, સાથેસાથે મારી પ્રતિષ્ઠાને પણ વધારી છે અને હું દિલથી તેનો આભાર માનું છું. હું બિઝનેસમાં જ ખૂબ ગળાડૂબ રહ્યો. અને ઉમાની સાચી કલાને માણવાથી વંચિત રહ્યો. આજે મને એ અમૂલ્ય ભેટ આપના માધ્યમથી ઉમાનાં સ્વરૂપમાં મળી ગઈ છે. આપનો હું સદા ઋણી રહીશ. પહેલાં હું, અહીંયા આવવા માટે તૈયાર નહોતો, પણ ઉમાના આગ્રહથી આવ્યો. હવે મને લાગે છે કે જો ઉમા મને અહીંયા આગ્રહ કરીને ન લઈ આવી હોય તો, તો હુ ઉમાની સાચી ઓળખ ક્યારે ય ન મેળવી શકત. આપ સૌનો ખૂબ ખૂબ અભાર.
ઉમાબહેનની આંખમાં અશ્રુ બિન્દુઓ હતાં. ઉમાબહેન અને જયેશભાઈની આંખો મળી. જયેશભાઈની આંખમાં પણ મધૂરું સ્મિત હતું. જાણે કહેતી હોય “ઉમા, મેં બિઝનેસમાં ગળાડૂબ રહીને ખૂબ ગુમાવ્યું, હવે તને પૂરતું વળતર આપીશ.”
સહુ શ્રોતાજનો એ આ દૃશ્યને તાળીઓના ગગડાટથી વધાવી લીધું. હોલ ક્યાં ય સુધી તાળીઓના ગગડાટથી ગુંજતો રહ્યો.
e.mail : nkt7848@gmail.com