ઉપરથી સરળ જળ ખળખળ અવતરતું
બાલસહજ મલકમલક ઉછલતું
ના ઠરે, આથડે, પથ ઘડે ને દડે
નવ-ધવલ વસન સહ રમત કરતું
(ધવલ – સફેદ, વસન – વસ્ત્ર))
ઉપરથી સરળ જળ ખળખળ અવતરતું
બાલસહજ મલકમલક ઉછલતું.
લટકમટક નપુર-સુરવ-ધર ત્વરિત ચલત
(નપુર – નૂપુર)
તટ પર ચલિત તરુવર-નટ નરતે
પવનકર નિરમલ જલ-ગવન પલ પકડે
(પરવનકર – પવનનો હાથ, ગવન – વસ્ત્ર)
પલિક છોડે પલ પલ પરિવરતે
(પલિક – ક્ષણિક)
ચુંબનો વિહગગણ તીર-કેશ કરતા
(વિહગગણ – પક્ષીઓ, તીર – કિનારો)
લઈ જલદ-મદદ રવિ અજબ વરતે.
(જલદ-મદદ – વાદળની મદદ, રવિ – સૂર્ય)
ભલે
હશે
આમ પણ લટકમટક માફક આવે છે કોને?
માફક આવે જેને એની પરવા છે કોને?
ન માફક આવે જેને
એને માફક આવે છે નિયમ
કોંક્રિટનો તોતિંગ નિયમ
નિયમમાંથી નીકળે નાના નિયમ
નિયમ એટલે શણગાર
શણગાર એટલે રૂમઝૂમ
રૂમઝૂમ ગામ પડખેથી જાય શહેર પડખેથી જાય
જાય જાય છેક ખેતર પડખેથી જાય
ખેતર તોય ઉદાસ
રૂમઝૂમને તો ખેતર વહાલું
ખેતરમાંનું નાનું તેતર વહાલું
ગામ વહાલું ગામેતર વહાલું
પણ વહાલ આડે દલાલ ઊભો
જગા નથી તોય ધરાર ઊભો
વાહ રે વાહ, વાહ રે વાહ!
સદીઓથી જેને ‘માતા’ કહી
દલાલે એને ગણિકા કરી
દંભદેશે ગણિકાને શાનાં માન
દલાલની આંગળી માય ને બાપ
આંગળીમાં ડોલતું ખિસ્સાનું જોર
જોરને પોષે ગોચર-ચોર
જોરને પોષે ગોચર-ચોર, ગોચર-ચોર
રૂમઝૂમને રૂમઝૂમ થવું ગમે
આંગળી તો શું ન આંગળીનું ટેરવું ગમે
રૂમઝૂમ કલકલ વિચાર કરે છે
આંગળી રાખી અંધારે અંધારામાં દરાર કરે છેઃ
“ખેતર કરશે ગામ કરશે
રૂમઝૂમ માટે કમાલ કરશે
આજ ભલે ચૂપચાપ છે
એક સવાર એવી આવશે
ભેગા મળી સૌ ધમાલ કરશે”
રૂમઝૂમ કલકલ વિચાર કરે છે
આંગળી રાખી અંધારે અંધારામાં દરાર કરે છે.
e.mail : umlomjs@gmail.com