‘… આમ ચાર્લીને ચૉકલેટ ફેક્ટરી મળી, પણ વિલી વૉન્કાને ચૉકલેટ ફેક્ટરી કરતાં વધુ કીમતી ચીજ મળી – કુટુંબ. તેને સમજાયું કે જિંદગી આટલી મીઠી ક્યારે ય ન હતી.’ આ શબ્દો સાથે ‘ચાર્લી એન્ડ ધ ચૉકલેટ ફેક્ટરી’ ફિલ્મ પૂરી થાય છે. સાચું જ છે – મીઠાશ ચૉકલેટમાં નથી, મીઠાશ એ લોકોમાં છે જેમની સાથે તમને એ વહેંચવાનું ગમે છે
લગભગ પાંચસો વર્ષ પહેલાંની 7મી જુલાઈએ એક મીઠ્ઠી ઘટના બની હતી – તે દિવસે યુરોપમાં ચૉકલેટ ‘ઈન્ટ્રોડયુસ’ થઈ હતી. જો કે નેશનલ અને ઇન્ટરનેશનલ ચૉકલેટ ડે અનુક્રમે 28 ઑક્ટોબરે અને 13 સપ્ટેમ્બરે આવે છે અને વેલેન્ટાઇન વીક દરમ્યાન 9 ફેબ્રુઆરીએ પણ ચૉકલેટ ડે આવે છે. મીઠા દિવસો વારંવાર ઉજવવા કોને ન ગમે?
ચૉકલેટનો ઇતિહાસ આમ તો 4,000 વર્ષ જૂનો છે. અમેરિકામાં થતા કોકો વૃક્ષનાં બીજમાંથી ચૉકલેટ બનતી. અમેરિકા અને મેક્સિકોમાં એનો વપરાશ સૌ પહેલો શરૂ થયો હતો. 1528માં સ્પેનના રાજાએ મેક્સિકો જીત્યું અને કોકોનાં બીજ સ્પેન લઇ ગયો. ઝડપથી ત્યાં પણ ચૉકલેટ પ્રચલિત થઈ ગઈ. શરૂઆતમાં ચૉકલેટ કડવી બનતી. પછીથી તેમાં મધ, વેનીલા વગેરે ઉમેરાયાં. થોડાં વર્ષો પછી એક ડૉક્ટરે આજની કેડબરી ચૉકલેટ બનાવી. ભારતમાં ચૉકલેટનું આગમન 1798માં થયું, ત્યારે ‘ચૉકલેટ’ અને ‘કેડબરી’ એકબીજાના પર્યાય હતા. ચૉકલેટ ભાવે એ તો ખરું, પણ ડાર્ક ચૉકલેટમાં વજન ઉતારવું, ગેસની તકલીફ દૂર કરવી, ત્વચા અને સ્વાસ્થ્ય સુધારવાં, યાદશક્તિ વધારવી જેવા ગુણો સાથે આનંદ અને રોમાન્સનું ‘ફિલ’ આપવાની ક્ષમતા પણ છે.
પણ આપણે તો વાત કરવી છે ‘ચાર્લી એન્ડ ધ ચૉકલેટ ફેક્ટરી’ નામની વોર્નર બ્રધર્સની એક સુંદર પારિવારિક ફિલ્મની. ટાઈટલ્સ સાથે વિશ્વવિખ્યાત વિલી વૉન્કાની ચૉકલેટ ફેક્ટરીમાં બનતા મોટાં ચૉકલેટ બાર બતાવાય છે, તેમાંના પાંચ બારમાં એક-એક સોનેરી ટિકિટ મુકાય છે, અને ‘આ વાર્તા છે ચાર્લી નામના આઠ વર્ષના સામાન્ય બાળકની. ચાર્લી ખૂબ ઝડપી કે શક્તિશાળી કે પ્રતિભાશાળી બાળક હતો? ના. તેનું કુટુંબ અત્યંત પ્રતિષ્ઠિત કે સમૃદ્ધ હતું? ના. સાચું પૂછો તો તેઓ માંડ માંડ ખાવાનું પામતા હતા, છતાં ચાર્લી વિશ્વનો સૌથી ભાગ્યશાળી બાળક હતો – માત્ર તેને તે ખબર ન હતી.’
આ શબ્દોથી ફિલ્મ શરૂ થાય છે. જૂનાપુરાણા નાનકડા ઘરમા ચાર્લીનો પરિવાર રહે છે. ટૂથપેસ્ટ બનાવતી એક કંપનીમાં ટ્યુબ પર ઢાંકણું બેસાડતું મશીન ચલાવવાનું કામ કરી આછુંપાતળું કમાતો પિતા અને તેના પર નભતાં પત્ની, પુત્ર ચાર્લી અને ચાર વૃદ્ધો. સોનેરી ટિકિટ મેળવનાર પાંચ બાળકોને ચૉકલેટ ફેક્ટરીમાં આમંત્રિત કરાશે અને તેમાંના એકને સરપ્રાઈઝ ગિફ્ટ મળશે તેવા ખબર સાંભળીને ચાર્લીને એ જોવાનું મન થાય છે; પણ પરિવારની સ્થિતિ એવી હતી કે ચાર્લીને વર્ષમાં એક જ વાર, તેના જન્મદિવસે ચૉકલેટની ભેટ મળતી. ચાર્લીના દાદા તેને એક બાર એડવાન્સમાં ખરીદી આપે છે, પણ તેમાંથી ટિકિટ નીકળતી નથી. દરમ્યાન રશિયાના એક બાળકને ચોથી ટિકિટ મળે છે. ઉદાસ ચાર્લી રસ્તામાંથી મળેલા પૈસામાંથી ચૉકલેટ બાર ખરીદે છે, ખોલે છે અને આહા, તેમાંથી સોનેરી ટિકિટ નીકળે છે.
ચાર્લી ખૂબ ખુશ થાય છે, પણ જ્યારે તેને ખબર પડે છે કે આ ટિકિટ વેચાય તો ઘણા પૈસા મળે ત્યારે તે કહે છે કે ટિકિટ વેચી નાખીએ, કુટુંબને મદદ મળશે – ત્યારે દાદા કહે છે કે પૈસા તો રોજ ઢગલાબંધ છપાય છે, પણ આવી ટિકિટ જિંદગીમાં એકાદવાર જ મળે, માટે ચાર્લીએ ચૉકલેટ ફેક્ટરી જોવા જ જવું જોઈએ.
ઠરાવેલા દિવસે ચૉકલેટ ફેકટરીના વિરાટ દ્વાર પાસે પાંચ વિજેતા બાળકો અને તેમના એક-એક વડીલ હાજર છે. તોતિંગ દરવાજા ઊઘડતાં જ જાણે એક નવી દુનિયા ખૂલે છે, જેમાં પ્રવાહી ચૉકલેટના મોટા ધોધ અને નદીઓ છે, વામનજીઓ કોકોની ખેતીથી માંડી ચૉકલેટ બનાવવાની જટિલ પ્રક્રિયાઓ સંભાળે છે. જરા વિચિત્ર, એકલો, કુટુંબના નામથી ભડકતો ફેક્ટરીનો માલિક વિલી વૉન્કા જાતે બધું બતાવતો જાય છે. ફરતાં ફરતાં ખાઉધરો ઑગસ્ટસ ચૉકલેટની નદીમાં તણાઇ જાય છે, અભિમાની વાયોલેટ પ્રતિબંધિત ચૉકલેટ ખાઈ મોટી સાઇઝની બ્લૂ બેરીમાં ફેરવાઇ જાય છે, બદદિમાગ વેરુસા તાલીમ પામેલી ખિસકોલીઓને પકડવા જતાં ફેંકાઇ જાય છે અને આક્રમક માઇક દુ:સાહસ કરવા જતાં નાના કદનો થઈ જાય છે. છેવટે એક ચાર્લી જ બચે છે. સરપ્રાઈઝ ગિફ્ટ રૂપે વિલી વૉન્કા તેને પોતાનો વારસદાર જાહેર કરે છે અને તેને કુટુંબને છોડીને ફેક્ટરીમાં રહેવા આવવા કહે છે.
‘પણ મારા કુટુંબ સાથે તમને શો વાંધો છે?’ ચાર્લી પૂછે છે.
‘મને કુટુંબ સામે જ વાંધો છે. હંમેશા ટકટક – આ કરો, તે ન કરો – માણસની સર્જનાત્મક શક્તિ રૂંધાઈ જ જાય!’
‘ઓહો, વિલી વૉન્કા! તેઓ આપણને સલામત રાખવા માટે આવું કહે છે.’
‘ગમે તેમ, આવડું મોટું કુટુંબ માથા પર ટીંગાતું હોય ત્યારે કોઈ ચૉકલેટ ફેક્ટરી ચલાવી ન શકે. તું નક્કી કરી લે, કુટુંબ જોઈએ કે ચૉકલેટ ફેક્ટરી?’
