વાંગચુક સાથે પોલીસશાહી
લડાખી ન્યાયયાત્રીઓને રાજઘાટ પહોંચતાં રોકતી અને એમની સાથે વાતચીત નહીં કરતી કેન્દ્ર સરકારને ખબર જ નથી કે તે કેવી મોટી ઇતિહાસઘટનામાં નામકર જઈ રહી છે
ગાંધી જયંતીના રસમી ઉજવણાંની નવાઈ અલબત્ત ન જ હોય. એમાં પણ બાવાહિંદી ન્યાયે, રાજકારણીમાત્રે જે તે તારીખે ક્રિયાકાંડનો રાબેતો મનાવવો જ રહે. પણ ઓણ બીજી ઓક્ટોબરે પાટનગરી દિલ્હીએ ખરેખરની ગાંધીજયંતી ઉજવાતી જોઈ, અને તે રાજઘાટ અગર કોઈ ગાંધીસંસ્થામાં નહીં પણ પોલીસ થાણામાં. કોને આપીશું એનો યશ, સંવેદનશૂન્ય કેન્દ્ર સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર શાહીને – કે પછી સોનમ વાંગચુક અને લડાખી સાથીઓને ?
પહેલી સપ્ટેમ્બરે સોનમ ને સાથીઓ લડાખથી પગપાળા ચાલી નીકળ્યા હતા. પદયાત્રીઓ લડાખની પૂરા કદની રાજવટના લોકશાહ હક સારુ દિલ્હી દરબારે ધા નાખવા નીકળ્યા હતા. દેશમાં આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમના આદિવાસી વિસ્તારો વાસ્તે સ્વાયત્ત જિલ્લા તંત્રની બંધારણ દીધી સોઈ છે. છઠ્ઠા શિડ્યુલની આ જોગવાઈનો એક પૂરા કદના લદ્દાખી રાજ્ય હેઠળ લાભ મળે એવી સરળ લોકશાહી માગણી સોનમ વાંગચુક અને સાથીઓની હતી અને છે. હજુ માર્ચ મહિનામાં જ વાંગચુકે એકવીસ દિવસના ઉપવાસ મારફતે દિલ્હી દરબારનું ને ભારતવ્યાપી લોકમતનું ધ્યાન આ મુદ્દે ખેંચવાની કોશિશ પણ કરી હતી.
બધિર દિલ્હી દરબારને કદાચ એ ખયાલ જ નથી કે તે આ પ્રશ્નમાં કેવી મોટી ઇતિહાસઘટના સાથે કામ પાડી રહેલ છે. સરખામણીમાત્રની પોતાની મર્યાદા હોય છે, તેમ સમજવાની રીતે દાખલો આપવો જ હોય તો સોનમ વાંગચુકના નેતૃત્વ હેઠળની લોકહિલચાલમાં એ વિત્ત ને કૌવત છે જે ચારેક દાયકા પર આપણે જર્મનીની ગ્રીન મુવમેન્ટમાં જોયું હતું.
‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મ આવી અને એમાં લોકવિજ્ઞાની વાંગડુનું પાત્ર જે રીતે ઊચકાયું તે પછી, આ પાત્ર માટેની પ્રેરણા સોનમ વાંગચુકના વાસ્તવિક જીવન પરથી મળેલી છે એ માહિતી અલબત્ત આપણા વીરનાયકને હયાતીમાં દંતકથાનો દરજ્જો આપવા સારુ પૂરતી છે, પણ એમને ન્યાય આપવા સારુ તે વાસ્તવમાં બેહદ અપૂરતી છે. વાંગડુ એક નિશ્છલ સરલ લોકાયની વૈજ્ઞાનિક જરૂર હશે, જેમ વાંગચુક પણ છે. પણ ફિલ્મી વાંગડુ અને ઇલમી વાંગચુક વચ્ચે એક પાયાનો ફરક સમજી રાખવા જેવો છે. વાંગડુના પાત્રાંકનમાં લોકને યોજતું ને સંયોજતું એ નેતૃત્વ નથી જે વાસ્તવિક વાંગચુકમાં છે.
વાંગચુકે પર્યાવરણી લોકમિત્ર તરીકે કામ તો જાણે કે સોજ્જાં કીધાં. આઈસ સ્તૂપની સંરચના વાટે એણે એ શક્યતા ઊભી કરી કે શિયાળામાં બરફાતું પાણી સચવાઈ કૃત્રિમ ગ્લેશિયરની ગરજ સારે અને એપ્રિલ-મે માં (હજુ જ્યારે ગ્લેશિયર પિગળવાની શરૂઆત ન થઈ હોય ત્યારે) ખેતી સારુ પાણીપુરવઠો પૂરો પડે, છાત્રો સારુ સૌરશક્તિ સંચાલિત શૈક્ષણિક નિવાસ ને પરિસર ઊભાં કરી વાંગચુકે ભરશિયાળે સુવાણ જ સુવાણની સ્થિતિ સરજી છે અને આવાં કામોમાં તેમ જ અન્યથા લોકોને જોતરતે જોતરતે એમણે જુદી જ હવા બનાવી છે. ચીનના સરહદી દબાણ સામે એમણે લોકોની ચીની બનાવટનો સરંજામ નહીં ખરીદવાના અહિંસક પ્રતિકારનીયે હવા અરજી જાણી છે.
સરકારે વાંગચુક અને સહયાત્રીઓને પહેલાં તો દિલ્હીની સિંધુ સરહદે રોક્યાઃ કિસાન આંદોલનના ભરતીગાળામાં આ સિંધુસરહદ પ્રવેશબંધીને કારણે ભારતપ્રતિષ્ઠ બની હતી. પછી પોલીસ થાણાંમાં બંધ કર્યા. ચોવીસ કલાક વીતી ગયા છતાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ ન કર્યા એ અલબત્ત નિયમભંગ હતો. નામ કે વાસ્તે છોડી દઈ (પેલા નિયમભંગને નકો નકો કરી મેલી) પાછા પકડ્યા! દિલ્હીનાં મુખ્ય મંત્રી આતીશી એમને સૌને મળવા થાણે પહોંચ્યાં તો એમને મળવા ન દીધાં, કેમ કે કદાચ લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાની રજા નહોતી. દિલ્હીની આપ સરકારને એક સાથી યુનિયન ટેરિટરીને ધોરણે લડાખના સાથીઓ બાબતે વિશેષ જવાબદારી લાગતી હોય તો તે પણ સમજી શકાય છે.
આ ટિપ્પણી પ્રેસમાં જઈ રહી છે ત્યારે ખબર આવે છે કે પોલીસે વાંગચુક અને યાત્રીઓને રાજઘાટ લઇ જઈ છોડી મુક્યા છે. કાશ,સરકારને આ વહેલું સૂઝ્યું હોત! ખરી ગાંધી જયંતી તો થાણામાં ઉજવાઈ ગઈ તે ઉજવાઈ ગઈ.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 04 ઑક્ટોબર 2024