‘બળવંત નાયક : પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન’, સંપાદક : વલ્લભ નાંઢા, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ, પાનાં 384, રૂ.500
ડાયસ્પોરાના એટલે કે દરિયાપારના ગુજરાતી સાહિત્યકારોમાં ‘બિલનાઈટ’ તરીકે ઓળખાતા બળવંતભાઈ નાયક (1920-2012) નામાંકિત પત્રકાર, નવલકથાકાર અને ગદ્યલેખક હતા.
વાપીમાં જન્મેલા બળવંતભાઈએ મુંબઈમાં વિલ્સન કૉલેજમાં ભણીને પત્રકારત્વ કર્યું. યુગાન્ડામાં વસવાટ દરમિયાન ઇદી અમીને કરાવેલી સામૂહિક હદપારી તેમને સપરિવાર લંડન લઈ ગઈ.
ત્યાં તેમણે ચાર સદી વસવાટ કર્યો, અને ભાષા-સાહિત્યના અધ્યાપન તેમ જ લેખનની પ્રવૃત્તિઓ કરી. પ્રસ્તુત પુસ્તકના છ્યાંશી વર્ષના સંપાદક પણ દેશાવરના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર છે.
નેવું લખાણોને આઠ વિભાગમાં રજૂ કરતો આ સંચય બળવંત નાયકના વિષય અને રુચિવૈવિધ્યનો બરાબર નિર્દેશ કરે છે. સ્વિટ્ઝર્લૅન્ડ પરના ચાર લેખોનો પ્રવાસ-વિભાગ સહુથી વાચનીય છે.
વિદેશી ભૂમિ પર આકાર લેતી વાર્તાઓમાં પાંચ મૌલિક અને બે રૂપાંતરિત છે. ‘સર્જક અને સર્જન’ વિભાગના વીસ લેખોમાંથી પાંચ લેખો ગુજરાતી સાહિત્ય પરના અને અન્ય વિશ્વસાહિત્યના છે. તેમાં ઉત્તમ કૃતિ કે લેખકના જીવનસર્જન કેન્દ્રમાં હોય છે.
ભારતમાં સામાજિક ક્રાન્તિ, માવતરનો મહિમા, સુખ ફરજાપરસ્તી, બ્રિટનના યુવાવર્ગની દિશાશૂન્યતા જેવા વિષયો પરના નિબંધોનો એક વિભાગ બને છે. રાજકારણ પરના કેટલાક લેખો લેખકના સમયના ઇંગ્લેન્ડના અને કેટલાક વૈશ્વિક બનાવો પરના છે.
પત્રકારત્વ અને પ્રાસંગિક વિભાગોમાં અનેક વિષયો પરના તેમ જ માનવરસની ઘટનાઓ પર આધારિત ચોટદાર અખબારી લેખો છે. સંચયના ઘણાં લખાણો લંડનના સુપ્રસિદ્ધ ગુજરાતી વિચારપત્ર ‘ઓપિનિયન’માંથી લેવામાં આવ્યા છે.
લેખકનો અભિનંદન ગ્રંથ અને યુગાન્ડાની વિભિષિકા વર્ણવતી તેમની નવલકથા ‘-ને ધરતીને ખોળે નરક વેરાયું’ તેમ જ કેટલાંક સામયિકો પણ ચયનના સ્રોત છે.
આ સંચય ભાતીગળ દુનિયાની તાજગીભરી ઝલક આપે છે. લેખકનું પ્રગલ્ભ વાચન તેમના વિષયોના વ્યાપ અને સંદર્ભપ્રચૂરતામાં દેખાય છે. જો કે વીસેક વર્ષ પહેલાંના બ્રિટનના રાજકારણ પરના લેખોનો વિકલ્પ શોધી શકાયો હોત.
ગાંધીવિચાર પરના માત્ર બે જ સાધારણ લેખોનો અલગ વિભાગ પ્રતિમાવ્યાપ્તિ માટે હોય એવી છાપ ઉપસે છે. રજૂઆત, માહિતી અને અલગ દૃષ્ટિકોણના ચમકારા અનેક મળે છે, પણ સમગ્ર રીતે એકંદરે સંતોષકારક બની શકે તેવા વધુ લેખોની અપેક્ષા રહે છે.
ચિત્રોનાં બહોળાં વૈવિધ્ય ઉપરાંત નિર્માણની એક સરસ બાબત એ છે કે ડાબી બાજુના દરેક પાનાંનાં footer તરીકે લેખક જે ત્રણ દેશોમાં વસ્યા તેના નકશાની બાહ્યરેખાઓનાં શક્ય એટલાં ઝીણાં thumbnails મૂકવામાં આવ્યાં છે.