એક ક્ષણ પણ રોકાયા વિના ચાર્લી કહે છે, ‘કુટુંબ’
અને વિલી વૉન્કાને પોતાના ડેન્ટિસ્ટ પિતા યાદ આવે છે. વિલી ચૉકલેટ ન ખાય તે માટે પિતા તેનું મોં ધાતુના તારથી બંધ કરી દેતા. એક દિવસ ચાર્લી ગુપચૂપ ચૉકલેટ ખાધી અને નક્કી કર્યું કે પોતે ચૉકલેટ ફેક્ટરી શરૂ કરશે. ઘરમાંથી ભાગી જઈને વિલીએ પોતાનું સપનું પૂરું તો કર્યું, પણ પિતાને ધિક્કારતો રહ્યો. ચાર્લીના કુટુંબને જોઈ વિલી પોતાના પિતાને મળવા જાય છે. છેલ્લા દૃશ્યમાં કાચની લિફ્ટમાંથી ઊતરી વિલી ચાર્લીના ઘરમાં જાય છે અને બધા સાથે બેસી તેમનું સાદું ભોજન જમે છે.
‘આમ ચાર્લીને ચૉકલેટ ફેક્ટરી મળી, પણ વિલી વૉન્કાને ચૉકલેટ ફેક્ટરી કરતાં વધુ કીમતી ચીજ મળી – કુટુંબ. તેને સમજાયું કે જિંદગી આટલી મીઠી ક્યારે ય ન હતી.’ આ શબ્દો સાથે ફિલ્મ પૂરી થાય છે.

રોઆલ્ડ ડાલ
મૂળ તો આ 1964માં લખાયેલી એક બાલ-કથા. તેના બ્રિટિશ લેખકનું નામ રોઆલ્ડ ડાલ. પુસ્તકનું અને તેના પરથી 1971માં અને 2005માં બનેલી ફિલ્મનું નામ એક છે, પણ પુસ્તક અને ફિલ્મમાં ઘણો ફરક છે. 2005ની ફિલ્મ વોર્નર બ્રધર્સે બનાવી હતી. આલ્બર્ટ, હેરિ, જેક અને સેમ આ ચાર વોર્નર ભાઈઓની બનેલી વિખ્યાત ફિલ્મ કંપની ‘વોર્નર બ્રધર્સ’ પણ પારિવારિક એકતાનું જ ઉદાહરણ છે. 2010માં આ કંપની 100 વર્ષ પૂરાં કર્યાં. ‘ચાર્લી એન્ડ ધ ચૉકલેટ ફેક્ટરી’ બની એ જ વર્ષે વોર્નર બ્રધર્સની બાવીસ ફિલ્મો આવી હતી, તેના પરથી સો વર્ષમાં એમની કેટલી ફિલ્મો આવી હોય તેનો અંદાજ બાંધી શકો તે બાંધજો. મૂક ફિલ્મોના યુગથી કાર્યરત આ કંપનીએ ઘણી ચડઊતર જોઈ છે. મિકી માઉસ, બગ્સ બની, ટ્વીટી બર્ડ, પોર્ક પિગ જેવાં પાત્રો અને હેરિ પોટર, બેટમેન, સુપરમેન અને હોબિટ સિરીઝની ફિલ્મો વોર્નર બ્રધર્સની સરજત છે.
‘ચાર્લી એન્ડ ધ ચૉકલેટ ફેક્ટરી’ નાનામોટા સૌને ગમી જાય તેવી એડવેન્ચર ફિલ્મ હતી. વિવેચકોએ તેને વખાણી અને દર્શકોએ તેને વધાવી. પરિવારનો દરેક સભ્ય અગત્યનો છે, પછી તે કમાનર પુરુષ હોય કે જર્જરિત વૃદ્ધ – અને પરસ્પર હૂંફ માણસને કપરા સંજોગોમાં પણ કેવો કાળજીભર્યો અને ગરિમાપૂર્ણ રાખે છે એ સંદેશ ફિલ્મ જરા પણ વાચાળ કે નાટકીય થયા વિના પૂરી અસરકારકતાથી આપી શકી છે. આવા કુટુંબમાં ઉછરનાર બાળક અભાવો વચ્ચે પણ માનવીય સંવેદનાથી કેવો ભર્યો ભર્યો હોઈ શકે એ જોઈને હૃદય ભીંજાયા વગર ન રહે. માનવીય સંવેદનાની પરિપક્વ માવજત કેવી હોય એ આવી ફિલ્મોથી સમજાય. અંતમાં યાદ કરીએ ફિલ્મનો એક સંવાદ. ‘ધ સિક્રેટ ઈઝ નોટ ધ ચૉકલેટ બટ ધ પીપલ યુ શેર ઈટ વિથ’.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 જુલાઈ 2024