* * * * *
‘કચ્છ પત્રકારિત્વની તવારીખ 1865-1997’, લેખન–સંપાદન : પ્રવીણચન્દ્ર શાહ, પ્રકાશક : દલપત દાણીધારિયા ddhanidharia@gmail.com, પાનાં 112, રૂ. 365
કચ્છના અખબારી ઇતિહાસની ‘પહેલી સદીના સંઘર્ષનું વિહંગાવલોકન’ કરતાં આ પુસ્તકમાં અનેક રસપ્રદ વિગતો મળે છે. તેના કેટલાક દાખલા :
– બહુશ્રુત કચ્છી વેપારી દેવજી ભીમજી કેરળના સહુથી પહેલાં મુદ્રક પ્રકાશક હતા. તેમણે 1865માં કેરળના કોચીમાં શિલાછાપનું છાપખાનું સ્થાપ્યું, જેમાંથી તેમણે મલયાળમ, અંગ્રેજી અને મરાઠીમાં એક-એક સામયિક શરૂ કર્યું.
– કચ્છનું સહુથી પહેલું બિનસરકારી અખબાર ‘કચ્છી’ 1887માં દયારામ દેપાડાએ મુંબઈથી શરૂ કર્યું. ત્યાર બાદ તેમણે ‘કચ્છી ઢોલ’, ‘કચ્છી કાકો’, ‘કચ્છી ભીમ’ અને અંગ્રેજી-ગુજરાતીમાં ‘કચ્છ સમાચાર’ સામયિકો શરૂ કર્યા.
– મુંબઈ-સ્થિત કચ્છી ઉદ્યોગપતિ સોભાણી બંધુઓએ અંગ્રેજ સરકારનો વિરોધ કરનારા અંગ્રેજી દૈનિક ‘બૉમ્બે ક્રૉનિકલ’માં જંગી મૂડીરોકાણ કરીને શાસકોની ખફગી વહોરીને આર્થિક દુર્દશા વેઠી હતી.
– ‘કચ્છ-કેન્દ્રિત વર્તમાનપત્રો, સામયિકોની યાદી’ લેખકે કોષ્ટક સ્વરૂપે આપી છે. તેમાં કચ્છ રાજ્યે 1873માં શરૂ કરેલાં સામયિકથી લઈને 1987માં શરૂ થયેલાં 131 અખબારોની આ મુજબની માહિતી મળે છે : નામ અને સામયિકતા, પ્રકાશન વર્ષ અને સ્થળ ,તંત્રી / સંપાદક અને પ્રકાશક અને નોંધ. તેમાં ‘નોંધ’ના ખાનાની કેટલીક વિગત બહુ રોચક છે.
પત્રકારો પરના ચરિત્રલેખોમાં દયારામ દેપાડા, ફૂલશંકર પટ્ટણી, શ્યામજી કૃષ્ણ વર્મા, દેવજી ભીમજી ખેતશી, હાજી મહમંદ શિવજી અને પ્રાણલાલ શાહનો સમાવેશ થાય છે.
માહિતીપ્રદ લેખ ‘અંગ્રેજીભાષી વર્તમાનપત્રો : કચ્છી પત્રકારો’ ઉપરાંત અન્ય ત્રણ લેખો પણ મળે છે. પ્રવીણચન્દ્રનો સહુથી વિગતસભર દીર્ઘ લેખ ‘કચ્છ પત્રકરત્વની આધારશિલાઓ’ પુસ્તકમાં છેલ્લે છે. ત્યાર બાદ છ પાનાં શ્વેતશ્યામ તસવીરોના છે.
લેખક-સંપાદક પ્રવીણચંદ્ર શાહ (1933-2023) નવી મુંબઈ નજીક પનવેલમાં વસેલા બિઝિનેસમન, કન્સલ્ટન્ટ અને કૉલમિસ્ટ હતા. તેઓ કચ્છના મિત્રોને મળીને આનંદ કરતા રહેતા.
કચ્છના પત્રકારત્વ પર કેવળ રસરુચિ અને અભ્યાસ માટે એકઠી કરેલી વિપુલ સામગ્રીમાંથી આ પુસ્તક તેમણે લખ્યું અને તેમના ચાહકોએ તેનું મરણોત્તર પ્રકાશન કર્યું.
અલબત્ત, પુસ્તક તેની અનેક પ્રકારની મર્યાદાઓને કારણે પહેલાં મુસદ્દા જેવું જણાય છે. જાણકાર સંપાદક અને ઉત્તમ પ્રકાશક તેનું નવસંસ્કરણ પ્રસિદ્ધ કરે તો તે કર્મશીલ લીલાધર ગડાએ આવકારમાં કહ્યું છે એવો ‘અણમોલ ખજાનો’ સાચા અર્થમાં બની શકશે.
લીલાધરભાઈએ એમ પણ લખ્યું છે : ‘કચ્છ પત્રકારત્વની સીલસીલાબંધ તવારીખનું આલેખન, તેના સંઘર્ષનું અવલોકન અને તટસ્થ આલેખન પ્રવીણ અગાઉ કોઈએ કર્યું નથી, અને પ્રવીણ પછી કોઈ કરશે નહીં.’
————————————————–
પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર 9898762263
3 સપ્ટેમ્બર 2024
પ્રગટ : ‘પુસ્તક ર્નિદેશ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 સપ્ટેમ્બર 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર